સંધ્યા પોતાનું સિલાઈનું કામ પતાવી ફ્રી થઈ ત્યાં જ તેને અભિમન્યુને લેવા જવાનો સમય થઈ ગયો હતો. એ અભિમન્યુને લેવા ગઈ ત્યારે તેણે અભિમન્યુના ટીચરને અભિમન્યુનું કેવું સ્કૂલમાં ધ્યાન હોય છે એ બાબતે અમુક પૂછપરછ કરી હતી. અભિમન્યુના મેડમ બોલ્યા, "એ ખૂબ હોશિયાર છે. એક વખત એને કોઈ પણ બાબત શીખવાડીએ પછી એને ફરી ક્યારેય એ સમજાવવી પડતી નથી. મારા જીવનમાં જોયેલું આટલું હોશિયાર બાળક કદાચ અભિમન્યુ પહેલો જ હશે! ભણવામાં જ હોશિયાર છે એવું નથી પણ ચોખ્ખાઈ, સમજદારી, મદદ કરવી, અને નિ:સ્વાર્થ ભાવે બધા સાથે હળીમળી જવું એ બાબત એની ખૂબ બધાથી અનોખી જ છે. તમે ખુબ ભાગ્યશાળી છો કે, તમે આટલા હોશિયાર બાળકની માતા છો. અને દિલથી કહું તો સંધ્યાબહેન સિંગલ પેરેંટ તરીકે બાળકને ઉછેરવું આજના સમયમાં ખૂબ કઠિન છે. આજના સમયમાં જેમના માતાપિતા બંન્ને હયાત હોય એ લોકો પણ પોતાના બાળકને આટલી સારી પરવરીશ આપી શકતા નથી. સંધ્યાબહેન! તમે ખૂબ ઉમદા વ્યક્તિત્વ ધરાવો છો." અમુક જ મિનિટોમાં બધું એટલું ઝડપથી કહી ગયા કે, જાણે એ આ તકની આતુરતાથી રાહ જોતા હતા.
સંધ્યાએ ચૂપ રહીને બસ એક લાગણીશીલ ચહેરે મેડમને સ્માઈલ જ આપી. અને પૂછ્યું કે, "વાર્ષિક પરીક્ષા ક્યારે હશે?"
"બસ.. મહિનાના ત્રીજા અઠવાડિયામાં જ છે."
મેડમનો આભાર માની સંધ્યા અભિમન્યુને લઈને સાક્ષીને લેવા ગઈ હતી. સાક્ષી આજે ફીયા.. લેવા આવી આથી ખુબ ખુશ થઈ ગઈ હતી. એ દૂરથી દોડતી આવીને ફીયાને ભેટી પડી હતી. સંધ્યાને એ જાણે પોતની જ દીકરી હોય એવી લાગણી એના નિર્દોષ પ્રેમથી થઈ જતી હતી.
સંધ્યાને આજે બે દિવસ પિયરમાં થઈ ગયા હોઈ સાંજે દાદી પાસે જવાનું અભિમન્યુને કહ્યું હતું. અભિમન્યુ એ જાણી ખુબ ખુશ થઈ ગયો હતો. સંધ્યા એના સાસરીના કોઈ જ સંબંધ તોડવા ઈચ્છતી નહોતી. કારણ કે, ભીતરમાં તો એ વાત એને રમ્યા જ કરતી કે, કદાચ અચાનક મારી સાથે સૂરજ જેવું કઈ પણ થાય તો એ લોકો અંતે તો એમના જ છે ને! અભિમન્યુ એ ઘરનો વારસદાર તો છે જ તો એ હક પણ એનો છૂટવો તો ન જ જોઈએ ને! સંધ્યાને તકલીફ બસ બે જ હતી કે, એક પોતાના બાળકને એકદમ મજબૂત અને સૂરજની જેમ લાગણીશીલ સ્વભાવવાળું બને! અને બીજું કે કોઈ પોતાના દીકરાને ખોટી કાન ભંભેરણી કરી એનાથી દૂર ન કરી દે! બસ, આજ બે વિચારથી સંધ્યા થોડી દુઃખી થઈ ગઈ હતી.
સંધ્યા બપોર પછી સાસરે આવી હતી. અભિમન્યુના દાદા અને દાદી એને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા. સંધ્યા ઘરમાં પગ મૂકતાં જ સૂરજની સાથે વીતાવેલ એક એક પળથી લઈને એની અંતિમ ક્ષણના પળ સુધી બધું જ ફરી વીજળીવેગે એની આત્માને સ્પર્શીને કંપન આપી ગયું હતું. સંધ્યાને એ સ્પર્શ ખૂબ વિચલિત કરી ગયો હતો. સવારના કૃષ્ણની આંખમાં જોયેલ ચહેરો જે હિંમત આપી ગયો હતો એનાથી વિશેષ કષ્ટ અત્યારે એ અનુભવી રહી હતી. બંને યાદો જ હતી. પણ બંને વખતે થયેલ અહેસાસમાં જમીન આસમાનનો ફર્ક સંધ્યાએ મહેસૂસ કર્યો હતો.
ચંદ્રકાન્તભાઈ બોલ્યા, "સંધ્યા! તને અને અભિમન્યુને ત્યાં ફાવે છે? તને ગમે છે ને બેટા?"
"હા, પપ્પા! ત્યાં ગમે છે." ટૂંકમાં જ જવાબ સંધ્યાએ આપ્યો હતો. એને રશ્મિકાબહેનનો ડર હતો કે, જો કોઈક વાત અજાણતાંજ બોલાઈ જશે તો મમ્મી કેટલુંય સંભળાવવાનું ચુકશે નહીં. આથી શક્ય એટલું એ ઓછું બોલતી હતી. રાતનું જમવાનું અહીં જમીને જ સંધ્યા પોતાના પિયર ગઈ હતી. રસ્તામાં વાહન ચલાવતા ઘર સુધી પહોંચે એ પહેલા જે જગ્યાએ સૂરજનું એક્સિડન્ટ થયું ત્યાંથી પસાર થઈ કે, આજે સંધ્યા પોતાનું સંતુલન ગુમાવી જ બેસત. એને જબરજસ્ત વિચારોના લીધે ચક્કર આવ્યા. એની આંખ અધખુલ્લી હતી ત્યાં જ સાઈડમાં એને વાહન લઈને સહેજ બ્રેક મારી ઉભી રહી હતી. અને પગને જમીન પર ટેકવી વાહનને ઉભું રાખી, પોતના હાથને માથા પર મૂકી સંતુલન જાળવવા ઉભી રહી ગઈ હતી.
એ જ સમયે કુદરતને કરવું અને રાજ તથા અનિમેષ ત્યાંથી નીકળ્યા હતા. રાજ બાઈક ચલાવી રહ્યો હતો. એણે તરત બ્રેક મારીને બાઈક ઉભી રાખી હતી. અનિમેષ તરત એના વાહનને પકડતા બોલ્યો, "શું થયું સંધ્યા?"
રાજે બાઈક પાર્ક કરીને સંધ્યાને પોતાના હાથ વડે પકડીને સહારો આપ્યો હતો.
"અચાનક એકદમ ચક્કર આવ્યા. ખબર જ ન રહી કે, મેં કેમ વાહનને સાઈડ પર લીધું." અનિમેષના અવાજને ઓળખતા સંધ્યા બોલી. એની આખો હજુ બંધ જ હતી.
રાજે બીજા હાથે અભિમન્યુને તેડી લીધો અને સંધ્યાને બોલ્યો, "તું આંખ તો ખોલ, હવે તને ઠીક છે સંધ્યા?"
સંધ્યાએ આંખ ખોલી અને હવે ચક્કર આવતા નથી એવું કહ્યું હતું. રાજ અને અનિમેષ બંને સંધ્યાને એના ઘરે મૂકી આવ્યા હતા. ત્રણેયના મન સાફ હતા. એને કોઈ સમાજનો ડર નહોતો. સંધ્યાને ઘરે બધાને રાજે એ લોકો કેમ ભેગા થયા એ વિગતથી વાત કરી હતી. પંક્તિએ એ બંને માટે શરબત બનાવ્યું અને એ પીધા બાદ બન્નેએ પોતાના ઘરે આવવાનું આમંત્રણ સંધ્યાને આપ્યું હતું. પંકજભાઈએ એ બંનેનો આભાર વ્યક્ત કરતાં એમને કહ્યું કે, તમે પણ અહીં આવતા જતા રહેજો. આ મુલાકાત બાદ બધાં છુટા થયા હતા. પંક્તિ બંને બાળકોના મનને હળવા કરવા ફ્લેટના ગાર્ડનમાં લઈ ગઈ હતી.
સંધ્યાને હજુ મનમાં આ બનાવનો ડર હતો. એના હાથમાં હજુ થોડી ધ્રુજારી થઈ રહી હતી. સુનીલને એ બાબત ધ્યાનમાં આવતા એ એની પાસે ગયો હતો. અને બોલ્યો, "બેન! તું ઠીક છે ને?"
સંધ્યા ભાઈના ખોળામાં માથું રાખી રડી જ પડી હતી. એ કંઈ જ બોલી શકે એમ નહોતી. એમને એમ થોડી વાર એ રડતી જ રહી હતી. હવે પંકજભાઈ અને દક્ષાબહેન પણ એની પાસે આવ્યા અને બોલ્યા, "બેટા! તું શું મુંઝાઈ રહી છે? તું કહીશ નહીં તો અમે તારી તકલીફનું કેમ સમાધાન કરી શકીશું? જે પણ મનમાં તને પરશાની થતી હોય એ બેજીજક તું જણાવી દે! અમે તારી સાથે જ છીએ!
"બધા જ મારી સાથે છે. એક મારો સૂરજજજ.." એ આગળ કંઈ બોલી શકી નહીં.
"તારો સૂરજ તો તારી સાથે જ છે. બસ, તું એને અનુભવતા શીખી લે! આજે એણે જ તો બચાવી લીધા તમને બંનેને. તને એ ફીલ નથી થતું? હંમમમ બોલ ને સંધ્યા?" એકદમ શાંતિથી સુનીલ સમજાવવાનો પ્રયાસ કરતા બોલ્યો.
"જો એ જીવનમાં જ હોત તો આવું થાત જ નહીં ને? આજે મારે લીધે અભિમન્યુનો જીવ જોખમમાં પડી ગયો હતો. એને કંઈક થઈ જાત તો હું શું એના દાદા અને દાદીને જવાબ આપત? હું એક સારી મા નથી બની શકતી, સૂરજ વિના બધું જ અધૂરું છે."સંધ્યા આ બનાવથી ખુબ નાસીપાસ થઈ ગઈ હતી. એનો પોતાના પર અંકુશ નહોતો.
"આજે સ્કૂલમાં મેડમ જે અભિમન્યુના વખાણ કરતા હતા એ બધી જ વાત અભિમન્યુએ એના મામીને કરી હતી. તું તારે સાસરે ગઈ હતી ત્યારે પંક્તિએ આ બધું જ ખુબ હરખતાં અમને બધાને કહ્યું હતું. તું એક માતા તરીકે સફળ છે એ અભિમન્યુના મેડમની વાત સાબિતી છે. અને હા સંધ્યા! કોઈ કંઈ પણ કહે મને તારા પર પૂરો ગર્વ છે! તું બધી જ રીતે બરાબર છે. તું ચૂપ થઈ જા!" સુનીલે બેનના આંસુ લૂછતાં કહ્યું હતું.
અચાનક આજ જે સંધ્યાની તબિયત બગડી એનું શું પરિણામ હજુ સંધ્યાએ ભોગવવું પડશે?
પંક્તિના જીવનમાં શું બદલાવ આવશે?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻