ડાયરી - સીઝન ૨ - હેપ્પી જર્ની Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - હેપ્પી જર્ની

શીર્ષક : હેપ્પી જર્ની
©લેખક : કમલેશ જોષી
અમારા એક સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે ‘વ્હોટ ઇસ લાઇફ’ પ્રશ્નનો મસ્ત જવાબ આપતા, એક જાણીતા વાક્યને સહેજ ટ્વીસ્ટ કરતા કહ્યું ‘લાઈફ ઇઝ અ જર્ની, અ જર્ની બીટવીન ટુ ડેટ્સ, બર્થ ડેટ એન્ડ ડેથ ડેટ.’ જિંદગી એટલે ‘જન્મ તારીખથી શરુ કરી મૃત્યુ તારીખ સુધીની જર્ની...’

જર્ની એટલે મુસાફરી. પ્રાથમિકમાં ભણતા ત્યારે વિજ્ઞાનના સાહેબ પૃથ્વીના પરિભ્રમણ અને ધરીભ્રમણ વિષે આકૃતિ સહિત સમજાવતા. બોર્ડમાં વચ્ચોવચ્ચ એક સર્કલ કરી એમાં પીળો રંગ પૂરી વચ્ચે લખતા ‘સૂર્ય’ અને એ પછી એની ફરતે એક મોટું સર્કલ બનાવી એના પર એક નાનકડું સર્કલ ‘પૃથ્વી’ ગ્રહનું દોરતા. એ કહેતા કે આપણે સૌ ‘પૃથ્વી’ નામની બસમાં બેઠાં-બેઠાં સૂર્યની ફરતે ‘પ્રવાસ’ કરીએ છીએ. એમ કહી પૃથ્વીના પ્રદક્ષિણા પથ પર એક, બે, ત્રીસ, પચાસ, નેવું, દોઢસો, અઢીસો અને ત્રણસો પાંસઠ એમ ‘દિવસો’ લખતા. છેલ્લી બેન્ચે બેઠેલા અમે ઠોઠ નિશાળીયાઓ પણ આ દૃશ્ય જોઈ, જાણે ગોળ ગોળ ફરતા ચકડોળનો આનંદ માણતા હોઈએ એમ મોજથી એમની વાત સાંભળતા. સાહેબ કહેતા, "પૃથ્વી સૂર્યની આસપાસ ફરતા ફરતા ફરે છે..." આમ કહી પોતે ગોળ-ગોળ ફરતા-ફરતા ટેબલ ફરતે ફરીને દેખાડતા. અમે અમારું હસવું દાબીને આ મસ્ત સર્કસ જોઈ રહેતા. અમારો ઠોઠિયાઓનો કિંગ મિત્ર તો થોડો હાલક ડોલક પણ થઈ બતાવતો અને ધીમા અવાજે કહેતો, ‘મફતની મુસાફરી’. પૃથ્વી સૂર્યની આખી પ્રદક્ષિણા ત્રણસો પાંસઠ દિવસ (મોર પ્રીસાઈઝલી કહું તો ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડ) માં, એટલે કે એક વર્ષમાં પૂરી કરે છે અને પોતાની ધરી ફરતેનું ચક્કર ચોવીસ કલાક (મોર પ્રીસાઈઝલી, ૨૩ કલાક, ૫૬ મિનિટ અને ૪ સેકન્ડ)માં, એટલે કે એક દિવસમાં પૂરું કરે છે. મતલબ કે તમે અત્યારે કંઈ પણ કરતા હો, ચાહે ઊંઘતા હો કે રસોઈ કરતા હો, લડતા, ઝઘડતા હો કે ગાંઠીયા-જલેબી ખાતા હો, ક્લાસમાં ભણાવતા હો કે કોર્ટ રૂમમાં દલીલ કરતા હો, ફેરા ફરતા હો કે કોઈની સ્મશાનયાત્રામાં જઈ રહ્યા હો, પૃથ્વી નામની ટ્રેન તો તમને તમારી મંઝિલે પહોંચાડવા પૂર ઝડપે (મોર પ્રીસાઈઝલી એક લાખ સાત હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે) દોડી રહી છે.

ઘણું બધી વિજ્ઞાન થઈ ગયું હોય તો છેલ્લી આધ્યાત્મિક વાત, જો તમે સોળ વર્ષના હો તો તમે અત્યાર સુધીમાં સૂર્યની સોળ વખત પ્રદક્ષિણા કરી ચૂક્યા છો અને જો એંસી વર્ષના હો તો એંસી વખત. જયારે પણ તમે તારીખીયાના ડટ્ટાનું પાનું ફાડીને ડૂચો વાળો છો ત્યારે એ ડુચ્ચો એટલે વીતી ગયેલો એક દિવસ અને જયારે કેલેન્ડરને ડૂચો વાળી કચરામાં ફેંકો છો એ કચરામાં ગયેલો કેલેન્ડરનો ડુચ્ચો એટલે વીતી ગયેલું એક વર્ષ. લાઈફની જર્ની સરેરાશ આવા સીત્તેર એંસી કેલેન્ડર સુધી જનરલી ચાલતી હોય છે. જો તમને દિવસ-રાત અને વર્ષને બદલી નાખતી પૃથ્વીની પ્રદક્ષિણા ન દેખાતી હોય તો ઓપ્શન નંબર ટુ પણ અવેલેબલ છે. તમારા ઘરમાં સતત ટક-ટક કરતી ઘડિયાળ અને એની બાજુમાં લટકતું કેલેન્ડર. આપણી રેસ બીજા કોઈ સાથે નથી માત્ર ટાઈમ સાથે છે, જરા ધ્યાનથી સાંભળો. ઘડિયાળનું ટક-ટક એ તમને ધીરે-ધીરે, મંઝિલ તરફ, તમને તમારી આખરી તારીખ તરફ લઈ જઈ રહ્યું છે. નવાઈની વાત શું છે ખબર છે? આપણે સૌ, મારા પેલા ટીખળી મિત્ર જેવા બેફિકર, મોજીલા અને એવા તો તોફાની છીએ કે નજીક આવી રહેલા સ્ટેશનનું ઈન્ડીકેટર એવું કેલેન્ડર જયારે વર્ષનો આખરી દિવસ બતાવે છે ત્યારે આપણે સૌ ‘ઝૂમી ઉઠીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ... અને ફટાકડા ફોડતા.. એક બીજાને હેપ્પી ન્યુ યર વિશ કરીએ છીએ.’

કઈ સાલ આપણી જર્નીના અંતિમ વર્ષ તરીકે લખાઈ હશે? ત્રેવીસ, બત્રીસ, પિસ્તાલીસ, પંચાવન કે બીજી કોઈ? જે જતા રહ્યા એ બધાએ પૂરેપૂરી જર્ની માણી ખરી કે ઘણું બધું બાકી રહી ગયું? કેટકેટલા મનસૂબાઓથી આપણું વિશલિસ્ટ છલકાઈ રહ્યું છે નહિ? ગોવા, હરદ્વાર અને મોરેશિયસ પણ જવું છે. એક થ્રી બી.એચ.કે. વાળું મકાન અને એક સેવન સીટર લેવી છે. એક ભાગવત કથા પણ કરવી છે. બે'કની માફી માંગી લેવી છે, બે'કને માફ કરી દેવા છે અને બે'કને તો ગળે વળગીને ચોધાર આંસુએ રડી લેવું છે. મિત્રો, તમને શું લાગે છે છેલ્લે તમે જેને સ્મશાને મૂકી આવ્યા, એમનુ વિશલિસ્ટ હન્ડ્રેડ પરસેન્ટ ફૂલફીલ થયું હશે ખરું? કે અમુક વિશની સામે ચોકડી મારવી પડી હશે?

મારી નજર સામે ઘણાં વડીલોના કરચલીઓવાળા, ચિંતાતુર અને ખાંસતા ચહેરાઓ ઉપસી આવ્યા. બસમાં કોઈનું સ્ટેશન નજીક આવે તો એના ચહેરા પર તમને શું જોવા મળે છે? હાશકારો કે ચિંતા? ખુશી કે મુંઝવણ? રાહત કે ખીજ? ખુમારી કે ખિન્નતા? અને આપણા વડીલોના ચહેરા પર શું દેખાય છે? દશમાંથી આઠના ચહેરા પર હાશકારો, ખુશી, રાહત કે ખુમારી તો નથી જ દેખાતા એવું મારા સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રનું માનવું છે, તમે શું માનો છો? વડીલો શું ચૂકી ગયા હશે?

મિત્રો, સોમવારથી પૃથ્વી ફરી એક વખત સૂર્ય ફરતે ઉમંગ, ઉત્સાહભેર પ્રદક્ષિણા શરુ કરી રહી છે. કોને ખબર આ ‘ફેરે’ કોણ આપણી વચ્ચેથી વિદાય લઈ લેશે અને કોણ નેક્સ્ટ ‘ફેરો’ પણ માણી શકશે? પૃથ્વી જેની ફરતે પ્રદક્ષિણા કરી રહી છે તે આદિદેવ, દિવાકર એવા ‘સન’ની સામે એક વાર ખરા હૃદયથી હાથ જોડી ‘નમસ્તુભ્યમ્’ કરીને, તેની સાક્ષીએ, આજનો રવિવાર આપણા ઘરમાં, શેરી-સોસાયટીમાં, ઓફિસમાં આપણી સાથે લાઈફ જર્ની માણી રહેલા સ્વજનો ભેગાં મળી એકબીજાનો હાથ પકડી, એકબીજાને ખરા દિલથી ‘ન્યુ યરમાં મેક્સીમમ હેપ્પીનેસ’ આપવાની ગેરંટી આપીએ તો કેવું?
હેપ્પી જર્ની, હેપ્પી ન્યુ યર, હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)