A soul in a cask books and stories free download online pdf in Gujarati

પીપળામાં કેદ આત્મા

પ્રસ્તાવના:- આજના ટેકનિકલ યુગમાં પણ સ્ત્રીઓ સંપૂર્ણ સ્વતંત્ર નથી. તેમને પોતાની જિંદગી પોતાની મરજી મુજબ જીવવા નથી મળતી. હા, સમયની સાથે થોડું ઘણું પરિવર્તન આવ્યું છે પરંતુ હજુ પૂરેપૂરી સ્વતંત્રતા તો નથી જ મળી. ગામડાઓમાં આવું વધુ જોવા મળતું હોય છે, એનું એકમાત્ર કારણ હોય તો એ છે શિક્ષણનો અભાવ.
છોકરી એટલે તો જાણે સાપનો ભારો...! તેની સાથે વર્તન પણ એવુંજ કરવામાં આવે અને છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ તો અઢળક પ્રમાણમાં.એ કોમળ ફૂલ હજુ યુવાનીના ઉંબરે ખીલ્યું જ હોય ત્યાં એને ઘરની અંદર જ રહેવાનો આદેશ મળી જાય છે. સૂર્યના તાપ વગર બહારની હવા વગર એ કોમળ ફૂલ અંદરો અંદર જ મૂર્જાઈ જાય છે. કંઈ કેટલીયે મુસીબતો અને સમાજની કુપ્રથાઓની વચ્ચે ક્યારેક હિંમત ના હારવા વાળી નારી આખરે દમ તોડી દે છે.

પણ ક્યાં સુધી આવું બધું ચાલશે...!?? શું નારીને અધિકાર નથી પોતાની ઝીંદગી સ્વતંત્ર રીતે જીવવાની. બાળપણમાં તું બાળક છે એમ કંઇ ને તેના સપનાઓ તોડી દે છે, યુવાનીમાં સમાજના ડરથી દીકરીને પોતાના સપનાઓને પામવા નથી દેતા અને લગ્ન પછી તો જાણે નારી એક કેદી ના હોય તેમ તેમની સાથે વ્યવહાર થતો આવ્યો છે. ભારત તો આઝાદ થઈ ગયો પરંતુ ભારત માની દીકરીઓનું શું....!?

નીચેની વાર્તા વાસ્તવિકતાને જણાવવા માટે કાલ્પનિક રીતે આલેખી છે. તેને આજના સમાજ સાથે ઘણો બધો નાતો છે પરંતુ પાત્રો કલ્પના શક્તિ પર આધારિત છે.


✿◉◉✿◉◉✿◉◉✿◉◉✿◉◉✿◉◉✿◉◉✿◉◉✿◉◉✿સીમાના પગ થરથર કાંપી રહ્યા હતાં. એ ઘટાદાર પીપળાનાં ઝાડ થી સીમા હવે થોડીક જ દૂર હતી. જેમ જેમ તે પોતાના પગલાં એ પીપળાનાં ઝાડ તરફ ધપાવી રહી હતી તેમજ તેના શરીરમાં ડરની સાથે એક અલગ જ પ્રકારનું મનોમંથન તેના મનમાં થઈ રહ્યું હતું.

આમ તો રોજ સીમા જ્યારે શાળાએ થી ઘરે આવવાં માટે ગામનું પાદર વટાવીને આ તળાવ પાસે થી પસાર થતી ત્યારે તેને ખૂબ જ ડર લાગતો. તેના સાથી મિત્રો દ્વારા તેને જાણવા મળ્યું હતું કે અહીં પીપળાનાં ઝાડ પાસે ભૂત રહે છે આના સિવાય સીમાની બા એ સીમાને અગાઉથી જ કહેલું હતું કે એ પીપળાનાં ઝાડ પાસે ક્યારેય ના જાય.

શાળા છૂટે ત્યારે ખેતરમાં રહેતા ખેડૂતોના સંતાનો પોતાના ઘર તરફ જતાં હોય ત્યારે વચમાં જ આ પીપળાનાં ઝાડ વાળું તળાવ આવતું. બધાં બાળકો તળાવ પાસે આવીને એકીસાથે ત્યાંથી ભાગવા લાગતાં. તેમને હંમેશાથી એકજ બીક રહેતી કે જો તેઓ તળાવની પાસે એક મિનિટ માટે પણ ઉભા રહ્યા તો ભૂત તેમને ખાઈ જશે.

આ રોજનો નિત્યક્રમ હતો. બધાં એ તળાવ પાસે આવીને ભાગવા માંડતા, જ્યારે સીમા થોડીવાર તળાવને દૂરથી જ નિહાળતી. એ પીપળાનું ઝાડ તેને બોલાવતું હોય એવો તેને રોજ અવાજ આવતો. એ પીપળામાં કોઈ રડતું હોય અને સીમાને મદદ માટે બોલાવતું હોય એવું રોજે સીમાને સંભળાતું. એ અવાજ સાંભળ્યા પછી સીમા ત્યાંથી એક જ શ્વાસે ઘર ભેગી થતી. પરંતુ આજે શનિવાર હોવાથી ગામની બહાર રહેતા છોકરાવ શાળાએ નહોતા આવ્યા ફક્ત સીમા જ એકલી આવી હતી.

આખરે આજે સીમાએ હિંમત કરીને એ તળાવ તરફ પોતાના પગ ઉપાડ્યા. દરેક ડગલે તેના શરીરમાંથી કંપારી ઉતપન્ન થતી હતી. જેમ જેમ તે પીપળાનાં ઝાડ નજીક જઈ રહી હતી તેમ તેમ તેને એ રડવાના અવાજો વધુ ઘેરા સંભળાઈ રહ્યા હતાં. સીમા પીપળાનાં ઝાડ થી થોડીક જ દૂર હતી ત્યાં તેના કાને એક અવાજ અથડાયો....“ મને મુક્તિ અપાવી દે, હું વર્ષોથી તડપી રહી છું આ કેદમાં." સીમાના પગ ત્યાંજ થંભી ગયા, તેણીએ આજુ બાજુ નજર ફેરવી તો ત્યાં કોઈજ નજરે ચડ્યું નહિ. સીમા ડરી ગઈ અને પીપળાનાં ઝાડ થી દૂર ભાગવા જતી જ હતી ત્યાં પાછળથી તેને કોઈ પોતાની તરફ ખેંચી રહ્યું હોય એવું તેને લાગ્યું. સીમાના પગ પીપળાથી દુર જવાને બદલે તેની નજીક જઈ રહ્યા હતાં.

એકદમ પીપળાનાં ઝાડ નજીક આવીને સીમાના પગ રોકાઈ ગયા. ડરના કારણે સીમાના શ્વાસ ધીમા પડી ગયા હતા. ત્યાં ફરી એને એજ રડતો અવાજ આવ્યો. સીમાએ હિંમત કરીને એ પીપળાનાં ઝાડને ધીમે રહીને પોતાના હાથો વડે સ્પર્શ કર્યો તો તેના હાથ પીપળા ને અડકતા જ ભીના થઈ ગયા.આ જોઈને સીમાને ડરની સાથે નવાઈ લાગી. સીમાએ પોતાના કાનોને એ પીપળાનાં ઝાડ પાસે કઈક સાંભળવાં માંગતી હોય એવી રીતે ધરી દીધા.

“ મને મુક્તિ અપાવી દે,હું વર્ષોથી તડપી રહી છું આ કેદમાં." પીપળામાંથી ફરી એજ શબ્દો સંભળાયા.
“ હું અને તમારી મદદ, કેવી રીતે, તમે કોણ છો અને અહીં પીપળાનાં ઝાડમાં ક્યાંથી આવ્યા...!? મને કેમ તમે દેખાઈ રહ્યા નથી...? શું તમે જ એ ભૂત છો જે ગામના લોકો ને ડરાવે છે....?" તેર વર્ષની સીમાના શબ્દોમાં માસૂમિયત છલકાઈ રહી હતી.

“ મારું નામ વિભા છે. નાનપણથી જ હું સમાજના રીતિ રિવાજોની વચ્ચે પીસાઈ રહી હતી અને હજુ મારા મૃત્યુ પછી પણ તેઓએ મને ના છોડી મને ખીલીના ટકોરા સાથે બંધક બનાવી દીધી આ પીપળાનાં ઝાડમાં."

“ મતલબ તમે ભૂત નહિ પરંતુ એક કેદી છો..!?" સીમાએ કહ્યું.

“ હા હું એક કેદી છું. સ્ત્રી છું ને એટલે આજ દિન સુધી ચૂપ રહી, પરંતુ જ્યારે મે મારું મૌન તોડ્યું ત્યારે મને હંમેશા માટે શાંત કરી દીધી. છોકરી હતી એટલે હંમેશા મારા મોટા બા મારા ઉપર ગુસ્સે થતા. મા તો મારા જન્મ સમયે જ મૃત્યુ પામી અને બાપુ તો આખો દિવસ નશામાં ધૂત જ રહેતા. ક્યારેક મારી સાથે વાતચીત પણ નથી કરી.જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ મારી આઝાદી મારા પાસેથી છીનવી લીધી. હું સ્વ તો હતી પરંતુ સ્વથી સ્વતંત્ર નહોતી. મારી મરજી વગર મારા લગ્ન પણ કરાવી દીધા. મને રોજે મારા સાસરામાં ત્રાસ આપતાં દહેજ ના મળવાના કારણે મને રોજ મારા પતિ મારતા. એક દિવસ મે સામે વળતો જવાબ કર્યો તો ગુસ્સામાં મારું ગળું દબાવી દીધું. હું તડપી તડપી ને ત્યાંજ મૃત્યુ પામી. મારી આત્મા બદલો લેવા આવી પરંતુ મને એ તાંત્રિક ની મદદ દ્વારા અહીં કેદ કરી દીધી.હું રોજ તડપુ છું મુક્તિ મેળવવા પરંતુ હુ એક કેદી છું. નથી થઈ શકતી મુક્ત હું, હવે તુજ અપાવી દે મને મુક્તિ."

“ પણ હું જ શા માટે અને કઈ રીતે મુક્તિ અપાવું..!?"

“ તારામાં મને સમાજની કુપ્રથાઓ સામે લડવાની શક્તિ દીઠી છે. આજે મને મુક્ત કરીને એ કુપ્રથાઓના અંતની શરૂઆત કરી જ દે. બસ હવે એક મિનિટ પણ નથી સહેવાતું આ ખીલીનાં બંધનમાં, કરી દે મને મુક્ત હું મુક્તિ પામવા ઇચ્છું છું."

સીમાએ પોતાના કાનો ને પીપળાનાં ઝાડથી હટાવ્યા અને પોતાના બંને હાથોની મદદથી એ પીપળામાં ખોસેલી ખીલીને નીકાળી દીધી. ખીલી નીકળતાંની સાથે જ સીમા એ પોતાની આંખો બંદ કરી દીધી અને ત્યાં જમીન પર ઢળી પડી.


“ સીમા બેટા શું થયું ઉઠ. તું ત્યાં શું કરવા ગઈ હતી અને તને કઈ થયું તો નથી ને..!" સીમાએ પોતાની મા નો અવાજ સાંભળતા ધીમે ધીમે પોતાની આંખો ખોલી.

આંખો ખોલીને જોવે છે તો સીમા પોતાને સમાજના એજ લોકોના ટોળાં થી ઘેરાયેલી જોઈ.

ગામનો એક વ્યક્તિ હાંફતો હાંફતો ત્યાં આવી પહોંચ્યો.... “ એ પીપળાનાં ઝાડ માંથી મુક્તિ પામી છે. કોઈએ એ ખીલીને ત્યાંથી નીકાળી દીધી."

સીમાને પોતાની બંદ મુઠ્ઠી માં કઈક લાગી રહ્યું હતું. મુઠ્ઠી ખોલીને જોયું તો તેમાં એક ખીલી હતી. કોઈ ના જોવે તેમ સીમાએ એ ખીલીને દૂર ફેંકી દીધી, પરંતુ દૂર ઉભેલી એક વ્યકિતએ જોઈ લીધું અને એક હાસ્ય સાથે આ સમાજના લોકોમાંથી હંમેશને માટે મુક્તિ મેળવી લીધી.


- Jignya Rajput ✨


બીજા રસપ્રદ વિકલ્પો