ડાયરી - સીઝન ૨ - રમજો.. પણ ધ્યાનથી Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - રમજો.. પણ ધ્યાનથી

શીર્ષક : રમજો.. પણ ધ્યાનથી
©લેખક : કમલેશ જોષી
એક દિવસ અમારો ટીખળી મિત્ર મેડિટેશનના થોડા સેશન્સ કરીને કોલેજે આવ્યો હતો. રીસેસમાં કેન્ટીનમાં અમે નાસ્તો કરતા હતા ત્યારે એ સહેજ જુદા મૂડમાં હતો. એની ફિલોસોફીભરી વાતો સાંભળી ગંભીર મિત્રે પૂછ્યું, "તો બાબાજી તમે એ કહો કે આ સંસાર શું છે? સમાજ શું છે?" અમે બધાં પણ એકબીજા સામે સહેજ આંખોના ઈશારા કરી ટીખળી સામે હાથ જોડી શ્રદ્ધાપૂર્વક જોવા માંડ્યા. એ સમજી તો ગયો પણ ધ્યાનની અસર તળે હોય કે કોઈ બીજા કારણે એણે બાબાજીની જેમ એક હાથ આશીર્વાદની મુદ્રામાં સહેજ ઊંચો કરતા કહ્યું,
"વત્સ, આ સંસાર એક રમત છે."
"કઈ રમત ? ક્રિકેટની કે વિડીયો ગેમની? મીન્સ કે આઉટડોર કે ઇન્ડોર?" સમજુએ ગૂગલી ફેંક્યો.
"બંને, વત્સ.. સંસાર એ ઘરની ચાર દીવાલની વચ્ચે પણ રમાય છે અને શેરી, સોસાયટી, ઓફિસોમાં પણ રમાય છે." ટીખળીએ પણ જાણે ધ્યાનની અસર તળે જ્ઞાન લાધ્યું હોય એમ અધખુલ્લો જવાબ આપી જાણે બે સ્ટેપ આગળ વધી અમારા ગૂગલીને ફૂલટોસ બનાવી સ્ટેડિયમ ઠેકાડી દીધું.
"તો બાબાજી.. સંસારની આ રમતમાં બે ટીમ કઈ હોય છે અને કઈ ટીમ દાવ દેતી હોય છે અને કઈ ટીમ દાવ લેતી હોય છે?" જાણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછતો હોય એવા લહેકા સાથે ગંભીર મિત્રે પૂછ્યું.
"બેટા, આ સંસારની રમતમાં એક ટીમ નવા, શીખાઉ અને કાચા લોકોની હોય છે અને બીજી ટીમ જૂના, ચેમ્પિયન અને પાક્કા લોકોની હોય છે. જનરલી બિનઅનુભવી ભલા, ભોળા જુનિયર્સ લોકો બિચારા દાવ દેતા હોય છે અને પાકા અનુભવથી કાટ બની ગયેલા સિનિયર્સ દાવ લેતા હોય છે." ટીખળીનું આ ઓબ્ઝર્વેશન અમને સચોટ લાગ્યું ત્યાં ટીખળી આગળ બોલ્યો,
"પણ ધીરેધીરે તાજો જન્મેલો, નવો, કાચો ખેલાડી થોડા જ સમયમાં બધા દાવપેચ શીખી જાય છે અને પછી એ દાવ લેવાનું ચાલુ કરે છે. હવે જયારે આવો થોડો-ઘણો અનુભવી થયેલો ખેલાડી દાવ લેવાનું ચાલુ કરે છે ત્યારે એ સાવ નવા અને સાવ જૂના એમ બંને ખેલાડીઓને હંફાવી દેતો હોય છે." અમને સહેજ હસવું આવ્યું પણ ટીખળીની વાતમાં રહેલી સચ્ચાઈ જેવી તેવી નહોતી. સમાજમાં નજર ફેરવો તો સાસુ-વહુ, બોસ-કર્મચારી, પ્રિન્સિપાલ અને ટીચર, ફર્સ્ટ સેમ્યા અને લાસ્ટ સેમ્યાઓ વચ્ચે જે ગેરકાયદેસર રેગિંગ ચાલતું હોય છે એ ક્યાં આપણાથી છૂપું છે. ત્યાં બાબાજી બનેલા ટીખળીએ સ્વયં જ આગળ કહ્યું,
"ક્રિકેટમાં જેમ બેટ્સમેન, બોલર, ફિલ્ડર, વિકેટ કીપર જેવી ખેલાડીઓની વિવિધ ભૂમિકાઓ હોય છે એમ જ સંસારની ઇન્ડોર રમાતી ગેમમાં ખેલાડીઓ મમ્મી, પપ્પા, દાદા, દાદી, ફોઈ, ફુઆ, દીકરો, દીકરી, જમાઈ, વહુ, સાસુ, સસરા જેવી વિવિધ ભૂમિકાઓ ભજવતા હોય છે." કહી સહેજ અટકી એ આગળ બોલ્યો,
"જયારે આ જ ગેમ આઉટડોર એટલે કે શેરી, સોસાયટી કે ઓફિસમાં રમાય છે ત્યાં ટીચર, પોલીસ, વેપારી, ગ્રાહક, સ્ટુડન્ટ, ડ્રાઈવર, તંત્રી, મંત્રી, નેતા, અભિનેતા, નાગરિક, મતદાર, કમિશ્નર, કલેકટર, ડોક્ટર, જજ જેવી અનેક ભૂમિકાઓ ખેલાડીઓ ભજવતા હોય છે." ઓહ! ટીખળીની વાતનો વિસ્તાર અને ગંભીરતા તો વધ્યા.
અમે સૌ એની સામે શ્રદ્ધા અને મસ્તીભરી નજરે તાકતા હતા એટલે એને વધારે ચાનક ચડ્યું. એ બોલ્યો,
“નવા જન્મેલા બાળકને ‘હાઉ ટુ પ્લે?’ની પ્રાથમિક ટ્રેનિંગ એના મમ્મી-પપ્પા અને ફેમિલી આપે છે. એ પછીની ટ્રેનિંગ એની શેરી-સોસાયટી અને શાળાના મિત્રો અને શિક્ષકો આપે છે. ‘હાવ ટુ સ્ટાર્ટ?’ પ્રશ્નનો જવાબ એને શબ્દો અને અક્ષરો દ્વારા આપવામાં આવે છે જયારે ‘હાવ ટુ વિન’ નો જવાબ એ શિક્ષકની ફૂટપટ્ટી ખાઈને અથવા તો દુશ્મન જેવા મિત્રો સાથે ગાળા-ગાળી કરીને અને ઢીકા-પાટું ખાઈને શીખે છે. કેટલુંક એ મારકણી આંખો પાસેથી શીખે છે તો કેટલુંક બિહામણી આંખો પાસેથી. કેટલુંક એ ઠોકર ખાઈને શીખે છે તો કેટલુંક શીખવા એણે ઠોકર મારવી પણ પડે છે. એકંદરે વીસ-ત્રીસ કે ચાલીસ વર્ષનો થાય ત્યાં સુધીમાં એ સંસારની-સમાજની રમતનો ચેમ્પિયન બની જાય છે.”
"ગુરુદેવ, ક્રિકેટમાં જેમ રન ગણવાના હોય, વોલીબોલમાં જેમ ગોલ ગણવાના હોય એમ સંસારની રમતમાં સ્કોર કેવી રીતે ગણવામાં આવે છે? આ ગેમમાં હાર-જીત કેવી રીતે નક્કી થાય છે?" સમજુએ પૂછેલા પ્રશ્ન સાંભળી અમારા કાન અને આંખ એકદમ સતેજ થઈ ગયા. ટીખળી પણ બે ઘડી આંખો બંધ કરી ઊંડા વિચારમાં ગરક થઈ ગયો. "ઇટ્સ વેરી વેરી ગુડ ક્વેશ્ચન માય ડીયર ફ્રેન્ડ...!" એણે ઊંડો શ્વાસ લઈ ફરી શરુ કર્યું,
"અફસોસની વાત એ છે કે આ ગેમ કોઈ કરતા કોઈ જીતતું નથી. સૌ કોઈ આ ગેમમાં હારીને જ જાય છે." આટલું કહી જાણે કશુંક યાદ આવ્યું હોય એમ એણે ઉમેર્યું,
"લાખે, કરોડે કે અબજે, એકાદ રામ કે કૃષ્ણ કે મીરાબાઈ કે નરસિંહ મહેતા કે સ્વામી વિવેકાનંદ જેવા ચેમ્પિયન ખેલાડી આ રમતને સાચી ટેક્નિકથી રમીને, હાવ ટુ પ્લે એન્ડ હાવ ટુ વિનનું બેસ્ટ ડેમોન્સ્ટ્રેશન આપીને, મારા તમારા જેવા લાખો નવા ખેલાડીઓને માર્ગદર્શન અને મોટીવેશન આપતા જાય છે." આટલું બોલી ટીખળી ચૂપ થઈ ગયો. અમે પણ કેટલીયે સેકન્ડ્સ સુધી અવાચક બની ગયા. તંદ્રા તૂટી ત્યારે અમે ખરેખર તાળીઓ પાડી ટીખળીને બિરદાવ્યો.
મિત્રો, ટીખળીએ તે દિવસે પોતાની ટીખળી હોવાની ઈમેજમાંથી બહાર નીકળી પોતે ખરેખર જે છે એ અમારી સામે પ્રગટ કર્યું. એ દિવસે અમે તો એટલું સમજ્યા કે ક્યારેક ટીખળી તો ક્યારેક ગંભીર, ક્યારેક સમજુ તો ક્યારેક જિજ્ઞાસુનું ખોટું લેબલ લગાડી આપણી આસપાસનો સંસાર કે સમાજ આપણી જે ‘ફિક્સ’ ભૂમિકા કરી નાખે છે એ આપણે આખી જિંદગી ધરાર ન નિભાવવી હોય અને આપણે ખરેખર જે છીએ એ ‘પ્રગટ’ થવું હોય તો એનો એક અને માત્ર એક જ રસ્તો સંતો આપી ગયા છે: મેડિટેશન. આજના રવિવારથી રોજ સવારે બીજા કોઈ સાથે બીજી કોઈ ગેમ શરુ કરતાં પહેલાં માત્ર અર્ધી કલાક આપણી ભીતરે બેઠેલા કાનુડાની પાસે નિરાંતે બેસવાની મેડિટેશન ગેમ રમવાની શરુ કરીએ તો કેવું? જિંદગીની ગેમ જીતવા ‘ધ્યાનથી રમવાની’ આ ‘ટીપ’ ચૂકવા જેવી નથી હોં.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)