શિવમ, કાલિંદી અને અઘોરી દાદાએ જંગલનો રસ્તો પકડ્યો. જતાં જતાં નંદિની અને વિરમસિંહની રજા લીધી. બસ હવે આજની રાત એ શૈતાનની આખરી રાત હતી.
ગામની બહાર પગ મૂકવા ગયા ત્યાં વાતાવરણ એકાએક ભયંકર બની ગયું. જંગલની તરફથી તેજ હવાઓં ગામની તરફ વહેવા લાગી. કાનના પડદા ચિરી નાખે તેવો સૂસવાટા ભેર હવાનો અવાજ આવી રહ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. તેજ હવા અને એમાંય ધૂળના કારણે કંઈ દેખાઈ રહ્યું નહોતું.
“ અઘોરી દાદા આ શું થઈ રહ્યું છે." શિવમે પોતાની આંખો આડે આવતી ધૂળને પોતાના હાથો વડે હટાવતાં કહ્યું.
“ એ તો હું પણ નથી જાણતો. મારા ખ્યાલથી કાળી શૈતાની શક્તિ ગામ તરફ આવી રહી છે." અઘોરી દાદાએ પોતાનું વાક્ય પૂરું કર્યું ન કર્યું ત્યાં તો એક ભલભલાને ડરાવી દે એવી ખૂંખાર ત્રાડ સાંભળવા મળી. શિવમ, કાલિંદી અને વૃદ્ધ અઘોરી આમ અચાનક શૈતાનની ત્રાડ સાંભળીને ભયભીત બની ગયા. ગામલોકો પણ ડરના માર્યા પોત પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા.
ફરીવાર એક ભયંકર ત્રાડ પાડીને બ્રહ્મરાક્ષક ગામ તરફ પોતાના મોટા પગો દ્વારા છલાંગો લગાવતો લગાવતો આવી રહ્યો હતો. વૃદ્ધ અઘોરી, શિવમ અને કાલિંદીની નજર ગામની તરફ આવી રહેલા કાળ તરફ મંડાયેલી હતી. એકાએક ગામની હદ આવતાં જ એ બ્રહ્મરાક્ષક થંભી ગયો. અઘોરી દાદાએ હાશકારો અનુભવતા કહ્યું...
“ હાશ..! આખરે એ શૈતાનની હિંમત નહિ થાય ગામની અંદર પગ મુકવાની. જો તેણે એવું કર્યું તે તેની બધી જ કાળી શક્તિને ખોઈ દેશે. એ પવિત્ર ભસ્મ કાળી શૈતાની શકિતને ખત્મ પણ કરી શકી તેટલી તાકાત ધરાવે છે."
“ પણ અઘોરી દાદા આ કેવી રીતે સંભવ બન્યું. પવિત્ર ભસ્મ દ્વારા જો શૈતાનનું વધ થયું જ હોય તો પછી બ્રહ્માસ્ત્ર શોધી લાવાની ક્યાં જરૂર છે." શિવમે નવાઈ સાથે પ્રશ્ન કર્યો.
અઘોરી દાદા પોતાના શબ્દોને ઉચ્ચારીને શિવમને કહેવા જતાં હતા ત્યાં જોરદાર પવન ફરી વહેવા લાગ્યો. પવન એટલો બધો જોર જોરથી વહેવા લાગ્યો છે ગામ લોકોએ ડરના માર્યા પોત પોતાના ઘરના દરવાજા બંધ કર્યા તે ખૂલી ગયા અને ભયંકર ત્રાડ સાથે એ શૈતાન ગામની હદમાં આવી પહોંચ્યો.
વૃદ્ધ અઘોરીને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેઓ અચંબા સાથે બ્રહ્મરાક્ષક સામે જોઈ રહ્યાં હતા. પવનનો સૂસવાટા ભેર અવાજ કાનને વિંઘતો નીકળી ગયો. ફરી એકવાર ભયંકર ત્રાડ પડી.
“અસંભવ.." વૃદ્ધ અઘોરી દાદાએ કહ્યું.
“ અઘોરી દાદા આપે તો કહ્યું હતું આ શૈતાન ગામમાં ત્યાં સુધી પગ નહિ મૂકી શકે જ્યાં સુધી પવિત્ર ભસ્મની આ આડી રેખા છે." શિવમે કહ્યું.
બ્રહ્મરાક્ષક ત્રાડ પાડીને ગામની અંદર ઢળી આવ્યો પરંતુ તે હજુ એક જગ્યાએ સ્થિર ઉભો હતો. જાણે તે શિવમ અને અઘોરી દાદાની વાતો જ સાંભળી રહ્યો હોય.
“ આ શક્ય ના હોઈ શકે. પરંતુ જે નજરની સામે દેખાઈ રહ્યું છે એ પણ ખોટું તો નથી જ." વૃદ્ધ અઘોરી દાદાએ કહ્યું.
કાલિંદી; શિવમ અને અઘોરી દાદાની વાત સાંભળી રહી હતી. તેનું ધ્યાન પળે પળે એ શૈતાન તરફ જતું હતું ક્યાંય તે એકાએક તેમની તરફ હુમલો કરવા ના આવી પહોંચે તેનું ધ્યાન રાખતી હતી.
“ તમે શું કહેવા માંગો છો અઘોરી દાદા ?" શિવમે પ્રશ્ન કર્યો.
“ એજ કે આ ભસ્મને પાર કરવી એ કોઈ સહેલી વાત નથી. જો કોઈ કાળી શૈતાની શક્તિ આ પવિત્ર ભસ્મ દ્વારા બનાવેલી રેખાને પાર કરે તો યા તો તે તુરંત બળીને ખાખ થઈ જાય અથવા તો તેની બધીજ શૈતાની શક્તિ લુપ્ત થઈ જાય છે." વૃદ્ધ અઘોરી એ કહ્યું
“ તો આ બ્રહ્મરાક્ષકને તો કંઈ જ અસર ના થઈ. તો શું તેની શક્તિ...." શિવમ હજુ બોલી જ રહ્યો હતો ત્યાં...
“ શિવમ તારી જાતને બચાવ..." કાલિંદીના શબ્દો વાયુવેગે શિવમના કાન સાથે અથડાતાં જ તે સાવધાન થઈ ગયો.
બાજુમાં ખસતાં પાછળની તરફ જોયું તો લીલુંછમ વૃક્ષ આગની જ્વાળામાં સળગી રહ્યું હતું. બ્રહ્મરાક્ષકે પોતાની ડરાવની આંખોમાંથી કાળી શકિતીને શિવમ તરફ છોડી પરંતુ કાલિંદીની સતર્ક નજરે શિવમને આવનારી મુશ્કેલીથી સાવચેત કરી દીધો અને એ કાળી શક્તિ વૃક્ષ સાથે અથડાતાં તે બળીને ખાખ થઈ ગયું. જો શિવમ સમય રહેતાં સાવચેત ના થયો હોત તો શાયદ વૃક્ષની જગ્યાએ તે હોય શકોત.
“ અઘોરી દાદા તમે કેમ આમ ચૂપ ઉભા છો. કઈક કરો નહિતર આ કાળ બધાંને ભરખી જશે." કાલિંદી એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
“ બેટા, હવે ચિંતા કરવાની જરૂર નથી. એ બ્રહ્માસ્ત્ર ટૂંક સમયમાં જ આપણી પાસે હશે. કોઈ તો એ બ્રહ્માસ્ત્રને આપણી પાસે લઈને આવી રહ્યું છે. ત્યારેજ બ્રહ્મરાક્ષકે આ પવિત્ર ભસ્મ દ્વારા બનાવેલી રેખાને પાર કરી શક્યો. અન્યથા આ શક્ય જ ન બનોત." અઘોરી દાદાએ કહ્યું.
“પણ દાદા એ કંઈ રીતે ? અને આપે જ કહ્યું હતું કે એ બ્રહ્માસ્ત્ર સુધી ફક્ત ને ફક્ત એજ પહોંચી શકશે જેને ત્યાં મળેલી પહેલી ઉકેલી શકે. અને એ પહેલી નાનીમા ( ગુરૂમા) દ્વારા આપેલી વિદ્યાથી ખુલશે અને એ વિદ્યા તો ફક્ત હું અને કાલિંદી જ જાણીએ છીએ તો પછી બ્રહ્માસ્ત્ર સુધી કોઈ અન્ય કેવી રીતે પહોંચી શકે."
શિવમ હજુ બોલતો હતો ત્યાં ફરી બ્રહ્મરાક્ષસે હુમલો કર્યો. અગ્નિનો એક ધગધગતો ગોળો શિવમની નજરની આગળ આવીને થંભી ગયો.
શિવમે એક નજર થોડે દૂર કરી, ત્યાં એક ગાડી ઊભેલી નજરે આવી. ગાડીમાંથી ગુરુમા અને રાજેશ્વરી દેવી નીચે ઉતર્યા. ગુરુમાં દ્વારા ઉચ્ચારાયેલા પવિત્ર શ્લોકે બ્રહ્મરાક્ષસની એ કાળી શૈતાની શક્તિને રોકી દીધી હતી. એ અગ્નિનો ગોળો હવામાં જ ગાયબ થઈ ગયો.
બીજીવાર પોતાનો પ્રહાર ખાલી જતાં ગુસ્સે ભરાયેલો બ્રહ્મરાક્ષસ ગાડી તરફ , જ્યાં ગુરુમા અને રાજેશ્વરી દેવી ઉભા હતા ત્યાં હુમલો કરવા પહોંચી ગયો પરંતુ ગુરુમા દ્વારા ઉચ્ચારેલા પવિત્ર શ્લોકો એ બ્રહ્મરાક્ષસને થોડો નિર્બળ બનાવી દીધો. ડરના માર્યા બ્રહ્મરાક્ષસ જંગલ તરફ ભાગી ગયો.
શિવમ અચંબા સાથે ગુરુમા અને રાજેશ્વરી દેવી તરફ જોઈ રહ્યો હતો. ગુરૂમા અને રાજેશ્વરી દેવી શિવમ તરફ આવી રહ્યા હતા. શિવમ હજુ પણ એકીટસે આવી રહેલા પોતાના નાનીમા અને માતૃશ્રી તરફ જોઈને રહ્યો હતો. નજીક આવતા જ રાજેશ્વરી દેવી શિવમને ભેટી પડ્યા. કાલિંદી તો એ અજાણ્યા ચહેરા તરફ જોઈને રહી હતી.
“ મમ્મી..!" શિવમના મોઢામાંથી લાગણી સભર શબ્દ નીકળ્યો.
કાલિંદી પણ સમજી ગઈ કે સામે ઊભેલી વ્યક્તિ શિવમની મમ્મી અને તેમના નાની છે.
શિવમની મમ્મીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. શિવમને પણ અણસાર આવી ગયો હતો કે તેમની મમ્મી અને નાનીમા ને અમરાપુરની સઘળી વાત જાણી ગયા છે.
“ શિવમ આપણી પાસે હવે સમય રહ્યો નથી. જેમ બને તેમ જલ્દી બ્રહ્મરાક્ષકના રહસ્ય સુધી પહોંચવું પડશે." વૃદ્ધ અઘોરી દાદાએ ચિંતાતુર અવાજમાં કહ્યું.
“રહસ્ય..? કેવું રહસ્ય અઘોરી દાદા..!" કાલિંદી એ પૂછ્યું.
રાજેશ્વરી દેવીએ કાલિંદીનો (અજાણ્યો ) અવાજ સાંભળીને શિવમને ગળે લગાવ્યો હતો તેથી વિખૂટી પડી.
“ શિવમ આ છોકરી કોણ છે?" રાજેશ્વરી દેવીએ પ્રશ્ન કર્યો. ગુરૂમા હજુ પણ ચૂપ ઉભા હતા.
“ મમ્મી હું આપને બધું જ જણાવીશ પરંતુ હાલમાં બ્રહ્મરાક્ષકનું રહસ્ય જાણવું વધુ જરૂરી છે." શિવમે કહ્યું.
“ અમે જાણીએ છીએ દુષ્ટ દુર્લભરાજનું રહસ્ય..." આખરે ગુરુમા એ ચૂપી તોડતા કહ્યું.
વૃદ્ધ અઘોરી, શિવમ અને કાલિંદીની નજર ગુરુમા તરફ મંડાણી.
એ રાત્રે જ્યારે તેઓએ અમરાપુર ગામ છોડ્યું હતું તે રાતની સઘળી હકીકત ગુરુમા એ કહી જણાવી.
“ દુર્લભરાજ ઠાકુરોનું ખૂન નથી, હકીકતમાં તે એક બ્રાહ્મણ પુત્ર હતો. રાવસિંહને વર્ષો વિતી ગયા છતાં સંતાન પ્રાપ્તિ નહોતી થઈ તેથી તેમણે ગરીબ બ્રાહ્મણના પુત્રને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો હતો. જોકે તેની જાણ ફક્ત એ ગરીબ બ્રાહ્મણ અને રાવસિંહ અને તેની પત્નીને હતી. રાવસિંહની પત્ની મૃત્યુ પામતાં દુર્લભરાજનું લાલન પાલન બકુલાદેવીએ કર્યું હતું. રાવસિંહે ગાદીની લાલચમાં બ્રાહ્મણ પુત્રને પોતાનો સગો પુત્ર ગણાવ્યો હતો, રાવસિંહને એમ કે દુર્લભરાજ મોટો થઈને સત્તા સંભાળશે અને પ્રજાનું કલ્યાણ કરશે પરંતુ રાવસિંહના આ બધાં જ સ્વપ્નો ઉપર દુર્લભરાજે પાણી ફેરવી દીધું." રાજેશ્વરી દેવીએ ગુરુમાની વાતમાં સાદ પુરાવતા કહ્યું.
“ મતલબ દુર્લભરાજ ક્ષત્રિય નહિ પરંતુ બ્રાહ્મણ હતો." આખરે શિવમને બધી વાત મગજમાં બંધ બેસતા કહ્યું.
“ હતો નહિ પરંતુ છે. દુર્લભરાજ પોતાના ખરાબ કર્મો, કુકર્મો દ્વારા જ બ્રહ્મરાક્ષક બન્યો છે. ભગવાન બ્રહ્માજીએ બ્રાહ્મણ પુત્રને શ્રાપ આપ્યો હતો કે જેવા કર્મ કરવો એવા જ ફળ મળશે. બ્રાહ્મણ થઈને દારૂ પીવો, માસ ખાવું તેમજ લોકોને હેરાન કરવા એ તેમના ધર્મને વિરોધ છે. અને આ બધાનું અનાદર કરતાં દુર્લભરાજ બ્રહ્મરાક્ષક બન્યો છે." અઘોરી દાદાએ વધુમાં ઉમેરતાં કહ્યું. આટલાં સમયથી તેઓ દુર્લભરાજના સત્યને ન્હોતા જાણતા પરંતુ ગુરુમા એ સ્પષ્ટતા કરતા તેમને બધું જ સમજાઈ ગયું.
“ પણ અઘોરી દાદા મારા મનમાં હજુ એક પ્રશ્ન છે..!" શિવમે કહ્યું.
વધુ આવતા ભાગમાં...😇
- Jignya Rajput...✍️