જીવનમાં અનુભવ ઘણા કડવા જોઈએ,
માણસ જાતજાતના બધાં મળવા જોઈએ.
માણસને માણસમાં ઈશ્વર દેખાતો નથી,
એથી એને પથ્થર મૂર્તિ ઘડવા જોઈએ.
પ્રેમને જાણીને જે પામી શકતા નથી,
એ પ્રેમીના હૃદય કદી ન તૂટવા જોઈએ.
ખરેખર અહીંનો માનવ સાચો પુરુષ છે,
તો કોઈ નારીના ચિર ન લુટવા જોઈએ.
વડીલો ઘોલકી જેવા મકાનમાં શું કરે ભલા!
એને ઘરમાં ઓસરી હરવા ફરવા જોઈએ.
2 - મરણ વેળા
મરણ વેળા એ હવે વાગે શરણાઈ છે,
મલાજો મોતનો હવે ક્યાં જડવાઈ છે.
સિમેન્ટની દીવાલોને તમે તોડી શકો છો,
એને કેમ તોડવી જે નફરતથી ચણાઈ છે.
ગુનેગાર છૂટા ફરે ને દુર્જનો સન્માન પામે,
ને નિર્દોષ સજા પામે ત્યાં સત્ય હણાય છે.
અધરમી એ ભૂલી જાય છે અધર્મ કરી ને,
કે નામું ઈશ્વરના ચોપડે ક્રમબદ્ધ લખાઈ છે.
કૈંક આવી દુર્દશામાં ઝાલીમનું જીવન છે,
જીવવું મોંઘું લાગેને ન મફતમાં મરાઈ છે.
અમીરોની સરકારો અમીરોને ઉગારવા માટે,
એને ફકત ગરીબો, ગરીબીમાં મરવા જોઈએ.
જીવવા માટે ઝાલીમને ફકત પ્રેમ પૂરતો છે,
દગો ફકત "ઝાલીમ" ને અહીં મરવા જોઈએ.
3- વિચારશે નહીં
ઉમંગ ઉત્સાહમાં જે જીવ્યાતા દિવસો,
પાછા નથી આવતા જે વિતાવ્યાતા દિવસો.
મિત્રોની સાથે પળમાં સદીઓ જીવતા,
ભારો ભરીને ભરપૂર આવ્યા'તા દિવસો.
હવે નથી ફાવતા આ અમિરીના દિવસો,
ગરીબીમાં જે દુઃખમાં ફાવ્યાતા દિવસો.
યુવાનીમાં સ્મરણો કરીને હરખાવું પડે છે,
કે બાળપણમાંથી જે લાવ્યાતા દિવસો.
એટલે હવે વિદાઈ લઈ લીધી છે ઝાલીમ,
સ્વર્ગથી ઉછીના નથી લાવ્યાતા દિવસો.
4- વિચારો કરીને
હું જાગું છું લાખો વિચારો કરીને,
માગી છે તને ક્યાં વિચારો કરીને.
સાહસથી શીખ્યો જીવીને તરતા,
હું કુદીયો તો ક્યાં વિચારો કરીને.
વિચાર્યું હોત તો પ્રેમ થયો ન હોત,
મેં પ્રેમ નથી કર્યો વિચારો કરીને.
જેને ઉપાડ્યા કદમ એ મંજિલે છે,
બીજા ઊભા છે ત્યાં વિચારો કરીને.
મેં લખી લાગણી તું જે સમજે તે,
નથી લખ્યા શબ્દો વિચારો કરીને.
ઝાલીમને તમે હવે મહાણે લઈ જાવ,
બીજે જવાનું છે ક્યાં વિચારો કરીને.
5-મારી પહેલાં
મારી પહેલાં ઘરડું ક્યાં આ સમયને થાવું છે,
ઘરડા થઈને ઘરડું ક્યાં આ રદયને થાવું છે.
જીવનના માર્ગનો એક નિયમ બનાવ્યો છે,
કે ઠોકરના ઠપકાથી હવે ટેવાઈને જાવું છે.
નાહકના વેહવારમાં ઉડાવ જીવન ગયું છે,
હવે સ્નેહના સંબંધોમાં વેહચાઈને જાવું છે.
તું અમીરીના વસ્ત્રમાં એ સત્યને ભૂલે છે,
અંતે ખાપણમાં આ દેહને બંધાઈને જાવું છે.
તું આવે લેવા ઝાલીમ તો મરવાય તૈયાર છું,
બાકી જીવીને મહાણે તો બધાયને જાવું છે.
૬- ઇચ્છા
મૃત્યુની ખબર છે છતાં તરી જીવવાની ઇચ્છા,
કે મરણ પહેલાં કૈંક અહીં કરી જવાની ઇચ્છા.
ખબર છે અહીંથી કંઈ લઈને જવાતું નથી,
અને આખી જિંદગી ભેગું કરી જવાની ઇચ્છા.
જગ આખાને એક પરિવાર કરવાની ખાતર,
પારકાને પોતાના બસ કરી જવાની ઇચ્છા.
અજાણી ધરા પર ન હોય ઓળખાણ આંખની,
મૂકું જ્યાં પગ ત્યાં પગ કરી જવાની ઇચ્છા.
કેટલું થાકી જવાયું ઝાલીમ જીવનથી જોવો,
નહીંતર હું કરું નહીં એમ મરી જવાની ઇચ્છા.
૭-અંતિમ સત્ય
કોણે કહ્યું કે ઈશ્વર હર પાણે છે,
ઈશ્વર તો ગીતાનાં હર ગાણે છે.
અસત્યની ફેલી માયા બધે છે,
અહીં સત્યને ક્યાં કોઈ જાણે છે!
નહિતર એ લક્ષ્યને ભેદી નાખત,
પણ કોઈ તીર ન ચડિયા બાણે છે.
એ રાજા અંધ સમજવો તમારે,
જ્યાં વજીર ફક્ત વખાણે છે.
મહાભારતનો સાર ફક્ત એટલો,
એ મૌન રહ્યાં જે ધર્મને જાણે છે.
મૃત્યુ અંતિમ સત્ય છે ઝાલીમ,
કે જન્મ અહીં તો ઉખાણે છે.
૮-બે ઘૂંટ
કેફ ઇશ્કનો જો ચળે તો પૂરતું છે,
હોઠ હશેને આંખ રડે તો પૂરતું છે.
હું ક્યાં કહું છે મારા જીવનમાં આવીજા,
બે ઘડી ક્યારેક ગળે મળે તો પૂરતું છે.
જીવનમાં ચાહેલું ક્યાં કોઈને મળે છે!
મને તો ન ચાહેલું મળે તો પૂરતું છે.
પુરુષાર્થથી થાક્યો નથી ને થાકું નહીં,
ભલે કર્મ ફળ અંતે મળે તો પૂરતું છે.
આ યુગમાં ક્યાં સમસેર તાણવાની છે,
કવિ ફક્ત કલમથી લડે તો પૂરતું છે.
લોકોને તરસ 'ઝાલીમ' સમદર પીવાની,
મને બે ઘૂંટ ઇશ્કના મળે તો પૂરતું છે.
તમે અમૃતની પાછળ દોડતા રહો 'ઝાલીમ',
મને તો ફક્ત મરણ મળે તો પૂરતું છે.
શૈલેશ કોરડીયા "ઝાલીમ"