અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 2 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 2

જ્ઞાની પુરુષની દશા અટપટી હોય. સામાન્ય મનુષ્યથી કળાય તેમ ન હોય. જ્ઞાની પુરુષને આશ્રમનો શ્રમ ના હોય, ધજા ના હોય, પંથ કે વાડો ના હોય, ભગવું કે સફેદ વસ્ત્ર ના હોય, સીધાસાદા વેશમાં ફરતા હોય, તે સામાન્ય જીવને શી રીતે ઓળખાણ પડે? છતાંય એમને ઓળખવા માટે ભૂલથાપ ના ખાઈ જવાય એટલા માટે શાસ્ત્રો કહે છે, કે જ્ઞાની પુરુષ તો તે જ કે જે નિશદિન આત્માના જ ઉપયોગમાં રહે, તેમની વાણી અનુભવમાં આવે તેવી હોય, તેમને અંતરંગ સ્પૃહા ના હોય, ગર્વ કે ગૌરવતા ના હોય, જગતમાં કોઈ ચીજના તે ભિખારી ના હોય! માનના, વિષયોના, લક્ષ્મીના કે શિષ્યોનાય ભિખારી ના હોય. સંપૂર્ણ અયાચકપણું પ્રાપ્ત થાય, ત્યાં જ જ્ઞાનપ્રકાશ પ્રગટે. સંપૂર્ણ તરણતારણહાર થયેલા હોય, તે જ બીજાને તારે.


જ્ઞાની પુરુષમાં તો કેટલાક ઉચ્ચ સંયોગી પુરાવા ભેગા થયા હોય, ઉચ્ચ નામકર્મ હોય. યશકર્મ હોય. યશ તો વગર કશું કર્યે સામેથી ઉપર આવીને પડે તેમને. સુંદર મનોહર વાણી હોય. લોકપૂજ્ય પદ હોય અને એવા કેટલાય પુરાવા હોય ત્યારે જ્ઞાની પુરુષ પ્રગટ થાય.


જ્ઞાનીને પુસ્તક વાંચવાનું ના હોય, માળા ફેરવવાની ના હોય, ત્યાં આગળ ભક્ત અને ભગવાનનો ભેદ ના હોય. પોતે જ ભગવાન હોય. ભગવાન તો વિશેષણ છે અને ભગવત્ ગુણો જેને પ્રાપ્ત થાય તેને ભગવાન શબ્દ વિશેષણરૂપે લાગે!


જ્યાં સુધી ભૂલ હોય ત્યાં સુધી માથે ભગવાન હોય. પણ એકેય ભૂલ ના રહે તો કોઈ ઉપરી જ નહીં. તેમ જ કોઈ અન્ડરહેન્ડ પણ નહીં. પોતે સંપૂર્ણ ‘સ્વતંત્ર’ હોય.


જ્ઞાનીનું પ્રત્યેક કર્મ દિવ્ય હોય. એકેય કર્મ ક્યાંય બંધનકર્તા ના થાય. જગતનાં લૌકિક કર્મ તે બીજ નાખીને જાય, જ્યારે જ્ઞાનીના કર્મ મુક્તિ આપીને જાય. અરે, એ પોતે તો મુક્ત પુરુષ જ હોય પણ કેટલાયને મુક્તિ આપી શકે તેવા સામર્થ્યવાન હોય!


જ્ઞાની નિર્ગ્રંથ હોય. સર્વ ગ્રંથિઓ છેદાઈ ગયેલી હોય. જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ સંભવે જ નહીં. આ વાત તો ખુદ ભગવાને જ ખુલ્લી પાડી છે. જ્ઞાનીમાં નવીનતા ના હોય અને જે દશામાં જ્ઞાન પ્રગટ્યું હોય તે જ દશા હંમેશની હોય. તેથી જ તો તેમની દશા અટપટી હોય. લોક ત્યાગ જોઈને જ્ઞાની ખોળવા જાય તો ક્યાંથી ઓળખાણ પડે?


જ્ઞાની પુરુષના ત્રણ ગુણ જો કોઈ શીખી જાય તો તેનો ઉકેલ આવી જાય! મુક્ત જ રહે તે. તે ત્રણ ગુણો છે-

Compressible, Flexiable અને Tensile.

Compressible એટલે ગમે તેટલું પ્રેશર આવે તો પોતે સંકોચાઈ જાય અને પાછા તેવા ખમી લે ને ને તેવા તરત જ થઈ જાય! Flexiable એટલે વાળો તેમ વળી જાય, પણ તૂટી ના જાય ક્યારેય પણ! અને Tensile એટલે ગમે તેટલું ટેન્શન ઝીલી શકે!


આ ત્રણ ગુણોને લીધે જગત વ્યવહારમાં ક્યાંય પણ હીચ ના આવે તે મોક્ષે નિરઅંતરાયથી પહોંચી જવાય!


જ્ઞાની ગુરૂત્તમ-લઘુત્તમ હોય. જ્ઞાનીને જો કોઈ ગધેડો કહે તો તે કહે, ‘તેનાથી પણ લઘુ છું ભાઈ, લઘુત્તમ છું. તારાથી પહોંચી નહીં વળાય તેટલો લઘુત્તમ છું’ અને જો કોઈ જ્ઞાની પુરુષને આચાર્ય કહે તો તે તેને કહે કે ‘ભાઈ, તારે જો એથી વધારે પામવું હોય તો અમે એથીય વધારે ઊંચા પદમાં છીએ. ભગવાન છીએ.’ જેને જેવું પામવું હોય તેવું સમજે તેનું કામ થાય! આત્મા પોતે અગુરુ-લઘુ સ્વભાવનો છે.


જગતમાં ‘આપ્તપુરુષ’ તે એકલા જ્ઞાની પુરુષ જ કહેવાય. આપ્ત એટલે બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય. સાંસારિક જ બાબતો માટે નહીં, પણ મોક્ષ પ્રાપ્તિ માટે, ઠેઠ સુધી વિશ્વાસ કરવા યોગ્ય હોય. જ્યાં સુધી પોતાને આત્મભાન થયું નથી, આત્માની ઓળખાણ થઈ નથી, ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ પોતાનો આત્મા છે. જ્ઞાની પુરુષ મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ હોય. એમને જોઈને પોતાનો આત્મા પ્રગટ કરવાનો હોય. જ્ઞાની પોતે પારસમણિ કહેવાય અને અજ્ઞાનીઓ તે લોખંડ, તે એમને અડતા જ સોનું થઈ જાય! પણ જો વચ્ચે અંતરપટ ના રાખે તો! જ્ઞાની પુરુષ પાસે અનંત પ્રકારની જ્ઞાનકળા હોય, અંનત પ્રકારની બોધકળા હોય અને અનંત પ્રકારની પ્રજ્ઞાકળા હોય. માટે જેને જે જોઈએ તે લઈ જાવ ને ઉકેલ લાવો.


આત્મા જાણવા માટે તો જ્ઞાની પુરુષ પાસે જવું જ પડશે. જાણકાર વગર તો કોઈ વસ્તુએય મળતી નથી. ત્યારે નિર્વિકલ્પ સમાધિસ્થ એવા જ્ઞાનીપુરુષ પાસે જવું જ પડે. જ્ઞાની પુરુષ શુદ્ધ ચૈતન્ય હાથમાં જ આપી દે, જ્ઞાની ચાહે સો કરે છતાંય તે નિમિત્ત ભાવમાં જ રહે. કોઈ વસ્તુના કર્તા જ્ઞાની ના હોય.


દરેક શાસ્ત્ર છેવટે તો એમ જ કહીને છૂટી જાય છે, કે તારે પ્રગટ આત્મા પ્રાપ્ત કરવો હોય તો તું જ્ઞાની પાસે જા. પ્રગટ દીવો જ દીવો પ્રગટાવી શકે, માટે ‘ગો ટૂ જ્ઞાની.’ કારણ કે, ‘જ્ઞાની સદેહે આત્મસ્વરૂપ થયા હોય અર્થાત્ તરણતારણ હોય!’


જ્ઞાનીનો કાળ તો નિરંતર વર્તમાન જ હોય. ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ના હોય. નિરંતર વર્તમાન જ વર્ત્યા કરે તેમને. પ્યાલો ફૂટી ગયો તે ભૂતકાળ અને હવે શું થશે એના જ વિચારો અને ચિંતા એ ભવિષ્યકાળ. જ્ઞાની કાળના નાનામાં નાના અવિભાજ્ય ફ્રેક્શન સમયમાં જ રહે. આખાય બ્રહ્માંડના પરમાણુએ પરમાણુમાં ફરી વળેલા હોય. તમામ જ્ઞેયોના જ્ઞાતા-દ્રષ્ટા જ હોય. સમય અને પરમાણુ સુધી પહોંચવું એ તો જ્ઞાનીઓનું જ કામ!

‘ગત વસ્તુનો શોચ નહીં, ભવિષ્યની વાંચ્છના નહીં,

વર્તમાને વર્તે સદા સોય જ્ઞાની’


જ્ઞાની પાસે ‘પરમ વિનય’ અને ‘હું કંઈ જાણતો નથી’ આ બે જ વસ્તુ લઈને આવ્યો તો તે તર્યો જ. અરે, એક જ વખત જો જ્ઞાનીના ચરણોમાં સર્વ ભાવ અર્પણ કરી પરમ વિનયે નમ્યો તો તેનેય મોક્ષ થઈ જાય તેવું ગજબનું આશ્ચર્ય છે!


જ્ઞાનીનું વર્ણન કરવા વાણી અસમર્થ છે. કલમ અટકી જાય. જ્ઞાની તો વણતોલ્યા ને વણમાપ્યા છે. એમને ના માપશો. એમને તોલશો નહીં. જ્ઞાની આગળ જો તોલવા ગયો તો કોઈ છોડાવનાર નહીં મળે. એવા ચારે બંધ પડશે. પોતાના વજનીયાંથી તે વળી જ્ઞાનીને તોલાતા હશે? એમને માપવા જાય તેની જ મતિ મપાઈ જાય! જેનો અક્ષરેય જાણતા ના હોય તેનો તોલ શી રીતે થાય? જ્ઞાનીને બુધ્ધિથી ના તોલાય. જ્ઞાની પાસે અબુધ થઈ જવાનું હોય. બુધ્ધિ તો અવળું જ દેખાડે. જો જ્ઞાનીની વાણી ના સમજાય તો સમજવું કે તેટલી આડાઈ મહીં ભરી પડી છે. પણ જો ભૂલેચૂકે જ્ઞાની આગળ આડાઈ કરી તો ક્યારેય મોક્ષ પ્રાપ્ત નહીં થાય. અલ્યા, મોક્ષ તો જ્ઞાનીના ચરણોમાં છે ને ત્યાં જ પાંસરો ના રહ્યો તો મોક્ષ ક્યાંથી મળે? એક ઘર તો ડાકણેય છોડે. માટે એક જ્ઞાનીનું સ્થાન છોડી બીજે ગમે ત્યાં ડખો કરી આવે તોય તેનો ઉકેલ આવશે, પણ જ્ઞાની પાસે નહીં ચાલે. ત્યાં ભારે બંધ પડી જશે.


જ્ઞાનીનો વિરોધ ચાલે પણ વિરાધ ના ચાલે. જ્ઞાનીની આરાધના ના થાય તો વાંધો નહીં, પણ વિરાધના તો ના જ થવી જોઈએ, તે ખાસ જોવાનું. જ્ઞાનીનું પદ તો અજાયબ પદ હોય. તેની વિરધનામાં ના પડાય.

જ્ઞાની પુરુષ ઉપર અભાવ ઉત્પન્ન થવો તે જ વિરાધના કહેવાય. અને જ્ઞાની પુરુષ તે જ પોતાનો આત્મા છે. માટે જ્ઞાનીની વિરાધના એટલે પોતાના જ આત્માની વિરાધના થઈ કહેવાય, ‘પોતે’ ‘પોતાનો’ જ વિરાધક થઈ ગયો કહેવાય. સ્વભાવે આડાઈવાળાને તો ખાસ ચેતવાનું. જ્ઞાનીની એક વિરાધના અસંખ્ય કાળની નર્કગતિ બંધાવે! જેને ત્રણ લોકનો નાથ વશ થયા છે, ત્યાં સરળ નહીં થાય તો કોના આગળ સરળ થશે? જ્ઞાની પુરુષ આગળ તો એકદમ સરળ થાય તો જ કામ સરે.


ભગવાન મહાવીરના નિર્વાણ પછી આવા ત્રણ જ્ઞાની પુરુષો થયા: (૧) કુંદકુંદાચાર્ય (૨) શ્રીમદ્ રાજચંદ્ર (૩) અક્રમ વિજ્ઞાની શ્રી દાદા ભગવાન.