ધડામ કરતો જોરથી દરવાજો બંદ થવાનો અવાજ આવ્યો. નંદિનીએ પોતાની જાતને ઓરડામાં બંદ કરી દીધી.
“ નંદિની દરવાજો ખોલ. આમ સચ્ચાઈથી ક્યાં સુધી ભાગીશ. કાલિંદી ને જે જાણવું હતું એ બધું જાણી લીધું છે. હાલમાં કાલિંદી ને સૌથી વધુ જરૂર તારી છે. આખરે એના જીવનનું મોટામાં મોટું સત્યની જાણ તેને થઈ છે." વિરમસિંહનું ઘણું કહેવા છતાં નંદિની નાહી તો કઈ બોલી કે નાહી દરવાજો ખૂલ્યો.
તો આ બાજુ શિવમ કાલિંદીને પોતાના ઓરડામાં લઈને આવ્યો...
“ મે કહ્યુ ને મારે કોઈની સાથે વાત નથી કરવી તો પછી મને અહીં લાવવાનો શું અર્થ..?" કાલિંદી એ ગુસ્સા સાથે શિવમ ને કહ્યું.
“ પણ મારે તને ઘણું બધું કહેવું છે. મારા વિશે, તારા વિશે આ ગામ વિશે." શિવમે કહ્યું.
“ હું મારા તેમજ મારા ગામ વિશે પહેલેથી જાણી ચૂકી છું. હવે શું જાણવાનું બાકી રહી ગયું..?" કાલિંદીએ કહ્યું.
“ મારા વિશે જાણે જ શું છે તું..! આપણે કઈ આમજ આકસ્મિક રીતે એકબીજાને નથી મળ્યા. મા કાળી એ ફરી આપણને મિલાવ્યા છે." શિવમે કહ્યું.
કાલિંદી શિવમ ની વાત સાંભળતી હતી ત્યાં એકાએક તેની નજર શિવમના હાથ ઉપર ગઈ. તેણીએ અચાનક શિવમ ની નજીક આવી તેનો હાથ પકડ્યો. જે કાલિંદી શિવમ સાથે વાત પણ ન્હોતી કરવા માંગતી એજ કાલિંદી એ એકાએક શિવમનો હાથ આ રીતે પકડ્યો તેથી શિવમને નવાઈ લાગી.
“ આ અર્ધ ત્રિશૂળનું નિશાન..." કાલિંદી એ શિવમના હાથ પર રહેલા નિશાન ઉપર નજર જતાં કહ્યું.
“ હા... તારા હાથ ઉપર પણ છે જો."
“ હા જાણું છું, પરંતુ...." કાલિંદી ને અટકાવતાં શિવમ બોલ્યો.....
“ પરંતુ...હું જાણું છું તું શું કહેવા માંગે છે. મારા નાનીનું કહેવું છે કે આ ત્રિશૂળ નો અર્થ છે દેવી શક્તિનો આપણા ઉપર હાથ હોવો. અર્થાત્ કોઈ ઉદ્દેશ્યને પૂરું કરવા માટે આપણે આ ધરતી પર આવ્યા હોઈએ તેની આ સાબિતી છે."
શિવમની વાત સાંભળીને ઘડીક તો કાલિંદીને કઈ જ ના સમજાયું. શિવમ એ પોતાનો હાથ આગળ કર્યો અને કાલિંદીના જે જમણા હાથમાં એવુંજ અર્ધ ત્રિશુલનું નિશાન હતું ત્યાં પોતાનો હાથ મૂક્યો.
ઓહ..! કાલિંદીની આંખો પહોળી જ રહી ગઈ. બંનેનું નિશાન મળવાથી એક પૂર્ણ ત્રિશૂળ બનતું હતું.
“ મતલબ આપણો જન્મ પહેલાનો નાતો છે..?" કાલિંદી એ પ્રશ્ન કર્યો.
“ હા.. શાયદ. તમારા માતાશ્રી ભૈરવી અને મારા માતાશ્રી રાજેશ્વરી એકજ મંદિરમાં પૂજા-પાઠ કરવા જતાં. તેમજ જ્યારે આપણે તેમના ગર્ભમાં હતા ત્યારે મારા નાનીએ જ તેમને અનેકો પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરીને સંભળાવ્યું હતું." શિવમે આગળ બોલવાનું ચાલુ જ રાખ્યું કાલિંદી તેની વાત ધ્યાનથી સાંભળતી હતી....
“ બાવીશ વર્ષ પહેલાં જે થવાનું હતું એ થઈ ગયું હવે એના વિશે વિચારવાથી કઈજ ફાયદો નથી. આમેય હાલમાં અમરાપુર વાસીઓને તારી ખૂબ જ જરૂર છે. બધાની આશ તું જ છે જો તું આમ તૂટી ગઈ તો તેમનું શું થશે અને તારી મમ્મી...." શિવમ બોલતો બોલતો અટકી ગયો.
“ મારી મમ્મી...! એમનાં ઉપર શું વીતતું હશે હાલ...." આટલું બોલતાં જ કાલિંદી ઓરડામાંથી બહાર નીકળી ત્યાં જ તેના પપ્પા અને શ્રેયા નંદિની ના ઓરડાની બહાર ઉભા હતા. તેઓ નંદિનીને ઓરડો ખોલવાની આજીજી કરી રહ્યા હતા.
“ પાપા તમે રહેવા દો, હું મમ્મીને સમજાવું." કાલિંદી એ કહ્યું.
“ હા બેટા, બસ હવે નંદિની તારી જ વાત માનશે." વિરમસિંહે કહ્યું.
“ મમ્મી દરવાજો તો ખોલ... આમ ક્યાં સુધી પોતાને ઓરડામાં બંદ કરીને રાખીશ." કાલિંદી આટલું બોલી છતાં નંદિની એ કોઈ પ્રત્યુતર આપ્યો નહિ.
“ મમ્મી મારા કારણે આપ આપના સગા સંતાનને ગુમાવી ચૂક્યા છો. મને એ વાતનું ખૂબ જ દુઃખ છે. એ બાવીશ વર્ષ પહેલાં રાત્રે હવેલીમાં લાગેલી આગ, જોતજોતામાં આખી હવેલીને પોતાના ઝાપટામાં લઈ લીધી હતી. આખરે એ આગ વચ્ચે શયનખંડ પણ ઘેરાઈ ગયો, શયનખંડમાં લાકડાનું સળગતું કબાટ જ્યારે મારા ઉપર પડવાનું હતું એ સમયે આપે મને બચાવી લીધી અને એ કબાટના કારણે આપને પેટમાં ખૂબ જ ઊંડી પીડા પહોંચી.આપે એજ સમયે આપના સંતાનને ગુમાવી ચૂક્યા હતા.આપ તો બેહોશ થઈ ગયા હતા એ તો પાપા એ બહારની તરફ જવાની બારીથી આપણા બન્ને ને સહીસલામત બહાર લાવીને બચાવી લીધા. એ ગામ અને ઘટના ને ભૂલાવવા માટે આપણને રાજસ્થાન લઈ ગયા. તેઓ તમને સચ્ચાઈ જણાવવા માંગતા હશે પરંતુ એમને ડર હતો કે ક્યાંય તમને સચ્ચાઈ જાણ્યા પછી તૂટી ના જવ. તમે તમારા સગા સંતાનને ગુમાવીને મને બચાવી, હું આપનો ઉપકાર ક્યારેય નહિ ભૂલું. કાલિંદી એ કહ્યું.
“ તને શું લાગે છે મે ઉપકાર કર્યો હતો....? અરે હું તો તને મારી સગી દીકરી જ માનું છું. મને તો મનમાં એક જ દુઃખ રહી ગયું હતું કે એ રાત્રે હું તને નહિ બચાવી શકી. આખરે તારા પપ્પા એ મને અસત્ય જો કહ્યું હતું." આખરે નંદિની એ ચુપી તોડતા કહ્યું.
“ હું એ બદલ ખૂબ જ દિલગીર છું. ત્યારે પરિસ્થિતિ જ કઈક એવી હતી ને, મને જે યોગ્ય લાગ્યું મે એજ કર્યું." વિરમસિંહે કહ્યું.
“ મમ્મી આમાં મારો શું વાંક..! મને તારાથી દૂર ના કર. તારી લાડકીને હાલમાં તારી ખૂબ જ જરૂર છે." બોલતાં બોલતાં કાલિંદીના આંખમાં આંસુ આવી ગયા.
શિવમ પણ કાલિંદીની પાછળ પાછળ આવી પહોંચ્યો.
કાલિંદીનો રડવાનો અવાજ નંદિનીના કાને પડ્યો તરત જ નંદિની એ દરવાજો ખોલ્યો અને કાલિંદી ને ભેટી પડી. બંને મા - દીકરીની આંખોમાંથી આંસુઓ વહેલાં લાગ્યાં. કાલિંદી એ શિવમ તરફ પોતાની નજર કરીને આંખોના ઈશારા દ્વારા આભાર વ્યક્ત કર્યો. વિરમસિંહ અને શ્રેયા પણ કાલિંદીને ભેટી પડ્યાં આખરે એમનો પરિવાર પૂરો થયો.
********
“ ના, હું કાલિંદીને એકલી તો નહિ જ જવા દવ એ જંગલમાં." આખરે કાલિંદીના પરિવારમાં બધું બરાબર થઈ ગયું અને નંદિનીને પણ કાલિંદી એ આ ગામમાં રોકાવા માટે મનાવી લીધી. પરંતુ, જ્યારે વાત આવી કાલિંદીને જવાની ત્યારે નંદિની એ સ્પષ્ટ ના પાડી દીધી.
“ આંટી આપ શું કામ ચિંતા કરો છો. હું છું ને, મારા જીવના જોખમે પણ હું કાલિંદીને બચાવિશ. આપ નિશ્ચિંત રહો." શિવમે કહ્યું.
“ પરંતુ....." નંદિની કઈક બોલતી જ હતી ત્યાં વિરમસિંહે તેને અટકાવતાં કહ્યું........“ મા કાળીનો હાથ છે આપણી લાડલી ઉપર તું ચિંતા ન કર અને એને આર્શીવાદ આપીને જવા દે."
બધા ગામલોકોના આર્શીવાદ લઈને શિવમ તથા કાલિંદી અઘોરી દાદાએ જે જગ્યાનું કહ્યું હતું ત્યાં જવા નીકળી પડ્યા. શ્રેયાની ઈચ્છા હતી કે તે કાલિંદી ની સાથે જાય પરંતુ નંદિની એ તેને જવાની પરવાનગી આપી નહિ.
બધાલોકો સાથે મળીને પ્રાથના કરવા લાગ્યા. આતો હજુ પ્રથમ પગથિયું છે. આગળ રામ જાણે શું થાય..!?
****
“ શિવમ શું આપણે અઘોરી દાદાએ આપેલી પહેલી ઉકેલી શકીશું...?" કાલિંદી એ ચાલતાં ચાલતાં કહ્યું.
“ હા... કોઈ પણ ભોગે હું એ રાક્ષકનો અંત કરીશ." શિવમે ગંભીરે સ્વરે કહ્યું.
“ મારે પણ મારા પરિવારના મોતનો બદલો લેવાનો છે, જ્યાં સુધી હું બદલો નહિ લવ ત્યાં સુધી કઈ પણ થઈ જાય હું હિંમત નહિ હારું." કાલિંદી એ કહ્યું.
વાતો વાતોમાં શિવમ અને કાલિંદી એ જગ્યાએ આવી પહોંચ્યા હતા જ્યાં અઘોરી દાદાએ તેમને કહ્યું હતું.
“ શિવમ જો સામે... આ એજ વૃક્ષ છે ને જે દાદા એ કહ્યું હતું." કાલિંદી એ કહ્યું.
“ ચાલ નજીક જઈને જોઈએ..."
શિવમ અને કાલિંદી વૃક્ષની એકદમ નજીક ગયા.
વૃક્ષને એકદમ નજીકથી જોતાં કાલિંદીની આંખો પહોળી થઇ ગઈ.....
વધુ આવતા અંકમાં...😇