( પ્રકરણ-૨૬ )
પ્રવિણનાં મા બાપુ, તેજલબેન અને હિતેનભાઈ જાત્રા પર હોય છે એ દરમ્યાન લક્ષ્મી અને પ્રવિણ બન્ને પલને જોડે લઈ દરરોજ શેઠના ઘરે રાત્રે અચૂક બેસવા જતાં હોય છે. પ્રવિણ આ દરમ્યાન પોતાના વ્યવસાયની બધી વાત કરતો રહેતો હોય છે… જ્યારે શેઠાણી લક્ષ્મીને પોતાની આખી જિંદગીના નિચોડ સમા અનુભવો કહી જીવન ઉપયોગી શિખામણો આપતાંરહે છે.. લક્ષ્મી એ બધી વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી કેમકે એને ખબર હતી કે શેઠાણીની શિખામણો સો ટચના સોના જેવી હોય છે.. અને પોતે પણ એવું જ જીવન જીવી રહ્યાં હોય છે… શેઠાણી પોતે અત્યંત ધનિક હોવા છતાં પોતાનું જીવન ખૂબ સંયમિત રીતે જીવ્યાં હોય છે. પરોપકારી, પરદુ:ખભંજન, પ્રેમાળ અને પારિવારિક મૂલ્યોને જાળવી રાખ્યુ હોવાથી હવે પોતાના અનુગામી તરીકે એ લક્ષ્મી તરફ અપેક્ષા રાખી રહ્યાં હોય છે. લક્ષ્મીને પોતાનાં જીવનનો સાર કહી દેતા હોય તેમ જણાવે છે, ‘લક્ષ્મી…. મારાં જીવનની શરૂઆત પણ મેં ખૂબ સંઘર્ષથી કરી હતી... અમે મુંબઈમાંનવાં નવાં જ સેટ થયાં હતાં.. ભાડાંના ફલેટમાં રહેતાં હતાં.. પ્રવિણને જે રીતે પોતાની ઈમાનદારી અને પરિશ્રમનો બદલો મળ્યો એવી જ રીતે અમને પણ ભૂતકાળમાં મદદ મળી જ હતી અને એટલે જ અમારી પણ ઝડપથી પ્રગતિ થઈ હતી.. વાડ વગર વેલો ન ચડે… પણ અમે અમારા એ જૂના દિવસો ક્યારેય નથી ભૂલ્યાં અને એટલે જ અમને જે મળ્યું એવી જ રીતે અમે તમને સોંપ્યું છે. માણસે પોતાની સારપ વારસામાં મૂકતા જવું જોઈએ.. એ વારસો પોતાનો હોય કે બીજાનો, પણ વારસો અણિશુદ્ધ હોવો જોઈએ. નહીંતર એનાં પરિણામો પોતાના કે સમાજના કોઈના પણ માટે સારાં ન આવે… લક્ષ્મી ઈષ્ટ હાથમાં જાય તો સમષ્ટિનું કલ્યાણ થાય અને અનિષ્ટ હાથમાં જાય તો પેઢીઓનું નિકંદન નીકળી જાય. તું અને અમારી લક્ષ્મી બન્ને અત્યારે પ્રવિણના ઈષ્ટ હાથમાં છે એવો અમને અત્યારે તો પુરોભરોસો છે. પણ માણસના જીવનમાં દુર્ગુણ રૂપી જીવાણું ક્યારે સુક્ષ્મ રીતે પ્રવેશે અને ક્યારે જીવલેણ કેન્સરની જેમ સમગ્ર શરીરમાં પ્રવેશી જાય એનો અંદાજ મોટેભાગે છેલ્લા સ્ટેજે આવતો હોય છે… એટલે પ્રવિણ અને તુંબન્ને લક્ષ્મીને હંમેશાં સદમાર્ગે વાપરજો, પ્રવિણને પણ આ માર્ગે જાળવવોએ તારા હાથમાં પણ છે, સ્ત્રી ધારે તો સાવિત્રી બની ,મૃત્યુશૈયા પર અંતિમવિધિ માટે તૈયાર સત્યવાનને પણ પુનર્જિવીત કરી શકે છે. કોઈપણ સંજોગોમાં તું વિચલિત ન થાય કે પ્રવિણને પણ ન થવા દે એ જોવાની તારી ફરજ છે. પરિવારમાંથી એક વ્યક્તિ માર્ગ ભટકે તો આખો પરિવાર અસ્તવ્યસ્ત થઈ જતાં વાર નથી લાગતી. તમારા જીવનમાં શાશ્વત મૂલ્યોએક અવિભાજ્ય અંગ તરીકે છેલ્લા દિવસ સુધી રહેવા જોઈએ.
આ ઉદાત્ત મૂલ્યોના પુન:સ્થાપન માટે સ્વામી વિવેકાનંદ, શિક્ષણ-કેળવણીને અનિવાર્ય સાધન માનતા હતા. જીવન ઘડતર-માનવ નિર્માણ ચારિત્રવિકાસ-એ જ એકમાત્ર ઉપાય ! આવાં વિકસિત મૂલ્યો જ માનવમાંરહેલ દૈવીતત્વનો આવિષ્કાર કરી શકે, માનવમાં રહેલ ઈશ્વરનું પ્રગટીકરણ એનાથી જ થશે. વિધિવિધાન કે પ્રક્રિયાઓ ભલે ગમે તે હોય, માનવ અંતરમાં રહેલ પ્રભુ પ્રગટ થાય એવાં ઊંચાં મૂલ્યો જીવનમાં સ્થાપવાં એ જ મહત્વનું છે. એ મૂલ્યો આત્મસાત કરવાં જોઈએ. કેવળ અભિપ્રાયગતમૂલ્યો કશા કામનાં નથી.
ઘણીવાર આપણે પ્રેયાર્થી માનવને સુખી થતાં જોઈએ છીએ અને શ્રેયાર્થી માનવને પરેશાની ભોગવતા જોઈએ છીએ. પરંતુ પરમ ઉજ્જ્વલ, અનુપમ ધ્યેયને વરવા માટે આ જાતનો સંઘર્ષ અતિ જરૂરી પણ છે.
દિક્-કાળ પ્રમાણે અથવા તો કોઈ વાર રાજકીય ઉથલપાથલ કે સામાજિક પરિવર્તન સમયે મૂલ્યોમાં બાહ્ય ચમત્કાર વિશેષ જોવા મળે છે. ‘ઈશાવાસ્ય’ ઉપનિષદમાં કહ્યું છે, ‘સોનાના પાત્રથી સત્યનું મુખ ઢંકાયું છે.’ એવી જ રીતે, બાહ્ય પરિબળોની અસર નીચે પણ મૂલ્યો આવી જતાં હોય છે. ખાસ કરીને વૈયકિતક અને સામાજિક મૂલ્યો. આ જાતની પરિસ્થિતિનુંસચોટ વર્ણન શ્રી મૂળશંકરભાઈ આ પ્રમાણે કરે છે, ‘‘હું જોઉં છું કે આજે આપણા રાષ્ટ્રદેહમાં માનવીય મૂલ્યોનાં રક્તકણોનો ક્ષય લાગુ પડ્યો છે. આથી એક પ્રકારનો ‘એનિમિયા’ વરતાય છે. દેખાવમાં જે સફેદી છે તે ફિક્કાશને કારણે છે. આપણા શિક્ષણતંત્ર પાસેથી પોષક માનસિક આહાર મળતો નથી, તેથી ફિક્કાશનું પ્રમાણ વધતું જાય છે. અર્થકારણ, રાજકારણ, ધર્મકારણ, પ્રદેશવાદ, જ્ઞાતિવાદ, વગેરે રાષ્ટ્રદેહનાં બધાં અંગોમાં જે કાંઈ ભરાવદાર દેખાય છે તે સોજા છે. તેમાં તંદુરસ્તીની ચમક નથી.’’
આ સ્થિતિ દરેક વ્યક્તિને અકળાવનારી છે ને શિક્ષણમાં પડેલાલોકો માટે તો મોટો પડકાર છે.’ પછી એક ડાયરી લક્ષ્મીને આપી ને કહે છે, ‘દીકરી સમય મળે ત્યારે આ ડાયરી વાંચતી રહેજે, યોગ્ય લાગે તો એને અનુસરજે…મારા તરફથી તો તને આપવા માટે માત્ર આ એક જ અમૂલ્ય વારસો છે.’
શેઠાણીએ પોતાના જીવનનો સમગ્ર સારાંશ જાણે કહી દીધો હોય તેમ અવિરત અમૃતધારા બની બોલતાં ગયાં અને લક્ષ્મી જાણે સુવર્ણમયીપાત્ર હોય તેમ આ ધારાને ઝીલતી રહી.. છેલ્લી મિનિટોમાં એની આંખમાંથી દડ દડ આંસુ અવિરત વહેતાં રહ્યાં….એ એકપણ શબ્દ ન બોલી શકી.. છૂટા પડતી વખતે પગે લાગવાને બદલે શેઠાણીને ભેંટી પડી અને એટલું જ કહ્યું, ‘હું આ મૂલ્યોને કદાપી નહીં ભૂલું… હું તો આ મૂલ્યોનેજીવીશ પણ આપણી પલ પણ એ જ માર્ગે આગળ વધે એવું એક ઉદાહરણિય અને અનુકરણીય જીવન જીવવાનો પ્રયત્ન સતત કરતી રહીશ.’
શેઠાણીએ કહ્યું, ‘મને આશા નહીં, પણ પુરી શ્રદ્ધા છે કે તું કરીશ જ… તારામાં કે પલમાં બાહ્ય ફેરફાર ભલે થોડા ઘણા આવે .. એ સ્વાભાવિક છે પણ આપણો માંહ્યલો તો સનાતની જ હોવો ને રહેવો જોઈએ.’
પોતાના પરિવાર માટે આગળના જીવનનું અમૂલ્ય ભાથું મેળવી લક્ષ્મી અને એનો પરિવાર સ્વગૃહે પરત ફરે છે.
❖
આપને વાર્તા ગમી હોય તો મને ફોલો કરી રેટિંગ ચોક્ક્સ કરશોજી...