Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 18

“ માનસિંહ ભાઇસા તમને ભૈરવીદેવી બોલાવે છે." રાજેશ્વરી શયનખંડમાં પ્રવેશતા જ બોલ્યાં.

રાજેશ્વરીના શબ્દો સાંભળીને અમરસિંહે પોતાની વાત અધૂરી જ છોડી દીધી.

રાજેશ્વરીના શબ્દો સાંભળતાં જ બકુલાદેવીને એ જ્યોતિષે કરેલી ભવિષ્યવાણી યાદ આવી ગઈ. અને તેઓ થોડા સમય પહેલા બનેલી ઘટનામાં સરી પડ્યાં...


“ કુંડળીમાં ખૂબ જ મોટો દોષ છે. આ લગ્ન તમારા કુળનો વિનાશ આરંભી શકે છે." માનસિંહ અને ભૈરવીદેવીની કુંડળી મેળવતાં જ્યોતિષે કહ્યું.

જ્યોતિષની વાત સાંભળીને બકુલાદેવી અને અમરસિંહ ત્યાંને ત્યાં જ થંભી ગયા. જે લગ્ન તેઓ તેમના પુત્રની ખુશી ખાતર કરે છે એજ લગ્ન તેમના કુળનો વિનાશ કરશે આ જાણીને બકુલાદેવીને વધુ ઊંડો આઘાત લાગ્યો.


“ પણ જ્યોતિષજી કઈક તો ઉપાય હશે જ ને આ સમસ્યાનો." અમરસિંહે પૂછ્યું.

“ એ કિકિયારી જ બનશે મોત અને એ મોતને હરાવશે એ શક્તિ." જ્યોતિષ એ કહ્યું.

“ કિકિયારી..? શક્તિ..? તમે શું કહેવા માંગો છો જ્યોતિષજી..!?" બકુલાદેવીએ પોતાની ચુપી તોડતાં કહ્યું

“ સમય બધું જ જણાવી દેશે તમને. ભાગ્યમાં હશે એને કોઈના ટાળી શકે.જે કારણ છે એજ તારણહાર છે. " જ્યોતિષજી આટલું જ બોલ્યાં.


જ્યોતિષ આટલું બોલીને અમરસિંહની રજા લઈને ચાલતાં બન્યા. પણ જતાં જતાં અમરસિંહ અને બકુલાદેવીનાં ચિંતામાં નાખી દીધા.


“ બકુલાદેવી....બકુલાદેવી ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા." અમરસિંહે બકુલાદેવીને સૂનમૂન ઉભેલ જોયા એટલે તરત જ પૂછ્યું.

અમરસિંહના શબ્દો બકુલાદેવીના કાને પડતા તે વિચારોમાંથી બહાર નીકળ્યા.


“ માનસિંહ હમણાં તો અહીં જ હતાં તો એટલી વારમાં ક્યાં ગયા.?" બકુલાદેવીએ વિચારોમાંથી પાછાં ફરતાં જ પ્રશ્ન કર્યો.

“ તેઓ તમારી નજરોની સામે થી જ બહાર ગયા છે અને તમે જોયું પણ નહિ. તમે ક્યાં વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા." બકુલાદેવીની વાત સાંભળીને અમરસિંહે કહ્યું.

“ જ્યોતિષજીની વાત મને ઘણી જ ચિંતિત કરે છે. જો તેમની વાત સાચી પડી તો." બકુલાદેવીના શબ્દોમાં માની મમતા અને કુળ પ્રત્યેની લાગણી ભરપુર છલકાઈ રહી હતી.

“ તમે ખોટી ચિંતા ના કરો..! ઉપર વાળે જે ધાર્યું હશે ને એજ થશે." અમરસિંહે આશ્વાશન આપતાં કહ્યું.

અમરસિંહની વાત સાંભળીને બકુલાદેવી એ થોડી શાંતિ અનુભવી.


અમરસિંહ લગ્નની તૈયારીઓ કેવી ચાલી રહી છે તે જોવા શયનખંડની બહાર આવ્યા. ત્યાંજ તેમને ભૈરવીદેવી હવેલીની છત ઉપર જતા દેખાયા.


રાતના સમયે કાળા કાળા વાદળોથી ઘેરાયેલું આકાશ એકદમ શાંત લાગી રહ્યું હતું. હવેલીની છત દીપકની રોશનીમાં ઝગમગી રહી હતી. એ દીપકની રોશનીની આજુબાજુ કેટલાય નાના નાના જીવજંતુઓ પોતાની પાંખો ફેલાવીને ચોમેર ઘૂમી રહ્યાં હતા. માનસિંહ આ બધું એકી ધ્યાને નિહાળી રહ્યા હતા. ત્યાંજ તેમની નજર છત પર આવી રહેલા ભૈરવી ઉપર પડી.

“ રાજેશ્વરી કહેતાં હતાં તમે મને બોલાવો છો. કંઈ ખાસ કામ હતું!?" ભૈરવીદેવી જેવા હવેલીની છત ઉપર આવ્યા ત્યાં માનસિંહ તેમની જ વાટ જોઈને ઉભા હતા.

“ તમે મારા માટે જે કર્યું. એ બીજું કોઈ જ ના કરી શકે. મારી સચ્ચાઈ જાણતાં હોવા છતાં તમે સ્વીકારવા માંગો છો. તમે મારી ઉપર ખુબજ મોટો ઉપકાર કરવા જઇ રહ્યા છો, જેને હું ક્યારેય નહી ભૂલું." ભૈરવી એ માનસિંહનો ઉપકાર માનતા કહ્યું.


“ ભૈરવી હું તમને નાનપણથી ઓળખું છું. એકસાથે આપણે બંને મોટા થયા છીએ. તમારા પિતાશ્રી અને મારા પિતાશ્રી બંને સારા મિત્રો છે. હું જાણું છું તમે આ લગ્ન રાજી ખુશીથી નથી કરવા માંગતા. પણ તમારા પિતાશ્રી તમારી વાત નહિ માને. હાલ તમારાં માટે આજ રસ્તો મને સહી લાગ્યો એટલે હું તમારી સાથે લગ્ન કરવાં માંગુ છું. આ બધામાં એ નાદાનના શું વાંક..? જે હજી આ દુનિયામાં આવ્યું પણ નથી." માનસિંહના દરેક શબ્દો ભૈરવી ના દિલને સ્પર્શી ગયા.


ભૈરવી જતાં જતાં એટલું જ કહ્યું...“ ખૂબ જ સારા કિસ્મત વાળું હશે આ બાળક જેને ઈશ્વર સમાન પિતાનો સાથ મળવા જઈ રહ્યો છે."


ભૈરવીના આ શબ્દો હજુ પણ હવેલીના છત ઉપર પડઘાં પાડી રહ્યા હતા. માનસિંહ છતના પગથીયા ઉતરી રહેલા ભૈરવી તરફ જોઈને રહ્યા. અચાનક ભૈરવીનો પગ થોડોક લપસ્યો.

“ ભૈરવી સંભાળીને...." માનસિંહે છત ઉપરથી નીચે પગથીયા ઉતરી રહેલી ભૈરવીને કહ્યું.

ભૈરવી એ પોતાના પગો ઉપર કાબૂ મેળવતા એક નજર છત ઉપર કરી. માનસિંહ અને ભૈરવીની નજર એકમેક થઈ.


***********


લગ્ન મંડપમાં અગ્નિકુંડમાં જવ નાખતા પંડિતના શ્લોકો સંભળાય છે. ગામની સ્ત્રીઓ પોતાના ઝીણા સુમધુર કંઠે લગ્ન ગીતો ગાઈ રહી છે. શરણાઈ ના સૂર લગ્ન પ્રસંગમાં વધારો કરી રહ્યા છે. માનસિંહ વરરાજા ને શોભે એવા વસ્ત્રો પહેરીને લગ્ન મંડપમાં ભૈરવીની રાહ જોઈને બેઠા છે. ત્યાંજ શોળે શણગાર સજીને ભૈરવીદેવી ધીમે પગલે મંડપ તરફ આવી રહ્યા છે. તેમની સાથે રાજેશ્વરી પણ છે.


લાલ રંગના દુલ્હનના કપડામાં ભૈરવી સ્વર્ગની અપ્સરા સમાન લાગતી હતી. લગ્ન મંડપમાં રહેલા દરેક વ્યક્તિની નજર ભૈરવી ઉપર જ ટકી રહી. એ નજરમાની એક નજર એટલી બધી ખરાબ હતી કે જેનું પરિમાણ ખૂબ જ ખરાબ આવે છે. ભૈરવી મંડપમાં પહોંચી ગઇ. માનસિંહની નજર ભૈરવી ઉપર જ ટકી રહી હતી. માનસિંહ અને ભૈરવી નો સબંધ નાનપણથી જ ખૂબ સારો હતો. બંને ખૂબ જ સારા મિત્રો હતાં. ભૈરવીના પિતા તથા માનસિંહના પિતા એ પણ ખુબજ સારા મિત્રો હતાં. અવારનવાર બંને પરિવારને મળવાનું થતું જ અને એક ગામ હોવાથી નાનામોટા પ્રસોંગોમાં પણ સાથે જ જોવા મળતાં. નાનપણની એ મિત્રતા માનસિંહ માટે ક્યારે પ્રેમમાં પરિણામી તેને પણ ખબર ના રહી. માનસિંહે હિંમત કરીને ક્યારે પોતાના પ્રેમને ભૈરવી સામે વ્યક્ત કર્યો નહિ. જ્યારે હિંમત કરીને બધું જ કહી દેવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સમય હાથોમાં થી રેતની જેમ સરકી ગયો હતો. પરંતુ જેના ભાગ્યમાં લખ્યું હશે એને જ મળે. એ કહેવત આખરે સાચી ઠરી.


એ પૂજ્ય ગણેશ ભગવાનની મૂર્તિની નજરની સામે ,એ પંડિતજી દ્વારા બોલાઈ રહેલાં શ્લોકો, એ પવિત્ર અગ્નિકુંડનો ધુમાડો, એ નવદંપતીને આશીર્વાદ આપવા આવેલા ગામના લોકો તેમજ સમગ્ર ઠાકુર વંશ માનસિંહ થતાં ભૈરવીના લગ્નના સાક્ષી બન્યા. બધાએ નવા પરણેલા જોડાને ખૂબ ખૂબ આર્શિવાદ આપ્યા.


બકુલાદેવી માનસિંહના હસતાં ચહેરાને જોઈને બધાં દુઃખો ને ભૂલી ગયા. અને ખુશી ખુશી તેમના લગ્નની શુભેરછાઓ સાથે અનહદ પ્રેમ અને આર્શિવાદ આપ્યાં. આજે આખી હવેલી ખુશીમાં નાચી રહી હતી.


ખુશી કેટલાં સમય સુધી ટકી રહેશે એતો સમય જ બતાવશે.....


વઘુ આવતાં અંકમાં...✍️🙋🏻‍♀️