Aa Kalma Moksha Chhe? books and stories free download online pdf in Gujarati

આ કાળમાં મોક્ષ છે ?

પ્રશ્નકર્તા : જન્મ-મરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ?


દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઈ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની ઉપર બીજું છે એવું માને, તો તો એ મોક્ષ જ સમજતા નથી. ‘મોક્ષ એટલે મુક્ત ભાવ.’ સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ. આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે. સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ આ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે. આ પરમાનંદ શાથી અટકે છે ? માત્ર પહેલાની ગનેગારીથી. આ ગનેગારી એ જ પોતાનું સુખ, પરમાનંદ પણ આવવા નથી દેતી; એ જ ગનેગારીથી પરમાનંદ અંતરાય છે ! મુક્તિ તો કોઈએ ચાખી જ નથી, એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે છે; એમની વીતરાગતા એ જ મુક્તિ છે ! આ તમારા બધામાં મને તો મહીં ‘હું જ છું’ એવું લાગે છે ! ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન કરતા આવડે તોય મુક્તિસુખ વર્તે.


પ્રશ્નકર્તા : દર્શન કરવા એટલે ભાવથી કરવા તે ?


દાદાશ્રી : ના. ભાવ નહીં. ભાવ તો હોય જ તમને, પણ દર્શન કરતા આવડવા જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ના એક્ઝેક્ટ દર્શન કરતા આવડવા જોઈએ. અંતરાય ના હોય તો એવા દર્શન થાય અને એ દર્શન કર્યા ત્યારથી જ મુક્તિસુખ વર્ત્યા કરે !


પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો સિક્કો કયો ?


દાદાશ્રી : એ તો પક્ષમાં પડેલા છે કે નહીં એ જ એનો સિક્કો.


આ બધી ડિગ્રીઓ છે અને તે ડિગ્રીઓની અંદર ડિગ્રીઓ છે. આ બધા અન્ય માર્ગ પર છે ને મોક્ષમાર્ગની તો એક જ કેડી છે, ને એ એક કેડી જડવી મુશ્કેલ છે. બીજા બધા માર્ગ ઓર્નામેન્ટલ માર્ગ છે, ત્યાં પાછી મોટી મોટી કેન્ટિનો છે, એટલે જરા દેખે ને ત્યાં દોડે; ને આ મોક્ષની કેડીમાં તો ઓર્નામેન્ટલ નહીં; તેથી આ માર્ગની ખબર ના પડે !


ઉનાળામાં બેઠા હો તો પવન આવે ને એ ય ઠંડો લાગે તો સમજાય કે બરફ હોવો જોઈએ, તેમ અહીં આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે; અને આ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !


જગતના બધા જ સબ્જેક્ટ જાણે, પણ એ અહંકારી જ્ઞાન છે અને તે બુદ્ધિમાં સમાય અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય. નિરહંકારી જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક છે અને આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરે એવું છે ! બુદ્ધિનું, અહંકારી જ્ઞાન એ પર પ્રકાશક છે, એ લિમિટમાં છે ને અવલંબિત છે. આ તો ભાન નથી, તેથી ‘હું વૈદ્ય છું, હું એન્જિનિયર છું’ એવાં અવલંબન પકડ્યા છે. બધા મોક્ષને માટે પ્રયત્નો કરે છે, પણ એ માર્ગ જડતો નથી અને ચતુર્ગતિમાં ભટક ભટક કર્યા કરે છે. જ્ઞાની જ સમર્થ પુરુષ છે, એ તર્યા ને બીજાને તારે !


આ ચતુર્ગતિના માર્ગ બધા મહેનત માર્ગ છે. જેને અત્યંત મહેનત પડે છે એ નર્કગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ દેવગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ તિર્યંચમાં જાય અને બિલકુલ મહેનત વગરનો મોક્ષમાર્ગ ! ‘જ્ઞાની પુરુષ’ મળ્યા પછી તો મહેનત કરવાની હોતી હશે ? એ તો ‘જ્ઞાની પુરુષ’ જાતે કરી આપે. આ દાળ-ભાત-રોટલી મહેનત કરીને કરી શકે, પણ આત્મદર્શન એ જાતે ના કરી શકે; એ તો ‘જ્ઞાની પુરુષ’ કરાવે ને થઈ જાય. ‘જ્ઞાની પુરુષ’ મહેનત કરાવે તો તો આપણે કહીએ નહીં કે, ‘મારું જ ફ્રેકચર થયેલું છે તો હું મહેનત શી રીતે કરી શકીશ ?’


આ ડોક્ટર પાસે જઈએ ને એ ડોક્ટર કહે કે, ‘દવા તારે લાવવાની, તારે જાતે વાટવાની-કરવાની.’ તો તો આપણે એ ડોક્ટર પાસે આવત જ શું કામ ? આપણે જાતે જ ના કરી લેત ? તેમ ‘જ્ઞાની પુરુષ’ પાસે આવીએ અને મહેનત કરવી પડે તો અહીં (સત્સંગમાં) આવીએ જ શું કામ ? પણ ‘જ્ઞાની પુરુષ’ પાસે તપ-ત્યાગ-મહેનત કશું જ ના હોય અને ‘જ્ઞાની પુરુષ’ને કશું જોઈતુંય ના હોય, એ પોતે જ આખા બ્રહ્માંડના સ્વામી હોય, તેમને શેની જરૂર હોય ! ‘જ્ઞાની પુરુષ’ આ દેહના એક ક્ષણ પણ સ્વામીત્વ ભાવમાં ના હોય. જે દેહનો માલિક એક ક્ષણ પણ ના હોય, તે આખા બ્રહ્માંડનો માલિક હોય. બહાર ગુરુઓ છે, તેમને તો છેવટે માનનીય સ્પૃહા હોય, કીર્તિની સ્પૃહા હોય. જ્ઞાનીને તો કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી. એમને તો તમે આ હાર પહેરાવો છો એનીય જરૂર નથી, એમને ઊલટો એનો ભાર લાગે ને કેટલાંક ફૂલોના જીવડાં ઉપર ચઢી જાય, એમને આ બધું શા હારુ ? આ તો તમારા માટે છે, તમારે જરૂર હોય તો હાર પહેરાવો. આ સાંસારિક અડચણો હોય તો આ હાર પહેરાવવાથી દૂર થઈ જાય. ‘શૂળીનો ઘા સોયે સરે.’ એમ એના કર્તા નથી, નિમિત્ત છીએ. ‘જ્ઞાની પુરુષ’નાં નૈમિત્તિક પગલાં પડે ને તમારું બધું સુંદર જ થાય; બાકી, ‘જ્ઞાની પુરુષ’ એટલે જેમને કોઈ પણ જાતની ભીખ નથી; લક્ષ્મીની, વિષયોની, માનની, કીર્તિની, કોઈ પણ પ્રકારની ભીખ તેમને ના હોય !


‘અમારી’ એક ઈચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે, જગત મોક્ષમાર્ગને પામે ! મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઈલ ચાલે ત્યારે. અત્યારે આ ધર્મો છે એ વીતરાગ માર્ગ પર નથી. વીતરાગ માર્ગ ઉપર કોને કહેવાય ? નોર્મલ ઉપર આવે તેને. અબોવ નોર્મલ ઈઝ ધી ફીવર, બીલો નોર્મલ ઈઝ ધી ફીવર. ૯૭ ઈઝ ધી બીલો નોર્મલ ફીવર એન્ડ ૯૯ ઈઝ ધી અબોવ નોર્મલ ફીવર. ૯૮ ઈઝ નોર્માલિટી ! અબોવ નોર્મલ અને બીલો નોર્મલ બન્નેય ફીવર છે. આ વાત તો ડોક્ટરો એકલા લઈને બેઠા છે, પણ એ તો બધાંને માટે હોય ! ઊંઘવામાં, ખાવામાં, પીવામાં, બધામાં નોર્માલિટી જોઈશે, એ જ વીતરાગ માર્ગ છે. અત્યારે તો બધે અબોવ નોર્મલ હવા ઊભી થઈ ગઈ છે, તે બધે પોઈઝન ફરી વળ્યું છે. એમાં કોઈનો વાંક નથી, સૌ કાળચક્કરમાં ફસાઈ ગયા છે !


વીતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો. આ તો તપમાં પડે તો તપોગચ્છ થઈ જાય. અલ્યા, આ ગચ્છમાં ક્યાં પડ્યો ? આ તો બધા કૂવા છે, આમાંથી નીકળ્યો તો પેલા કૂવામાં પડ્યા અને આ તો એક જ ખૂણો વાળ વાળ કરે છે. તપનો ખૂણો વાળે તે તપનો જ વાળ વાળ કરે, કેટલાક ત્યાગનો ખૂણો વાળે તે ત્યાગનો જ વાળ વાળ કરે, શાસ્ત્રો પાછળ પડ્યા તે તેની જ પાછળ ! અલ્યા, એક ખૂણા પાછળ જ પડ્યા છો ? મોક્ષે જવું હશે તો બધા જ ખૂણા વાળવા પડશે ! છતાં, ખૂણા વાળ્યા એટલે એના ફળ તો મળશે જ, પણ મોક્ષ જો જોઈતો હોય તો એ કામનું નથી. તારે જો ચતુર્ગતિ જોઈતી હોય તો ભલે એકની પાછળ પડ. મનુષ્યમાં ફરી જન્મ મળે, બધે વાહવાહ મળે, એવું હું તને અહીંયાં આપી શકું તેમ છું. પણ આ તો ક્યાં સુધી ? પછી જ્યાં જાય ત્યાં કપાળ કૂટો ને ક્લેશ ઊભો થાય, એવું માગવા કરતા ઠેઠનો તારો મોક્ષ લઈ જાને મારી પાસે ! કાયમનો ઉકેલ આવે એવું કંઈક લઈ જા અહીંથી !


એક-એક ઈન્ડિયનમાં વર્લ્ડ ધ્રુજાવે એવી શક્તિ પડી છે. અમે આ ઈન્ડિયનને શાથી જુદા પાડીએ છીએ? કારણ કે, ઈન્ડિયન્સનું આત્મિક શક્તિનું પ્રમાણ છે માટે, પણ એ શક્તિ આજે આવરાઈ ગઈ છે, રૂંધાયેલી છે, એને ખુલ્લી કરવા નિમિત્ત જોઈએ, ‘મોક્ષદાતા પુરુષ’નું નિમિત્ત જોઈએ, તો શક્તિ ખુલ્લી થાય. જેને કોઈ પણ દુશ્મન નથી, દેવમાત્ર પણ દુશ્મન નથી, એવા ‘મોક્ષદાતા પુરુષ’નું નિમિત્ત જોઈએ.


આ તો અમે કહીએ છીએ કે, ‘મોક્ષમાર્ગ ખુલ્લો છે.’ તો એ બાજુ હિલચાલ ચાલુ થઈ જાય અને એથી ઊંચે જવાય. મોક્ષે જવું એ આત્માનો સ્વભાવ છે, પુદ્ગલ એને નીચે ખેંચે છે; પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જ જીતશે. પુદ્ગલમાં ચેતન છે નહીં, તેથી તેનામાં કળા ના હોય અને ચેતન એટલે કળા કરીનેય છૂટી જાય. જેને છૂટવું જ છે એને કોઈ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઈ છોડી શકે નહીં !


‘મોક્ષ નથી.’ એવું કહ્યું એટલે છૂટે શી રીતે ?! અલ્યા, મોક્ષ નથી, પણ મોક્ષના દરવાજાને હાથ અડાડી શકાય છે અને અંદરના બધા મહેલ દેખાય છે, દરવાજા ટ્રાન્સપરન્ટ છે; તેથી, અંદરનું બધું જ દેખાય એવું છે ! પણ આ તો શોરબકોર કરી મૂક્યો કે, ‘મોક્ષ નથી, મોક્ષ નથી.’ પણ આ તને કોણે કહ્યું ? તો કહે કે, ‘આ અમારા દાદા-ગુરુએ કહ્યું, પણ દાદા-ગુરુ જોવા જઈએ તો હોય જ નહીં !’ આ તો ‘વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરૂં ભસ્યું.’ એના જેવું છે. તે કો’ક બહાર નીકળ્યો હશે, તે બૂમાબૂમ કરી મૂકે કે ‘શું છે ? શું છે ?’ ત્યારે બીજો ઠોકઠોક કરે કે ‘ચોર દીઠો’ ને તેથી શોરબકોર મચી ગયો ! આવું છે !! છે કશું જ નહીં ને ખોટો ભો અને ભડકાટ !! પણ શું થાય ? આ લોકોને ભસ્મકગ્રહનું ભોગવવાનું હશે, તેથી આવું થયું હશે ને ? પણ હવે તો એ બધું પૂરું થવાનું એ નક્કી જ છે !


પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ નથી એમ જે કહે છે, તે ખરું છે ?


દાદાશ્રી : ભગવાને કહેલું વાક્ય એ ક્યારેય પણ ખોટું ના થાય; પણ મહાવીર ભગવાને શું કહેલું કે, ‘આ કાળમાં આ ક્ષેત્રેથી જીવ મોક્ષે જઈ શકશે નહીં’, તે લોકો ઊંધું સમજ્યા. આમાં કેટલાકે કહ્યું કે, ‘મોક્ષ નથી.’ તેથી એ બાજુ જવાનું છોડી દીધું અને લોકો પણ એ પ્રવાહમાં ખેંચાયા ! પણ પ્રવાહમાં આપણે પણ ખેંચાવું એવું કોણે કહ્યું ? ભગવાને શું કહ્યું કે, ‘આ કાળમાં આ ક્ષેત્રે એક લાખ રૂપિયાનો ચેક મળતો નથી, પણ નવ્વાણું હજાર, નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો (૯૯,૯૯૯.૯૯) ચેક મળી શકે તેમ છે.’ અલ્યા, આ કાળમાં ૯૯,૯૯૯ રૂપિયાને ૯૯ પૈસા સુધી તો મળે છે ને ? આ તો ઉપરથી છૂટા પૈસા મળ્યા ! તે કેન્ટિનમાં ભજિયાં-બજિયાં ખાવા હોય, તોય છૂટા પૈસા ચાલે ને ? અત્યારે તે રૂપિયાનું ચિલ્લર લે તોય પાંચ પૈસા કમિશન લઈ લે છે ને ? અમે આ કાળમાં નવ્વાણું હજાર, નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો ચેક આપી શકીએ તેમ છીએ. આ લોકોને ‘મોક્ષ નથી’ એટલી ખબર પડી, તો ક્યાં સુધી માર્ગ ખુલ્લો છે ? એ તો ખોળી કાઢ ! આ વડોદરા સુધી ગાડી જતી નથી, પણ સરહદ સુધી જાય છે, તો તો ગાડીમાં બેસી જવું જ જોઈએ ને ? પણ આ તો ઘેરથી જ નીકળતો નથી તે ઘરના જ દરવાજા વાસી દીધા છે ! આવી અણસમજણ ઊભી થઈ જાય, એમાં કોનો દોષ ? આ તો ‘એક જ પૈસો નથી.’ એટલું જ ‘જ્ઞાની પુરુષ’ કહેવા માગે છે.


આ છ આરામાં અસલમાં અસલ, સારામાં સારો કાળ, એ પાંચમો આરો છે, એને તો ‘ભઠ્ઠીકાળ’ કહ્યો છે. આ તો એક બાજુ સાયન્ટિસ્ટ છે ને બીજી બાજુ ભઠ્ઠી છે, તો પછી ગમે તેવું છાસિયું સોનું હોય તોય ચોખ્ખું સોનું ચોકસી કાઢી આપશે ! છઠ્ઠા આરામાં ચોકસી નહીં હોય ને ભઠ્ઠી એકલી હશે. પાંચમાં આરામાં તો મહાવીર ભગવાનનું લાંબામાં લાંબુ શાસન છે. આગળના તીર્થંકર ભગવાનના શાસન તો ભગવાન નિર્વાણ પામે ત્યાં સુધી રહેતા અને આ મહાવીરના નિર્વાણ પછીનું 21 હજાર વર્ષ સુધીનું શાસન રહેશે !


દાદાશ્રી : ભગવાને શું કહેલું કે, ‘મોક્ષ તો પા માઈલ જ છેટે છે અને દેવગતિ કરોડો માઈલ દૂર છે; પણ નિમિત્ત મળવું જોઈએ, એના વગર મોક્ષ નહીં મળે.’ જેનો મોક્ષ થયેલો છે એ જ મોક્ષ આપી શકે. આ તો બૈરી-છોકરાંને છોડીને ગયા અને માને કે માયા-મમતા છૂટી ગઈ. ના, તું જ્યાં જઈશ, ત્યાં મમતા નવી વળગાડીશ, મમતા તો મહીં બેઠી વધ્યા કરે. એ તો ‘જ્ઞાની પુરુષ’નું જ કામ, જેમ દવા આપવી એ ડોક્ટરનું કામ તેમ ! આ કારિયાણાવાળાને પૂછીએ કે, ‘હાર્ટ એટેક આવ્યો છે, તો દવા આપ.’ તો એ શું કહે કે, ‘જાવ ડોક્ટર પાસે.’ આ તો ભગવાનની વાત સમજ્યા નહીં ને ચોપડવાની દવા પી ગયા ! પછી થાય શું ? મોક્ષ પોતાની પાસે જ છે, આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે.


આ મન તો જાતજાતનું દેખાડે, એને માત્ર ‘જોવાનું અને જાણવાનું’ હોય. મનને તે દેખાડવું એ એનો ધર્મ-મનોધર્મ છે અને આપણો ધર્મ જોવા-જાણવાનો છે; પણ જો તેની સાથે તન્મયાકાર થાય, શાદી સંબંધ થાય તો હેરાન કરે. મોક્ષ એટલે મન, વચન, કાયાથી મુક્તપણું; ‘પોતાનું’ સ્વતંત્ર સુખ, કોઈના અને પોતાના મન-વચન-કાયા અસર ના કરે ! મન-વચન-કાયાનું કેવું છે ? કે ‘આ’ દુકાન હોય ત્યાં સુધી આપણી દુકાનનો માલ બીજે જાય અને બીજાની દુકાનનો માલ આપણી દુકાને આવે એવું છે !


ભગવાને કહ્યું કે, ‘મોક્ષ માટેનું ચારિત્ર’ તે તો આજે ક્યાંય જરાય રહ્યું નથી, દેવગતિ માટેના ચારિત્ર છે ખરા. મોક્ષ માટે તો ‘ભગવાનની આજ્ઞામાં રહે, આત્મજ્ઞાન થાય પછીનું ચારિત્ર, એ ચારિત્ર મોક્ષ આપે !

બીજા રસપ્રદ વિકલ્પો