Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 21


“ માતૃશ્રી તમારો ચહેરો આજે ફરીથી મને ઉદાસ નજર આવી રહ્યો છે. એ દિવસે તો તમે વાતને ટાળી દીધી હતી, પરંતુ આજે તો હું જાણીને જ રહીશ. શું તમે તમારી સમસ્યા તમારા લાડલા માનસિંહ ને નઈ જણાવો...!" માનસિંહે ઉદાસ બેઠેલા તેમના માતૃશ્રી કહ્યું.



“ બેટા, તો સાંભળ....... બકુલાદેવીએ બોલવાનું શરૂ કર્યું........

“ તું તો જાણે જ છે, દુર્લભરાજ ના ખરાબ વર્તનના કારણે તારા પિતાશ્રી હંમેશા તેના ઉપર ગુસ્સો કરતા આવ્યા છે અને કાલે મહેમાનોની સામે જે રીતે તે શરાબની હાલતમાં આવ્યો તેના લીધે તો આજે વધુ ગુસ્સામાં તારા પિતાશ્રી છે. મને બસ એજ ચિંતા સતાવે છે કે તારા પિતાશ્રી ગુસ્સામાં દુર્લભરાજને ક્યાંય હવેલીની બહાર નીકાળી ના દે."


“ માતૃશ્રી તમે ચિંતા ના કરો હું હમણાં જ પિતાશ્રી સાથે વાત કરી આવું." માનસિંહ પોતાના પિતાશ્રી સાથે વાત કરવા જઈ રહ્યા હતા એટલા માં અમરસિંહ ત્યાં આવી પહોંચ્યા.


અમરસિંહની આંખોમાં ગુસ્સો આગની જેમ પ્રજ્વલી રહ્યો હતો. આવતાની સાથે જ તેઓએ ગુસ્સા સાથે દુર્લભરાજને તેની સમક્ષ હાજર રહેવા કહ્યું.


“ જી કહો બાપુશ્રી." દુર્લભરાજ એવી રીતે બોલી રહ્યો હતો જાણે સાંજે શું બન્યું તેના વિશે તેને ખબર સુધ્ધા પણ ના હોય, અને હોય પણ ક્યાંથી નશાની હાલતમાં ધૂત જો હતો.


“ નથી હુ તારો બાપુશ્રી, આજથી તારે અને આ હવેલીનેં કઈજ લેવા દેવા નથી, નીકળી જા હાલજ આ હવેલીમાં થી અને ક્યારેય તારો આ ચહેરો મારી આંખોની સામે ના લાવતો નહિતર એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે." અમરસિંહે લાલચોળ આંખો સાથે કહ્યું.


દુર્લભરાજે ક્રોધ ભરેલી નજરે અમરસિંહ તરફ જોયું અને

“ હું જરૂર પાછો આવીશ " આટલું બોલીને હવેલી બહાર નીકળી ગયો.


આ ઘટના ગણતરીની સેકન્ડમાં થઈ , કોઈ કહી સમજે એ પહેલાં તો દુર્લભરાજ મહેલ છોડીને જતો રહ્યો.


“ તમે આ શું કર્યું પિતાશ્રી...? કાલે જે બન્યું એમાં ભાઈસા ( દુર્લભરાજ ) નો કોઈ વાંક નહોતો એતો બસ વધુ પડતાં નશાના કારણે...." હજુ માનસિંહ પોતાનું વાક્ય પૂરું કરે એ પેલા જ અમરસિંહે માનસિંહ ને અટકાવતાં કહ્યું....


" બસ, હવે મારે એનું નામ પણ નથી સાંભળવું, અને હા યાદ રાખજો તમે બધાં, એનું નામ ફરીવાર આ હવેલીમાં ના લેવાવું જોઈએ." આટલું બોલીને અમરસિંહ હવેલી બહાર નીકળી ગયા. રાવસિંહ પણ અમરસિંહ ની પાછળ પાછળ ચાલ્યા ગયા.


✷✷✷✷✷✷✷✷✷✷✷✷✷✷✷✷✷✷✷


આ ઘટનાને મહિનાઓ થઈ ગયા. ધીમે ધીમે દુર્લભરાજને બધાં ભુલવા લાગ્યા. આમેય કોઈને દુર્લભરાજ પ્રત્યે એટલો પ્રેમ હતો નહિ કે તેના હવેલી છોડ્યા થી કોઈને કંઈ વધુ ફેરફાર પડે.હા, માનસિંહને દુર્લભરાજ પ્રત્યે થોડી વધુ પડતી લાગણી હતી. એના પાછળનું કારણ એ હતું કે દુર્લભરાજની માતૃશ્રી દુર્લભરાજના જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યા હતા,એટલે દુર્લભરાજ નો ઉછેર માનસિંહની માતાએ જ કર્યો હતો.બકુલાદેવીએ માનસિંહ અને દુર્લભરાજને હંમેશા એકસમાન માન્યા છે, ક્યારેક કોઈ પ્રકારનો ભેદભાવ રાખ્યો નહોતો. માનસિંહ અને દુર્લભરાજ માં સંસ્કારોનું સિંચન પણ એકસાથે જ અને એકજ માના હાથેથી થયું હોવા છતા ઘણો બધો ફેરફાર જોવા મળતો હતો.


ભૈરવી પણ હવે ધીમે ધીમે પોતાના ભૂતકાળને ભુલાવી રહી હતી. માનસિંહ સાથે ભૈરવીનું વર્તમાન ખૂબ જ ખુશખુશાલ વીતી રહ્યું હતું. નાની નાની વાતોમાં ક્યારેય ભૈરવીનું મન ના દુભાય એનું ખાસ ધ્યાન માનસિંહ રાખતા.


માનસિંહના માતૃશ્રી પણ જ્યોતિષની ભવિષ્યવાણી ને ભૂલી રહ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે ભૈરવી મા બનાવના છે ત્યારથી જ તેઓ ભૈરવી ની ખૂબ જ કાળજી લેતા. સૌથી વધુ ખુશી બકુલાદેવીને થઈ હતી, પરંતુ તેમને ક્યાં વાસ્તવિકતાની ખબર હતી..!


*****


આજે સવારમાં સવારમાં વાતાવરણ ખુબ જ ભયંકર હતું. વરસાદ પણ આવવાની તૈયારીમાં હતો.કઈક અજુગતું ઘટવાનું હોય તેવો અણસાર આવી રહ્યો હતો.


“ ખેર, કંઈ વાંધો નહિ જે થયું એ જવા દો અને તમે મંદિરે સાચવીને જજો." કાચી કેરીનું અથાણું ભરેલી કાચની બરણી ભૈરવીના હાથમાંથી એકાએક પડી ગઈ જેના લીધે ભૈરવી ડઘાઈ ગઈ પરંતુ બકુલાદેવીએ ભૈરવીને એક હાસ્ય સાથે કહ્યું.


“ માફ કરજો,એ મંદિરે જવાની ઉતાવળમાં...." ભૈરવી એ માફી માંગતા કહ્યું.

“ નંદિની તો આજે વહેલાં મંદિરે પહોંચી ગયા છે, તમારે જવું હોય તો માનસિંહ તમને મૂકવા આવે. આમેય આજે વાતાવરણ ખુબ જ ખરાબ છે." બકુલાદેવીએ કહ્યું.

“ હા, તમે ચિંતા ના કરો માતૃશ્રી હું મૂકી આવીશ ભૈરવી ને મંદિર સુધી." માનસિંહે કહ્યું.


ભૈરવી અને નંદિની ટૂંક જ સમયમાં સારી એવી સહેલીઓ બની ગઈ. હંમેશા મંદિરે પૂજાપાઠ માટે સાથે જ જતી પણ આજે ભૈરવી ને થોડું મોડું થઈ ગયું હતું એટલે નંદિની એકલા જ મંદિર માટે રવાના થઈ ગયા હતાં. માનસિંહ ભૈરવીને મંદિર સુધી મુકવા જતાં હતાં.


“ આજે તો રાજેશ્વરી ની તબિયત ખરાબ છે, એટલે તેઓ મંદિરે નહિ આવે શાયદ." રસ્તામાં ચાલતાં ચાલતાં માનસિંહે એ ભૈરવીને કહ્યું.


“ કેમ શું થયું રાજેશ્વરી ની તબિયતને..?" ભૈરવી ચિંતાતુર અવાજે કહ્યું.


“ અરે, એ તેમને પ્રસવપીડાં નો દુખાવો ઉપડ્યો હતો. તેમને નવ મહિનાનો ગર્ભ પૂર્ણ થયો છે એટલે. એ દેવ આપણા ઘરે આજે તેમના મામાની સાથે આવ્યો હતો,એટલે એણે જ કહ્યું મારે નાની બહેન આવવાની છે આજે. ત્યારે રાજેશ્વરી ના ભાઈએ જણાવ્યું કે આજે રાજેશ્વરી ની તબિયત થોડી ખરાબ છે." માનસિંહે સ્પષ્ટતા કરતાં જણાવ્યું.


“ હા કાલે મંદિરે આવ્યા ત્યારે પણ તેમની તબિયત સારી નહોતી જણાતી એતો ગુરુમા એ કઈક જડીબુટ્ટી આપી જેના કારણે તેમની તબિયત એકાએક સાજી થઈ ગઈ." ભૈરવી એ કહ્યું.


રાજેશ્વરી ગુરૂમાની એકની એક લાડકી દિકરી છે. રાજેશ્વરી ને સંતાનમાં એક દીકરો હતો જેનો જન્મ અહીં અમરાપુર માં જ થયો હતો અને બીજા સંતાન નો જન્મ પણ અહીં અમરાપુર માં થવાનો હતો.


રાજેશ્વરી, નંદિની અને ભૈરવી ત્રણેય ગર્ભવતી મહિલાઓ છે. ગુરૂમા દ્વારા રોજે કાલી માના મંદિરે અમરાપુર ની બધીજ સગર્ભા સ્ત્રીઓ ને શ્લોકોનું પારાયણ કરાવવામાં આવતું. આ ત્રણેય સહેલીઓ પણ ત્યાંજ હાજર રહેતી.

માનસિંહ ભૈરવી ને મંદિર સુધી મૂકીને પાછાં ફર્યાં.


“ પ્રણામ ગુરુમાં...” ભૈરવીના શબ્દો સાંભળતાં જ નંદિની અને રાજેશ્વરી એ બંને જણાંએ પોતાની બાજુમા જગ્યા કરી.


“આવો ભૈરવીદેવી...” ગુરુમાં એ કહ્યું.( ગુરૂમા ભૈરવી ને ચીડવવા રોજે આ શબ્દનો ઉપયોગ કરતાં.)

“ ગુરુમાં ફરી દેવી...!?” ભૈરવી એ ઉદાસ ચહેરે કહ્યું.

“ હા જ તો એમાં શું તમે ઠહેરાયા ઠકુરાઈન.” નંદીની એ ભૈરવી ને ચીડવતા કહ્યું.

“ નંદિની તું છાની માની બેસ..!” ભૈરવી એ થોડા ગુસ્સા સાથે કહ્યું.


ભૈરવીને આમ ગુસ્સે થતાં જોઈને ગુરૂમાં, નંદિની, રાજેશ્વરી તેમજ ત્યાં ઉપસ્થિત તમામ મહિલાઓ હસવા લાગી.

ભૈરવી થોડી શાંત થઈ અને તે પણ તેમની સાથે હસવા લાગી.



વાતાવરણ ધીમે ધીમે ગંભીર બની રહ્યું હતું એટલે ગુરૂમાં એ બધાને પોત પોતાના ઘરે જવાની આજીજી કરી...“ બસ આજે આટલું ઘણું કાલે આગળના શ્લોકોનું પારાયણ કરશું.”


“ પણ ગુરૂમા હું તો... ”ભૈરવી આજે કોઈ કારણ સર મોડી પડી હતી એટલે ગુરૂમાનો આમ અહીંથી જવાનો આદેશ સાંભળીને બોલી. ભૈરવી ને અઘ્ધ વચ્ચે રોકતા જ ગુરૂમા એ કહ્યું...

“ નંદિની તને આજના શ્લોકોની માહિતી આપી દેશે."


અચાનક ભૈરવી નું ધ્યાન.....





વધુ આવતા અંકમાં....