ડાયરી - સીઝન ૨ - હાઉસ ફૂલના પાટિયા Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - હાઉસ ફૂલના પાટિયા

શીર્ષક : હાઉસ ફૂલના પાટિયા
©લેખક : કમલેશ જોષી

પહેલાં એક પ્રશ્નનો જવાબ આપો: તમે કઈ ફિલ્મ ત્રણથી વધુ વખત ટોકીઝમાં જોઈ હતી? ટીવી, ઓટીટી, યુ ટ્યુબના આજના જમાનામાં ફિલ્મો શબ્દશઃ કહી શકીએ કે ‘હાથવગી’ થઈ ગઈ છે ત્યારે આજથી ત્રણેક દાયકા પહેલાના જમાનામાં શુક્રવારે ટોકીઝોની બહાર જે પ્રેક્ષકોના ટોળા ઉભરાતા એ દૃશ્ય ‘ભૂલી બિસરી યાદે’ બની ગયું છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવી એ એ જમાનાના ફિલ્મ રસિકો માટે જાણે બહુ મોટું ‘એચીવમેન્ટ’ ગણાતું. છાપાઓમાં કઈ ટોકીઝમાં કઈ ફિલ્મ ચાલે છે એની આખે આખું પાનું ભરીને જાહેરાતો આવતી. અમુક ફિલ્મો એના હૃદયસ્પર્શી ગીતો માટે સુપરહિટ જતી, તો અમુક એના ડાયલોગ્સ માટે, અમુક ફિલ્મો કલાકારોએ અભિનયમાં પ્રાણ ફૂંકી દીધા હોય એટલે વખણાતી તો અમુક ફિલ્મો તો એના તમામ પાસાઓની શ્રેષ્ઠતાને લીધી પંદર, પચ્ચીસ કે ચાલીસ અઠવાડિયાઓ સુધી ટિકીટ બારી પર ‘હાઉસ ફૂલના પાટિયા’ ઝૂલાવતી.
"મારી તો પોતાની લાઇફ જ એક ફિલ્મ છે હોં." અમારા ટીખળી મિત્રે કમેન્ટ કરી.
"હા, પણ કોમેડી ફિલ્મ." સમજુએ તરત જ સિક્સર મારી. ટીખળીએ ગોગલ્સ ચશ્માં આંખો પર ચઢાવતા સીન્કો માર્યો અને હીરોની અદાથી અમારી સામે જોયું અને બોલ્યો, "કોમેડી તો કોમેડી.. પણ મારી ફિલ્મનો હીરો હું પોતે જ છું, યુ નો." અમે એની અદા પર તાળીઓ પાડી.
"એમ તો દરેક વ્યક્તિની લાઈફ એક ફિલ્મ જ છે અને એ ફિલ્મનો હીરો એ વ્યક્તિ પોતે જ છે." સમજુએ કહ્યું અને ઉમેર્યું,
"પછી ભલેને એ બારવી ફેલ છગનભાઈ હોય, આજકા એમ.એલ.એ. મગનભાઈ હોય કે અમદાવાદનો રીક્ષાવાળો કનુભાઈ હોય કે સ્કૂલના નવા પ્રિન્સીપાલ ગીતારાની બેન હોય કે ગલીના નાકે દવાખાના વાળા એમ.બી.બી.એસ. મુન્નાભાઈ હોય એની જિંદગીનો તો અસલી હીરો તો એ પોતે જ છે ને..!" બોલતી વખતે સમજુ ગંભીર હતો. અમને પણ એની વાત મનનીય લાગી. આપણી જિંદગીના હીરો, આપણી જિંદગીના અમિતાભ બચ્ચન આપણે પોતે જ છીએ એ વાતમાં દમ તો છે.

આપણા જીવનની ‘ઉલટા ચશ્માં’ સીરિયલમાં બાળક તરીકે આપણે જ ટપુવેડા નથી કર્યા? કે પછી બબીતા જેવી કોઈ છેલ છબીલીને જોઈને છાનામાના શું આપણે જેઠાલાલવેડા નથી કરતા? અને આપણી ઢળતી ઉંમરે શું આપણે ચંપકચાચા કરતા જુદી રીતે વર્તીશું ખરા? મિત્ર સાથે સ્કૂલે સાયકલ પર ડબલસવારીમાં જતા ત્યારે શું આપણે અમિતાભની જેમ ‘યે દોસ્તી, હમ નહિ છોડેંગે’ નથી ગાયું? અને કોઈ કોલેજીયન ગર્લની આંખો ગમી ગઈ હતી ત્યારે આપણે જ મિત્રો સાથે રણવીર કપૂરની જેમ ‘કૈસે બતાયે, કયું તુમ કો ચાહે’ ગીત નથી ગાયું? આપણે જ ઓફિસમાં ચાલતા ભ્રષ્ટાચારના ખેલ સામે ‘ઓફીસ-ઓફીસ’ વાળા મુસદ્દીલાલ, પંકજ કપૂરની જેમ મૂર્ખ નથી બન્યા?
અને હા, પેલી આપણા રસોડામાં જે શાક વઘારી રહી છે એ આપણી ઐશ્વર્યા રાય માટે આપણે જ અભિષેક બચ્ચન છીએ હોં. એને આપણે જ આપણા હોન્ડામાં પાછળ બેસાડી રાજેશ ખન્નાની જેમ ‘જિંદગી એક સફર હૈ સુહાના ગાવાનું છે’. આપણા ખભ્ભે બેસી ‘ઘી-ખંધો’ રમવા માંગતા બાળકને આપણે જ નિશાળે મૂકવા જતી વખતે સંજીવ કુમારની જેમ ‘ઉંચે નીચે રાસ્તે ઓર મંઝિલ તેરી દુર, રાહ મેં રાહી રુક ના જાના, હો કર કે મજબૂર’ ગાવાનું છે અને એના પાંચમા જન્મ દિવસે આપણે જ એના અને આપણા મિત્રોની મહેફિલ જમાવી, માથા પર જોકર ટોપી પહેરી આપણે જ ‘હમ ભી અગર બચ્ચે હોતે, નામ હમારા હોતા ગબલું-બબલું ખાને કો મિલતે લડ્ડુ ઓર દુનિયા કહેતી હેપી બર્થ ડે ટુ યુ’ પણ ગાવાનું છે હોં! આપણે જિંદગીની ફિલ્મમાં ક્યા ડાયલોગ બોલવા, કઈ એક્શન કરવી, કઈ એક્શન ન કરવી, ક્યા હાવભાવ સાથે જીવવું એનું ડાયરેકશન આપનાર આપણી લાઈફની ફિલ્મના ડાયરેક્ટર શિક્ષકો, ગુરુજનો, વડીલો, સંતો પણ આપણી સામે મીટ માંડીને જોઈ રહ્યા છે જાણે કહેતા ન હોય ‘તસ્માદ્દુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચય’.

મિત્રો, આપણી લાઇફની આખી ફિલ્મ આપણા ખંભા ઉપર છે. એક વાર આપણા પરિવારજનોની, એટલે કે વાઇફ, બાળકો અને પેરેન્ટ્સની આંખોને વાંચવાની કોશિશ કરીશું તો તેમાં સ્પષ્ટ લખેલું વંચાશે કે ‘યુ આર અવર હીરો’. આપણે બેસી ગયા, રડતા રહ્યા તો આપણી ફિલ્મ સુપર ફ્લોપ અને જો આપણે જૂમ્યા, ઝઝૂમ્યા અને જમાવટ કરી દીધી તો આપણી લાઇફની ફિલ્મ સુપર ડુપર હિટ સમજી લો. જયારે આપણી લાઇફ-ફિલ્મનો ‘ધી એન્ડ’ આવે ત્યારે, આપણી સ્મશાન યાત્રામાં અને ઉઠમણાંમાં ‘હાઉસ ફૂલના પાટિયા ઝૂલાવવા’ પડે એ જ આપણી લાઇફનો સાચો ‘ઓસ્કાર એવોર્ડ’ એવું અમારા એક વડીલનું માનવું છે. તમે શું માનો છો?

મિત્રો, આપણી જિંદગીની ‘પિક્ચર અભી બાકી હૈ’ ત્યારે આજના રવિવારને લાઇફની ફિલ્મના બેસ્ટ ટર્નીંગ પોઈન્ટવાળો સીન સમજી, જિંદગીની અત્યાર સુધીની તમામ બાજીઓ સમજી ચૂકેલા હીરોની જેમ નવી એન્ટ્રી પાડીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)