પ્રેમ સંબંધ - 2 Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સંબંધ - 2

પ્રેમ સંબંધ ( ભાગ ૨ )

જે ઝડપી શકાઈ નથી એ તક
ક્યારેય છેલ્લી હોતી નથી

માણસને શા માટે વારંવાર પોતાની ખામીઓ પર બિલોરી કાચ મૂકીને જોવાનું મન થતું હશે? પોતે બધાથી વિખૂટો થઈ ગયો છે એવી લાગણીથી એ શા માટે વગર કારણે વહોરાતો હશે? આસપાસની વરુ જેવી દુનિયા પોતાને ફાડી ખાશે એવા ભયથી શા માટે એ ધ્રૂજતો હશે?

ગામ આખાને ન્યાયના ત્રાજવે તોળતા રહીએ છીએ પણ જાત વિશે મૂલ્યાંકન કરવું અઘરું છે. કોઈક વખત લાગે કે આપણો ક્યાંય વાંક નથી, સંજોગો જ ખરાબ છે અને નસીબ પણ ફૂટેલું છે. તો વળી ક્યારેક તમામ અણગમતી ઘટનાઓના દોષનો ટોપલો જાતે જ માથા પર મૂકીને બેસી પડીએ. સચ્ચાઈનો અમલ બહાર કરતાં પહેલાં અંદરથી કરવાનો હોય. તટસ્થતા ભરેલી સચ્ચાઈ આત્મનિંદા અને આત્મવંચનાના બે અંતિમોની વચ્ચેથી જડી આવે. પોતાની ખામીઓ વિશે સભાન થઈ ગયા પછી પોતે તરછોડાઈ ગયેલા હોવાની લાગણીનું રૂપાંતર પોતાના માટેના પ્રેમમાં થઈ શકે. શરત એટલી કે પોતાની ખામીઓને ઓળખવી, પછી સમજવી અને છેલ્લે એની હાજરીને સ્વીકારી લેવાની તૈયારી રાખવી, જેના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હોય એની સામે જ લડી શકાય અને લડવાનો પ્રયત્ન નિષ્ફળ ગયા પછી એની સાથે જ સંધિ કરીને રહી શકાય.

આત્મપ્રશંસા જેટલી જ હાનિકારક આત્મદવાની લાગણી છે. સેપિટીમાં રચ્યાપચ્યા રહેતા લોકોને ચારે બાજુથી સહાનુભૂતિ મળે એવી અપેક્ષા રહે છે. એક તબક્કો એવો પણ આવી જાય જ્યારે વ્યક્તિ હાંસીનું પાત્ર બની જાય. એવું થાય તે પહેલાં પોતાનામાં ક્યાં, શું, કેટલું ખોટું છે એ વિશે સ્પષ્ટ થઈ જવું પડે. દુનિયા પાસેથી મનગમતું બધું જ મેળવી લેવાની લાહ્યમાં આપણે ભૂલી જઈએ છીએ કે જેમની પાસેથી કશુંક પામ્યા છીએ એમને ઊંડે ઊંડે તમારી પાસેથી પણ કશુંક મેળવવાની ઇચ્છા છે. આપવાનું નક્કી કરીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપવામાં ગરિમા હોવી જોઈએ. લેનારને એની લાચારીનો અહેસાસ કરાવીને અપાયેલી કીમતીમાં કીમતી ચીજ કે અમૂલ્યમાં અમૂલ્ય લાગણી ધૂળ બરાબરની થઈ જાય.

ડગલે ને પગલે પ્રોત્સાહનની જરૂ૨ જેને ન પડે એ માણસ સંત કોટિએ પહોંચી ગયેલો જાણવો, હતાશા- ઉત્સાહથી જે પર છે એવી વ્યક્તિઓ સંસારમાં બહુ ઓછી જોવા મળે. સામાન્ય માણસને વારંવાર હતાશાની ખાઈમાં ઊંડે સુધી ઊતરી ગયાની લાગણી થઈ આવે. એને તીવ્ર ઇચ્છા થયા કરે કે હવે આશાભર્યા, હૂંફભર્યા, પ્રેમભર્યા બે બોલ કહીને કોઈક આમાંથી પોતાને બહાર કાઢે. નિરાશાજનક વિચારો જીવનમાં નિયમિત આવતા રહેવાના. એનો પ્રવેશ રોકવામાં દર વખતે સફળ ન પણ થવાય. આવા સમયે માણસ કેટલાક એવા નિર્ણયો લઈ બેસે જેને કારણે જિંદગી હોય એનાં કરતાં વધારે ગૂંચવાઈ જાય. નવી પડેલી એ ગૂંચ ઉકેલતાં કદાચ જીવન આખું પૂરું થઈ જાય. આવા સમયે કોઈકને ઉજાસભર્યા શબ્દો કહીને એની આંગળી ઝાલી મૂળ રસ્તે

પાછા લાવવાનો પ્રયત્ન કરવા જેવું પુણ્યનું કામ બીજું એકેય નહીં. ગૂંચ ઉકેલવા માટે અત્યાર સુધી કહેવામાં આવેલા તમામ માર્ગને છોડીને નવો રસ્તો લેવો પડે. આ રસ્તો ક્યો? સ્વ. નાટ્યકાર શૈલેષ દવેના નાટકનો એક સંવાદ છેઃ “અંતરમાં ન ડંખે તે જ મારું સત્ય અને માંહ્યલો જે કહે તે જ મારો મારગ’ તો બસ, મન તીવ્રતાથી જે દિશા ચીંધ્યા કરતું હોય તે જ જીવનનો સાચો માર્ગ પણ જ એ માર્ગ શોધતાં પહેલાં ઘરેડમાં પડી ગયેલી વિચારસરણીને ખંખેરી નાખવી પડે. નવેસરથી એનો એક-એક ટુકડો જોડીને નવી ભાત ધરાવતી વિચારસરણી ઘડવી પડે.

વિચારોનો આ નવો અવતાર પણ કાયમી નથી એવું માનવું પડે. આગળ વધવા સતત પરિવર્તનશીલ રહેવું પડે. પણ પરિવર્તનનો ડર લાગે છે. નવાનો ભય લાગે એ સ્વાભાવિક છે. જે સદી ગયું છે, જેની ટેવ પડી ગઈ છે, જે પરિચિત વાતાવરણ છે એમાં જ રચ્યાપચ્યા રહેવું ગમે છે. એટલે જ નવી તક, નવા અનુભવો, નવા વિશ્વથી વિમુખ થઈએ છીએ અને છેવટે અટવાઈએ છીએ. શું કરવું અને શું ન કરવું એ વિશે બીજાઓના અભિપ્રાયો પર આધાર રાખીને નક્શો દોરવાનો થાય ત્યારે આવું જ બને. આવા નકશાનું છેવટનું સ્વરૂપ લીટાલપેડાનું હોય.

ક્યારેક મન પણ પોતાનાં જ તમામ કાર્યોનો વિરોધ કરતું થઈ જાય. ક્યારેક બધું નકામું લાગે, ક્યારેક બધું કરવા જેવું લાગે. એક સાથે ઘણું બધું અને ક્યારેક બધું જ કરી નાખવાની હોંશમાં માત્રસ ભયંકર પછડાટ ખાઈ બેસે. દુનિયાની દોડમાં પાછળ રહી જવાના ભયથી મન સતત ફફડતું રહે ત્યારે આવી પછડાટો અચૂક આવવાની આ પછડાટો દરમ્યાન ક્યારેક કોઈએ સહ્દયતાપૂર્વક કહેલા કડવા પણ સાચા શબ્દો જીરવી શકાતા નથી અને જતનપૂર્વક ઉછેરાયેલા સંબંધ પર પણ ઉઝરડા કરી નાખીએ છીએ.

જિંદગીમાં વિકલ્પો ક્યારેય ખૂટતા નથી. જે ઝડપી શકાઈ નથી એ તક ક્યારેય છેલ્લી હોતી નથી. ભૂલભરેલી ગઈ કાલને છોડી દેવાની છે. ન જન્મેલી આવતી કાલ વિશે લાંબી કલ્પનાઓ પણ છોડી દેવાની છે. જે સમય અદીઠ છે તેના પર કોઈનો કાબૂ નથી. શ્રદ્ધા એક જ છે કે જિંદગી આખી એક ચમત્કાર લાગે એ રીતે ઉપરવાળો ત્યાં બેઠાં બેઠાં આશ્ચર્યચિહ્નોનો વરસાદ વરસાવ્યા કરે છે.



નવેસરથી શરૂઆત થતી હોય ત્યારે....

નવા સંબંધનો આરંભ બે વ્યક્તિઓની પરસ્પરની અપેક્ષાઓથી થાય છે. કોણ કેટલી અપેક્ષા સંતોષે છે એના આધારે સંબંધ બાંધવાનો કે આગળ વધારવાનો નિર્ણય થાય છે. આને બદલે શું એવું કરી શકાય કે બેઉ એકબીજાને કહે કે, મારી આકાંક્ષાઓમાંથી હું આટલી – કહો કે પચીસ ટકા જેટલી આકાંક્ષાઓ ઓછી કરી નાખું છું અને એ પૂરી કરવાની તારી કોઈ જ જવાબદારી નથી. એ ફળીભૂત ન થઈ તો મને કશો જ વાંધો નહીં આવે અને આવું કરવાથી આ સંબંધને ઊની આંચ પણ નહીં આવે.

ઉદારતાથી આરંભાતા સંબંધો જ પાંગરતા હોય છે. ખુલ્લાશભર્યા વાતાવરણમાં ઊગી રહેલું વૃક્ષ ભવિષ્યમાં ઘટાદાર બનીને માત્ર એ બે વ્યક્તિઓને જ નહીં, એમની આસપાસની તેમ જ અજાણી એવી અનેક વ્યક્તિઓ માટે વિસામો બનવાનું વચન આપે છે. અપેક્ષાઓ ઘટાડીને શરૂ થતા સંબંધો ભવિષ્યમાં એ અપેક્ષાઓ કરતાં ઘણી વધારે સમૃદ્ધિ લાવવાની ખાતરી આપે છે. અંગ્રેજીમાં જેને લવ એટ ફર્સ્ટ સાઇટ કહેવાય છે તે પ્રથમ દૃષ્ટિએ પ્રેમમાં પડી જવાની ક્રિયા વાસ્તવમાં

લાઇકિંગ ઍટ ફર્સ્ટ સાઇટ હોય છે. જોતાંવેંત કે મળતાંવેંત કોઈ વ્યક્તિ ગમી જાય એવું બને. એનું વર્તન, એના વિચારો, એનો દેખાવ, એના વ્યક્તિત્વનું કોઈ એક પાસું ગમી જાય, પ્રથમ મુલાકાતમાં જ ગમી જાય એવું બની શકે. ચાહવાનું તો ઘણું પાછળથી આવતું હોય છે. ગમવાથી ચાહવા સુધી જવાના માર્ગમાં આવતી માઇલસ્ટોન્સરૂપી તારીખોને અંગત ડાયરીમાં રેલેટર ડેથી નવાજવામાં આવતી હોય છે. આય લવ યુ શબ્દોથી શરૂ થયેલો સંબંધ આય હેઇટ યુ સુધી પહોંચીને તૂટી શકે છે. આય લાઇક યુથી આરંભાતો સંબંધ આય લવ યુ પર જઈને વિરમી શકે.

ગમવામાંથી ચાહવા તરફ જવામાં સૌથી મોટું નક્કર અપેક્ષાઓ ઊભું કરે છે. ગમતી વ્યક્તિને ચાહી ન શકાય, ત્યારે અહેસાસ થતો હોય છે કે એક અદૃશ્ય દીવાલ, અપેક્ષાઓની દીવાલ બાધા બનીને ઊભી છે. અપેક્ષાઓ બીજી વ્યક્તિની, અપેક્ષાઓ આસપાસની વ્યક્તિઓની અને અપેક્ષાઓ પોતાની જ, પોતાના માટેની. જ આવી દીવાલ સર્જાય એ કુદરતી છે. દીવાલને ઓળંગ્યા વિના આગળ નહીં વધી શકાય એ પણ નક્કી. માટે જ બને એટલી ઓછી ઊંચાઈએ એને અટકાવી દેવી જેથી એક નાનકડા મક્કમ કૂદકા વડે એને ઠેકી શકીએ.

નવો સંબંધ એક નવા માનસિક વિશ્વ સાથે આવે છે. કલ્પનામાં રચાયેલા એ વિશ્વનો મેળ દુનિયાદારીના વિશ્વ સાથે, વ્યવહારના જગત સાથે કઈ રીતે પડે તે જોવાનું કામ બેઉ સંબંધિત વ્યક્તિઓનું. એમાં ત્રીજી કોઈ વ્યક્તિ, ગમે એટલી આત્મીય હોય તો પણ સહાયરૂપ ન થઈ શકે. કારણ કે એ ત્રીજી વ્યક્તિ બહુ બહુ તો કાલ્પનિક વિશ્વનો ચિતાર જોઈ શકે, એ વિશ્વના જન્મ સમયે થયેલો રોમાંચ ન અનુભવી શકે. ત્રીજી વ્યક્તિ બહુ બહુ તો વ્યવહારુ દુનિયાનાં વિઘ્નો દેખાડી શકે, એ વિઘ્નો દૂર કરવાની મક્કમતા ન આપી શકે. આવી મક્કમતા એમની પાસે જ હોય જેઓ પેલા રોમાંચની તીવ્રતા અનુભવી ચૂક્યા હોય અને એ માનસિક અનુભવનું વ્યવહારુ ઉકેલોમાં રૂપાંતર કરવાની જવાબદારી ધરાવતા હોય.

જીવનમાં શું કરવું એનો નિર્ણય જેટલો અગત્યનો છે એટલું જ મહત્ત્વનું એ નક્કી કરવાનું છે કે કોની સાથે એ બધું કરવું છે. શું કરવું છે અને કોની સાથે રહીને એ કરવું છે એવા વિચારોના તાણાવાણા ગૂંચવાઈ જતા લાગે ત્યારે એને છૂટા પાડીને, એક-એક તારને અલગ કરીને એનું સ્વરૂપ સમજવામાં ઘણો સમય વીતી જઈ શકે, ક્યારેક આખો જન્મારો.

આવું ન બને તે માટે પાછળ એક ઝડપી નજર કરીને નક્કી કરી લેવાનું કે મનમાં કઈ કઈ બાબતો અંગેના

વિચારો ક્યારેય બદલાયા નથી? બદલાતા રહેલા વિચારોમાં શું હજુય પરિવર્તન આવી શકે છે? ન બદલાયેલા

વિચારો પણ વખત જતાં બદલાઈ જાય એવું બને?

વિચારોના બદલાવા, ન બદલાવાની આ પ્રક્રિયા અવિરત ચાલ્યા કરવાની. એમાં અટવાઈ જઈને ખોવાઈ

જતાં બચવું હોય તો બેઉ વ્યક્તિએ નક્કી કરી લેવાનું કે જે થાય તે, આપણે સાથે જ છીએ – વિચારોમાં

પરિવર્તન આવશે, આપણા પોતાનામાં પરિવર્તન આવશે, બાકીનું બધું જ બદલાઈ જશે, છતાં આપણે સાથે

છીએ.

ગુમાવ્યા વિના કશું મળતું નથી અને કશુંક છૂટે નહીં ત્યાં સુધી નવું કશુંય બંધાતું નથી. નવો સંબંધ સર્જાય

ત્યારે કંઈક ગુમાવવાની, કશુંક છોડી દેવાની તૈયારી રાખવાની. એ વિના કોઈ કેવી રીતે જે મેળવવા માગે છે તે

જ્યાં પહોંચવા માગે છે ત્યાં પહોંચી શકે? આ રીતે શરૂ થતા નવા સંબંધની સમૃદ્ધિનો આધાર

મેળવી શકે?

ભૂતકાળના અનુભવો નહીં, ભવિષ્યની કલ્પનાઓ હોય.



તૂટે તે સંબંધ , ટકે તે વ્યવહાર

પેઇન્ટિંગમાં પીંછીનો પહેલો લસરકો સૌથી મહત્ત્વનો અને લેખ, વાર્તા કે કવિતામાં પ્રથમ વાક્ય કે પ્રથમ પંક્તિ સૌથી મહત્ત્વનાં

પ્રથમ બ્રશ સ્ટ્રોક પછી જ બાકીના સ્ટ્રોક્સ કેવા આવશે તે નક્કી થાય. પહેલો જ લસરો કે પહેલું જ વાક્ય ખોટાં મુકાયાં તો ત્યાર બાદ સર્જાતી સમગ્ર કૃતિ એ જ દિશામાં આગળ વધવાની.

સંબંધમાં પ્રથમનું નહીં, અંતિમનું મહત્ત્વ છે. અંતિમ મુલાકાતનું કોઈ પણ સંબંધનું ખરું મૂલ્ય બે વ્યક્તિની પ્રથમ નહીં, અંતિમ મુલાકાતને આધારે નક્કી થતું હોય છે. સંબંધના ચિત્રનો એ છેલ્લો બ્રશ સ્ટ્રોક નક્કી કરી આપે છે કે અત્યાર સુધી તમે દોરતા રહ્યા એ ચિત્ર કેવું રહ્યું. 'મરીઝ' કહે છે એમઃ બધો આધાર છે એના જતી વેળાના જોવા પર.

અપેક્ષા દરેક સંબંધનું આરંભબિંદુ. ભૌતિક સિવાયની અપેક્ષાઓથી આરંભાતો સંબંધ માણસની માણસ માટેની તરસને કારણે સર્જાય. આ તરસનું જન્મસ્થાન માણસના મનનું એકાંત હોઈ શકે, માણસના મનના ઉઝરડા પણ હોઈ શકે. અપેક્ષા વિનાના સંબંધનું અસ્તિત્વ હોઈ શકે? કદાપિ નહીં. અપેક્ષા વિનાનો કોઈ પણ સંબંધ તમે બતાવો, હું તમને ચંદ્ર વિનાની શરદ પૂર્ણિમા બતાવીશ. દરેક સાચા સંબંધમાં અપેક્ષા રાખવાનો હક્ક છે. બન્ને પક્ષો સમજણભેર વધતી જતી અપેક્ષાઓ સંબંધમાં આત્મીયતા ઉમેરતી રહે છે. દીવાલ ત્યારે ઊભી થાય જ્યારે બેઉ પક્ષની અપેક્ષાને સામસામા પલ્લામાં મૂકીને એને તોળવામાં આવે. ત્રાજવાનાં બંને પલ્લાં એકસરખી ઊંચાઈએ રહે અને કાંટો બરાબર મધ્યમાં આવીને ટટ્ટાર ઊભો રહે એવા પ્રયત્નો થાય ત્યારે સંબંધનો અંત આવે, વ્યવહારની શરૂઆત થાય.

વિરલ પ્રેમની શરૂઆતમાં સભાનતાનો, જાગ્રતપણાનો કે આયાસનો અભાવ હોય. ટૂંકા વિરામની જાહેરાત થાય ત્યારે જ ખબર પડે કે સવા કલાક પહેલાં ચલચિત્ર શરૂ થઈ ગયું હતું. વિરામના નાનકડા પડાવ વિનાનો સંબંધ શક્ય નથી. દરેક સંબંધમાં એક તબક્કો એવો આવી જતો હોય છે જ્યારે શૂન્યાવકાશ, દિશાહીનતા અને ખાલીપણાના ભાવ તળિયેથી નીકળીને સપાટી પર આવી ગયેલા જણાય. સિનેમાગૃહનો પડદો દસ મિનિટ માટે સાવ કોરોકટ દેખાય. આ ગાળાનું મહત્ત્વ સમજનારી વ્યક્તિઓ જ ભવિષ્યમાં એ સંબંધને એના પૂર્ણ સ્વરૂપમાં પામી શકે. અધીરાઓ ઇન્ટરવલમાં જ થિયેટર છોડીને ઘરભેગા થઈ જાય.

કોઈ ચોક્કસ સમયે અને કોઈ એક ચોક્કસ સ્થળે જન્મેલો સંબંધ કાયમ ત્યાં ને ત્યાં રહી શકતો નથી. સમય અને સ્થળની સાથે સંબંધની તીવ્રતામાં, એના આવેશમાં વધઘટ થતી રહેવાની. સંબંધ સર્જાયા પછી ક્યારેક એનો ભાર લાગવા માંડે, ઊડવાને બદલે ડૂબવાની લાગણી થવા માંડે. ત્યારે શું ફરી એક વાર અજનબી બની જવું? દરેક વખતે એ જરૂરી નથી અને ક્યારેક શક્ય પણ નથી. જેમાં વર્ષો અનેક ઉમેરાયાં હોય પણ એ વર્ષોની ધૂળ એના પર બાઝી ન હોય એવા સંબંધો બહુ ઓછા જોવા મળે અને મળે ત્યારે એ ઈશ્વરે આપેલા ઉત્તમોત્તમ વરદાન જેવા લાગે.

અવિનાશી કશું જ હોતું નથી. સંબંધ પણ નહીં. બે વ્યક્તિઓની વચ્ચે જે તૂટે છે તે જ સંબંધ છે. તૂટ્યા પછી પણ ટકી રહે એ સંબંધ નહીં, વ્યવહાર છે. કોઈ વ્યક્તિ માટે કોઈ એક સમયે લાગણી જન્મી હોય તો જન્મતાંની સાથે જ એ જીવનની મૂડી બની જાય. ભવિષ્યમાં એ વ્યક્તિ માટે એવી જ લાગણી ન રહે તો એને કારણે મૂળ મૂડીમાંથી કશું ઓછું નથી થતું.

દુનિયા જેને સમાધાનો કહે છે તે સંબંધમાં પણ અનિવાર્ય. ખુલ્લા મન સાથે ભરાયેલું સમાધાનનું દરેક પગલું

એક વ્યક્તિએ બીજીને આપેલી કીમતી ભેટ બની જાય. સામેથી મળી જતી આ સોગાદ સાચવવાની હોય,

એની આશા રાખવાની ન હોય.

સંબંધમાં એક તબક્કો એવો પણ આવે જ્યારે ફેલાવા જઈએ તો વિખેરાઈ જઈએ અને ઊંચે ચડવા જઈએ

તો બટકી જઈએ. મુઠ્ઠીભર મળી જતી ક્ષણો જિંદગીભર સાચવવાની હોય. વરસાદથી ભીની થયેલી સડક ૫૨

વેરાયેલાં બોરસલ્લીનાં ફૂલની સુગંધ જેવી આ ક્ષણોનાં પાનાં વરસો પછી ખૂલશે ત્યારે સ્થિર થઈ ગયેલા

સમયની સુગંધ એમાંથી આવશે.