Veer Hamirji Gohil - 1 books and stories free download online pdf in Gujarati

વીર હમીરજી ગોહિલ - ભાગ 1

હમીરજી ગોહિલ ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજયનાં અમરેલી જિલ્લામાં અરઠીલાના રાજવી હતા. અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર હતા, જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના ૧૧ ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. હમીરજી ગોહિલ આમતો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પુર્વજ હતા.




ગોહિલવાડથી મારવાડ તરફ પ્રયાણ

અરજણજી અને હમીરજીને અંતરે ગાંઠયુ હતી તેમને બન્નેને ખુબજ પ્રેમ હતો. એક દિવસ બન્યું એવુકે ગઢાળીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે. બંને કુકડા લોહીલુહાણ થઈ ગયા છે. એક કુકડો અરજણજીનો છે અને બીજો હમીરજીનો છે. બંને પક્ષ તરફથી પડકારા દેવાઈ રહ્યા છે. બન્યું એવુકે તે કુકડામાંથી અરજણજીનો કુકડો ભાગ્યો. આમ પોતાના કુકડાનો પરાજય થયેલો જોઈ અરજણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા.

કુકડાને મારતા જોઈને હમીરજી કહેવા લાગ્યા કે, ભાઈ, આ તો લડાઈ કહેવાય. તેમાં એક જીતે તો બીજો હારે. એમાં રોષ કરવાનો ન હોય. અને તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો ને ! બિચારા કુકડાનો શું વાંક ?. આ સાંભળીને અરજણજી અકળાઈ ઉઠયા અને હમીરજીને કહયુ કે તનેય ફાટય આવી છે. જા, હાલી નીકળ અને જયાં સુધી મારૂ નામ સંભળાય ત્યાં સુધીમાં રહેતો નહી. આમ અરજણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો. તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો. આમ વાતનુ વતેસર થઈ ગયુ. હમીરજી પાસે ૨૦૦ જેટલા મર્દ રાજપુત ભાઈબંધો હતા. તે પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમા આવેલા મારવાડ પંથકમાં ચાલ્યા ગયા. આમ નજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉમંરે પોતાનુ ઘર છોડીને ચાલ્યા ગયાં.


સોમનાથ ઉપર ઝફરખાનનું આક્રમણ

દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તઘલખ બીજાનું શાસન હતું. જુનાગઢમાં પોતાના સુબા સમસુદીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને ઝફરખાનને ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો. ઝફરખાન મૂળતો રાજસ્થાનનો હતો પણ સમય જતા સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલો. આથી તેણે સોમનાથમાં બાદશાહી થાણુ મુક્યુ. રસુલખાન નામના એક મુસ્લિમને થાણેદાર નિમ્યો હતો. ઝફરખાન મુર્તિપુજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદીર ઉપર હતી કારણકે હિંદુ લોકોની ખુબજ આસ્થા તેના ઉપર હતી.

રસુલખાનને ઝફરખાનનું ફરમાન છુટયુકે મંદીરમાં મોટી સંખ્યામાં હિંદુઓને એકત્ર ન થવા દેવા. તેવા સમયે જ શિવરાત્રિનો મેળો ભરાયો. રસુલખાન અને તેના માણસો મારઝુડ કરીને માંડ્યા માણસોને વિખેરવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલખાનને તેના કુંટુંબ અને માણસોની સાથે જ મારી નાંખ્યો. આ ખબર ઝફરખાનને મળતા તે કાળઝાળ થઈ ઊઠયો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઊઠયા. તે સમયે ધર્માંધતા, મુર્તિપુજા, સમસુદીનનો પરાજય, રસુલખાનનું મોત આમ કેટલીયે બાબતો તેના દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી. આમ ઝફરખાન સોરઠ પર ચડયો છે. ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તવા હાથી સાથે લીધા છે. ભેંકાર તોપુ ઢસડાવી આવે છે. અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદીર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.



સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામનાં ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલેલ હતો. તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો. ઘરેથી તેના ગયા પછી અરજણજી વિરહમાં ખુબજ દુ:ખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયાં. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ ૨૦૦ જેટલા રાજપુતને ઘોડાઓની સાથે ગઢાળીનો મારગ પકડયો. હમીરજી ગઢાળી પહોંચતા જ ગોહિલ કુળમાં આનંદનો આરોવારો નથી રહયો. અરઠીલાથી દુદાજી આવ્યા. ધામેલથી કાકા વરસંગદેવજી આવ્યા. એક ન મળ્યા અરજણજી. તેઓ તો જુનાગઢ હતા.

જેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અરઠીલા તેડી આવ્યા. આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે તેમના મોટાભાઈ ને ત્યા અરઠીલામાં પસાર કરતા હતા. ઝફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નથી. અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતળજી ભાટ્ટી, સઘદેવજી સોલંકી, સિહોરનાં જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરૂબંધોની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભુખ લાગી હતી. હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા. એટલે દુદાજીના પત્નિ જે હમીરજીનાં ભાભીએ કહ્યુકે, દિયરજી, આટલી બધી ઉતાવળ કાં કરો ? ઝટ ખાઈને સોમૈયાની સખાતે ચડવુ છે ? આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યુકે, કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે ? તેથી તેના ભાભીએ કહ્યુકે, પાદશાહી દળકટક સોમનાથ મંદીરને તોડવા ચાલ્યુ આવે છે અને ગુજરાતનાં સુબાની ફોજ સોમનાથના માર્ગે છે.

આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યુ ભાભી, શું વાત કરો છો ? કોઈ રાજપુતજાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી ? મહાદેવ પર રાજપુતોનાં દેખતા વિધર્મીઓની ફોજ ચડશે ? શું રાજપુતી મરી પરવારી છે ? આવા કેટલાય સવાલ તેને કરી નાખ્યા. અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યુકે, રાજપુતો તો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી. અને આ કંઈ થોડો શિકાર કરવો છે ? જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનુ છે અને તમને બહુ લાગી આવતુ હોય તો તમે હથિયાર બાંધો, દિયરજી. તમેય કયાં રાજપુત નથી ? આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા. પણ હમીરજીને ઝાળ લાગી ગઈ. અને મેણુ હાડોહાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યુકે, મારા બેય ભાયુંને ઝાઝેરા જુહાર કહેજો. હું તો સોમનાથ મંદીરની સખાતે જાઉ છું. દુદાજીનાં રાણીએ હમીરજીને ઘણુ સમજાવ્યા. પણ તે એકના બે ન થયા અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામદુહાઈ આપી. બસ્સો જેટલા મરજીવા સાગ્રીતો સાથે હમીરજીએ સોમનાથનો મારગ લીધો. આમ જયારે સુબાની બીકે પ્રજા દિગ્મુઢ બની ગઈ હતી. રજવાડા આંતરકલહમાં પીંખાયેલા હતા. યુધ્ધનું આહવાન ઉપાડવુ કપરૂ હતુ. તેવે સમયે હમીરજીએ મોતને માંડવડે પોંખવાનો નિર્ણય લીધો અને ચાલી નિકળ્યા સોમૈયાની સખાતે.

બીજા રસપ્રદ વિકલ્પો