બીજા દિવસે સવારે ભોલુ તો વહેલો વહેલો તૈયાર થઇ ગયો અને સૌથી પહેલા શાળાએ પહોચી ગયો. ધીમે ધીમે બધા બાળકો શાળાએ આવવા લાગ્યા અને જેટલા પણ શિક્ષકો આવે તેને ભોલુ પૂછી લેતો કે પેલા સાહેબ આવ્યા કે નહિ. બધા એક જ જવાબ આપતા, થોડી રાહ જો. આવી જશે. છેવટે બપોરે ૧૨.૦૦ વાગ્યે એ સાહેબ આવ્યા અને રીઝલ્ટ જાહેર કર્યું. બધાને ખબર જ હતી કે ભોલુનો જ આવશે. સાહેબે આખરે રીઝલ્ટ જાહેર કર્યું અને ભોલુ સૌથી વધુ માર્કસ સાથે પહેલા નંબરે આવ્યો હતો. તેથી સાહેબે એને રૂ. ૧૦૦૦ નો ચેક અને સાંજે વિજ્ઞાન મેળા માટે દિલ્હી જવા માટે તૈયાર રહેવા જણાવ્યું.
ભોલુએ ઘરે જઈને આ ખુશીના સમાચાર બધાને કહ્યા. બધા જ ખુશ થયા પણ એક અઠવાડિયા સુધી બહારગામ જવાનું હોવાથી એની માતાને થોડી ચિંતા થઇ. ભોલુએ એની માંને સમજાવી કે એક અઠવાડિયાની જ તો વાત છે. ત્યાં ઘણું બધું જાણવા સમજવા મળશે. એની માને થોડે નિરાત થઇ અને એના માટે સાથે લઇ જવા ઘણો બધો નાસ્તો બનાવ્યો. સાંજે સાહેબ પોતે તેના ઘરે લેવા આવ્યા અને એ બંને દિલ્હી જવા રવાના થયા.
૭ કલાકની મુસાફરી બાદ તેઓ વહેલી સવારે દિલ્હી પહોચ્યા અને પોતાના ઉતારે ગયા. તેઓને એક અલાયદો રૂમ આપવામાં આવ્યો હતો. હવે ભોલુ વિચારમાં પડ્યો કે શું કરવું. કેવી રીતે અહિયાથી રાજકુમારીની મદદ માટે જવું. તેને નક્કી કર્યું આ માટે તે રાત્રે ૧૨ વાગ્યે બધા સુઈ ગયા હશે ત્યારે પોતાની શક્તિથી રાજકુમારી પાસે પહોચીને એની સાથે વાત કરીને આગળની યોજના બનાવશે.
પહેલો આખો દિવસ આમેય કોઈ કામ નહોતું. ખાલી આરામ જ કરવાનો હતો અને ત્યાંની તૈયારીઓ જોવાની હતી. એટલે આખો દિવસ એમ જ પસાર થઇ ગયો. વિજ્ઞાનમેળા માટે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવવાના શરુ થઇ ગયા હતા. રાત્રે બધા પોતપોતાને ફાળવેલ રૂમમાં આરામ કરવા ગયા. ભોલુએ રાત્રે પોણા બાર વાગ્યાનો એલાર્મમુક્યો અને સુઈ ગયો. મોદી રાત્રે એલાર્મ વાગ્યો કે તરત જ બંધ કર્યો અને પોતાને આપેલ શક્તિઓનો ઉપયોગ કરીને ચપટી વગાડતા ત્યાંથી સીધો જંગલમાં આવેલ મહેલમાં પહોચી ગયો. ત્યાં હંમેશાની જેમ રાતના સમયે બધામાં થોડો થોડો જીવ આવ્યો હતો અને વાતચીત ચાલતી હતી.
ભોલુ સીધો રાજકુમારી પાસે પહોચી ગયો અને બધી વાત કરી કે કેવી રીતે તે ઘરે પહોચ્યો અને ત્યાંથી દિલ્હી ગયો છે, વગેરે, વગેરે. એની વાત સાંભળીને રાજકુમારી થોડી વિચારમાં પડી. પછી એણે ભોલુ ને કહ્યું, કોઈ વાંધો નહિ. આપણે તારી જગ્યાએ જાદુથી કોઈ બીજાને દિલ્હી સાહેબ સાથે મોકલી દેશું. ત્યાંથી ઘરે પહોચે ત્યાં સુધીમાં કામ થઇ જશે અને પાછું હતું એમ ને એમ કરી દેશું. ભોલુએ પૂછ્યું કે શું આ શક્ય છે? ત્યાં પકડાઈ નહિ જવા? તો રાજકુમારીએ કહ્યું, એની ચિંતા ન કર. બધું જ શક્ય છે. અને બીજા કોઈને નહિ પણ તારા જેવું જ મગજ ધરાવતા તારા જ બીજા રૂપને તારી જગ્યાએ મોકલી દેશું જેથી કોઈને ખબર પણ નહિ પડે અને ત્યાં તારા વતી જે કરવાનું હશે એ બધું જ જેમ તું કરેશ એવી રીતે જ એ કરશે.
ભોલુ તો ખુબ જ રાજી થયો અને પછી રાજકુમારીએ મનમાં કઈક બોલ્યું અને ભોલુંને બાજુમાં જ ભોલુ જ જોઇ લો એવો કોઈ છોકરો આવીને ઉભો રહી ગયો. ભોલુ તો આશ્ચર્યથી જોઈ જ રહ્યો કે આ બધું શું છે? રાજકુમારીએ કહ્યું કે આ બીજો ભોલુ તારી જગ્યાએ જશે તો કોઈ ઓળખી નહિ શકે. અને પછી ભોલુંને કહ્યું તારા જેવી જ શક્તિ એની પાસે પણ છે અને એ પણ તારી જેમ જ ચપટી વગાડતા તારી જગ્યાએ જઈને સુઈ જશે અને સવારથી તારા બદલે એ વિજ્ઞાન મેળામાં કામગીરી કરશે.
ભોલુ સમજી ગયો અને બીજો ભોલુ શક્તિનો ઉપયોગ કરીને સાચા ભોલુની જગ્યાએ દિલ્હી જઈને પથારીમાં સુઈ ગયો.
વધુ આવતા અંકે.