સંધ્યા - 55 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 55

સંધ્યાએ ભરાવેલી કી ને ચાલુ કરી અને ઓટોસ્ટાર્ટ કર્યું એટલે એનું સ્કૂટર ચાલુ થઈ ગયું હતું. આંખે રસ્તે એક જ વાત મનમાં દોડી રહી હતી કે, પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. મેં મારા દીકરાનો પણ ઘણો સમય મારા ભણતરમાં લીધો છે એને મેં સરખો સમય આપ્યો નહીં. એનું બાળપણ મેં આમ જ મારી ચિંતામાં વેડફ્યું છે. સંધ્યા આજે ન હોય એવી અનેક ચિંતાઓને વશ થઈ ગઈ હતી. આખરે એ પરીક્ષા કેન્દ્રે પહોંચી ગઈ હતી. જેવો બેલ વાગ્યો બધા પોતાના પરીક્ષા ખંડને શોધી ત્યાં જઈ રહ્યા હતા. સંધ્યાને ખુબ જ બીક લાગતી હોવાથી એને પાણીની તરસ પણ લાગી હતી. પોતાનો ક્લાસ શોધી એને પોતાની સીટ પણ શોધી હતી. પોતાની સીટ પર બેસી એણે સૌ પ્રથમ પાણી પીધું હતું. ત્યારબાદ આસપાસ નજર ફેરવી હતી. સંધ્યાની ઉંમરના પણ ઘણા બહેનો હતા. એમને જોઈને સંધ્યાને થોડી રાહત થઈ હતી. બીજી બે બહેનો એના જેમ વિધવા હતી એ પણ સંધ્યાએ નોંધ્યું હતું. બધા સ્ટુડન્ટ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. થોડીવારમાં પરીક્ષક ક્લાસમાં આવ્યા હતા. મેડમે બધા જ વિદ્યાર્થીઓને ઉત્તરવહી આપી હતી અને એમાં પોતાની સહી પણ કરી આપી હતી. ફરી સંધ્યાના ધબકાર તેજ થઈ ગયા કે, પેપરમાં જે પુછાશે એ આવડતું તો હશે ને? અંતે પરીક્ષાનો બેલ વાગ્યો કે, તરત જ મેડમે બધાને પ્રશ્નપેપર આપ્યું હતું.

સંધ્યાએ પેપરને હાથમાં લીધું. આખું પેપર એક મિનિટમાં નજર ફેરવીને ચેક કર્યું. પેપરમાં હતું એ આવડતું તો હતું, પણ સંધ્યાને ફરી ડર લાગ્યો કે, પેપર પૂરું તો થશે ને! સંધ્યાને નેગેટિવ વિચાર ખુબ ઘેરી રહ્યા હતા. એનું શરીર પણ ખુબ પરસેવે રેબઝેબ થઈ રહ્યું હતું. એને પેન હાથમાં લીધી પણ લખાતું નહોતું. બસ, આજ ક્ષણે સૂરજનો અહેસાસ એને એક સેકન્ડ આંખ બંધ કરીને માણ્યો હતો. આજે તો સૂરજ હસતા ચહેરે બોલ્યો, "સુનિલ સાચું કહે છે, તું બીકણ સસલું છે. ચાલ તો તને બધું આવડે જ છે. લખ ફટાફટ." સંધ્યાએ આંખ ખોલી પાણી પીધું અને મનમાં જ હસતા એણે પેપર લખવાનું શરૂ કર્યું હતું. ખુબ જ ફટાફટ એક પછી એક બધા જ પ્રશ્નોના જવાબ લખતી ગઈ હતી. સંધ્યા પેપર લખવાનું શરૂ કર્યું પછી એક વખત પણ એની પેન સ્ટોપ થઈ નહોતી. સંધ્યાનું આખું પેપર પૂરું લખાઈ ગયું હતું. સંધ્યાને એ પેપર ફરી વાંચવાનો સમય પણ મળ્યો હતો. ત્યાં જ બેલ વાગી અને મેડમ ઉત્તરવહી લેવા આવ્યા હતા. સંધ્યા પરીક્ષા ખંડમાંથી નીકળી ત્યારે ખુબ જ હળવી થઈ ગઈ હતી. એ સીધી જ અભિમન્યુને લેવા ગઈ હતી. એ સ્કૂલ પહોંચીને તરત જ અભિમન્યુ પણ છૂટ્યો હતો. એ તરત બોલ્યો, "મમ્મી તારી પરીક્ષા કેવી ગઈ? તને બધું આવડી ગયું?"

"હા, બેટા! મસ્ત ગઈ, મને બધું જ આવડી ગયું." એમ કહેતા એણે અભિમન્યુને તેડીને એના ગાલ પર એક પપ્પી કરી લીધી હતી.

અભિમન્યુને મમ્મી ખુબ જ ખુશ લાગતી હતી આથી એ પણ બહુ જ ખુશ થઈ ગયો હતો. સાંજે ફૂટબોલમાં એણે પણ ખુબ જ સરસ પ્રેક્ટિસ કરી હતી. એ પણ મમ્મીની જેમ પોતાને રોક બનાવવાનો પ્રયાસ કરતો હતો. સંધ્યાની પરીક્ષા પુરી થઈ ગઈ હતી. બધા થીયરી અને પ્રેક્ટિકલ પેપર સરસ ગયા હતા. પરમદિવસે અભિમન્યુની ટુર્નામેન્ટ હતી. એને આજે સંધ્યા ટ્રેનિંગમાં મુકવા ગઈ ત્યારે ત્યાં જ રહીને દૂર બેસીને એ અભિમન્યુ કેમ રમે છે એ જોઈ રહી હતી. આજે અભિમન્યુને રમતા જોઈને સંધ્યાને સૂરજ યાદ આવી ગયો. એની છેલ્લી ટુર્નામેન્ટ હતી ત્યારે એ જે જુસ્સાથી રમતો હતો એ એનો જુસ્સો આજે એને અભિમન્યુમાં દેખાઈ રહ્યો હતો. અભિમન્યુ એની ટ્રેનિંગ પતાવીને બહાર આવ્યો હતો. જીતેશને મળીને સંધ્યાએ પૂછ્યું કે, "અભિમન્યુ ટુર્નામેન્ટમાં રમવા માટે બરાબર ટ્રેઈન થઈ ગયો છે ને? એ સારું પરફોર્મ કરી શકશે ને?

"હા, એ પણ ખુબ જ સરસ એની ઉંમર કરતા પણ વધુ સારું રમે છે! સરની જેમ જ રમશે! તમે ચિંતા બિલકુલ ન કરો. આ ટુર્નામેન્ટમાં એ બધા કરતા સારું જ પરફોર્મ કરશે!" જીતેશે ખુબ ખાતરી પૂર્વક કીધું હતું.

સંધ્યા આ સાંભળીને ખુશ થઈ ગઈ હતી. સંધ્યાએ ઘરે આવીને આજે અભિમન્યુને એના પપ્પાના યૂટ્યુબ પરના ટુર્નામેન્ટના વિડીયો દેખાડ્યા હતા. સૂરજના ગયા બાદ આજ પહેલીવાર સંધ્યાએ એના વિડીયો જોયા હતા. અભિમન્યુ કહે, "પપ્પાની અમુક ટ્રીક ખુબ જ સરસ છે. પપ્પા કેટલું સરસ રમે છે. ગોલ કરવા માટે જે સ્ટાઈલથી એ રમે છે એ સ્ટાઈલને જોઈને ગોલકીપર પણ વિચારમાં પડે કે બોલને કેમ રોકવો. મમ્મી હું કાલે ટ્રેનિંગમાં પપ્પા જે રીતે રમે છે એમ રમવાનો પ્રયત્ન કરીશ! અને મને ખબર છે કે હું આમ કાલે પ્રેક્ટિસ કરીશ એટલે ટુર્નામેન્ટમાં રમી શકીશ." એકદમ ઉત્સાહથી અભિમન્યુ બોલ્યો હતો. અભિમન્યુ ખુબ જ જુસ્સામાં આવી ગયો હતો. એ એમ બોલી ગયો, "મને હવે સમજાયું કે, કૃષ્ણજીએ કેમ પપ્પાને એની પાસે રોકી લીધા છે. પપ્પા રમે છે જ એટલું સરસ કે કૃષ્ણજીને પણ એમની જોડે રમવાનું મન થતું હશે. પણ એમાં મને પપ્પા સાથે રમાશે નહીં ને!" દુઃખી ચહેરે અભિમન્યુ એના મનમાં જે આવ્યું એ બોલી ઉઠ્યો હતો.

સંધ્યાને તો એમ થઈ ગયું કે, "મેં ક્યાં આને એના પપ્પાના વિડીયો દેખાડ્યા? પડેલ ઘા ને કોતરી લીધો હોય એવો અહેસાસ સંધ્યાને થઈ રહ્યો હતો. અભિમન્યુને સમજાવા માટે આજ સંધ્યા પાસે કોઈ જ શબ્દ નહોતો. એના દીકરાનું દુઃખ એ કેમ દૂર કરે એ દુવિધામાં સંધ્યાએ આંખ મીંચીને સૂરજને યાદ કર્યો હતો. આંખ ખોલી એ અભિમન્યુને બોલી, "જો બેટા! તું આવું ન વિચાર મેં તને કીધું હતું ને કે, બહુ જ સારા લોકો હોય એને જ ભગવાનજી એમની પાસે રાખે છે. તું એમ વિચાર બેટા કે, તું કેટલો લક્કી છે! તું એક ખુબ જ સરસ સુપરસ્ટાર પ્લેયરનો દીકરો છે."

"હા મમ્મી તમારી વાત સાચી છે. હું જ સાવ ઊંધું વિચારવા લાગ્યો હતો."

અભિમન્યુના એક એક શબ્દ સંધ્યાના મનને ખુબ જ વિચલિત કરી રહ્યા હતા. સંધ્યાને ખુબ જ દુઃખ હતું કે એ હજુ અભિમન્યુને પૂર્ણ સત્ય જણાવી શકી નહોતી. એણે મનોમન ભગવાનને અને સૂરજને માફી માંગીને કહ્યું કે, તમે મને એટલી હિંમત આપો કે, હું મારા દીકરાને હકીકતથી વાકેફ કરી શકું!

અભિમન્યુએ અમુક વિડીયો જોયા બાદ એને ઊંઘ આવવા લાગી હતી. સંધ્યાએ એને શાંતિથી ઉંઘાડી દીધો હતો. પોતે પણ એની સાથે જ આજ ઊંઘી જવાનો પ્રયાસ કરી રહી હતી. સંધ્યાને આજે નિદ્રારાણી મહેરબાન નહોતી. એનું વિચલિત થયેલું મન શાંત થતું નહોતું. એ પોતાના રૂમની બારી પાસે જઈને ત્યાં ખુરશી નાખીને બેઠી હતી. ચંદ્રને જોઈને એને ખુબ શાંતિ મળી હતી. આંખને ચંદ્રમા જ કેન્દ્રિત કરી હતી. એ ચંદ્રને જોવામાં એટલી તલ્લીન થઈ ગઈ હતી કે, એ ચંદ્રમાની પ્રતિમાની અંદર જ સૂરજ સાથે હિંડોળામાં સંધ્યા બેઠી હતી. હિંડોળો ખુબ સરસ સજાવેલો હતો. આ હિંડોળાને જોઈને સંધ્યાને પોતાના લગ્ન વખતના દાંડિયારાસ વખતનો હિંડોળોને એ રાત્રીની આજ યાદ આવી ગઈ હતી.

સંધ્યાને સૂરજનો અહેસાસ જીવંત રાખે છે, કેમ સંધ્યા સૂરજના દર્દમાંથી બહાર આવી શકશે?

શું અભિમન્યુ પણ એના પપ્પાની સ્ટાઈલ મુજબ રમવાનો પ્રયાસ કરવાથી સફળતા મેળવી શકશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ