છપ્પર પગી ( ભાગ - ૫૫ )
——————————-
બધા જ કર્મચારીઓ એક અવાજે બોલી ઉઠ્યા.. ‘હા.. હા.. તમે બધા એક સાથે નીકળો એ યોગ્ય નથી.. રાકેશભાઈ તમે અમારી જોડે જ રહો, અમે સૌ તમને અને પલ ને કોઈ તકલીફ નહીં પડવા દઈએ.. આ કંપની આપણાં સૌની છે અને આજીવન અમારી આ જ ભાવના રહેશે.’
રાકેશભાઈ માન્યા, પલે સૌનો આભાર માની મિટીંગ પુરી કરી અને લંચ લઈ સૌ છૂટા પડ્યા.
હવે મિટીંગ પુરી કરી પ્રવિણ અને પલ ઘરે વહેલા જવા નિકળી જાય છે. લક્ષ્મી આ બન્નેની આતુરતા પૂર્વક રાહ જોઈ જ રહી હતી એટલે જેવા ઘરે આવ્યા અને ફ્રેશ થઈ બેઠા કે તરત જ લક્ષ્મીએ પુછ્યુ, ‘શું બધુ બરોબર થઈ ગયુ ? પલ ની મિટીંગ કેવી રહી ? આપણો શેર ઓછો કરવાનો કહ્યો તો એમ્પલોઈઝનો શું રિસ્પોન્સ હતો ?’ એક પછી એક સવાલો આવતા રહ્યા એટલે પલે અટકાવીને જવાબ આપ્યો, ‘અરે મા તારી દિકરી છું… બધુ જ ઓકે રહ્યું કંઈ જ ચિંતા કરવા જેવું નથી. બધાનો રિસ્પોન્સ બહુ જ સરસ અને એકદમ પોઝીટીવ રહ્યો…આ બધુ કામ તારા એનજીઓ ચલાવવા જેવું અઘરુ નથી. મને તો ખબર નથી પડતી કે તુ આટલું બધુ એક સાથે કેવી રીતે મેનેજ કરી શકે છે.! ચાલ મા હવે તુ અમને કહે કે તારો એનજીઓ પેલો પ્રોબ્લેમ સોલ્વ થયો કે નહી ?’
લક્ષ્મી જવાબ આપે તે પહેલાં તો પ્રવિણે તરત સવાલ કર્યો, ‘ કેવો પ્રોબ્લેમ ? કયા એનજીઓ મા પ્રોબ્લેમ થયો હતો ? મને કહ્યુ પણ નહી ?’
લક્ષ્મીએ જવાબ વાળ્યો, ‘અરે હવે કોઈ જ ઈસ્યુ નથી… આજે તમે લોકો મિટીંગ માટે ગયા હતા અને હુ ત્યાં જઈ આવી, બે ત્રણ કલાક સુધી મથવું પડ્યુ પણ થઈ ગયુ બધુ… તમને એટલાં માટે ન જણાવ્યુ કે હરીદ્વારથી પરત ફર્યા પછી તમારે લોકોને જ બહુ ઓક્યુપન્સી હતી ને !’
‘હા.. પણ શું હતુ ?’
‘આપણો પેલો ઓર્ફનેજ વાળા એનજીઓ પાસે બહુ મોટી જગ્યા ખાલી હતી તો અમે એ જગ્યા પર આજુબાજુના સ્લમ વિસ્તારના ભણવામા નબળા બાળકો માટે ફ્રી કોચિંગ શરૂ કરાવ્યુ હતુ. એ માટે અમે સેવાભાવી અને પોતાના વિષયમાં તજજ્ઞ એવા મેથ્સ, સાયન્સ અને ઈંગ્લીશના ત્રણ શિક્ષકોને સાંજે પાંચ થી સાડાસાત સુધી સેવાઓ આપે એવી રીતે હાયર કર્યા પછી એ બધા જ બાળકો ત્યાં જ જમીને જ પોતાના ઘરે જાય તેવું સરસ ગોઠવ્યું અને બહુ જ સરસ રિસ્પોન્સ મળતો હતો… બાળકો અને એમનાં વાલીઓ પણ ખુશ છે..!’
‘તો.. કેમ પ્રશ્ન થયો ?’ પ્રવિણે અધીરાઈથી પુછ્યુ.
લક્ષ્મી આગળ કહે એ પહેલાં પલે કહ્યું, ‘હુ તમારા બન્ને માટે ચા બનાવી લાવું ?’
બન્ને એ હકારમાં માથું હલાવ્યું એટલે પલે કહ્યુ, ‘તુ વાત ચાલુ રાખ, હું સાંભળું છું જોડે જોડે.’
લક્ષ્મીએ આગળ વાત શરૂ કરી…
‘આપણે હરીદ્વાર ગયા એ વખતે મારે ત્યાં જવાયું નહી, એ દિવસોમાં બાજુમાં એક કોચિંગ ક્લાસ ચલાવતો માથાભારે માણસ યશવંતરાવે આપણું આ ફ્રી કોચિંગ બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ કર્યા હતા. હુ્ં જે કામ કરુ્ છુ એનાથી એના ક્લાસને બહુ મોટો ફટકો પડ્યો. પહેલા તો એણે આપણા ત્રણેય શિક્ષકોને આપણે આપીએ એ કરતાં વધુ રકમ આપવાની ઓફર કરી, પણ આ લોકોએ કહ્યુ કે અમે માત્ર પૈસા માટે કામ નથી કરતા, અહીં વધારે સંતોષ મળે છે અને એનજીઓ તરફથી જે સેલેરી મળે છે તે માત્ર ખર્ચા પુરતી વાપરીએ છીએ અને વધતી રકમ આ જ બાળકો પાછળ વાપરીએ છીએ.. એટલે એમને ખરીદી શક્યા નહી તો થોડા દિવસો ધાક ધમકી આપી એનજીઓ પર આવે જ નહીં એવા પ્રયત્નો કર્યા, એમા પણ ન ફાવ્યા તો હવે સ્લમ એરિયાના બાળકો જે કોચિંગ માટે આવે છે તેમને હેરાન કરવાનુ શરૂ કર્યુ. મને ઘણા વાલીઓ પણ મળવા આવ્યા હતા ને રજૂઆત પણ કરી… યશવંતરાવ એક પોલિટીકલ પાર્ટીનો માણસ છે એટલે એ લોકો ડરતા પણ હતા..’
‘ઓહ.. આટલું બધુ થયું..!’
‘હા..’
‘પછી..?’
‘પછી તો મે યશવંતરાવ જોડે સીધી જ વાત કરી પણ એ ભાઈ માનવાના મૂડમાં ન હતા..! પણ આજે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો.’
‘હમમમ… એ તો મને વિશ્વાસ હોય જ કે અમારી લક્ષ્મી પાછી ન પડે..પણ પત્યું કેવી રીતે ?’
‘ હરીદ્વારથી પરત આવીને આ બધા બાળકો માટે યુનિફોર્મ, સ્કૂલ બેગ, વોટર બોટલ, રેઈનકોટ, નોટબુક્સ, સ્ટેશનરી વિગરે જરૂરી વસ્તુઓની ૨૦૦ જેટલી કીટ બનાવડાવી અને આજે સવારે એ કીટ ના ડિસ્ટ્રીબ્યુશન માટે વિરાજ ઠાકરેજીને મુખ્ય મહેમાન પદે નિમંત્રણ આપ્યું હતુ એટલે એક કલાક માટે એનજીઓ પર આવ્યા હતા.. એ વિસ્તાર એમનો વોટબેંક એટલે ખુશી ખુશી આવ્યા, બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા અને આ એ વિસ્તારના મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ફંકશન માટે આવ્યા હતા તો ભાષણ પણ કર્યુ. ફંકશન પત્યું એટલે વિરાજભાઈ વસ્તીમાં ફર્યા, યશવંતરાવ અને બીજા કેટલાંક નેતાઓ જોડે હતા જ.એમણે લોકોને પુછ્યુ કે બધુ બરોબર છે ને ? કોઈ પ્રશ્ન હોય તો કહો.. એટલે કેટલાંક વાલીઓએ જણાવ્યુ કે તમે એકલા હશો ત્યારે મળવા તમારી ઓફિસ આવીશું અને જણાવીશુ… પણ વિરાજભાઈ બહુ હોશિયાર નેતા હતા એટલે તરત એ લોકોને કહ્યું કે તમે મારા વફાદાર વોટર્સ છો.. વર્ષોથી મને પસંદ કરી પુરતો સહયોગ આપો છો તો પછી જે કંઈ હોય તે જાહેરમાં કહો..! એટલે ત્યાં ઉપસ્થિત કેટલાંક વાલીઓ યશવંતરાવ સામે જોવા લાગ્યા અને પછી એમાંથી એક જાગૃત વાલીએ કહ્યુ,
‘સાહબ.. કોઈ સમસ્યા નહી હૈ, બસ હમારે બચ્ચે લક્ષ્મીજી કે એનજીઓમેં મુફ્ત પઢ રહે હૈ ઔર બહુત ખૂશ ભી હૈ, તો આપ જરા દેખીયેગા કો કોઈ હમે યા એનજીઓ વાલોંકો પરેશાન ન કરે..!’
વિરાજભાઈ આટલી વાતમાં બધુ જ સમજી ગયા અને વિરાજભાઈનો સ્વભાવ પણ યશવંતરાવ બરોબર જાણતા હતા એટલે એ પણ તરત સમજી ગયા.. અને તરત બોલી ઉઠ્યા,
‘અરે સાહબ કુછ દિનો કી બાત હૈ… મૈ અપના કોચિંગ ક્લાસ દૂસરે ઓરિયામે શિફ્ટ કર રહા હૂં.. ફિર મેરી યહ જગહ ભી લક્ષ્મીબહન ચાહે તો મુફ્ત ઈસ્તમાલ કર શકતી હૈ..યહ સેટઅપ ઉનકો કામ લગેગા..ઔર કોઈ સેવા હોગી તો ભી મુજે હિ બતા દીજીએગા… યહ તો પૂન્ય કા કામ હૈ..’
વિરાજભાઈએ એના ખભે હાથ મુકીને કહ્યું, ‘સમજદાર હો.. પર થોડી દેર કરતે હો સમજને મેં..! દેખના ઈન લોગોં કો કોઈ તકલીફ ન હો..!’
આટલી વાત કહી તો પલ ચા લઈને આવી ગઈ અને હસવું પણ આવી ગયુ.. અને કમેન્ટ કરી.. ‘સોઓઓ… સ્માર્ટ મા..!’
લક્ષ્મીએ જવાબ વાળ્યો, ‘ બેટા સ્માર્ટ બાર્ટ કંઈ નહીં એ તો બિઝનેશમાં જરૂરી છે.. આપણે તો શુદ્ધ ભાવથી સેવા કરીએ તો રસ્તો તો ઠાકોરજી જ બતાવે..’
પ્રવિણ આ ‘હરદાર’ બોલતી લક્ષ્મીને હરીદ્વારમા હવે મોટી હોસ્પિટલ બનાવવા નિમિત્ત બનતી, ત્રણ એનજીઓ ચલાવતી, અનેક સામાજિક અને સેવાભાવી સંગઠનોમાં સક્રિય એક જવાબદાર સન્નારી તરીકે, પલ ને નિષ્ઠા પૂર્વક ઉછેર કરીને મોટી કરનાર મા તરીકે, પોતાને એક પતિ તરીકે હરહંમેશ સાથ આપી વિશ્વાસપૂર્વક એક મિત્ર જેવી જીવનસંગાથી તરીકે અને સનાતની સન્નારી તરીકે સતત પૂર્ણ નારીત્વ તરફ આગળ વધતી લક્ષ્મીની આ સાતત્યપૂર્વકની ઉત્ક્રાંતિનો સાક્ષી તરીકે રહ્યો છે એટલે સન્માનપૂર્વક અને અહોભાવથી તેને નિરખી રહ્યો છે…
લક્ષ્મી શરમાઈને નીચુ જોઈ નજર હટાવીને કહ્યુ, ‘બેટા પલ આ કપ પાછા મુકી દે ને..!’
પલ સમજીને પોતાના રૂમમાં જતી રહે છે. લક્ષ્મી પોતાની જગ્યાએથી ઉભી થઈ પ્રવિણ જે ખુરશી પર બેઠો હોય છે ત્યાં નીચે બેસી એના સાથળ પર માથું ઢાળ્યું અને કહ્યુ, ‘કેમ એ રીતે જોતાં તા મારા સામું ? હુ તમારી એ જ લક્ષ્મી છું કંઈ બદલી નથી..!’
પ્રવિણે પુરા સન્માનથી જવાબ વાળ્યો, ‘લક્ષ્મી તું હવે એ લક્ષ્મી નથી રહી…તું તો હવે….!!!’
(ક્રમશઃ)
લેખકઃ રાજેશ કારિયા