છપ્પરપગી ( ૪૯ )
——————-
સ્વામીજીએ કહ્યુ, ‘બિલકુલ પાસ થઈ ગઈ..!’
અન્ય જે કોઈ હતા તેમને આ પરીક્ષા વાળી વાત ન સમજાઈ એટલે તરત અભિષેકભાઈએ પુછ્યુ, ‘પરીક્ષા..! કઈ પરીક્ષા ?
સ્વામીજીએ કહ્યુ, ‘અભિષેકભાઈ આ લક્ષ્મી અને પ્રવિણ સામાન્ય માતા પિતા નથી.. એ બન્ને ખૂબ પરિપક્વ, સમજુ અને ભવિષ્યનો ખૂબ ઉંડાણપૂર્વકનો વિચાર કરી વર્તમાનમાં નિર્ણય લેવાનું યોગ્ય પગલું ભરે તેવા છે. એમને પલ સાથે જે પણ કંઈ વાતચીત થતી હોય તે મારી સાથે પણ ચર્ચા કરતા રહેતા હોય છે, એટલે પલે જ્યારે આવી વાત કરી ત્યારે લક્ષ્મીની ઈચ્છા હતી કે કોઈપણ નિષ્કર્ષ પર આવીએ એ પહેલાં પલના દ્રઢ મનોબળ, નિર્ણય અને ભાવિ આયોજનો અંગે વિચારો જાણી લેવા જોઈએ. દિકરી છે એટલે એને જ વારસાઈ તરીકે આપી જવું એ વ્યાવહારિક બાબત છે પરંતુ સર્વસ્વ સોંપી દેવુ કે એની ઈચ્છા મુજબ ગોઠવી આપવું કે અન્ય કોઈ આયોજન કરવું એ બધું એકવાર જાણવું જરુરી હતુ..’
લક્ષ્મીએ તરત કહ્યુ, ‘હા… અમને બન્ને ને પલ માટે ક્યારેય કોઈ દિવસ નકારાત્મક વિચાર નથી આવ્યો. અમે તો ખરેખર એને સર્વસ્વ સોંપી દેવુ ન જોઈએ એ જ વિચાર કરતાં હતા પણ પલે જ્યારે સામેથી ના કહી અને એને જરૂર જેટલું જ લેવાની વાત કરી તો માનવ સહજ અમે થોડી શંકા કરી કે આ છોકરી આટલું જ લઈને એ જે વિચારે છે તે કરી શકશે ? અમે કંઈ ચેરિટી કરી દઈએ કે કરતા રહીએ અને પછી પ્રશ્નો આવે તો ? આવા ઘણા બધા વિચારો આવતા એટલે મે સ્વામીજી સાથે વાત કરી હતી તો એવું વિચાર્યું કે એક નાની સરખી પરીક્ષા કરી જોઈએ..પણ સ્વામીજી એની પરીક્ષા લે કે કંઈ આગળ પલ ના વિચારો જાણવા પ્રયત્નો કરે એ પહેલાં તો વગર પ્રશ્ન પૂછ્યે પલે એમનાં વિચારો જણાવી દીધા.’
આ સાંભળી પલ બોલી, ‘મા-બાપુ તમે બન્ને એ જે રીતે પૂરી પ્રમાણિકતા, નિષ્ઠા, સેવા, સમર્પણ અને સંઘર્ષથી જીવન વિતાવ્યું છે એટલે જ તમે બન્ને નિસ્પૃહ ભાવે રહી શકો છો અને આગળનુ જીવન પણ તમે સપનાઓ જોયાં હોય તેમ જ જીવવાનું છે… બાપુ મને મારા દેશની પરંપરાઓ પર ગર્વ છે અને હું પુરા સમર્પણથી મારી યોગ્ય પરંપરાઓને અનુસરું પણ સમગ્ર વિશ્વમાં ઘણી બધી જગ્યાએ ઘણું સારુ છે અને સમય પ્રમાણે આપણે આપણે જયાંથી જે કંઈ સારુ છે તે જાણવું, સમજવું અને સ્વિકારવું જોઈએ ને..! તમે બધાએ આશ્રમનાં મુખ્ય પ્રવેશદ્વારે લખેલું સૂત્ર વાંચ્યુ જ ને.. મને તો ન સમજાયુ એટલે વિશ્વાસરાવજીએ સમજાવ્યુ હતુ કે,
|| આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વત: ||
" સંભવત: શ્રેષ્ઠતમ - સંપૂર્ણ વિશ્વમાંથી આપણી તરફ આવે" તો મારી હિંમત પણ વધી અને પશ્ચિમની એક બાબત મને જે સ્પર્શી ગઈ કે ત્યાં દરેક માં બાપ પોતાનાં બાળકોને મોટા કરે, સારું શિક્ષણ અપાવે અને પછી એમને એમની રીતે વિકસવા દે છે અને મા બાપે જે આખી જિંદગી કમાણી કરી હોય કે પછી જે કમાય તે પોતાના શોખ માટે વાપરે છે.. આપણે તો આપણા બાળકો અને એની પણ બે ત્રણ જનરેશનનો વિચાર કરી પોતાના માટે નથી જીવી શકતા… આપણી પણ પરંપરા સાવ ખોટી નથી જ પણ આ સેક્રિફાય સહજ હોય તો વાંધો નથી આવતો પણ સમજણ વગર અને માત્ર ફરજ પુરી કરવા માટે કરવુ પડતુ હોય કે લોક લાજે કરવુ પડતુ હોય ત્યારે ઉંમર વધે સ્વભાવમાં કે વર્તનમાં આડઅસર રુપે આવે ત્યારે એ જનરેશન ગેપ વધારનારુ બની જાય છે.. આપણે તો આર્થિક રીતે સંપન્ન છીએ એટલે બહુ વાંધો ન આવે પરંતુ મિડલ ક્લાસમાં સંઘર્ષપૂર્ણ જીવન જીવતા મા બાપનો પહેલા અને પછી બન્ને રીતે મરો થાય છે…મારે તો કોઈ પ્રોબ્લેમ જ નથી તો હુ શા માટે મારી નજર સામે મારા મા બાપુના સપનાઓને સાકાર થતા ન જોઉં ?’
એક માતા પિતા તરીકે પ્રવિણ અને લક્ષ્મી બન્ને આ બધુ સાંભળી હાશકારો અનુભવે છે.. બન્ને ડોક્ટર દંપતિઓ આ નાનકડા એપિસોડને ભવિષ્યનાં વિરાટ સપનાંને પૂર્ણ થતાં જોઈ રહ્યા છે, એ લોકો વિચારે છે કે સ્વામીજીએ કહ્યું હતુ જ કે હમણાં જે પરીવાર આવશે એમનાં પ્રશ્નના નિરાકરણમાં તમારા પ્રશ્નનું પણ નિરાકરણ આવી જ જશે.
હવે કોઈ કશુ જ બોલતું નથી તેમ છતાં બધાને પૂર્ણ સંતોષનો ભાવ થાય છે.
બન્ને ડોક્ટર્સ દંપતિઓ સ્વામીજીને જણાવે છે કે તેઓ શક્ય તેટલાં વહેલા અમેરિકા પરત જાય અને હોસ્પિટલનાં નિર્માણ માટે એમને ત્યાંથી જે તૈયારીઓ કરવી પડે તે કરે અને જલ્દી કાયમી માટે પરત હરિદ્વાર આવી જાય.
સ્વામીજીએ પ્રવિણને કહ્યુ, ‘ભાઈ પ્રવિણ તું પણ તારી ઈચ્છા પુરી કરવા મુંબઈ પરત જાય ત્યારે કામે લાગી જા.. પલ માટે હવે આ બધુ જ છોડી દેવુ જરૂરી નથી. આ બન્ને પરીવાર સ્વાસ્થ્ય માટે અલખ જગાવે અને તમે બન્ને શિક્ષણ માટે ધૂણી ધખાવો.’
ઉપસ્થિત સૌ સ્વામીજીને પ્રણામ કહી જવા માટે ઉભા થઈ જાય છે અને સ્વામીજી વિશ્વાસરાવજીને આ લોકો માટે આવતીકાલનુ આયોજન સૂચવી પોતાની રૂટિન દિનચર્યામાં પ્રવૃત્ત થઈ જાય છે.
બધા જ લોકો બહાર નિકળી ગયા હોય છે, પલ પોતાનાં શોક્સ પહેરવા માટે વાર લાગે છે તો બે ત્રણ મિનિટ મોડી પડે છે અને બિજા બધાથી થોડી પાછળ રહી જાય છે. એ બધા જ પોતાનાં બ્લોક્સ સુધી પહોંચી જાય છે, જ્યારે પલ હવે કુટિર છોડી ગૌશાળા સુધી જ માંડ પહોંચી હોય છે, ત્યાં જ…..!
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા