દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1

ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.
ભાગ 1
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

કેમ છો સૌ? દિવાળીની સાફસફાઈ થઈ ગઈ? ક્યાં ફરવા જવાનાં છો? જો પ્રોગ્રામ હજુ નક્કી ન હોય કે પછી વિચારતાં હો કે વધારે રજા નથી તો ફરવા કેવી રીતે જઈએ? તો ચાલો, હું તમને લઈ જાઉં એક સરસ જગ્યાએ, જ્યાં ફરીને તમે ખુશ થઈ જશો. એકદમ તાજામાજા થઈને ઘરે પાછા આવશો.

હા, એટલું છે કે આ સ્થળે તમારે ફરજીયાત શારિરીક રીતે ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે અને કોઈ મોટા રોગનાં શિકાર થયેલાં હોવાં ન જોઈએ. હ્રદયને લગતી કે બ્લડપ્રેશરને લગતી કોઈ પ્રકારની બીમારીનો શિકાર ન હોવાં જોઈએ. સતત પાણી પીતાં રહેવાની આદત હોવી જોઈએ. થોડી સલામતી સાથે આ સ્થળની મજા લેવી એ એક લ્હાવો છે.

તો ચાલો, જઈએ એક ખૂબ જ રોમાંચક જગ્યાએ એક વાર્તા સ્વરૂપે.

"ચાલો ને, આ દિવાળીમાં ક્યાંક ફરવા જઈએ. પાંચ વર્ષ થયાં, આપણે ક્યાંય ફરવા નથી ગયાં. પહેલાં મમ્મી, પછી પપ્પાની માંદગી આવી અને ત્યાર પછી કોરોના. હવે તો ક્યાંક જવું છે."


"જવાનું મન તો મને પણ છે. હવે ઑફિસમાંથી કેવી રીતે અને કેટલી રજા મળે છે એનાં આધારે નક્કી કરાય. ખબર નહીં રજા આપશે કે નહીં?" અને પછી એક નિસાસો બંને બાજુએથી.


વિશ્વા અને વિશ્વ ઉપર પ્રમાણેની વાતો કરી રહ્યાં હતાં અને પછી નાસ્તો પતાવીને વિશ્વ ઑફિસે જવા નીકળી ગયો. બંને વચ્ચે સમજણ અને પ્રેમ અદ્ભૂત હતાં. આર્થિક દ્રષ્ટિએ કરોડોપતિ તો નહોતાં, પણ હાલત ઠીક ઠીક રીતે સારી હતી. જીવનનિર્વાહમાં ક્યાંય મુસીબત ન પડે એટલું બેંક બેલેન્સ તો એમનું હતું જ! ઉપરથી બે માળનું વારસામાં મળેલું ઘર તો ખરું જ! તકલીફ માત્ર એક જ વાતની હતી - બાળક. લગ્નનાં દસ વર્ષ થયાં હોવાં છતાં બાળકની કિલકારી આ ઘરમાં ગૂંજી ન હતી.


એવું પણ ન્હોતું કે બંનેમાં કોઈક ખામી હતી. બંનેનાં તમામ મેડીકલ રિપોર્ટ નોર્મલ હતાં. છતાં પણ સંતાનસુખ એમનાથી છેટું હતું. આથી જ દરેક વેકેશનમાં વિશ્વાનો જીવ ન બળે અન્ય બાળકોને જોઈને એટલે વિશ્વ એને અઠવાડિયા માટે ક્યાંક ફરવા લઈ જતો. પણ પાંચ વર્ષ પહેલાં એની મમ્મીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી એટલે તેઓ જઈ શક્યા ન હતાં. અંતે ચાર મહિનાની માંદગી બાદ એમનું અવસાન થયું. ત્યારબાદ છ મહિના પછી વિશ્વનાં પપ્પા પણ ટૂંકી બીમારી બાદ મૃત્યુ પામ્યા.


હવે એ બંને એકલાં પડ્યાં હતાં. ક્યાંક જવાનો પ્લાન કરતાં જ હતાં ને કોરોના આખા વિશ્વમાં ફેલાયો. આથી બંને જણાએ પરિસ્થિતી સુધરે ત્યાં સુધી ક્યાંય ન જવાનો નિર્ણય કર્યો. પણ હવે બધું બરાબર છે. આથી જ અકળાયેલી વિશ્વાએ ક્યાંક ફરવા જવાની જીદ્દ કરી. આ બાજુ કોરોનાને કારણે હવે વિશ્વએ નોકરીમાં ખૂબ જ ધ્યાન રાખવું પડતું હતું.


વિશ્વ ઑફિસે જવા નીકળી ગયો. એકાદ કલાક પછી એનો મેસેજ આવ્યો - પાંચ દિવસની રજા મળી છે. તુ ફરવા જવાનું સ્થળ વિચારવા માંડ.😊 અને વિશ્વાનાં હોઠ પર નાનકડું સ્મિત ફરી વળ્યું. એ બેઠાં બેઠાં ઘણાં સ્થળોએ ફરી આવી. અંતે એણે એક લિસ્ટ બનાવ્યું, જેમાં ફરવા જવા લાયક સ્થળો હતાં. રાત્રે વિશ્વ સાથે ચર્ચા કરવા બેઠી.


એ બંનેએ ચર્ચા શરુ જ કરી હતી અને વિશ્વનો મિત્ર રાજ એની પત્ની સ્નેહા સાથે ત્યાં આવ્યો. એ બંને જણાં પુણે હાઈવે પર આવેલ પ્રખ્યાત સ્થળ ઈમેજીકા જઈ રહ્યાં હતાં.થોડી ચર્ચા પછી ચારેય જણાએ સાથે જ જવાનું નક્કી કર્યું. રાજે વિશ્વ અને વિશ્વાની ટિકિટ પણ બુક કરાવી દીધી. નક્કી કર્યા મુજબ તેઓ વાત થઈ એનાં ત્રીજા દિવસે સવારે નીકળી સાંજ સુધીમાં ત્યાં પહોંચી કોઈક યોગ્ય સ્થળે હોટેલમાં રુમ લઈ લેવાનાં હતાં.



તો કહો જૉઈએ, કેવી લાગી શરૂઆત? સ્થળ માટેની માહિતીની આતુરતાનો અંત ખૂબ જ ટૂંકા સમયમાં આવશે. રાહ જોતાં રહો બીજા ભાગની...


આભાર.

સ્નેહલ જાની