Veer Hamirji Gohil - 2 books and stories free download online pdf in Gujarati

વીર હમીરજી ગોહિલ - ભાગ 2

સોમનાથ મંદીરની રક્ષા કરવા પ્રતિજ્ઞા

સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામનાં ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલેલ હતો. તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો. ઘરેથી તેના ગયા પછી અરજણજી વિરહમાં ખુબજ દુ:ખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયાં. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ ૨૦૦ જેટલા રાજપુતને ઘોડાઓની સાથે ગઢાળીનો મારગ પકડયો. હમીરજી ગઢાળી પહોંચતા જ ગોહિલ કુળમાં આનંદનો આરોવારો નથી રહયો. અરઠીલાથી દુદાજી આવ્યા. ધામેલથી કાકા વરસંગદેવજી આવ્યા. એક ન મળ્યા અરજણજી. તેઓ તો જુનાગઢ હતા.

જેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અરઠીલા તેડી આવ્યા. આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે તેમના મોટાભાઈ ને ત્યા અરઠીલામાં પસાર કરતા હતા. ઝફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નથી. અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતળજી ભાટ્ટી, સઘદેવજી સોલંકી, સિહોરનાં જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરૂબંધોની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભુખ લાગી હતી. હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા. એટલે દુદાજીના પત્નિ જે હમીરજીનાં ભાભીએ કહ્યુકે, દિયરજી, આટલી બધી ઉતાવળ કાં કરો ? ઝટ ખાઈને સોમૈયાની સખાતે ચડવુ છે ? આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યુકે, કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે ? તેથી તેના ભાભીએ કહ્યુકે, પાદશાહી દળકટક સોમનાથ મંદીરને તોડવા ચાલ્યુ આવે છે અને ગુજરાતનાં સુબાની ફોજ સોમનાથના માર્ગે છે.

આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યુ ભાભી, શું વાત કરો છો ? કોઈ રાજપુતજાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી ? મહાદેવ પર રાજપુતોનાં દેખતા વિધર્મીઓની ફોજ ચડશે ? શું રાજપુતી મરી પરવારી છે ? આવા કેટલાય સવાલ તેને કરી નાખ્યા. અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યુકે, રાજપુતો તો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી. અને આ કંઈ થોડો શિકાર કરવો છે ? જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનુ છે અને તમને બહુ લાગી આવતુ હોય તો તમે હથિયાર બાંધો, દિયરજી. તમેય કયાં રાજપુત નથી ? આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા. પણ હમીરજીને ઝાળ લાગી ગઈ. અને મેણુ હાડોહાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યુકે, મારા બેય ભાયુંને ઝાઝેરા જુહાર કહેજો. હું તો સોમનાથ મંદીરની સખાતે જાઉ છું. દુદાજીનાં રાણીએ હમીરજીને ઘણુ સમજાવ્યા. પણ તે એકના બે ન થયા અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામદુહાઈ આપી. બસ્સો જેટલા મરજીવા સાગ્રીતો સાથે હમીરજીએ સોમનાથનો મારગ લીધો. આમ જયારે સુબાની બીકે પ્રજા દિગ્મુઢ બની ગઈ હતી. રજવાડા આંતરકલહમાં પીંખાયેલા હતા. યુધ્ધનું આહવાન ઉપાડવુ કપરૂ હતુ. તેવે સમયે હમીરજીએ મોતને માંડવડે પોંખવાનો નિર્ણય લીધો અને ચાલી નિકળ્યા સોમૈયાની સખાતે.

રસ્તામાં દ્રોણગઢડા ગામમાં લગ્ન

હમીરજી કલૈયા કુંવર જેવા બસ્સો ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે ચાલ્યા જાય છે. રસ્તામાં એક નેસડુ આવ્યુ. અરધી રાતનો સમય થયો હશે. ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો. ત્યાં રાતના સુનકારને ચીરતો મરશિયાનો અવાજ સંભળાયો. નેશના ઝુંપડામાં એક વ્રૂધ્ધા ચારણ મરશિયા ગાય છે. આઇનું રોણુ સાંભળીને પવન પણ થંભી ગયો છે. હમીરજી પણ ઊભા રહી ગયા અને નેશમાં જઈને પુછે છેકે, મા તમે કોના મરશિયા ગાતા હતા ? આઈએ જવાબ આપ્યો કે, હું રંડવાળ છુ બાપ. મારા દીકરાના મરશિયા ગાતી'તી. જુવાનજોધ પુત્ર હમણાં પંદરેક દિવસ પહેલા મરણ પામેલ છે. આ સાંભળીને હમીરજીએ આઇને કહ્યુકે, મા પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરશિયા ગાશો ? મારે સાંભળવા છે. તે ચારણનુ નામ લાખબાઈ હતુ. તેને કહ્યુ, મોળા બાપ, ઈ શું બોલ્યો ? તારા મરશિયા ગાઈને ઈ પાપમાંથી મારે ક્યારે છુટવુ ? તેથી હમીરજીએ કહ્યુ, આઈ, અમે મરણને મારગે છીએ. સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ. ઈ મારગેથી પાછા અવાય એવું નથી. ત્યારબાદ હમીરજીએ આઇને માંડીને બધી વાત કરી.

આઈ લાખબાઈ પોરસીલા રાજપુતની જવાંમર્દી ઉપર ઓળઘોળ થઈ ગયા. અંતરથી આશિષ આપ્યા. પછી કહ્યુકે, બેટા હમીરજી, તુ પરણ્યો છે ? હમીરજીએ જવાબ આપ્યો કે, ના આઈ. આઈએ કહ્યુકે, તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે. કુંવારાને રણમાં અપસરા વરે નહીં. આ સાંભળીને હમીરજીએ કહયુકે, પણ આઈ, અમને મરવા જનારાને કોણ દીકરી આપે ? આમ હમીરજીએ શંકા વ્યકત કરી. આઈએ હમીરજીને કહ્યુકે, બાપ આ રસ્તે તારી શુરવીરતા પર રાજી થઈ કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના ન પાડતો. મારૂ વેણ પાળજે દિકરા. આટલુ બોલીને આઈ લાખબાઈ ડમણીમાં બેસી સોમનાથને મારગે ચાલ્યા. હમીરજીને કહે, હું તારી પહેલા સોમનાથ જઈને વાટ જોઈશ.

ત્યાંથી આગળ ચાલતા રસ્તામાં દ્રોણગઢડા આવ્યુ. વેગડાજી કરીને ભીલ સરદારની ગિરમાં આણ ફરે. ત્રણસો ભીલ તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા દોઢ હજાર ભીલયોધ્ધા ભેગા કરી શકતો. ગિરથી માંડી સિહોર પાસેના સરોડના ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા. ભીલ બધા સોમનાથને ખુબજ માનતા અને જુનાગઢનાં રા'ની સતા સ્વીકારતા હતા. વેગડાજીને એક જુવાન દીકરી હતી તેનું નામ રાજબાઈ. એકવાર કોઈ જેઠવા રાજપુત તુલસીશ્યામની જાત્રાએ જતા હતા. રસ્તામાં વેગડા ભીલે તેને આંતર્યા અને ભીલ અને રાજપુત વચ્ચે ધીંગાણુ થયું. તે જેઠવા રાજપુત કામ આવ્યો. પણ મરતા મરતા પોતાની નાની દીકરીને વેગડાને સોંપીને ભલામણ કરીકે, ભાઈ, આ દીકરીને ઉછેરજે અને ઉંમરલાયક થતા કોઈ સારો રાજપુત જોઈ તેના લગ્ન કરાવજે. આમ તેની વાત સ્વીકારીને વેગડાએ પોતાની દીકરી હોય તેમ ઉછેરી હતી. તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી. જેથી તે સમયે આઈ લાખબાઈની ડમણી અટકાવી. બે ટંક રોકયા. દીકરી માટે કોઈ સારા રાજપુતનું ઠેકાણુ પુછયું. તેથી લાખબાઈએ કહ્યુકે, બાપ વેગડા, હમીરજી લાઠિયો સોમૈયાની સખાતે નીકળ્યો છે. તને ના નહીં પાડે. એની સાથે રાજબાઈને વરાવ. મર્દામદ રાજપુત છે.

આઈ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના ત્રણસો બાણાવાળી ભીલો સાથે ગિરમાં કાળવાનેસ પાસે પડાવ નાખ્યો. હમીરજીને કોઈ વળગણ હવે રહી નથી. માંથુ તો સોમનાથને ચડી ચુકયુ હતું. આમ આગળ વધતા વધતા તે કાળવાનેસ પાસે આવ્યા. નેસની બાજુમાં જ શિંગવડો નદી વહે છે. તેમાં હમીરજી અને તેના સાથીદારો નહાવા પડયા. નહાતા નહાતા રમતે ચડી ગયા. તેમાં થોડા આઘા નીકળી ગયા. ઘણીવારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયબ હતા. હમીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર દીધાકે થોડે દુર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણે છે. સૌ પછેડીભર ભીલોના પડાવ સુધી આવ્યા. વેગડો ભીલ આગળ આવ્યો. ઓળખાણ પુછી કે હમીરજી ગોહીલ તમે પોતે ? તમારી તો વાટ જોઈ રહ્યા છીએ અમે. હમીરજીએ પુછ્યુકે, તમે કોણ ? સામે જવાબ મળ્યો કે, વેગળો ભીલ. તેથી હમીરજી બોલ્યા, ઓ હો હો, વેગડો ભીલ, ગિરનો સાવઝ, ભારે કામ થયુ. સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો.

વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે બે દિવસ મહેમાનગતિ કરવા રોક્યા. તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તેમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યુ. આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમનાં શેરડા પડ્યા. મુંગા મોઢે સંમતિ આપી. વેગડાએ હમીરજીને વાત કરી. હમીરજીની સંમતિ મળી ગઈ. રાજબાઈ સાથે હમીરજીના સમુહ લગ્ન ઉજવાણા. ઢોલ અને શરણાઈ ગહેંકી ઊઠયા, મોતને માંડવે પોંખાવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી ગિરને ગાંડી કરી મુકી. અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈપણ કુંટુંબીજનોની હાજરી વગર થયા હતા જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે.



સોમનાથ મંદીરનાં પ્રાંગણમાં ધમસાણ યુધ્ધ
આમ ગિરનાં જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો મારગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યુ. હમીરજીની સાથે અરઠીલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કુબે, ટીંબે, ને ગામડે વસતીને ભલકારા દેતો ફરી રહ્યો છે. રાજપુત, કાઠી, આહીર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આમ રસ્તામાંથી જેટલા યોધ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે.

વેગડાજીએ એના જાસુસો મારફત ઝફરખાનની ફોજના સમાચાર મેળવે છે. બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને દંડતો આવે છે. તેમની સેનાને રોકનારૂ કોઈ નથી નીકળ્યુ. જયારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શુરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પુજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઊભા છે. ઝફરખાનને રોકટોક સોમનાથને રોળી નાખવુ હતું. તેને સમાચાર મળેલા કે કો'ક રડ્યા ખડ્યા માંથા ફરેલા સામનો કરશે. જ્યારે વેગડાજીનો પડાવ સોમનાથના મંદીરની બહાર રહેલો. પ્રભાસ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચયો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બળુકા હાથમાંથી છુટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકરાવી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનુ પ્રબળ ઝનુન છે, તો બીજી તરફ મંદીરને બચાવવાની અજબ જિજિવિષા છે. હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડયો.

તે સમયે ભીલ બાણાવળીઓ ઝફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીચ ઝાડીમાં વ્રૂક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડયા. ઝફર વધારે રોષે ભરાયો હતો. તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. ઝફરખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરીને વેગડાજી સાથે યુધ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સુંઢમાં લઈને આઘે ધા કર્યો અને વેગડાજી ત્યાંજ મરાણો. બીજી બાજુ હમીરજી સોમનાથ અને પાટણ નું રક્ષણ કરી રહ્યા હતા. વેગડાજી શહીદ થતાની સાથે જ ઝફરખાનનાં સૈન્યએ સોમનાથના ગઢ માથે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મુક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. સાંજ પડી મંદીરમાં આરતી થઈ હતી અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યુહ સમજાવ્યો. ઝફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધુ હતુ અને એક બાજુતો સમુદ્ર હતો. બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈ ને દુશ્મનોના હાથીને ભાલા ઘોકીને ત્રાહીમામ પોકરાવી દીધા, જેથી ઝફરખાનનુ સૈન્ય હચમચી ગયું. ઝફરખાને અંદર પ્રવેશવા માટે ગઢનાં પાયામાં સુરંગ ખોદાવી હતી, તેમા હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આમ યુધ્ધને લગાતાર નવ દિવસ પુરા થઇ ગયા હતા.

યુદ્ધ મા વીરગતિ
સોમનાથના ગઢની સામેજ નવ નવ દિવસથી ઝફરખાનનાં સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા. સોમનાથને તુટતુ બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શુરવીરો એકઠા થયા હતા. નવમાં દિવસની રાત્રે હમીરજીએ યુધ્ધનો વ્યુહ સમજાવ્યો અને સવારના પહોરમાં સુરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મુકી દેવો અને કેસરિયા કરી લેવા. " થઈ જાવ સૌ સાબદા " એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવનાં ધોષ ગાજ્યા. આખી રાત કોઈ સુતુ નથી, સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સુવા ન દીધા. પરોઢીયે નહાઇ ધોઇને હમીરજીએ શંકરની પુજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યુ કે આઈ, આશિષ આપો. કાનોકાન મોતના મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, ધન્ય છે વીરા તને . સોરઠની મરવા પડેલી મર્દાનગીનુ તે પાણી રાખ્યું. અને તેને ગાયુ કે,

વે'લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી;
હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.

માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ;
સોમૈયાને શીષ, આપ્યુ અરઠીલા ધણી.

દશમાં દિવસની સવારમાં જેવા સુરજનારાયણનુ આગમન થયુકે ગઢના દરવાજા ખુલ્યાને હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકયા. આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઇ ગયો એન સેન્યને સાબદુ કરીને યુધ્ધ શરૂ કર્યુ. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. સાંજ પડતાજ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલુ પાછુ ઠેલવી દીધુ અને તે દિવસનુ યુધ્ધ બંધ થયુ. સોમનાથના ગઢમાં પરત ફરતાજ હમીરજી જોવે છેકે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે. અને હવે લગભગ દોઢસોથી બસ્સો જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યોકે સવારનુ યુધ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનુ નક્કી કર્યુ. સવાર પડતાજ ઝફરખાને સામેથી હુમલો કર્યો કારણકે તે વધારે સમય લેવા માંગતો ન હતો. જયારે હમીરજી અને સાથીઓએ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા.

સાંજ પડતા યુધ્ધમાં હમીરજીનુ આખુ શરીર વેતરાઇને લીરા જેવુ થઈ ગયુ છે તેમની માથે એક સામટી દશ તલવાર પડી છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. શિવલીંગનું રક્ષણ કરનારએ યોધ્ધો ઢળી પડયો. આમ આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ જીત્યુ. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા. અને આ શુરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયા કે,

રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા;
કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.

વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં;
હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.

સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એકબાજુ મરશિયા ઉપાડયા હતા. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે જે જ્યારે સૌરાષ્ટ્રની રાજપુતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરૂબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનુ રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પુજે છે.

સોમનાથ મંદીરની બહાર વેગડાજીની અને મંદીરના મેદાનમાં બરોબર શિવલીંગની સામેજ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળીયો સોમનાથમાં પુજાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED