છપ્પર પગી - 15 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 15


પણ લક્ષ્મી તો ઉભી પણ ન થઈ અને કહ્યુ કે, ‘ના….હું ઉભી નહી થાવ..(હસી ને ..) અમે તો કન્યા પક્ષ વાળા.. તમારા ઘરે આવ્યા તો… ઉભા થાવ તમે અને કરાવો મીઠું મોઢું તમે..! ‘
બધા ખૂબ જ હસ્યા. પ્રવિણે બધાને મીઠું મો કરાવ્યુ. આ બધી વાતો થઈ એટલે રાતનાં ૮ઃ૩૦ જેટલો સમય થઈ ગયો હતો..બન્ને ના ઘરે રસોઈ બાકી જ હતી.
પ્રવિણને ઘરસંસારનો અનુભવ ન હતો, પણ વહેવારુ તો હતો જ.. એટલે એણે તરત કહ્યું કે, ‘મહેમાન તરીકે આવ્યા છો તો જમાડવા પણ પડશે ને ..( પછી લક્ષ્મી સામે જોઈ થોડું મોઢું બગાડી.. મજાકીયા અંદાજમાં હસી ને ફરી બોલ્યો.
પેંડા તો ખવડાવી દઈએ પણ હવે રસોઈ જાતે બનાવીને ખવડાવવાનું કહે એ પહેલાં..) ચાલો આપણે ચાલની નાકે નજીક પાંવભાજી ખાવા જઈએ..બધા ફ્રેશ થઈને પાંવભાજી ખાવા જાય છે, ત્યાં જમતી વખતે પ્રવિણના. મા બાપુને બોલાવવાના, સાદગીથી શક્ય તેટલું વહેલું મૂહર્ત જોવડાવી, આર્યસમાજમાં લગ્ન કરવા વિગેરે આયોજનો ગોઠવવાની ચર્ચા કરી લે છે.
બીજા દિવસે પ્રવિણ ઓફિસ જતાં પહેલાં શેઠ શેઠાણીને મળવા ઘરે જાય છે.. ગઈકાલની થયેલી બધી વાત જણાવે છે, એ બન્ને પણ ખૂબ રાજી થાય છે, પ્રવિણને લગ્નના આયોજન અને ખર્ચ બાબતે જરુરી વાત કરી, પ્રવિણ ઓફિસ જવા નિકળી જાય છે.

આ બાજુ લક્ષ્મી માટે તો હવે બન્ને ઘર પોતાનાં થઈ ગયા હતા, તેમ છતાં એવુ નક્કી થયુ હતુ કે, લક્ષ્મી આજ થી તેજલબેનનાં ઘરે, એટલેકે પોતાનાં પિયર જતી રહેશે.. ત્યાંથી જ એ પ્રવિણનુ ટીફીન ભરી આપશે, રાત્રે પ્રવિણ ઘરે આવે ત્યારે એ પણ તેજલબેનનાં ઘરે જ જમી લેશે.. અને પ્રવીણના મા-બાપુ આવે કે તરત લગ્ન કરાવી દઈ અને લક્ષ્મીને સાસરે વળાવી દેવી… આ પ્રકારની ગોઠવણ ત્રણ ચાર દિવસ ચાલી.
પછીનાં દિવસેતો પ્રવિણનાં મા-બાપુ ગામડેથી આવી ગયા હતા તો પ્રવિણ વહેલી સવારે સ્ટેશન લેવા જાય છે, આ બાજુ લક્ષ્મીએ ઘર બરોબર ચોખ્ખું કરી, એમની બધી ગોઠવણ કરી, ફરી તેજલબેનનાં ઘરે જઈ આરામ કરવા લાગે છે. પ્રવીણના મા-બાપુ આવ્યા પછી એ રાત્રે નક્કી કર્યા મુજબ ફરીથી ભેગા થાય છે, પ્રવિણની મા એ લક્ષ્મીને મળતાં જ હ્રદયસરસી ચાંપી લે છે,
અને એટલું જ બોલે છે,
‘આ મારો પવલો.. કોઈ’દિ લગ્ન કરવાનો જ નોતો.. ઈ મન ખબર જ સે… હાર થયુ માર દિકરી તી તુ ઈનો હાથ ઝાલશ..હવ મને શાતા થાહે કે માર પવલો રોટલે દુખી નઈ થાય..મે હાંભરુ સે કી તારે કોય નથ.. પણ ઈવુ ન વિસારતી કોઈ દી.. તુ હવ થી અમાર ઘરની વવ નઈ સોળી જ સવ ઈવુ જ માન જે..માર પવલો બવ હારો સ તન કોઈ’દિ દખી નઈ થાવા દયે..’
પ્રવિણના બાપુએ હિતેનભાઈ સામે જોઈને કહ્યુ,
‘તમ હતેનભાઈ સો ને..! આય અમને કાંઈ ખબર નો પડે મબ્બઈ તો પેલી વાર આયા સઈ.. આ લ્યો તરી હજાર જેવા કઈ રુપિયા સે.. પવલાએ મોકલાતા ઈ ઈના લગન હારુ જ ભેગા કઈરા તા ને .. થોડુ ઝેવરાત સે ઈ વવને દેવાનુ સે.. આ હંધુય તમ રાખો ને જી કરવાનુ હોય ઈ કરજો.. હવે તો તમ જ બેય ના મા બાપુ સો ઈમ જ રાખજો બેય ને .. ને આ પરસંગ પાર પાડજો… પસી લગન પતે પસી , ગોઠવાય ઈમ બેય માતાજીએ પગે લાગવા આવે તયે તમીયે બેય ભેરા ગામડે અવાય તો આવજો..’

હિતેનભાઈ અને તેજલબેન આ બન્ને ભલાં ભોળા મા બાપની વાત સાંભળી ગળગળા થઈ જાય છે.. મનોમન વિચારે છે કે દેશનાં લોકો કેટલાં નિષ્કપટ અને ભોળા છે..! એમણે જરા પણ વાર ન લગાડી અને કહ્યુ કે, ‘ તમે ચિંતા ન કરતા..બધુ સરસ ગોઠવાઈ ગયુ છે.. મંગળવારે આર્યસમાજમાં આ લગ્ન થઈ જશે.. મારે આર્યસમાજમાં પરીચય છે, ફોન પર મારે મહારાજ સાથે વાત પણ થઈ ગઈ છે.. આજે તમે આરામ કરો.. કાલ રવીવાર છે, સોમવારે પ્રવિણ અને હું બન્ને ઓફિસમાંથી રજા લઈ લઈશુ.. બાકીનું બધુ ગોઠવણ છે એ થઈ જશે.. અને મંગળવારે તો લગ્ન પણ થઈ જાશે.. કાલે તેજલ તમને બેય ને ફરવા લઈ જશે.. આવ્યા છો તો એક દી જોઈ લ્યો થોડુ અને શ્રી સિદ્ધી વિનાયકનાં દર્શન કરાવવા પણ લઈ જશે.

બીજા દિવસે રવીવારે અને સોમવારે બેવ દિવસે તેજલબેન, લક્ષ્મી અને પ્રવિણનાં મા બાપુ થોડુ આજુબાજુમાં જોઈ, ફરી, જુનુ સોનું બદલી નવું જરુરી કાન, નાક, અને મંગળસૂત્ર, થોડાં નવા કપડા, બંને માટે લગ્નનાં દિવસે પહેરવાનાં કપડા…વિગેરે લઈ, દાદાનાં દર્શન કરી ઘરે પરત આવી જાય છે.. બીજી બાજુ પ્રવિણ અને હિતેનભાઈ બન્ને પણ સોમવારે સાંજ સુધીમાં બધી જ વ્યવ્સથા ગોઠવી ઘરે પરત ફરે છે.

બધા જ હવે ઘરે બેસી શું કર્યુ એની ચર્ચા કરતાં બેઠાં હોય છે ત્યાં જ શેઠનો ડ્રાઈવર ઉપર આવે છે અને કહે છે, ‘ પ્રવિણ સર.. શેઠ અને શેઠાણીએ આ બધુ તમારા બન્ને માટે મોકલ્યું છે.. આજે અહીં આવવાનાં હતાં પણ બન્નેમાંથી કોઈ આ દાદર ચડી ન શકે એટલે મેં જ ના કહી આવવાની પણ કાલે આર્યસમાજમાં બન્ને આશીર્વાદ આપવા ચોક્કસ આવશે..અને કહેવડાવ્યું છે કે આ છાબ અત્યારે જ ખોલીને જોઈ લેજો… કાલે આમાંથી જે યોગ્ય લાગે તે પહેરજો, એમ જણાવી એ ડેકોરેટીવ બે છાબ સોંપી પરત નિકળી જાય છે.
ડ્રાઈવરના ગયા પછી, બધા વચ્ચે તેજલબેન બન્ને છાબ ખોલે છે તો…
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા