Chhappar Pagi - 66 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 66

છપ્પર પગી ( ભાગ - ૬૬ )
———————————

સ્વામીજી કદાચ ઉંઘી ગયા હશે તો..! પણ પ્રવિણથી રહી શકાય તેમ હતું જ નહીં એટલે બાજુની રૂમમાંથી ડો. અભિષેકભાઈને બોલાવીને એ બધા સ્વામીજીની રૂમમાં જાય છે… ડો. અભિષેકભાઈ તો આ ઘટનાથી અજાણ જ હતા એમને પણ સ્વામીજીની જોડે જ આ વાત જણાવતા પ્રવિણે કહ્યુ, ‘સ્વામીજી આ ન્યુઝ ક્લિપીંગ આપે જોઈ ?’
સ્વામીજીએ પ્રવિણના હાથમાંથી ફોન લઈ એ ક્લિપીંગ જોઈ… જેટલું આશ્ચર્ય આ લોકોને થયું એટલું આશ્ચર્ય સ્વામીજીને ન થયું પણ એ બધા જ લોકો ખરેખર ચમત્કારિક રીતે બચી ગયા હતા તેમાં કોઈ બે મત નથી કેમકે એ ખાલી પરત ફરેલ ચાર્ટર્ડ પ્લેન કોઈ ટેકનિકલ ખામીને કારણે રાજસ્થાનની ભૂમિ પર તૂટી પડ્યુ હતુ… સદ્નશીબે પાયલોટ અત્યંત ચપળ હોવાથી એણે પેરાશૂટ લઈ સાવચેતીથી પ્લેન છોડી દીધું હતુ એટલે બચી ગયો હતો પણ સામાન્ય ઈજાઓ થઈ હોવાથી હોસ્પીટલાઈઝ્ડ કરી દેવાયા અને સારવાર હેઠળ હતા… મિડીયાએ પાયલોટને પૂછ્યું જ નહીં અને ન્યુઝ એક્સાઈટમેંટ ક્રિએટ કરવા ન્યુઝ વાઈરલ કરી દીધા કે મહારાષ્ટ્રના ત્રણ અને રાજસ્થાનનાં બે બિઝનેશ ટાઈકૂન્સને લઈ પરત આવતું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયુ… પાયલોટ સલામત છે જ્યારે અન્ય પાંચ બિઝનેશમેન રહસ્યમય રીતે લાપતા છે…
થોડી વારમાં તો આ ન્યુઝ એટલાં વાયરલ થઈ ગયા કે બન્ને રાજ્યોની સરકારનાં ગૃહમંત્રીઓ સક્રિય થઈ ગયા, ત્વરિત તપાસ ચાલુ કરાવી દીધી… સૌથી પહેલા પ્રવિણ ભારતીયને ફોન કરવાનો પ્રયત્ન કર્યો અને એ સ્વીચઓફ આવતાં થોડી સનસનાટી વધી ગઈ… પણ એટલી જ વારમાં ગુપ્તા એક્સપોર્ટના સહમાલિક દિક્ષેન ગજ્જરનો ફોન રણક્યો… જેના પર સ્વામીજીએ હમણાં જ ક્લિપીંગ જોઈ હતી… રાજસ્થાન સરકારના ગૃહમંત્રીના પીએ નો કોલ આવ્યો… અમે કન્ફર્મ કર્યુ કે છેલ્લી ઘડીએ આ બિઝનેશમેન લોકોએ નિર્ણય બદલ્યો એટલે એ બધા જ દિલ્હીમાં સલામત છે… હવે થોડીવારમાં બ્રેકિંગ ન્યુઝ તરીકે આ ન્યુઝ વાઈરલ થઈ રહ્યા છે.. સ્વામીજીએ તરત કહ્યુ, ‘મે લક્ષ્મીને માત્ર એટલું જ જણાવ્યુ હતુ કે અમે વિશ્વાસરાવજીને લઈને દિલ્હી આવ્યા છીએ… તો લક્ષ્મીએ એકપણ સેકન્ડનો વિચાર કર્યા વગર તરત જ મને કહ્યુ હતુ કે પ્રવિણ દિલ્હી જ છે અને તમે તેને તરત જ ફોન કરીને તમારી પાસે બોલાવી જ લો… મેં એને કહ્યું કે હાલ કોઈ જ જરૂર નથી તેમછતાં લક્ષ્મીનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે આપ ફોન કરીને હાલ જ પ્રવિણને રોકી લો.. મેં ક્યારેય લક્ષ્મીને આ રીતે જીદ કરતી હોય એ અંદાજમાં સાંભળી જ ન હતી એટલે બહુ વિચાર કર્યા વગર જ મે લક્ષ્મીની વાત માની લીધી અને તને ફોન કર્યો અને તમે બધા જ હવે અહી સહિસલામત છો. આ બધુ જ એક કુદરતી સંકેત હોય તો જ બનતું હોય અને લક્ષ્મીને એના માટે નિમિત્ત બનાવી હોઈ શકે. સારુ હવે તમે બધા જ જ્યાં પણ ફોન કરવાના હોય ત્યા જણાવી દો અને આરામ કરો. ડોક્ટર સાહેબ વિશ્વાસરાવજીને રજા આપશે પછી જ અમે અહીંથી હરિદ્વાર નીકળીશું પણ તમે બધા આવતી કાલે નીકળી જજો.’
પ્રવિણ અને એમનાં મિત્રો પોતાનાં રૂમમાં જાય છે, પણ આ ઘટના સૌને વિચારતા કરી દે છે, ખાસ કરીને પ્રવિણના મિત્રો એવુ વિચારતા થઈ જ ગયા કે આપણે એસોસિએશન તરફથી ડોનેશન આપવાનું એક સારુ કામ કર્યુ અને કદાચ ઈશ્વરે એનો તુરંત બદલો આપી દીધો હોય તેમ પણ બને… લક્ષ્મીબેનના આ ઉમદા કાર્યમાં સંમિલિત થયા, કદાચ એમના આત્માના અવાજે આપણને સૌને સલામત રાખ્યા હોય તે પણ શક્ય છે… પણ સૌ સલામત છે એ જ સુખદ ઘટના છે અને ઈશ્વરનો પાડ માનવો જ ઘટે… આ પ્રકારે વિચારો કરતાં સૌ ઉંઘી જાય છે.
બીજા દિવસે વહેલી સવારે પ્રવિણ ચાર વાગે જાગી જઈ, સ્નાનાદિ કર્મ પતાવી વિશ્વાસરાવજીની સફળ સર્જરી માટે મંદીર જઈ પ્રાર્થના કરી આવે છે.
પાંચ વાગતા ડોક્ટર્સની ટીમ વિશ્વાસરાવજીની સર્જરી ચાલુ કરી દે છે.. સરસ રીતે હાર્ટ સર્જરી પુરી પણ થઈ જાય છે, એટલે સ્વામીજી અને ડો. અભિષેકભાઈ પ્રવિણને હવે શક્ય તેટલી વહેલી ફ્લાઈટ મળે તેમાં નીકળી જવા જણાવે છે. તે જ દિવસે સાંજે ફ્લાઈટ મળી જતાં બધા પોતાના ઘરે સુખરૂપ પહોંચી જાય છે. ઘરે પહોંચતાં જ પ્રવિણ લક્ષ્મી અને પલને ભેટી ને રડી પડે છે.
લક્ષ્મી એમને શાંત પાડી ને કહે છે, ‘મારા પહેલા તમે જાઓ એ શક્ય જ નથી બનવાનું એટલે ચિંતા ન કરશો..’
પલ લક્ષ્મીના મોઢા પર હાથ રાખીને આગળ બોલતાં અટકાવે છે અને ત્રણેવ ઘરનાં મંદીર પાસે બેસી જઈ પ્રાર્થના કરી, જમીને સુઈ જાય છે.
આ ઘટના બની એને લગભગ છ સાત મહીનાઓ થયા હશે…પલની કંપની હવે સરસ રીતે એસ્ટાબ્લિશ થઈ ગઈ છે અને હિતેનભાઈની મદદથી બહુ જ સ્મુધ રીતે બિઝનેશ કરી રહી છે. નાની ઉંમરે પલે મેળવેલ આ સિદ્ધિની નોંધ પણ બિઝનેશ જગતમા ખૂબ હકારાત્મક રીતે લેવાઈ રહી છે. પલ નો કોન્ફિડન્સ જે કંપની શરૂ કરતાં પહેલાં હતો તે બિલકુલ ઓવર કોન્ફિડન્સ ન હતો તે એણે પૂરવાર કરી બતાવ્યું.
હવે એક દિવસ રવીવારે પ્રવિણ, લક્ષ્મી, પલ, તેજલબેન અને હિતેનભાઈ શેઠ અને શેઠાણીને મળવા જાય છે. બધા નિરાંતે બેસીને વાતો કરતા હતા એ સમયે પ્રવિણ પર સરપંચનો ફોન આવે છે, ‘હલ્લો… પ્રવિણભાઈ.. જય શ્રી કૃષ્ણ… વાત થશે ?’
‘અરે હા.. કેમ નહીં સરપંચ સાહેબ..જય શ્રી .. બોલો બોલો કેમ યાદ કર્યા.’
‘ અરે ખાસ કંઈ નહીં પણ બન્ને સ્કૂલનું બધું જ કામ ઓલમોસ્ટ પતી ગયુ છે.ઓર્ડર મૂજબ બાકી બધો સામાન, ફર્નિચર, ટીચીંગ એઈડ વિગરે બધુ જ આવી ગયું છે … તમે લોકો એકવાર આવીને જોઈ જાઓ. કોઈ ચેન્જીસ હોય તો જોઈ લો પછી બધુ જ સેટ અપ કરવાનુ ચાલુ કરી દઈએ.’
પ્રવિણે કહ્યુ, ‘ચોક્કસ આવી ને જોઈ જ લઈએ પણ સીઈઓને પણ પૂછી લઈએ કે એડમીશન માટે કેવો રિસ્પોન્સ છે.’
‘રિસ્પોન્સ… અરે એ રિસ્પોન્સની તો વાત જ ન કરશો.. એડમિશન કેપેસીટી કરતાં પાંચ ગણી વધારે અરજીઓ આવી છે… ! એટલે અત્યારે તો સીઈઓ એડમીશન ટેસ્ટની તૈયારીઓ કરી છે, મેરિટ તૈયાર કરશે તો જ મેનેજ થશે.. બન્ને ગામોની આજુબાજુના ગામડાઓમાંથી પણ ખૂબ ભીડ ઉમટી પડી હતી.. હવે તો એડમિશન ફોર્મ આપવાનું પણ બંધ કર્યુ છે.’
ફોન પરની વાત સાંભળી પ્રવિણને આનંદ અને દુખની મિશ્ર લાગણી થઈ… એક તરફ આનંદ થયો કે પહેલે જ વર્ષે એડમિશન ફૂલ થઈ જશે તો બાકી પણ ઘણાં જરૂરિયાતમંદ બાળકો રહી પણ જશે..પણ હાલ તો કોઈ વિકલ્પ ન હતો..
બે દિવસ પછી વતન આવશે તેવી વાત કરીને ફોન પૂરો કર્યો. શેઠના ઘરેથી વિદાઈ લઈ તેજલબેનના ઘરે બધાં જાય છે… હિતેનભાઈની પલની કંપની માટે જવાબદારી પુરી થઈ એટલે એ લક્ષ્મી અને પ્રવિણ ને કહે છે, ‘ અમારી જવાબદારી પુરી થઈ, હવે અમે પણ સંપૂર્ણપણે રિટાયર્ડ થઈ જઈએ.. હવે મન થાય તેટલું હરીદ્વાર આશ્રમ, અન્ય આશ્રમોની મૂલાકાતો, જાત્રાઓ કરીએ અને મુક્ત મને હરીએ ફરીએ…’
લક્ષ્મીએ કહ્યુ, ‘તમે બન્ને એ મારી ગાજ-બટન કરવાના સંઘર્ષ થી પલને સેટ કરવા સુધી બધુ જ કર્યુ છે.. એ દિવસો થી આજ દિવસ સુધી અમારી આ યાત્રાનાં તમે બન્ને એ જે કર્યુ છે તેનું રૂણ ક્યાં જન્મે ચૂકવીશ એ ખબર નથી પણ ઈશ્વર પુનઃ જન્મ આપે તો તમે જ મારા મા બાપ હોવ એવુ જ ઈશ્વરને પ્રાર્થુ છું’ પ્રવિણ અને લક્ષ્મી બન્ને તેજલબેન અને હિતેનભાઈને પગે લાગી કહે છે, ‘ તમે પૂર્ણ પણે મુક્ત છો.. તમે હવે અમને આદેશ કરજો કે અમે તમારાં માટે શું કરી શકીએ.. તમે બન્ને તમારાં તમામ સ્વપ્નો પુરા કરો અને ઈશ્વરે બક્ષેલ આ જીવન આનંદથી વિતાવો…અમને પણ અનુકૂળતા હશે ત્યારે તમારી જોડે જોડાઈશું..’
આખોય પરીવાર એક સંતોષજનક રીતે એ સાંજે મળીને છૂટો પડે છે.. પલ બે ત્રણ દિવસ એમનાં ઘરે જ રોકાવા આવી જશે એમ નક્કી કરી, લક્ષ્મી, પલ અને પ્રવિણ પોતાનાં ઘરે જવા નિકળે છે..
(ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED