હાસ્ય રંગમાં રંગાઈએ
- રાકેશ ઠક્કર
ધૂળેટી એટલે હાસ્યરંગનો પણ તહેવાર છે. મોજ મસ્તી અને એકબીજા સાથે મજાક કરવાનો પણ આ દિવસ છે. ધૂળેટીના પર્વ નિમિત્તે હાસ્ય કવિ સંમેલનો થાય છે. હસવા- હસાવવાથી આરોગ્ય સારું રહે છે. હાસ્ય એ મફતમાં મળતી શ્રેષ્ઠ દવા છે એ જાણવા છતાં આપણે તણાવ અને ગુસ્સાને વધુ પ્રેમ કરીએ છીએ. ધૂળેટીના તહેવારમાં બધાં દુખ-દર્દ અને ગુસ્સાને બાજુ પર મૂકી ચાલો થોડું હસીએ અને હાસ્યના રંગમાં રંગાઈએ. એટલું જ નહીં પછી પણ જીવનમાં હાસ્યને એટલું જ મહત્વ આપીએ એ આપણાં જીવનના લાભમાં જ છે. ધૂળેટી એવો તહેવાર છે જેમાં કોઈને કોઈ વાતનું ખરાબ લાગતું નથી. તો ચાલો ધૂળેટી પ્રસંગે ઉધારના કેટલાક ટુચકા વાંચીને હસી લઈએ!
હોળીમાં રંગ લગાવતી વખતે લોકો એમ જરૂર કહે છે કે,‘બુરા ન માનો હોલી હૈ’ ત્યારે એ વાત સારી છે કે આપણે દિવાળીમાં ‘બુરા ન માનો દિવાલી હૈ’ કહીને કોઈ પર બોમ્બ કે ફટાકડા ફેંકતા નથી!
કોઈ એ કહેશે કે ધૂળેટીના દિવસે એકબીજા પર ખૂબ રંગ છાંટીને અને પોતે પણ રંગાઈને છેલ્લે કપડાના સાબુથી નાહ્યા હતા?!!
એક ભાઈને ગાવાનો શોખ હતો પણ અવાજ સારો ન હતો. ધૂળેટીના દિવસે ભાંગ પીધા પછી એણે ‘મહેબૂબા મહેબૂબા’ ગીત ગાઈને નાચવાનું શરૂ કર્યું પણ એ નજીકની ગટરમાં પડી ગયો. એ પછી બચાવ માટે બૂમો પાડવા લાગ્યો:‘મેં ડૂબા મેં ડૂબા, કોઈ તો બચાઓ...’
એક વિદ્યાર્થી દરેક રવિવારે ધૂળેટી રમતો હતો અને પોતાના ચહેરા પર રંગ લગાવતો હતો. એક દિવસ એની મમ્મીના ધ્યાનમાં આ વાત આવી એટલે પૂછ્યું કે રવિવારે કેમ ધૂળેટી રમે છે? ત્યારે છોકરાએ કહ્યું:‘મમ્મી, મારા સ્કૂલ ટીચરે કહ્યું છે કે સંડે મતલબ હોલી ડે!’
ધૂળેટીમાં લોકો ઘરમાં પડેલા સૌથી જૂના કપડાં શોધીને પહેરે છે. એમના માટે એક ચેતવણી આપવામાં આવી છે કે એટલા જૂના કપડાં પણ ના પહેરશો કે કોઈ તમને હાથમાં રોટલી કે છૂટ્ટા પૈસા ના આપી દે! આમ તો આ ભારતનો સૌથી સસ્તો તહેવાર પણ છે. કેમકે લોકો ફાટેલા જૂના કપડાં પહેરીને જ ધૂળેટી રમે છે.
ધૂળેટીના દિવસે બેચલર લોકોએ હળદરથી રમવાની સલાહ આપવામાં આવી છે. જેથી લગ્નવાળી ફીલિંગ અનુભવી શકે છે!
અમારી સોસાયટીમાં એક ભાઈનું બોલવાનું એવું છે કે એમની વાત સાંભળીને જ લોકો લાલ-પીળા થઈ જાય છે!
ધ્યાન રાખજો કે ધૂળેટીના દિવસે જે વ્યક્તિ ‘હોલી ખેલે રઘુવીરા અવધ મેં’ ગીત પર નાચતા નથી એમની ભારતીયતા પર શંકા ઊભી થઈ શકે છે!
કોરોનામાં ઘણાએ ધૂળેટીના રંગથી બચવાનો રસ્તો શોધી લીધો હતો. કોઈ રંગ લગાવવા આવતું ત્યારે ખાંસી ખાવા લાગી જતાં હતા!
એક જણે ધૂળેટીના દિવસે વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું હતું કે મને જે પણ રંગ નાખવા માગતું હોય એ મારા ડીપીના ફોટા પર રંગ ભરેલી આખી ડોલ નાખી શકે છે. મેં એ માટે ખાસ સફેદ કપડાં પહેર્યા છે!
પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે ધૂળેટી રમતી વખતે ખાસ ધ્યાન રાખજો નહીંતર તમારો ગાલ લાલ થતાં વાર લાગશે નહીં!
એક સાસુ બીજી સાસુને ફરિયાદ કરતી હતી કે હવે તો આ વહુઓ એકબીજા સાથે શું ગૂસપૂસ કરે છે એની ખબર જ પડતી નથી. મારી બેટીઓ વોટ્સએપમાં જ એકબીજાને મેસેજ કરીને આપણી મજા લેતી લાગે છે!
જો તમારી પાસે ‘શોલે’ ના ‘ગબ્બર સિંહ’ નો નંબર હોય તો એને કહી દેજો કે આ વખતે 25 માર્ચે ધૂળેટી છે. નહીંતર ‘હોલી કબ હૈ? કબ હૈ હોલી?’ પૂછી પૂછીને બધાંને પરેશાન કરી નાખશે!
ધૂળેટીની શુભકામના સાથે બસ હસતાં રહો અને હસાવતા રહો!