છપ્પર પગી - 58 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 58

છપ્પર પગી ( ભાગ - ૫૮ )
———————————
બસ બસ…ડ્રાઈવર સાહેબ આગળ ‘જય શ્રી રામ’ મોટા અક્ષરે લખેલ દેખાય છે, ત્યાં ઉભી રાખજો.’
એ જગ્યા આવી ગઈ. કાર ને બ્રેક લાગે છે, બધા બહાર નિકળે છે અને જૂએ છે તો એક સરસ અને ચોખ્ખી જગ્યા, વિશાળ પાર્કિંગ અને કાર આવી એટલે આવકારવા માટે મેનેજર બન્ને હાથ જોડીને ઉભા થયા અને કહ્યુ, ‘જય શ્રી રામ… પધારો.’
રાકેશભાઈએ પ્રત્યુત્તર આપ્યો, ‘જય શ્રી રામ… આ જગ્યા બાબતે એક વિડિઓ વોટ્સએપ પર જોયો હતો, એટલે યાદ રાખીને આ જ જગ્યા પર ભોજન લઈ શકીએ તેવુ વિચાર્યું હતુ.. મેન્યુ જોઈને તો એવું લાગે કે આટલું સસ્તુ કેમ તમે આપી શકો..?’

‘અમે આર એસ એસ સાથે જોડાયેલ છીએ. કેટલાક વખતથી એવા પ્રશ્નો આવતા હતા કે હાઈવે પર ભોજન ચોખ્ખુ નથી મળતું, મોંઘું હોય છે, વેજ-નોનવેજ મિક્ષ હોય ને રસોડું એક હોય, લોકોને વિશ્વાસ નથી બેસતો કે હાઈવે પર ખાવું કે ન ખાવું, કેટલાંકને ડાયાબિટીસ હોય એટલે ગમે ત્યાં ખાવું જ પડે તો પ્રયોગ રૂપે આ એક ભોજનાલય શરૂ કરાયુ છે. એટલે જેમને પણ શુદ્ધ, સાત્વિક, સસ્તુ અને ઘર જેવું જ સમર્પણ ભાવથી બનાવેલું ભોજન લેવું હોય તેમને અનુકૂળતા રહે.. આપને પણ અનુકૂળ હોય તો ભોજન લઈને જ જાઓ… જમતા પહેલા રસોઈ ઘર જોવું હોય તો પણ જઈને જોઈ શકો છો.’
લક્ષ્મીએ તરત રસોઈ ઘર તરફ પગ ઉપાડ્યા. અંદર જઈને જોયું તો ખૂબ સંતોષ થયો અને બહાર આવીને કહ્યુ, ‘આપણે અહીં જ ભોજન કરીએ અને પછી જ આગળ જઈશું.’

બધાએ ખૂબ પ્રેમથી ભોજન લીધું. જમ્યા પછી લક્ષ્મી મેનેજરને મળવા માટે આવીને પછી પોતાનુ કાર્ડ આપીને કહ્યુ, ‘આ મારું કાર્ડ છે, ફોન નંબર પણ છે. આપ જે કાર્ય કરી રહ્યા છો તે એક પવિત્ર યજ્ઞ સમાન કાર્ય છે, ચાલુ જ રાખજો અને હુ આ પ્રવૃતિ માટે કંઈ પણ મદદ કરી શકુ તો મને ખૂબ ગમશે, અમારા લાયક કંઈ પણ કામ હોય તો અમને તક આપશો તો આપ સોના આભારી રહીશુ.’
ત્યાં સંતોષપૂર્વક જમ્યા પછી વિદાઈ લઈ ફરી વતનની વાટે નિકળી પડ્યા.

મોડી રાત્રે નિયત કરેલ હોટેલમાં રોકાઈ વહેલી સવારે તેજલબેન,હિતેનભાઈ, વકિલ, આર્કિટેક્ટ સહિત બધા જ લોકો વતનના ગામમાં પહોંચી જાય છે. સરપંચને સૂચના હતી કે કોઈ ને પણ ગામમાં હમણાં જાણ ન કરવી એટલે માત્ર પૂજા કરાવનાર મહારાજ, બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર, એના થોડા મજૂર અને જરૂરી અન્ય લોકો સિવાય કોઈને જાણ કરી ન હતી.

અનુક્રમે પહેલા લક્ષ્મીની સાસરીના ગામ અને પછી પ્રવિણના વતનના ગામે વિધીપૂર્વક ભૂમિપૂજન સંપન્ન કરાવી,મહારાજને દક્ષિણા આપી, કોન્ટ્રાક્ટર અને મજુરોના પગ ધોઈ, એ બધાને શુદ્ધ ચાંદીના સિક્કાઓ આપ્યા. તેજલબેન અને હિતેનભાઈએ એકવીસ લાખનો ચેક લક્ષ્મીને આપ્યો ત્યારે લક્ષ્મી પોતાની મા ને ભેટી પડી અને તેજલબેને લાઈબ્રેરી માટે વાત કરી તો, સૌએ એ દરખાસ્ત વધાવી લીધી અને પછી બધા દસ્તાવેજ માટે નિકળી જાય છે.

બપોરે બાર વાગ્યા સુધીમાં દસ્તાવેજની કામગીરી પૂરી થઈ ગયા પછી ફરીથી ગામના વાડી વિસ્તારમાં સરપંચની વાડીએ બધા બપોરે જમવા માટે ભેગા થાય છે.

સરપંચની વાડીએ બહુ જ સરસ વ્યવસ્થા હતી. આટલા સરસ મજાના કુદરતી વાતાવરણ વચ્ચે રીંગણનું ભડથું, બાજરીના રોટલાં, કઢી, સંભારો, દેશી ઘી, માખણ, દેશી ગોળ અને છાસ… પલ ને તો બહુ જ મજા પડી ગઈ. બાકી બધા પણ પેટ ભરીને જમ્યા અને પછી ખૂલ્લી હવામાં ઝાડના છાંયડે ખાટલા પર થોડી વાર આરામ કર્યો. લક્ષ્મીએ વકીલ, આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર જોડે જરૂરી વાત કરી અને નક્કી થયુ કે આગામી સત્ર જૂન મહિનાથી શરૂ થાય એને લગભગ સોળ મહીના બાકી છે, તો ત્યાં સુધીમાં બન્ને સ્કૂલના બિલ્ડીંગ બની જાય અને જરૂરી માન્યતા પણ મળી જાય, એ પ્રકારે આયોજન ગોઠવ્યું. લગભગ બપોરે ચાર જેવો સમય થયો હશે એટલે તાજા દૂધની ચા, કોફી પીને સૌએ વિદાઈ લીધી.
બધા જ પોતપોતાની કારમાં બેસી પુનઃ ઘરે જવા નીકળી રહ્યા હતા, લક્ષ્મીની કાર સૌથી છેલ્લે હતી. વાડીએથી રસ્તો ગામમાં થઈ, થોડે આગળથી મુખ્ય હાઈવેને જોડાતો હતો. આ લોકોની કાર પ્રવિણના ગામમાં થઈ પસાર થઈ રહી હતી ત્યારે લગભગ પાંચ સવાપાંચનો સમય થયો હશે. ઈરાદાપૂર્વક હાલ ગામમાં ન જવુ અને કોઈને પણ આ સ્કૂલ બાબતે કંઈ વાત ન કરવી એવો વિચાર પહેલેથી જ હતો, કેમકે પ્રવિણ અને લક્ષ્મી વિચારતા હતા કે જ્યારે બન્ને સ્કૂલ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય અને લોકાર્પણ કરવાનો સમય આવે એ વખતે બન્ને ગામને ધૂમાડાબંધ જમાડીને એક નાનો સરખો કાર્યક્રમ કરીને આ બન્ને સંસ્થાઓ સુપરત કરવી.
પણ જેવી આ કાર ગામમાંથી પસાર થઈ રહી હતી એ વખતે ગામના પાદર પાસે એક નાનકડું શિવમંદિર હતુ ત્યાં રસ્તા વચ્ચે એક સ્ત્રી એકદમ જ પાગલની જેમ દોટ કાઢી વચ્ચે આવી ગઈ, ડ્રાઈવર ભરતની સમયસૂચકતાને કારણે કચડાતા સહેજ રહી ગઈ. પ્રવિણ ઊંઘમાં હતો પણ અચાનક લાગેલી બ્રેક અને કાર ઉભી રહી એટલે પ્રવિણ સહસા જાગી ગયો. પેલી સ્ત્રી તો ઉભી થઈને દોડીને ફરી મંદિરના ઓટલે ચડી ગઈ અને જોરથી હસવા લાગી. પ્રવિણે બહાર નીકળીને પુછ્યુ કે શું થયુ તો બાજુમાં પાનનો ગલ્લો હતો તેમાં એક યુવાન છોકરો બેઠેલ હતો એણે કહ્યું, ‘અરે.. કંઈ નહી… તમતમારે નીકળી જાવ ઈનું તો આ રોજ નુ સે.. ગાંડી સે બિચારી… રોજ આમ જ ભાઈગ ભાઈગ કરે સે..!’
પ્રવિણે મંદિર તરફ બે ડગલાં આગળ વધી ને જોયું તો….!!!

( કોણ હશે આ પાગલ સ્ત્રી..? વિચારજો. જવાબ આગળનાં ભાગમાં…)

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા