સંધ્યા - 59 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 59

સંધ્યા પ્રિન્સિપાલે જે સમાચાર આપ્યા એ સાંભળીને ખુબ જ આશ્ચર્યમાં જ પડી ગઈ હતી. એ ખુબ જ હરખાઈ ગઈ હતી. એની કલ્પના બહારના આ સમાચાર હતા કે, સંધ્યાને આવતીકાલથી પ્રિન્સિપાલની પોસ્ટ સંભાળવાની હતી. સંધ્યાને આ સમાચાર આપવા બદલ પ્રિન્સીપાલનો એણે આભાર માન્યો હતો. એમને પગે લાગીને આશીર્વાદ પણ માંગ્યા કે, પોતે પણ એમની જેમ જ આ સ્કૂલનું સંચાલન સારી રીતે કરી શકે! અત્યારે જે પ્રિન્સિપાલ હતા એમની નિમણુંક આજે સ્કૂલની નવી બ્રાન્ચમાં થઈ હતી આથી જ એમની જગ્યાએ સંધ્યાની પસંદગી કરવામાં આવી હતી. સંધ્યાની ફક્ત પોસ્ટ વધી એટલું જ નહીં પણ એની સેલેરી પણ ખુબ વધી ગઈ હતી. સ્કૂલમાં ઘણા બીજા પણ જુના શિક્ષકો હતા છતાં સંધ્યાની પસંદગી થઈ આથી સંધ્યા ખુબ જ ખુશ હતી. સંધ્યા પોતાનું સ્થાન એટલું મક્કમ કરી શકી એની એને વધુ ખુશી હતી.

સંધ્યાએ ઘરે જઈને પોતાની સાસરી અને પિયરમાં આ સમાચાર આપ્યા હતા. અભિમન્યુએ સંધ્યાના ગ્રુપમાં વોઈસ મેસેજથી આ સમાચાર આપ્યા હતા. બધાએ ખુબ જ ખુશ થઈને સંધ્યાને અભિનંદન પાઠવ્યા હતા.

સંધ્યાએ આજ ખુબ ખુશ હોઈ એકસાથે પંદર નતનવીન ડિઝાઈન બનાવીને પોતાના ઓનલાઈન પેજ પર મૂકી હતી. થોડી જ વારમાં એની ડિઝાઇન બધાને ખુબ પસંદ આવતા એના ગાર્મેન્ટના ઓર્ડર પણ સંધ્યાને આવ્યા હતા. આજે સંધ્યાએ હિંમત કરીને એ બધા જ ઓર્ડર એડવાન્સ પેમેન્ટથી લઈ લીધા હતા. સંધ્યાને એ ૧૫ ડિઝાઈન પરથી ૭૫ ગારમેન્ટ કે જે સેમીસ્ટીચ કરીને મોકલવાના હતા. એનો ઓર્ડર મળ્યો હતો. સંધ્યાએ આ બધો જ ઓર્ડર પંદર દિવસમાં રેડી કરીને આપવાનો હતો. સંધ્યા આ બધું જ કેવી રીતે સેટ કરે એ વિચારી રહી હતી. પોતાના કારીગર પાસેથી જે કામ કઢાવવાનું હતું એ સોંપીને આવતીકાલે બપોર સુધીમાં એ બધું જ હાજર કરવા સંધ્યાએ કારીગરને કહ્યું હતું.

સંધ્યા હવે પોતાના જે ક્લાસ એ ચલાવતી હતી ત્યાં ગઈ હતી. સંધ્યાની સાથે અભિમન્યુ પણ ત્યાં આવતો અને એ પોતાનું હોમવર્ક કરતો હતો. સંધ્યા વચ્ચે સેલ્ફ ડેવલોપમેન્ટના ક્લાસ ચાલુ કરે એ પહેલા અભિમન્યુને એની ફૂટબોલ ટ્રેનિંગ માટે મૂકી આવતી હતી. આજે અભિમન્યુની અંડર ફોર્ટીન સ્ટેટ ટુર્નામેન્ટ ટીમનું સિલ્કશન હતું. જે પ્લેયર સારું રમતા હશે એમનું નામ સિલેક્ટ કરવાનું હતું.

અભિમન્યુ આજે થોડો નર્વસ થઈ ગયો હતો. સંધ્યાએ એની વ્યથા દૂર કરવા કહ્યું, "જો બેટા! તારા પપ્પા હંમેશા મને કહેતા કે, જીવનમાં સફળ થવા માટે જયારે આગળ પગલું ભરીએ ત્યારે તકલીફ ખુબ પડે જ છે, પણ બીજું પગલું ઉપાડીને પહેલા પગલાંને સાથ આપવાનો એ હંમેશા યાદ રાખજે. દીકરા! તું જરા પણ ગભરાઈશ નહીં અને આ શબ્દોને મનમાં ઉતારી લે. જો તું જ તને સાથ ન આપે તો કેવી રીતે સફળ થઈશ? અને હા, તું રમજે તારા શોખ માટે, તું એ પળને જીવજે. તું સિલેક્ટ થાય કે ન થાય એ ચિંતા વગર એટલું યાદ રાખજે કે, મારા માટે તું મારો રોકસ્ટાર છે." એમ કહી સંધ્યાએ અભિમન્યુની પીઠ થાબડી હતી.

"થેંક્યુ મમ્મી! તે જે પપ્પાની વાત કહી એ હું કાયમ યાદ રાખીશ. ચાલ! મમ્મી! મારી ચિંતા ન કરજે. હું સિલેક્ટ જ થઈશ." ખુબ જ ઉત્સાહ સાથે ખુશ થતો એ પોતાના ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં ગયો હતો.

સંધ્યા પાછી પોતાના કલાસ પર આવી ગઈ હતી. એના સ્ટુડન્ટને અમુક સ્પીચ આપવાની હતી એ આપીને સંધ્યાએ જે નોટ્સ લખી હતી એ એમને લખવા આપી હતી.

સંધ્યા સ્ટુડન્ટને એમનું વર્ક આપીને એમ જ બેઠી હતી. મનમાં વિચારોના લીધે ઉત્પાત થઈ રહ્યો હતો. આવતીકાલે સૂરજનો જન્મદિવસ હોઈ એ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં બાળકો અને વૃદ્ધોને જમાડવા ઈચ્છતી હતી. સંધ્યાએ ફોન કરીને બંને આશ્રમમાં જમાડવા માટેના રૂપિયાનું પૂછ્યું હતું. સંધ્યાએ એ રકમ ફોન પે થી મોકલી આપી હતી. પણ બપોરે એ ખુદ પીરસવા આવશે એવી પોતાની ઈચ્છા એણે જણાવી હતી. સાત વાગી ચુક્યા હતા. સંધ્યા કલાસ પતાવીને અભિમન્યુને લેવા ગઈ હતી.

અભિમન્યુ હજુ બહાર આવી જ રહ્યો હતો ત્યાં જ સંધ્યા એને લેવા માટે પહોંચી ગઈ હતી. અભિમન્યુના ચહેરાની ચમક જોઈને સંધ્યાને ખ્યાલ આવી જ ગયો કે, અભિમન્યુનું સિલેકશન થઈ ગયું છે. એ ખુબ જ ખુશ થતા અભિમન્યુ કઈ કહે એ પહેલા જ બોલી ઉઠી, "અભિનંદન મારા રોકસ્ટારને!"

"થેંક્યુ મમ્મી!" કહી એ મમ્મીને ત્યાં જ રોડ પર લાગણીવશ થઈને પગે લાગ્યો હતો.

"તું તારા દરેક લક્ષ્યને જલ્દી મેળવે એવા આશીર્વાદ. અને હા બેટા! ઈન્ટરનેશનલ તું જલ્દી રમે અને મારુ સપનું તું જલ્દી પૂરું કરે એવા પણ આશીર્વાદ હો.." એમ કહી સંધ્યા હસી રહી હતી.

સંધ્યાએ બીજા દિવસે અભિમન્યુ અને એના સાસુ, સસરા સાથે બંને આશ્રમે હાજરી પુરાવી હતી. એમણે બાળકો તથા વૃદ્ધોને ભોજન કરાવીને સૂરજના જન્મદિવસ નિમિતનું આ કર્મ કર્યું હતું. સંધ્યાના સાસુ, સસરા બંન્ને થોડા ગળગળા થઈ ગયા હતા. આજ તો રશ્મિકાબહેનથી કહેવાઈ જ ગયું કે, "સંધ્યા મેં તારા પર ખુબ ખોટા મારા દીકરાના મૃત્યુના આરોપ નાખ્યા હતા. તું મને માફ કરી દે! મેં હંમેશા તને સમજવામાં ભૂલ જ કરી છે. મને તારા પપ્પાએ અરીસો ન દેખાડ્યો હોત તો હું ક્યારેય તને હજુ સમજી જ શકી ન હોત! એમના વેણ ભલે કડવા હતા પણ વાત એકદમ એમણે સાચી જ કહી હતી. હું તો એટલી બધી ભોંઠી પડી કે, મારાથી માફી પણ મંગાતી નહોતી પણ આજે હું ખુબ હિંમત કરીને એ સ્વાર્થ સાથે માફી માંગુ છું કે, હું તારી સાથે સારું વર્તન કરું તો કદાચ મારા દીકરાની આત્માને પણ શાંતિ થાય!" આંખમાથી આંસુ વહાવતા તેઓ બોલ્યા હતા.

"અરે! મમ્મી! તમે આવું કેમ બોલો છો? તમારે માફી માંગવાની જ ન હોય! અને હા તમને રડતા જોઈને સૂરજની આત્માને અવશ્ય દુઃખ થશે એ હું જાણું છું." એમના આંસુ લૂછતાં સંધ્યા બોલી હતી.

અભિમન્યુએ કહ્યું, "બા! આ રડવાનું બંધ કરો અને મને આશીર્વાદ આપો. કેમ કે, મારુ ફૂટબોલમાં સિલેક્શન થઈ ગયું છે. સ્ટેટ લેવલે મારે રમવાનું છે."

"હા! દીકરા! તું પણ ખુબ જ આગળ વધજે ને તારું નામ રોશન કરજે." ખુશ થતા રશ્મિકાબહેન બોલ્યા હતા.

ચંદ્રકાન્તભાઈ આ બધું જ જોઈને ખુબ જ ભાવવિભોર થઈ ગયા હતા. એમને અંદાજ પણ નહોતો કે, ક્યારેય રશ્મિકા આમ વહુની માફી માંગશે. આજે એમના મનનો ઘણો ભાર ઉતરી ગયો હતો. એમનાથી જે જાણ્યે અજાણ્યે વહુ સાથે અન્યાય કર્યો હતો એ પાપનું થોડું તો પ્રાયશ્ચિત થયું એ સારું હતું.

સંધ્યા પણ આજે ખુશ હતી કે, મમ્મીએ આજે મને દિલથી સ્વીકારી લીધી હતી. સંધ્યા અને અભિમન્યુની સાથે હવે એમની અથાગ મહેનત જ નહીં પણ વડીલોના આશીર્વાદ પણ હતા. એ બંને પોતાના કામમાં સફળ નીવડી રહ્યા હતા. સંધ્યાએ જે ઓર્ડર લીધા હતા, એનું કામ પણ એણે સમયસર પૂર્ણ કર્યું હતું. હવે એ જયારે પણ ફેશન શો થતા એમાં પોતાની ડિઝાઇન એની મોડેલને પહેરાવીને એમાં ભાગ લેતી હતી. સંધ્યાની ડિઝાઈન ટોપના ડિઝાઈનરોને ટક્કર મારી શકે એવી રહેતી હતી. સંધ્યાનું નામ હવે ટોપ ટેન ડિઝાઈનરમાં આવી ગયું હતું.

સંધ્યાની જેમ અભિમન્યુ પણ ખુબ આગળ વધી રહ્યો હતો. અભિમન્યુની ટીમ સ્ટેટ ટુર્નામેન્ટમાં જીતી ગઈ હતી. અભિમન્યુનું નામ પણ ટોપના પ્લેયરમાં આવતું હતું. એ પણ આખા વર્ષમાં આવતી બધી ટુર્નામેન્ટને તો જીતતો જ હતો. સાથોસાથ સ્કૂલમાં પણ હજુ નંબર વન જ હતો. અભિમન્યુનો ન સ્કૂલનો ખર્ચો હતો કે ન ટ્રેનિંગનો, એ વાતનો ગર્વ સંધ્યાને ખુબ જ હતો.

સંધ્યાના જીવનમાં ફક્ત હવે બધી બાજુઓથી ખુશી જ મળતી રહેતી હતી. સંધ્યાના ખુશીના દિવસો ખુબ ઝડપથી વીતવા લાગ્યા હતા. દિવસો વર્ષોમાં બદલી ગયા હતા. હવે અભિમન્યુ બારમા ધોરણમાં આવી ગયો હતો.

શું આવશે સંધ્યાના જીવનમાં ફરી બદલાવ?
અભિમન્યુ એના જીવનમાં ભણતર અને રમતને કેમ બેલેન્સ કરશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻