વતનનું ઘર SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વતનનું ઘર

વિપશ્યનાનું સેશન ચાલુ હતું.

ગુરુજીએ સ્ટેજ પરથી સૂચનાઓ આપી - "તમારા શ્વાસ પર સંપૂર્ણ ધ્યાન આપો. જે કાંઈ સંવેદનો શરીરના કોઈ પણ ભાગમાં થાય તેની ઉપર ધ્યાન લઈ જાઓ. પુરા રીલેક્સ રહો. ધીમેધીમે તમારો શ્વાસ ધીમો પડશે, હૃદયના ધબકારા ધીમા પડશે. એ સાથે મગજ તરફ જતાં ઇલેક્ટ્રિક સિગ્નલ પણ થોડા વિચારોના ધમપછાડા બાદ ધીમા પડશે. વિચારો રોકાઈ જશે.

બસ. અહીં ઊંઘી ન જવાય તેનું ધ્યાન રાખવું. શ્વાસ ઉપર અને ધીમેધીમે બે આંખની ભમરો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો. એમને એમ બેઠા રહો. તમને ક્યારેક કાંઈક અજબ દેખાશે. એ ભ્રમણા નથી. એમાં પડ્યા ન રહેતાં ફરી ધ્યાન ભમરો વચ્ચે લઈ જાઓ. ક્યારેક કોઈકને પોતાના ભૂતકાળની કોઈ મનમાં ધરબાયેલી યાદી ઓચિંતી ઉપર આવી જશે. એવા પણ બનાવો બન્યા છે કે કોઈને ગતજન્મની કહેવાતી યાદ આવે. એ સાચી કે ખોટી એ આપણે કહી શકીએ નહીં. આપણું કામ ધ્યાનનું છે. અંતર્મનની ઊંડાઈઓમાં ઉતરવાનું છે. રિલેક્સ રહો..એકાગ્ર રહો.."

હું મારા શ્વાસ પર પુરી તાકાત લગાવી ધ્યાનની કોશિશ કરતો હતો. મન અહીંથી તહીં ભટકતું તો પાછું પરાણે પકડીને લાવતો હતો. 'બાજુવાળો શું કરે છે? લાવ, જોઈ લઉં' એમ થાય. ઘડીમાં કોઈ ફિલ્મનું ગીત મગજમાં ચોંટી જાય. એમ કરતાં એકદમ એકાગ્ર થઈ ગયો.

મને ઓચિંતો, મારા કોઈ જાગૃત પ્રયત્ન વગર મારો ભૂતકાળ યાદ આવવા લાગ્યો. એક મિત્ર સાથે શર્ટ ખેંચી કરેલી મારામારી, વકતૃત્વ સ્પર્ધામાં મારી સ્પીચ પર તાળીઓ, શિવાનીની મારી તરફ પ્રેમ ભરી નજર, ક્લાસમાં હું અને શિવાની તારામૈત્રક રચતાં, શિક્ષકનો તમાચો.

એકદમ હું વર્તમાનમાં આવી ગયો. ફરી દસેક મિનિટે એકાગ્ર થયો ત્યાં ફરી શિવાની યાદ આવી. એની સાથે લારીનાં બોરની કરેલી આપ લે, એની હથેળીનો કુમળો સ્પર્શ, વરસાદમાં ભીંજાતાં અમે બે માથે દફતરોની છત્રી કરી અડોઅડ ઘેર જઈ રહ્યાં છીએ - એક ટાવર, ફરતે સર્કલ, સામે બાગ, નજીક કોઈ બંધ દુકાનનું છજું. અમે દોડીને તેની નીચે ઊભાં, વીજળીનો કડાકો, શિવાની મને વળગી પડી.. મારી ઉગતી કિશોરાવસ્થામાં જ યુવાનીની લાગણી.. કોઈને કહેવાય નહીં તેવી ઉત્તેજનાભરી લાગણી. એકદમ તીવ્ર શારીરિક અનુભવ.

હું તરબતર થઈ ગયો. એકદમ જાગૃત. તરત યાદ આવ્યું કે મારે આવી બાબતોમાં એકાગ્ર થવાનું નથી. ફરી શ્વાસ પર ધ્યાન.

છતાં મનમાં વિચારો ચાલવા લાગ્યા.
શિવાની ક્યાં હશે અત્યારે? એ ટાવર અને એ દુકાનોનું છજું ફરી દેખાયાં. ત્યાં ગોંગ વાગ્યો. કલાકનું સેશન પૂરું થયું. 'ભવતુ સર્વ મંગલમ..' સ્વર કાને પડ્યો.

વિપશ્યના શિબિર પુરી થઈ.
હું ઘેર આવી દરરોજ ધ્યાન કરવા સવારે વહેલો ઉઠવા લાગ્યો. બ્રાહ્મ મુહૂર્તમાં સાડાચાર આસપાસ. સંપૂર્ણ શાંતિમાં ધ્યાન કરતાં મને ધ્યાનને બદલે મારો ભૂતકાળ એક પછી એક દૃશ્યોમાં દેખાવા લાગ્યો. મારી નોકરીમાં પાંચ વર્ષ પહેલાંની બદલીની જગ્યાએ ગામ, મને મળેલો એવોર્ડ, મારી ઓફિસ, બાજુમાં બેસતા કલીગનું તેલથી ગંધાતું માથું.. આગળ વધું. ફરીથી હું ધ્યાનમાં ઉતરી ગયો.

વળી મારી કોલેજ દેખાઈ. નાટકની પ્રેક્ટિસ થતી હતી. સુપ્રિયા કમરે હાથ રાખી લટકાં કરતી ઉભી છે. મારે પિસ્તોલ લઈ એને મારી નાખવાની છે. મેં પિસ્તોલ ફોડી. એ ઢળી પડી. ફોક્સ ફક્ત એના સુતેલા દેહ પર. પડદો.

અમે ઊભાં, મારો એની સાથે પિસ્તોલથી ચાળો કરવો, એની કમરે હાથ રાખવો, એનો મને તમાચો અને પ્રોફેસરને બૂમ- ફરી હું એકદમ જાગૃત થઈ ગયો.

આ ધ્યાન છે? એના માટે મેં દસ દિવસ શિબિર કરેલી? ના. પણ સાલું ફિલ્મ ની જેમ જીવાઈ ગયેલી જિંદગી ફરીથી જોવાની મઝા તો આવે છે. ટીવી પરની સિરિયલો જોવા કરતાં પોતાની જિંદગીની ફિલ્મ જોવાની એક મઝા છે. એ પણ એક વિચાર પર જ એકાગ્રતા છે ને?

ફરી ધ્યાનમાં ગયો. પેલો ટાવર, છજું, મારો ઘરનો રસ્તો, ઘરનું કમ્પાઉન્ડ, ઓસરીમાં હિંચકે ઝૂલતા દાદાજી, હિંચકાનો કિચુડકિચુડ અવાજ.. ખૂણામાં હું અને શિવાની લેસન કરીએ છીએ..

એ ઘરનું શું થયું? શિવાનીનું શું થયું? એ ઘર, રસ્તો ટાવર, શિવાની, અરે મારામારી તો શિવાની માટે થઈને જ થયેલી. એ બેચાર પઠ્ઠા છોકરાઓ સાથે લાતાલાતી, મને પેટમાં લાત. એકદમ જાગૃત થવા સાથે મારું કણસવું, લાતની પીડા ફરી અનુભવવી.

"શું થાય છે તમને?" સુપ્રિયાએ મને ઢંઢોળ્યો. હું એકદમ ઝબકીને ધ્યાનમાંથી બહાર આવી ગયેલો જે હળવેહળવે શ્વાસ નોર્મલ કરતાં, પ્રાર્થના કરીને આવવાનું હોય.

"ભૂતકાળ જોતો હતો. ફિલ્મની જેમ."

"તે એટલા માટે સવારે સાડાચારે ઉઠો છો? એના કરતાં સાત વાગે ઉઠી નાહીને દસ મિનિટ ધ્યાન કરતા હો તો! ચાલો. પ્રાર્થના કરી, પાણી પીને સુઈ જાઓ." સુપ્રિયાએ કહ્યું. મેં તેની આજ્ઞાનું પાલન કર્યું. ભલા કયો પતિ પત્નીની આજ્ઞાનું પાલન કર્યા વગર રહી શકે? હું સૂતો અને સુપ્રિયાએ મને તેની હૂંફાળી છાતીમાં સમાવી લીધો.

અર્ધેથી ધ્યાન તૂટ્યું એટલે કે ગમે તેમ, મને એ ટાવર, રસ્તો, શિવાની ફરીફરીને સ્વપ્નામાં આવ્યા કર્યાં.

બીજે દિવસે ઉઠવાનું મન તો ન થયું પણ હવે ભૂતકાળની ફિલ્મ જોવાની એવી ટેવ પડી ગયેલી કે એને જ મમળાવતો ધ્યાન કર્યા કરતો. આજે પથારીમાં બેસીને ધ્યાન કર્યું. સુપ્રિયાનો હાથ મારા ખોળામાં પડ્યો. ચાલુ ધ્યાને મેં એને પકડી પંપાળ્યો. એની સ્નિગ્ધતા અનુભવી. ઓહ, મને સુપ્રિયાનો ભૂતકાળ દેખાવા લાગ્યો.

એ કોઈ ઓસરીમાં દોરડાં કૂદી રહી છે, એ કોઈ પીળી સિલ્કની સાડી વાળી 15-16 વર્ષની યુવતી સાથે ફેરફૂદરડી ફરી રહી છે.. એ મને કોલેજની લોબીમાં મળે છે. અમે સાથે જઈએ છીએ.. એને મને જોઈ જે લાગણી થાય એ પણ હું અનુભવવા લાગ્યો. એ હું એને ક્યારે અડું એ વિચારમાં હડપચી પર દાઢી ટેકવી ફિલ્મનાં અંધારામાં મારી તરફ ઝૂકી છે.

સ્ટેજ પર નાટક. એ રાહ જ જોઈ રહી છે કે હું એને પિસ્તોલ મારૂં. એ પડદો પડતાં જ મારી સાથે નેપથ્યમાં જઈ મને કોઈ ન જુએ તેમ ચૂમીને કોંગ્રેટ્સ કહેવાના મૂડમાં છે. એ વખતે જ મારો બીજાં પાત્રો નેપથ્યમાંથી જુએ એમ એની સાથે ચાળો, એને ગુસ્સો આવવો.. તમાચો. હું જાગૃત.

જલ્દી પ્રાર્થના કરી લીધી. હજી છ વાગેલા. પ્રભાતના આછા ઉજાસમાં એ એવી તો સુંદર લાગતી હતી.. ભૂતકાળ નથી જોવો. વર્તમાનમાં જ. જે સ્વર્ગ છે તે અહીં જ છે, અહીં જ છે. મેં ધ્યાન પછીનાં સ્વસ્થ તન, મન સાથે એ સ્વર્ગીય સુખ માણ્યું.

એને સવારે ચા પીતાં એ પીળાં સિલ્કની સાડીવાળી છોકરી કોણ હતી તે પૂછ્યું. એ ચોંકી ગઈ. મેં કહ્યું કે તેના સ્પર્શ સાથે હું તેનો ભૂતકાળ પણ જોઈ શકેલો. તે યુવતી તેની કઝીન હતી. એક લગ્નપ્રસંગે આ બનેલું. મેં નાટકના સીનની વાત કહી. એના મનોભાવો કહ્યા. એને ખૂબ નવાઈ લાગી. હું એનું મન પણ વાંચી શકું?

આમાં તો અમને બેયને મઝા પડવા લાગી. ધ્યાનની ટેક્નિક શિબિર સિવાય શીખતાં તેને સમય લાગ્યો પણ પ્રેક્ટિસથી તે પણ શીખી ગઈ. એણે માત્ર પોતાનો ભૂતકાળ વાગોળવા ધ્યાન કરવા માંડ્યું.

ધ્યાનનો હેતુ તમારો ભૂતકાળ જોવાનો નથી, અંતર્મન સાફ કરવાનો છે. પણ એ મૂળ હેતુથી ભટકી જઈ અમે અમારી જીંદગીની ફિલ્મો રોજ જોવા માંડી. મને તેના વિચારો કે તેની જિંદગી દેખાતી. તેને મારી જિંદગીનહીં. એમાં અમારા એક સુવિખ્યાત અને વિદ્વાન કહેવાતા પ્રોફેસરે તેની એકાંતમાં જાતીય છેડતી કરવા પ્રયાસ કરેલો અને તેણે એ પ્રોફેસરને વાળ પકડી પેટ નીચે લાત મારેલી એ મને દેખાયું એ સમયે તેને એ જ દેખાયું. અમે બન્ને ઝબકીને ધ્યાનમાંથી બહાર આવી ગયાં.

હશે. અમે હવે ચોક્કસ સમયે રાત્રે સૂતા પહેલાં ધ્યાનને નામે આમ ભૂતકાળ જોવાની મઝા માણવાનું શરૂ કરી દીધું. હવે ટેવ પડી એટલે ધ્યાન જલ્દી લાગતું અને અમે બન્ને અમારા ભૂતકાળના પ્રસંગો વાગોળતાં.

મને થયું, સાલું ભવિષ્ય જોવાય, એ પણ બીજાનું, તો કમાણી સારી થાય. પણ એ ત્રિકાળજ્ઞાનની શક્તિ મને મળે તેમ ન હતી. હું ધ્યાનમાં પણ જાણીજોઈને ભૂતકાળની ફિલ્મ જોતો. ફક્ત મનોરંજન માટે. એમાં મારાં સાળી અને સાઢુ આવ્યાં. તેઓ કોઈ વાતમાં કે ટીવી જોવામાં એકધ્યાન હોય ત્યારે તેમનો ભૂતકાળ જોઈ શકતો. સાઢુ કોઈ સુંદરી સાથે ચાલુ પડી ગયેલા એની મને એકએક ક્ષણ જોવાની મઝા પડી. એકાદ જગ્યાએ, કદાચ તાજેતરમાં જ લોકડાઉનમાં પોલીસે તેમને ધીબેલા તે તેમને ખાનગીમાં પૂછ્યું. તેઓ ચોંકી ગયા. સુપ્રિયાને પેલી તેમના ચાલુ પડી જવાની વાત કરી. તેણે હળવેથી સાળીને પૂછી લીધું અને એ સ્ત્રીથી જીજાજીને દૂર રાખવા કહ્યું. મને મારા કરતાં બીજાનો ભૂતકાળ જોવાની વધુ મઝા પડી. એ સાથે કોઈનું ભલું કર્યાનો સંતોષ થયો. મારી સાળીનું સ્તો.

એમાં એક વખત સુપ્રિયાએ રાત્રે મને તેના સૌંદર્યનું ધ્યાન અને પાન કરાવ્યું! તે રાત્રે ધ્યાન ન થયું. બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને મારી આદત મુજબ બેઠો ભૂતકાળ વાગોળવા. રહીરહીને પેલું કમ્પાઉન્ડવાળું ઘર, હિંચકે બેસતા દાદાજી, કિચુડકિચુડ અવાજ અને એ ઘર પર જ ધ્યાન ચોંટી જાવા લાગ્યું. ધ્યાનમાં પણ ધ્યાન બીજે દોરવા એક માઈક્રોક્ષણ મેં શિવાનીને યાદ કરી. એ સફેદ ફ્રોકની કમરે ટાઈટ બાંધેલો પટ્ટો, તેની V આકારની પીઠ અને નાજુક લાંબી ડોક.. હવે તેના લાલચટક કાનની બુટ અને તેની ઉપર ઝૂલતી સફેદ મોતીની બુટ્ટી, તે આજે રવિવાર હોઈ માથે નહાઈ છે. તેના વાળની સુગંધ લેતો હું એ લાલ કાનની પાછળ હોઠ લઈ જાઉં છું..

એ દાદરેથી સરકી 'ઓ..ય' કરે છે. હું તેને પકડી લઉં છું. તે પડી જતી બચે છે.

તો એ દાદરો એકદમ જુનાં મજબૂત લાકડાંનો હતો. તો પપ્પાનો રૂમ અને અમારી મેડી.. આ બધું યાદ આવ્યું. એ સાથે શિવાનીનું સામીપ્ય ઓગળી ગયું અને એ મેડીબંધ, મોટા કમ્પાઉન્ડ વાળું મકાન, એ સાથે એ રસ્તો, ટાવર, દુકાન, છજું બધું યાદ આવ્યું, દેખાયું. તેની સાથે જોડાયેલા પ્રસંગો પણ સ્પષ્ટ જોયા, અનુભવ્યા.

રાત્રે સુપ્રિયાને વાત કરી. આજે મેં ભૂતકાળયાત્રા શરૂ કરી કે તુરત એ મકાન, રસ્તો ને એ બધું જ દેખાવા લાગ્યું. એનું શું થયું હશે? ધ્યાન પૂરું કરી હું નિત્યક્રમે લાગ્યો પણ એ જ મગજમાં રમતું રહ્યું.

મને થયું કે એ જગ્યાએ ફરી એકવાર જવું જોઈએ. સુપ્રિયાને એ જોવામાં રસ ન હોય પણ બતાવું તો ખરો!

એ પહેલાં મેં પપ્પાને એ જગ્યા વિશે પૂછ્યું. તેઓ મારા નાના ભાઈ સાથે અત્યારે બોસ્ટન રહે છે. બેએક વર્ષ પછી ફરી મારી સાથે રહેશે. તેમણે કહ્યું કે દાદાજી ઓચિંતા ગુજરી ગયા પછી દસેક વર્ષથી તેઓ ત્યાં જઈ નથી શક્યા. તેમની બેંકની નોકરી હતી અને તેઓ રાજ્ય બહાર ખૂબ દૂર નોકરીમાં હતા. અમે શહેર છોડી અહીં સેટ થયેલાં. હું અને નાનો ભાઈ હોસ્ટેલમાં ભણવા અને પછી પોતાના ધંધે અમારાં એ શહેરથી દૂર જતા રહેલા. કોઈ દસ વર્ષથી વતન જઈ શક્યું નથી.

શહેર હતું તો પાંચસો ઉપર કિલોમીટર દૂર. એક દિવસ રજાઓ સાથે એકાદ રજા મુકી અમે એ વતનનાં શહેરે ગયાં. આજે તો હોટેલમાં રૂમ બુક કરી. એ વિસ્તારમાં ગયાં. એ ટાવર અને ફરતે ગાર્ડન આવ્યું. ઘણું વ્યવસ્થિત થઈ ગયેલું. પેલી દુકાન અને છજું ક્યાં? ઓહ, ત્યાં તો શોપિંગ સેન્ટર હતું. છજાંની બાજુમાંથી એક નાની શેરી શિવાનીનાં ઘર તરફ જતી હતી એનાં મકાનોની સિકલ બદલાઈ ગયેલી. મારું કમ્પાઉન્ડવાળું મકાન ક્યાં?

કોઈને પપ્પાએ કહેલ તે શેરી પૂછી. ત્યાં ત્રીજું મકાન કહેલું. અરે, આ મોટો લીમડો અને આ ગોરસ આમલીનું ઝાડ આટલાં વર્ષ પછી પણ છે! અહીં પથરા મારી ગોરસ આમલી પાડી, શિવાનીને આપી. બદલામાં એને એક કિસ કરી લીધી.. ક્યાં હશે શિવાની! સુપ્રિયા સાથે મને જુએ તો! ભલે જુએ. એનો પણ કોઈ સુપ્રીયો હશે જ ને?

અહીં ત્રીજા મકાનની જગ્યાએ એક આઠદસ માળનું બિલ્ડીંગ પૂરું થઈ ચુકેલું અને 'જૂજ ફ્લેટ બાકી' ની જાહેરાત હતી! બાજુના બંગલામાં ગયાં. તેઓને મારા દાદાનું નામ કહ્યું. તેઓ ઓળખ્યાં નહીં. બાજુનું મકાન તો સાતેક વર્ષ પહેલાં બંધાવા લાગેલું. પપ્પાએ વેંચી દીધું હોય તો ઘરમાં વાત તો થાય ને!

મને પાછા જઈ તરત પપ્પાનો સંપર્ક કરવો જરૂરી લાગ્યો.

મારા પગ ધ્રુજવા લાગ્યા. ધબકારા ઝડપી થયા. હું શિવાનીનાં ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યાં તો ભવ્ય બંગલો હતો. મેં ગેઇટ ખખડાવ્યો. કોઈ હિંદીભાષી સ્ત્રી બહાર આવી. તેણે સેંથીમાં લાલ સિંદૂર પુરેલું. તે હિંગળોક પીળી સાડીમાં સજ્જ થયેલી હતી. કમરમાં સાડી ખોસતી તે બહાર આવી. અમે તેને શિવાની અહીં રહેતી હતી તે વિશે પૂછ્યું. તેને ખ્યાલ નહોતો. તેઓ અહીં નવ વર્ષથી રહેતાં હતાં. બંગલો આ જમીન ખરીદી નવો તેમણે જ બનાવેલો.

અમે નિરાશ થઈ નીકળ્યાં. ન મળી શિવાની, ન જોયું દાદાનું એટલે મારૂં બાળપણનું ઘર.

એ અમારી જગ્યાએ મકાન બંધાઈ ગયેલું.

રાત્રે ધ્યાન કરવા બેઠો. વળી હોટેલમાં બેઠે પણ એ મકાન, એ દાદરો, હિંચકાનો કિચુડાટ જ રહીરહીને દેખાય. ન આગળ જવાય ન પાછળ. મન વ્યગ્ર હોય ત્યારે ધ્યાનબ્યાન ન થાય.

હું રાત્રે ચાલતો શિવાનીનાં મકાન પાસે ગયો. સર્કલ બહારનાં ગાર્ડનને બાંકડે બેસી એ મકાન સામે જોયે રાખ્યું અને આંખો બંધ કરી

એમાંથી પેલી ભૂતકાળ દેખાવા લાગ્યો... પેલી હિંદી સ્ત્રી, તેમનું આ ઘરમાં વાસ્તુ.. હજી પાછળ ગયો. એક પડી ગયેલાં મકાન પાસે ઉભી તેઓ જમીન પર કોઈ વિધિ કરે છે.. એ મકાન તો શિવાનીનું હતું તેવું જ હતું!

પાછા જઈ પપ્પાને વીડિયો કોલ કર્યો. તેઓ ચોંકી ગયા. તેમણે જમીન વેંચી જ ન હતી!

મારે તરત પાછા જવું એમ નક્કી કર્યું.

અમારાં મકાનની જગ્યાએ બનતાં બિલ્ડીંગના બિલ્ડરનું નામ જોયું. જયદીપસિંહ જાડેજા. બોર્ડ પર નંબર જોઈ જોડ્યો. મારે ફ્લેટ લેવો છે એમ કહીને.

અરે! એ તો જગુ હતો જેની સાથે શિવાની બાબતે લાતાલાત થયેલી. એણે સ્કૂલમાંનું નામ જગત બદલી જયદીપ કરેલું. ઓળખી ગયો. મેં તેણે અમારી જમીન ક્યારે લીધી એમ પૂછ્યું. તે એક ક્ષણ અચકાઈને કહે મારા કાકાએ વેંચેલી. મારે સગા કાકા છે જ નહીં. મેં વેંચાણખત જોવા માંગ્યું. એણે ઓફિસે આવી જવા કહ્યું. ઓફિસમાં ડોકયુમેન્ટ બતાવ્યાં નહીં. ઉપરથી 'તોડીને ભડાકા કરી લે' કહ્યું.

મારે ફરિયાદ દાખલ કરવી જરૂરી હતી. દિવાની કેસમાં તો વર્ષો જાય. ફોજદારી પણ ક્યાં સહેલી પડી છે?

એ જમીન તેની પાસે આવી કઈ રીતે!

હું જિલ્લાના મુખ્ય મથકે લેન્ડ રેકોર્ડની ઓફિસે ગયો. મારાથી બે વર્ષ આગળ ભણતો એક હોંશિયાર વિદ્યાર્થિ કોઈના વકીલ તરીકે આવેલો. એણે જોઈને કહ્યું કે જમીનનો આખો પટ્ટો જયદીપસિંહના નામે છે. મેં શિવાની ક્યાં છે તે પૂછ્યું. World is small. તે બોસ્ટનમાં રહેતી હતી એટલી મિત્રને ખબર હતી.

ફેસબુકમાં સર્ચ કરી, કદાચ મળી જાય. ન મળી.

મેં એ બોર્ડ પરના આર્કિટેકટનો નંબર નોટ કર્યો. તેની આ જિલ્લા મથકે જ ઓફિસ હતી. આ પ્રોજેકટ મારી બાપીકી જમીન પર છે તેમ કહ્યું. 'હોય નહીં!' તે કહે. તે આ મારાં વતનના શહેરનો જ હતો. હું તેને ઘેર ગયો. એના ડ્રોઈંગરૂમમાં નૃત્ય કરતી બે છોકરીઓની તસ્વીર હતી. એક તો શિવાની જ લાગી!

એને પૂછતાં જાણ્યું કે એ તસ્વીર તેની પુત્રી અને શિવાનીની પુત્રીની હતી. બન્ને બહેનપણીઓ હતી. શિવાની અહીં રહેતી હતી. તેના પિતા રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા. તે પછી તે તેના મામા પાસે મુંબઇ જતી રહેલી. તો તેની પુત્રીનો ગમે તેમ કરી સંપર્ક કરવા કહ્યું. તેના દ્વારા તેની બહેનપણી અને તેના દ્વારા શિવાનીનો નંબર મેળવ્યો. પપ્પા અને ભાઈને તાત્કાલિક એ ફોન પર સંપર્ક કરવા કહ્યું.

બીજે જ દિવસે મને વીડિયો કોલ આવ્યો. શિવાની! એવી જ સુંદર. હવે તો મારી જેવી ઢળતી યુવાન લાગતી હતી. સુપ્રિયાને કહે, "દીદી, જો હું થોડો વધુ વખત આની સાથે હોત તો- હું તમારી જગ્યાએ ચોક્કસ હોત!" બન્ને ખડખડાટ હસી પડી.
મેં તેને તેનાં મકાનની વાત પૂછી.

તેની જમીન તેણે પણ વેંચી ન હતી.

મેં મારા એ વકીલ મિત્રને સાધ્યો. એણે સર્ચ કરી. બધા મારી મચડી બોગસ દસ્તાવેજ થયેલા. એ શેરી આસપાસના ઘણાખરા બીજા શહેર કે દેશમાં જતા રહેલા એ જમીન જગુએ બોગસ રીતે પચાવી પાડેલી.

શિવાની અને પપ્પા, ભાઈ જલ્દીથી આ શહેરમાં આવી પહોંચ્યાં. પપ્પા અહીં ને ત્યાં દોડ્યા કર્યા. પોલીસમાં પણ બધે જગુના જ સગા અને મળતીયાઓ હતા. પપ્પાનું કાઈં વળ્યું નહીં.

મેં વળી શિવાનીનો ભૂતકાળ જોયો. એના પિતાને એટેક આવેલો પણ એ વખતે તેઓ ચિંતામાં હતા. કદાચ સતત જમીન વેંચવાનું દબાણ જગુ દ્વારા થતું હતું. જગુ જમીન માટે ખાનગીમાં જબરા ગોરખધંધાઓ કરતો હતો.

હું ભવિષ્ય તો જોઈ શકતો ન હતો. શું કરવું? કરું એ સફળ થશે? પોલીસ તો જગુ સાથે જ હતી.

હું અને સુપ્રિયા નાટકનાં કલાકાર. અમે એ બિલ્ડીંગમાં રાત પડવા આવી ત્યારે પહોંચી ગયાં. શિવાનીએ આજે જ અહીંનું સીમકાર્ડ લીધેલું તેના પરથી જગુને પોતે ખૂબ મિસ કરે છે, વિદેશથી ટૂંકી વિઝીટે આવી છે કહી બિલ્ડીંગ પર એકલો મળવા બોલાવ્યો. જગુએ પોતાનું મોટું ફાર્મહાઉસ છે ત્યાં આવે તેમ કહ્યું. શિવાની કહે કે તેનાં મકાનના સાચા દસ્તાવેજ પિતાનાં વસિયતનામાં સાથે લોકરમાં હતા અને તે તેના હાથમાં છે.

હવે જગુ કહે "હોય નહીં."

તે આવ્યો. શિવાની તેની સાથે લટકાં કરતી ઉભી. ઓચિંતો હું રિવોલ્વોર લઈ પ્રવેશ્યો. મેં રિવોલ્વોર તાકી. જગુ મને ફરી લાત મારવા ગયો- તે દિવસની જેમ. મારી કલાકાર જીવનસાથી સુપ્રિયાએ કૂદીને તેના પગને પકડી ઉલાળ્યો. તેણે નીચે પડતાં નજીક પડેલ અમારી તરફ સ્લેબ ભરવા વપરાતો સળીયો ઉઠાવી માર્યો. સદ્ભાગ્યે હું ઘા ચુકી ગયો.

એ જ સળીયો શિવાનીએ ઝુંટવી લઈ જગુનાં માથાંમાં ઉપરાઉપરી ફટકાર્યો. "મેં બદલો લીધો. તું નહોતો, હોસ્ટેલમાં રહી ભણતો હતો ત્યારે આણે.."
જગુ એ માત્ર જમીનો જ નહોતી પડાવી, સુંદર યુવતીઓને પકડી, એકાંતમાં લઈ જઈ બળાત્કારો પણ કર્યા હતા. શિવાની પર તેનો
નિષ્ફળ પ્રયત્ન થયેલો.
આજે શિવાનીએ વર્ષો જૂની દાઝ કાઢી લીધી. તે હાંફતી રહેલી. આડા પડેલા જગુ પાસે ઉભી તે મહિષાસુર મર્દિની લાગતી હતી.

તે ચોધાર આંસુએ રોઈ પડી. હું જે મને ખ્યાલ છે તેજ ભૂતકાળ જોઉં ને! હું કોલેજમાં હતો તે વખતનું શિવાનીનું મેં કાંઈ જોયું ન હોય. સુપ્રિયાએ તેને બાથમાં લીધી અને શાંત કરી.

જગુને બાંધીને કન્સ્ટ્રક્શન માટેના પાણીના હોજમાં ડુબાડી અમે રવાના થઈ ગયાં.

બીજે દિવસે અખબારોમાં સમાચાર હતા - "જાણીતા બિલ્ડર જયદીપસિંહનું અકસ્માતે પાણીમાં પડી ડૂબી જતાં મૃત્યુ".

વકીલ મિત્રની મદદથી અમે બધા જ લેન્ડ રેકોર્ડ ખોલાવ્યા. સાચા માલિકોએ જમીન મેળવી.

એની જમીનના શિવાનીને મળ્યા એ તેણે ચેરીટેબલ ટ્રસ્ટમાં રોકી દીધા. તે અને તેનો 'શિવાનો' કોમ્પ્યુટર એન્જીનીયર હતાં. સારું કમાતાં હતાં.

એ બિલ્ડીંગની જમીન હવે ફરી અમારી હતી. ફ્લેટસ અમે વેંચ્યા. સાચે જ સાત પેઢી ખાય એટલું કમાયા.

મેં મારું ઘર અને એ ભૂતકાળ વારંવાર જોયો ન હોત તો! જોઈને માન્યું ન હોત તો!

**