સંધ્યાએ સૂરજની વાતને માન્ય રાખી અને પોતાનો વિચાર પડતો મુક્યો હતો. એનો ધ્યેય ફક્ત એક જ હતો કે, મમ્મીનું મન દુઃખી ન થાય, એ મમ્મીને ખુશ જોવા ઈચ્છતી હતી. સૂરજની વાતને સમજી અને એણે પોતાની લાગણીને અંકુશમાં લીધી હતી.
સંધ્યાનો સમય હવે ઘર અને જોબમાં વ્યવસ્થિત વીતી રહ્યો હતો. એ પોતાનું જીવન એની ધારણા કરતા પણ વધુ સરસ વિતાવી રહી હતી. સૂરજ પણ એના જીવનમાં ખુબ હરણફાળ ઝડપે આગળ વધી રહ્યો હતો. એની એકેડમીમાં રમતવીરોની સંખ્યા વધવા લાગી હતી. પોતાની જોબ અને એકેડમીની સાથોસાથ પોતે પણ ટુર્નામેન્ટમાં ભાગ લેતો હતો. એનું સિલેક્શન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં થયું હતું. એ ખુબ પ્રેકટીસ કરતો રહેતો હતો. પોતાના સ્ટુડન્ટને શીખવતા પ્રેક્ટિસ પણ થતી અને એની સાઈડની આવક પણ વધતી હતી. ફર્સ્ટ એનિવર્સરીની ગિફ્ટમાં એણે સંધ્યાને રિયલ ડાયમંડની રિંગ આપી હતી. સાથોસાથ એક કાર પણ લીધી હતી. ચંદ્રકાન્તભાઈ અને રશ્મિકાબેન ખુબ ખુશ હતા.
આ તરફ પંક્તિને સુનીલે એક એપલનો ન્યુ લોન્ચ મોબાઈલ લઈ આપ્યો હતો. પંક્તિ ખુબ ખુશ હતી. ઘરમાં થોડી રાહત સુનીલને વર્તાઈ રહી હતી. એના દિવસો પણ હવે ખુબ આનંદિત જઈ રહ્યા હતા. આ ખુશીમાં એક ખુશીનો વધુ અનુભવ પંક્તિએ આપ્યો, એ સુનીલની બાહુમાં સમાતા એના કાનમાં ધીરા સ્વરે બોલી, "મને લાગે છે કે, હું પ્રેગ્નેન્ટ છું."
"અરે વાહ! એમ કહીને સુનીલે પંક્તિ પર પોતાની ખુશી પ્રેમથી અનેક ચુંબનો કરીને વ્યક્ત કરી હતી. પોતાના પ્રેમનો ઉભરો બધો ઠાલવી લીધા બાદ એ બોલ્યો, "કાલ સવારે આપણે કોઈ સારા ગાયનેકની મળી આવીએ અને એ શું કહે છે એ જાણીએ એટલે ક્ન્ફોમ ન્યુઝ મળી શકે."
નવો દિવસ સુનીલ અને પંક્તિના જીવનમાં અનેક ખુશીઓ સાથે આવ્યો હતો. ડોક્ટરએ એ બંનેને કહ્યું કે, પંક્તિ ગર્ભવતી છે. ડોક્ટરના આ શબ્દો પંક્તિને ખુબ જ ખુશ કરી ગયા હતા. ડોક્ટરએ અત્યારે ફક્ત જરૂરી સુચનો જ આપ્યા અને ફરી એક મહિના બાદ આવવાનું કહ્યું હતું. પંક્તિના જીવનમાં આવનાર નવા મહેમાનની બધાને જાણ થતા બધા ખુબ ખુશ થયા હતા. બધાના દિવસો આ આનંદ સાથે વીતવા લાગ્યા હતા. પંક્તિની તબિયત થોડી નરમગરમ રહેતી હતી. દક્ષાબહેનની સંભાળથી પંક્તિને ઘણી રાહત હતી. પંક્તિને છઠ્ઠો મહિનો બેસી ગયો હતો. પંક્તિનું સીમંત નજીકમાં જ હોય એની તૈયારી ચાલી રહી હતી. ખુબ જ સરસ રીતે એ પ્રસંગ પણ પતી ગયો હતો.
આ તરફ સંધ્યા પણ ગર્ભવતી બની હતી. એ ખુશી સમાચારની જાણ થતા સૂરજ ખુબ ખુશ થઈ ગયો હતો, પણ સૂરજને એજ વખતે ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે બે મહિના માટે જવાનું હતું. આ કારણથી એ સહેજ દુઃખી હતો કે, સંપૂર્ણ ગર્ભાવસ્થાના સમયે તે પોતે સંધ્યાને સમય આપી શકશે નહીં. સંધ્યાની તબિયત સારી રહેતી હતી, પણ એ પોતાનું સંપૂર્ણ ધ્યાન આવનાર બાળકને આપી શકે એ માટે એણે જોબ છોડી દીધી હતી.
સંધ્યાને દક્ષાબહેન અને રશ્મિકાબહેને કીધેલી બધી જ સૂચનાઓ ને ધ્યાનમાં રાખી પાલન કરતી હતી. એ કાયમ પોતાનો અમુક સમય ધર્મગ્રંથ વાંચવામાં વિતાવતી હતી. સંધ્યા જાણતી હતી કે, બાળક ગર્ભમાં રહીને જેટલું ઝડપથી વિકશે છે એટલું જન્મ બાદ વિકશતા વધુ વાર લાગે છે. એણે ખુદ પોતેજ ગર્ભસંસ્કાર બાળકને આપવાના શરૂ કરી દીધા હતા. પોતાનો ખોરાક પણ ખુબ સમજીને લેતી હતી. પૌષ્ટિક અને સાદો ખોરાક એણે લેવાનો પસંદ કર્યો હતો. એ મોબાઈલ પણ અમુક સમય પૂરતો જ લેતી હતી. અદ્રશ્ય કિરણોની અસર ખુબ થતી હોય છે જે તરત સમજાતી નથી, લાંબે ગાળે એનું નુકશાન થતું હોય છે આ વિચારથી એ મોબાઈલ પણ ખુબ ઓછો વાપરતી હતી. સંધ્યામાં આવેલ બદલાવ જોઈને રશ્મિકાબહેન ખુબ ખુશ હતા, મનોમન વિચારતા કે સંધ્યા ખરેખર કંઈક બધાથી નોખી છે. એની લાગણીમાં એ પણ પીગળી જ ગયા હતા પણ મૂળભૂત સ્વભાવની છાંટ તો સંધ્યાને વર્તાતી જ હતી.
સુરજ પોતાની ટૂર્નામેંટમાં ખુબ ધ્યાન આપતો હતો. દિવસરાત જોયા વગર એ મહેનત કરી રહ્યો હતો. એનું સ્વપ્ન હતું કે, ભારતની ભૂમિ પર જેમ વિજય બન્યો એમ વિદેશની ભૂમિ પર પણ વિજયી બને! સૂરજનું સ્વપ્ન બહુ જ જલ્દી પૂરું થવાનું હતું.
પંક્તિએ એક ખુબ જ સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. દીકરી એટલી બધી સુંદર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હતી કે જે જોવે એ ઘડીક એને જોતું જ રહેતું હતું. સુનીલ પોતાની દીકરીને હાથમાં લઈને ખુબ ભાવુક થઈ ગયો હતો. લાગણીવશ એ પંક્તિને બોલ્યો, "તે મને દુનિયાભરની ખુશી મારા હાથોમાં આપી દીધી છે. હું ખુબ જ ખુશ છું. આપણી આ દીકરીને જોઈને મને જે ખુશી થઈ રહી છે એ હું શબ્દો દ્વારા તને વ્યક્ત કરી શકું એમ નથી. બસ, મને જીવનભર સમજતી રહેજે!"
"તમારે કાંઈ જ કહેવું નથી. હું તમારી લાગણી સમજી શકું છું." એમ કહી પંક્તિએ સુનીલની વાતને સહમતી આપી હતી.
પંકજભાઈ અને દક્ષાબહેને આખી હોસ્પિટલમાં બધાને પેંડા ખવડાવ્યા હતા. બધા દીકરીના જન્મથી ખુબ જ ખુશ હતા. પંક્તિના પરિવારના સદશ્યો પણ ખુબ રાજી થઈ ગયા હતા. જે પણ દીકરીને જોવે એના મુખેથી એમ જ નીકળી જતું કે, "આ જુનિયર સંધ્યા આવી!" બસ, આ શબ્દો પંક્તિને મનના કોઈક ખૂણે ખૂંચતા હતા.
સંધ્યાએ છઠ્ઠીના દિવસે ખુબ સરસ બાળકીને ફુયારું આપ્યું હતું. નામકરણ વિધિમાં બાળકીનું નામ "સાક્ષી" રાખ્યું હતું. જે પંક્તિની પસંદનું જ રાખ્યું હતું. સંધ્યા નામકરણ વિધિમાં સાક્ષીને પોતાના ખોળામાં લઈને રમાડતી હતી ત્યારે સાક્ષીએ ખુબ સરસ અર્ધજાગ્રત અવસ્થામાં સંધ્યાને એક સુંદર સ્માઈલ આપી હતી. એ સ્માઈલ જોઈને સંધ્યાએ એક અલગ જ ખુશી મહેસુસ કરી હતી. સંધ્યાએ જેવું નામ પાડ્યું કે, તરત પંક્તિના મમ્મી બોલી ઉઠ્યા હતા કે, "વાહ! રૂપ તો ફઈ જેવું અને રાશિ પણ ફઈની જ.."
પંક્તિને આ વાતનો પણ સહેજ ડંખ મનમાં ખુચ્યો હતો. પણ એ મૌન રહી બધું જ હસતા મોઢે જોતી હતી.
સંધ્યા ગર્ભવતી હતી, છતાં પણ બધી જ શક્ય એટલી સેવા એણે પોતાના ભાભીની અને સાક્ષીની કરી હતી. પંક્તિને પણ એમ થયું હતું કે, સંધ્યા કેટલી કાળજી રાખે છે. ક્યારેક પંક્તિને પોતાના વિચારો પર ગુસ્સો પણ આવતો હતો. પોતાને જ થતું કે, બધા મારુ કેટલું માન રાખે છે હું કેટલી ભાગ્યશાળી છું. પણ સંધ્યાના જેવા વખાણ થાય કે, એના બધા જ સારા વિચારો તરત જ ધોવાઈ જતા હતા.
સંધ્યાનું સીમંત પણ ખુબ સરસ રીતે પતી ગયું હતું, સંધ્યા પોતાને પિયર આવી ગઈ હતી. સૂરજ પોતાની વલ્ડ કપ ફુટબોલ ટુર્નામેન્ટ માટે દુબઈ જવા નીકળવાનો હતો. એ જતા પહેલા સંધ્યાને મળવા આવ્યો હતો. સંધ્યા ચૂપ હતી પણ એની આંખો ઘણું કહી રહી હતી. સૂરજનો એને સાથ પણ જોતો હતો, અને સૂરજ પોતાનું સ્વપ્ન પૂરું કરવા જતો હતો એ વાતની ખુશી પણ ખુબ હતી. સંધ્યા ફક્ત એટલું જ બોલી, "વિદેશથી મેચ જીતીને આવજો અને જે આપણા દેશમાંથી મેડલ દ્વારા તમને સન્માનીત કરે એ મેડલ મારે આપણા આવનાર બાળકને આપવું છે. તમે ખુબ સરસ પર્ફોમ કરજો."
"તે જે કહ્યું એ થશે જ!" સંધ્યાના શબ્દોએ સૂરજની હિમ્મતમાં ખુબ વધારો ને જુસ્સો ભરી આપ્યો હતો.
એક લાગણીસભર આલિંગન બાદ બંને છુટા પડ્યા હતા. બંને એક જીવનના એવા વળાંક પર હતા કે, આ સમય બંનેના જીવનનો યાદગાર હિસ્સો બનવાનો હતો.
કેવું હશે સૂરજનું પર્ફોમન્સ?
કેવી હશે માતૃત્વ પામ્યાબાદની સંધ્યાની ખુશી?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻