વેમ્પાય્યાર - 3 Secret Writer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેમ્પાય્યાર - 3

 

અત્યાર સુધી....

 

પ્રથમ રાત્રે સ્વપ્ન આવતા વૈભવીની ઊંઘ કચવાઈ હતી. બીજા દિવસે પર્વતના શિખર પરનું અનુપમ દ્રશ્ય બધા પોતાની આંખોમાં ભરી ઘણું સારું મહેસૂસ કરે છે. રાતે ફરી વાર ડરાવનું સ્વપ્ન વૈભવીને ડરાવી જાય છે. ત્યાર બાદ પહેરો આપતી વખતે પણ કોઈ અદ્રશ્ય અવાજ વૈભવીને તેની દિશામાં જવા પ્રેરે છે. અને વૈભવી ભાન ભૂલી અવાજની દિશામાં ચાલી મૂકે છે. 

 

હવે આગળ....

 

 

 

વેમ્પાય્યાર Part 3

 

 

 

" નિયતિ.... નિયતિ.... ઉઠ... વૈભૂ ક્યાં છે?" બધા કરતા વહેલી ઉઠી ગયેલી સુનિધિ પોતાના ટેન્ટમાંથી બહાર નીકળી ત્યારે નિયતિ સૂઈ રહી હતી. જ્યારે વૈભવીનો ક્યાંય અતોપતો ના હતો. 

 

આંખ ચોળી નિયતિ બેઠી થઇ. " યાર હશે અહી કહી...." "મને શું ખબર કે એ ક્યાં છે." ભર ઊંઘમાંથી ઉઠેલી નિયતિ અકડાઈને બોલી. 

 

" તે અહી ક્યાંય નથી દેખાતી." ચારેય બાજુ ફરી વળેલી સુનિધિ ગભરાટ કરતા બોલી. 

 

વૈભવી ક્યાંય નથી મળતી તે સાંભળી નિયતિ પણ નજીકમાં ફરી વળી. પણ વૈભવી ક્યાંય ના મળી. ત્યાં સુધીમાં હાર્દ અને સુલભ પણ ઉઠી ગયા હતા. જ્યારે તેમણે વૈભવીના ગુમ થયાની વાત સાંભળી ત્યારે તેઓ પણ તેને શોધવામાં લાગી પડયા. ઘણો સમય વિતી ગયો છતાં વૈભવી ક્યાંય ના જડી એટલે બધાએ વન કચેરીમાં વૈભવીના ગુમ થયાની નોંધણી કરાવી દીધી. 

 

નિયતિ આ પાછળ પોતાની જાતને દોષ દઈ રહી હતી. જો તે ના સૂઈ ગઈ હોત તો વૈભવી આજે તેમની સાથે જ હોત, તેવું તેનું માનવું હતું. તે પોતાની ભૂલ પર રડી રહી હતી. અદિતિબેન અને પ્રકાશભાઈને પણ વૈભવીના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તેઓની એકની એક દીકરીના આમ ગુમ થઈ જવાના સમાચાર સાંભળી બંને અંદરથી તૂટી ગયા હતા. છતાં બંને એકબીજાને આશ્વાસન પણ આપી રહ્યાં હતાં. 

 

📖📖📖

 

" અદિતિ, હિંમત રાખ... વૈભવી આપણી દીકરી છે. તેણે કઈ નહી થાય... આપણી પાસે શક્તિઓ નથી તો શું થયું પણ વૈભવી..." એક સેકન્ડ અટકી પ્રકાશભાઈ ફરી બોલ્યા. " વૈભવીની અંદર આવેલા બદલાવ મે જોયા છે. તેણે આવતા સ્વપ્ન કોઈ નાઈટમેરસ નથી... તેનું ભવિષ્ય છે. જે તેને જ જીવવાનું છે. એક અય્યાર બનવા માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. તે તું પણ સારી રીતે જાણે છે. " રડતી અદિતિબેનને હિંમત આપતા પ્રકાશભાઈ બોલ્યા. 

 

" પ્રકાશ, પણ તમે કેમ ભૂલો છો કે એક અય્યાર જ્યારે પોતાની શક્તિઓને કાબુ કરવાનું ના જાણતો હોય ત્યારે આફત આવી જાય છે. વૈભવી તો હજી એ પણ નથી જાણતી કે તેની અંદર જાદુઈ શક્તિઓ છે, તો તેને કાબુ કરવાની વાત તો દૂર રહી...." ચિંતિત થતાં અદિતિબેન પ્રકાશભાઈ તરફ જોઈ બોલ્યા. "હે ચાંદદેવ, મારી દીકરીની રક્ષા કરજો...." રડતા અદિતિબેન ભગવાનની મૂર્તિની સામે હાથ જોડી બોલ્યા. 

 

અદિતિબેન, પ્રકાશભાઈ અને વૈભવી ચાંદવંશના વંશજો હતા. જેઓ જાદુઈ શક્તિના માલિક હતા. અય્યાર એટલે કે ચાંદવંશના વંશજો પોતાની જાદુઈ શક્તિનો ઉપયોગ વેમ્પાયરની સામે લડવા માટે તથા તેમના અંત માટે કરતા હતા. બાકી તેઓ સામાન્ય વ્યક્તિનું જીવન જ જીવતા હતા.

 

📖📖📖

 

દુનિયાની હાલચાલથી અંજાન વૈભવી અવાજની દિશામાં આગળ વધી રહી હતી. અવાજમાં કોણ જાણે કેવું આકર્ષણ હતું કે ના તો વૈભવીને તરસ લાગી કે ના ભૂખ લાગી. તે બસ ગાઢ જંગલમાં ઝાડી ઝાંખરાની વચ્ચેથી જગ્યા કરી ચાલી રહી હતી. થોડું વધુ ચાલ્યા બાદ તે જ્યાં પહોંચી ત્યાં તેના આશ્ર્ચર્યનો પાર જ ના રહ્યો. ગાઢ જંગલની વચ્ચોવચ એક નાનકડું જૂનું ઘર હતું, જેમાંથી તેને પોતાના નામની બૂમ સંભળાઇ રહી હતી. તે ગભરાતી ગભરાતી તે ઘરના મુખ્ય દરવાજા પાસે પહોંચી અને દરવાજાને હલકો ધક્કો માર્યો. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. અંદરથી ઘર ખુબ જ ગંદુ હતું. આખું ઘર અસ્તવ્યસ્ત પડેલું હતું.  

 

જેવી વૈભવી અંદર પગ મૂકવા ગઈ, ત્યાં તો જાણે દરવાજા પર કોઈ અદ્રશ્ય શક્તિ હોય તેમ અચાનક ઝટકા સાથે તે દૂર ફેંકાઈ ગઈ અને કોઈ ઝાડ સાથે ટકરાઇ ગઈ. તેને કંઈ સમજાયું નહીં કે તેની સાથે આવું કેમ થયું. 

 

થોડી વાર બાદ તેને છાતીમાં અચાનક તીવ્ર દર્દ ઉપાડવા માંડ્યો. જાણે કોઈ અંદરથી કંઈ ખેંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. દર્દ સહન ના થતા તે જમીન પર બેસી પડી. થોડી વાર બાદ સારું લાગતા તે બેઠી થઇ. તેણે પોતાની આસપાસ નજર નાખી. તેની પાછળ લીલા રંગના ઓરા બનવા લાગ્યા હતા. હાથમાંથી પણ લીલા રંગનો ધુમાડો નીકળી રહ્યો હતો. તે આશ્ર્ચર્યથી પોતાનામાં થતાં બદલાવને જોઈ રહી. પોતાનામાં આવતા આ બદલાવ તેની સમજની બહાર હતા. 

 

ઘરમાંથી હજી તેના નામની બૂમ સંભળાઇ રહી હતી. હિંમત કરી વૈભવીએ અંદર જવા પગ ઉપાડ્યા. તેના આશ્ર્ચર્ય વચ્ચે આ વખતે તેને કોઈ પ્રકારનો અવરોધ ના નડયો. નાનકડા જૂના ઘરમાં બીજા બે ત્રણ રૂમ હતા. હિંમત એકઠી કરી તેને એક પછી એક રૂમ ખોલીને જોયું. અંદર કોઈ નહોતું.  

 

બધા દરવાજા ખુલ્લા હતા બસ છેલ્લા દરવાજો બંધ કરેલો હતો. તે જોઈ વૈભવીને ખુબ નવાઈ લાગી. તેણે ગભરાતા હાથે તે દરવાજો ખોલ્યો. 

 

સામે તેની જ ઉંમરનો નવયુવાન સાંકળના બંધનમાં બંધાયેલો હતો. તે નવયુવાન બેહોશ હાલતમાં હતો. વૈભવી જાણે તેની પીડા મહેસૂસ કરી શકતી હોય તેમ તેની આંખો ભીની થઈ ગઈ. ચહેરા અને શરીર પર ઠેર ઠેર વાગવાના નિશાનો હતા. ફાટેલાં શર્ટમાંથી દેખાતા તેના મજબૂત બાવડા પર પણ લાલ ઉઝરડાંના નિશાનો સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. વૈભવીએ તેની નજીક જઈ તેના ગાલ થપથપવ્યાં. પરંતુ તે યુવાન હોશમાં ન આવ્યો. 

 

પાણીની તલાશમાં વૈભવી બહાર જ નીકળવા જઈ રહી હતી ત્યાં જ તેને કોઈ ના આગમનની આહટ સંભળાઇ. રૂમમાં એક જૂની અલમારી હતી. વૈભવી તરત તે અલમારીમાં જઈ છુપાઈ ગઈ અને તેના ગેપમાંથી બહાર જોઈ રહી. એક વૃદ્ધ સ્ત્રી તે રૂમમાં પ્રવેશી. જેના હાથમાં લાલ રંગનું મિશ્રણ ધરાવતો વાડકો હતો. તે સ્ત્રીએ કોઈ મંત્ર ભણી પાણીના છાંટા તે નવયુવાનના ચહેરા પર છાંટ્યાં. થોડી વાર બાદ તે નવયુવાન હોશમાં આવ્યો એટલે તે સ્ત્રીએ બળજબરીથી લાલ મિશ્રણ તે નવયુવાનને પીવડાવી દીધું. વૈભવી અંદર બેઠી આખું દૃશ્ય જોઈ રહી હતી. 

 

તે મિશ્રણ પીધાને થોડી વાર બાદ દર્દ અનુભવતા તે યુવાને દર્દથી પીડાતી ચીસ નાખી. છતાં તે વૃદ્ધ સ્ત્રીના ચહેરા પર અફસોસના કે દયાના કોઈ ભાવ નહોતા દેખાતા. અંદર બેઠી વૈભવીને તે યુવાનની દયા આવી રહી હતી. તે યુવાન છૂટવા માટે ધમપછાડા કરતો રહ્યો પણ તે સ્ત્રીએ તેને સ્વત્રંત ના કર્યો. 

 

" વિશાખાની કેદમાંથી છૂટવું એટલું સરળ પણ નથી..." અટ્ટહાસ્ય રેલાવતી તે સ્ત્રી બોલી અને પછી રૂમની બહાર નીકળી ગઈ. ધીમે ધીમે તે યુવાન ફરી બેહોશ થઈ ગયો. 

 

" વિશાખા...? કોણ છે આ વિશાખા...? અને આ યુવાનને તેણે આમ કેમ બાંધ્યો હશે..? ચહેરા પરથી તો આ કેટલો માસૂમ લાગે છે..." વૈભવી સ્વગત બોલી અને વિચારે ચઢી ગઈ. થોડી વાર બાદ વૈભવી અલમારીમાંથી બહાર નીકળી. ત્યાં ફરી દરવાજો ખૂલવાનો અવાજ સંભળાતા તે ફરી અલમારીમાં છુપાઈ બેસી ગઈ. 

 

 

 

કોણ છે વિશાખા?

શું વિશાખા વૈભવીની હાજરી વિશે જાણી ગઈ છે?

શું વૈભવી તે યુવાનને વિશાખાની કેદમાંથી છોડાવી શકશે?

આગળ વૈભવી એ કેવા પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડશે?

 

 

જાણવા માટે વાંચતાં રહો ' વેમ્પાય્યાર '....