ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.
ભાગ:- 7
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
ખંડેર જેવી લાગતી હવેલીમાં લાઈનમાં ઉભા રહીને એમાં કરેલ ફોટાઓની કારીગરીથી ચારેય જણાં અભિભૂત થઈ ગયા. હવે ક્યારે અંદર જવા મળે અને કોઈક નવો જ રોમાંચ અનુભવવા મળે એની રાહ જોવા લાગ્યા.
લગભગ ચાલીસેક મિનિટ રાહ જોયા પછી આ ચારેયનો વારો આવ્યો. અહીંયાં એક રાઈડમાં ચાર જણાં બેસી શકતાં હતાં એટલે ચારેય સાથે જ બેઠાં. રાઈડ ધીમે રહીને શરુ કરવામાં આવી અને એક અંધારિયા વિસ્તારમાં દાખલ થઈ. એવું અદ્ભૂત ડેકોરેશન કર્યું હતું કે એમ જ લાગે કે આપણે ખરેખર એક ભૂતિયા હવેલીમાં દાખલ થયા છીએ!
એમાં પણ જ્યાં દાખલ થઈએ છીએ ત્યાં જ સામેની દિવાલ પર એક સ્ત્રીનું એવું ભયાનક ચિત્ર દોર્યું હતું કે જોનારને એમ જ લાગે કે હમણાં આ આપણને પકડીને લઈ જશે અને કાચા જ ખાઈ જશે. રાઈડ જેમ જેમ આગળ વધે એમ એમ આપણને ખરેખર ભૂતો અને ચુડેલોની વચ્ચે આવી ગયા હોઈએ એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. આ જગ્યાનું બાંધકામ અને અન્ય ડરામણી બાબતોની જે રીતે કાળજી લેવામાં આવી છે એ જોતાં ખરેખર 'Scary house' નામ સાર્થક થાય છે.
આખાય રસ્તે ડાબી જમણી બાજુ અને ઉપર છત પર તેમજ સામે દીવાલ પર એવા ડરામણા દ્રશ્યો અને પૂતળા લગાવ્યાં હતાં કે નબળા હ્રદયવાળાને તો કદાચ હાર્ટ એટેક જ આવી જાય! અમુક જગ્યાએ લોહી નીતરતું હોય એવી ખોપડીઓ હતી, તો ક્યાંક ભયાનક ચહેરાવાળા પૂતળાઓ હતાં. કોઈ જગ્યાએ લોહીથી લથપથ માનવકંકાલ હતું. રાઈડ ધીમે ધીમે આગળ વધી રહી હતી. ભયાનક ચીસો ધરાવતું સંગીત વાગી રહ્યું હતું. સ્નેહા અને વિશ્વા ડરના માર્યા પોતપોતાનાં પતિને જોરથી પકડીને બેઠી હતી. અંતિમ વળાંક જ્યાં આવતો હતો ત્યાં એક માણસ, કે જે ઈમેજીકાનો કાર્યકર્તા હતો એ ભૂત બનીને ઉભો હતો. રાઈડની સ્પીડ ખૂબ જ ધીમી રાખવામાં આવી હતી. જ્યારે આ વળાંક પાસે રાઈડ આવે ત્યારે આ નકલી ભૂત અચાનક જ દોડીને સામે આવી જાય છે અને એની તરફ જે પણ કોઈ બેઠું હોય એનો હાથ પકડી લે છે.
વિચારો, જેનો હાથ પકડાયો એની શું હાલત થતી હશે? આવું જ સ્નેહા સાથે થયું. એની તો હાલત ખરાબ થઈ ગઈ અને એણે એટલી જોરથી ચીસ પાડી કે એમની પાછળની રાઈડમાં બેઠેલા પણ બધાં ગભરાઈ ગયા. અને આ ઘટના એ રાઈડનો છેલ્લો જ વળાંક હતો. ત્યારપછી રાઈડ ગુફાની બહાર નીકળી ગઈ. સાહસ, રોમાંચ અને ડરનાં મિશ્રિત અનુભવ સાથે ચારેય બહાર નીકળ્યા અને બીજી જગ્યાની મજા માણવા આગળ વધ્યાં.
ત્યારબાદ તેઓ ગયા સેલ્ફી ઝોનમાં! આ એક એવી જગ્યા હતી કે જે ખૂબ મોટી અને પહોળી હતી. એની બધી દિવાલો પર થોડાં થોડાં અંતરે ખૂબ સુંદર ચિત્રો દોર્યા હતાં. વરસતાં વરસાદમાં છત્રી - જેની બંને બાજુ યુગલ ઉભું રહે વચ્ચે છત્રીની દાંડી એટલે એવું લાગે કે જાણે વરસતાં વરસાદમાં રોમાન્સની પળો માણી રહ્યાં છે, વિશાળ પતંગિયું હોય એવી પાંખો - આપણે વચ્ચે ઉભા રહેવાનું એટલે આપણે વિશાળ પાંખવાળું પતંગિયું લાગીએ, અને આ સિવાય તો બીજા ઘણાં બધાં ચિત્રો હતાં, જે બધાંની સાથે ચારેય જણાએ ફોટા પડાવ્યા. પહેલાં દરેકનો પોતાનો વ્યક્તિગત ફોટો, ત્યારબાદ યુગલ પ્રમાણેનો ફોટો અને ત્યારબાદ ચારેય જણાંનો ભેગો ફોટો. આમ, એક સુંદર મજાની સેલ્ફી ઝોનની યાદગીરી લઈને તેઓ આગળ વધ્યા.
હવે અહીંયાંથી આગળ તેઓ ક્યાં ગયા અને શું જોયું એની મજા આપણે આવતાં અંકમાં જોઈશું. ત્યાં સુધી ભૂતોની મજા માણો.
આભાર.
સ્નેહલ જાની.