ડાયરી - સીઝન ૨ - લવ ઍલિમેન્ટ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - લવ ઍલિમેન્ટ


શીર્ષક : લવ એલિમેન્ટ
લેખક : કમલેશ જોષી
“કોઈ પણ જાતનો વ્યવહારિક સંબંધ ન હોય એવા યુવક અને યુવતી જો એકબીજા સામે, નોર્મલ કરતા વધુ ક્ષણો સુધી, નોર્મલ નહિ પણ સ્પેશ્યલ નજરે, અપલક, ત્રાટક રચી બેસે અને અંતમાં ગૂઢ પણ મીનિંગફૂલ સ્માઈલ એક બીજાને આપે એને કહેવાય પ્રેમ, યુ નો.. ઇટ્સ લવ." અમારો રસિક મિત્ર ક્યારેક એવી ગહન વાત કરી નાખતો કે અમારે "કંઈ સમજ્યા નહિ, ફરીથી કહે તો!" એવા ભાવ સાથે એની સામે તાકી રહેવું પડતું.
"એને લવ નહી લફડું કહેવાય." અમારો ગંભીર મિત્ર હંમેશા આવી બાબતો પ્રત્યે વિરોધપક્ષમાં રહેતો.

મિત્રો, એકવાર તમે આંખો બંધ કરી તમારી આંખોએ પહેલી વખત જે ‘વ્યક્તિ’ માટે આત્મીયતા, માન, પ્રેમ ફીલ કર્યા હતા એને યાદ કરી એના સોગંદ ખાઈને કહો કે એ ‘પહેલી નજર અને પહેલા પ્યાર’ની ક્ષણો વખતે તમે શું અનુભવ્યું હતું? પ્રેમ કે લફડું?
નાનપણમાં ‘ગંદુ કામ’, કિશોરાવસ્થામાં ‘લફડું’, યુવાનીમાં ‘ફ્રેન્ડશીપ-લવ-બવ ને એવું બધું’ અને બુઢાપામાં ‘વાસના’ જેવા અનેક નામે ઓળખાતી આ ‘ઘટના’ ક્યારેક ‘ઘાયલ’ કરી મૂકે એવી ‘દુર્ઘટના’ તો ક્યારેક જિંદગીમાં ‘મેઘધનુષી રંગો’ની રંગોળી રચી નાખે એવી ‘ઈશ્વર કૃપા’ સાબિત થતી હોય છે. કોલેજમાં ભણતાં ત્યારે લગભગ તમામ ફિલ્મી હીરો અને હિરોઇન અમારી ભીતરે પ્રવેશી ‘જવાની’ ને ‘દીવાની’ કરી મૂકતા. એ જમાનાના લાખો ઋષિ કપૂરો પોતાની શેરીમાં રહેતી કે ટ્યુશનમાં સાથે ભણતી ડિમ્પલ કાપડિયા માટે સ્વપ્નમાં વિચારતા કે કમસે કમ એક વાર તો એવું બને કે ‘હમ તુમ ઇક કમરે મેં બંદ હો ઓર ચાબી ખો જાયે’. એકાદ-બેને બાદ કરતા મોટાભાગના એ જમાનાના મિથુનીયાઓને ડિમ્પલો તો ન મળતી પણ એના શક્તિ કપૂરિયા જેવા ભાઈઓ કે હરીફોના હાથનો ‘મેથીપાક’ સાચુકલા ખાવા મળતો અને પછી ‘પ્રેમનો અંજામ પણ આવો હશે એની ખબર નહોતી’ એટલે આખી જિંદગી માટે ‘પૂછો તો ખરા, ઘાયલને શું થાય છે’ એ ગીત એમનું પ્રિય ગીત બની જતું.

તમે કદી વિચાર કર્યો કે ‘રંગ ભરેલા વાદળોથી’ અને ‘એની આંખોના આંજણ’થી દિલ પર એનું નામ લખી નાખવાનું મન થાય, એને જોવા માત્રથી ‘આંખના અફીણી’ કે ‘બોલના બંધાણી’ કે ‘પૂનમ જેવા રૂપ’ને જોઈ ‘પાગલ’ થઈ જવાય એવું કયું એલિમેન્ટ એ પ્રિય પાત્રમાં તેમજ આપણી ભીતરે યુવાનીના એ દિવસોમાં ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે? આપણી અંદર ‘આકાશમાંથી તારા તોડી લાવવા’ માટેની હિમ્મત કે ‘ફિર જીને કી તમ્મના’ અને ‘મરને કા ઈરાદા’ જેવી મક્કમતા જગાવવા માટે આજકાલ હજારો મોટીવેશનલ સ્પીકર્સ ગળું ફાટી જાય ત્યાં સુધી સમજાવે છે છતાંય નિષ્ફળ જાય છે એ હિમ્મત, તમન્ના, મક્કમતા, ઉત્સાહ અને આનંદ માત્ર ‘આંખો હી આંખો મેં ઇશારા’ કરીને જગાવી આપતું એ રૂપાળું, રોમાંચક અને મોટીવેશનલ એલિમેન્ટ શું ‘પૂજનીય’ ન ગણાવું જોઈએ? તમે શું માનો છો?

ના, આપણે લફડાબાજોની તરફેણ બિલકુલ નથી કરી રહ્યા હોં.. આપણે તો ‘પુષ્પ વાટિકા’માં પહેલી વખત મળેલી ‘રામ-સીતા’ની પવિત્ર પ્રેમદૃષ્ટિમાં ભળેલા કે કણ્વ ઋષિના આશ્રમમાં પહેલી વખત મળેલા ‘દુષ્યંત અને શકુંતલા’ વચ્ચે રચાયેલા ઈમાનદાર ત્રાટકમાં ભળેલા કે રુક્મિણીએ કૃષ્ણને લખેલા ‘પ્રેમપત્ર’માં ઠાલવેલા હૃદયના ભાવોમાં ભળેલા એ ‘એલિમેન્ટ’ની વાત કરીએ છીએ કે જે આપણી ભીતરે પણ હૃદયમાં ક્યાંક ધબકી રહ્યું છે. મુગ્ધ કિશોરાસ્થામાં અને સરળ-નિર્દોષ યુવાનીમાં ‘લવની, પ્રેમની ‘વસંત’ આપણી ભીતરે ‘સોળે કળાએ ખીલવવા’ની બેશુમાર તાકાત ધરાવતું એ ‘એલિમેન્ટ’ મોટપણે આપણી ભીતરે જાગવા લાગેલી લોભ, મદ, મત્સર, લુચ્ચાઈની ‘પતઝડ-પાનખર’ના આકરા તાપમાં સૂકાઈને, સંકોચાઈને મુરઝાઈ જતું હોય એવું તમને નથી લાગતું?
મિત્રો, કહેવાય છે કે પૃથ્વી પર આપણો ફર્સ્ટ લવ હોય છે આપણી મમ્મી સાથે. બાળપણમાં મમ્મીને જોતા વેંત દોડાદોડી અને કિકિયારી કરી મૂકવાનો જે ‘અનોખો શક્તિ સંચાર’ આપણી ભીતરે કરી મૂકતું પેલું ‘એલિમેન્ટ’, યુવાનીમાં ‘ગમતીલું પાત્ર’ જોઈ ફરી એકવાર ‘ખીલી ઉઠી’ આપણી ભીતરે ફરી વખત ‘અનોખો શક્તિ સંચાર’ કરી મૂકતું હોય છે. દર વર્ષે વાસંતી વાયરો વાય અને ઝાડ, પાન અને ફૂલડાંઓ જેમ કિકિયારી પાડતા નહિ તો છાનામાના ખુશ્બુ વહાવતા સોળે કળાએ ખીલી ઉઠે એમ હું અને તમે પણ ‘આપણે ખીલી ન શકીએ’ એવી હઠ મૂકીને જો પ્રકૃતિ સામે, લાઈફ સામે, લાઈફ પાર્ટનર સામે મુગ્ધ ભાવે ત્રાટક રચીએ તો ચોક્કસ ફરી એકવાર પેલા ‘ફર્સ્ટ લવ’નો અહેસાસ, ‘અનોખા શક્તિ સંચાર’નો અનુભવ અને પેલા ભીતરે રગેરગમાં વ્યાપેલા ‘લવ એલિમેન્ટ’ નો સાક્ષાત્કાર ચોક્કસ કરી શકીએ એવું મારું તો માનવું છે. તમે શું માનો છો?

હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)