સંધ્યા - 17 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 17

સૂરજ એના પેરેન્ટ્સ સાથે જેવો બહાર નીકળી ગયો કે, સંધ્યાને એકદમ હાશકારો થયો હતો. એ ખુબ જ ચિંતિત હતી, એણે પોતાના ઘરમાં ક્યારેય કોઈ વાત છુપાવી નહોતી આથી કદાચ જો સૂરજના પેરેન્ટ્સ કોઈ વાત ઉચ્ચારે તો સંધ્યા શું કહેશે એ વાતનો એને ડર હતો. સંધ્યાને જે ડર હતો એ હવે દૂર થઈ ગયો હતો.

સુનીલને પોતાના પપ્પાના વિચાર જાણવાના હેતુથી બોલ્યો, "સૂરજ ખુબ મિલનસાર અને રમુજી સ્વભાવનો છે. એમના માતાપિતા પણ ખુબ નિખાલસ લાગ્યા. તમને એમનો સ્વભાવ કેવો લાગ્યો?"

"હા, સારો સ્વભાવ છે. પણ આમ અચાનક કેમ એમ કહ્યું દીકરા?"

"બસ, એમ જ હું જાણવા ઈચ્છતો હતો કે, તમને સૂરજ ગમે છે કે નહીં?"

સંધ્યાના કાને આ શબ્દો પડ્યા કે, એના ધબકારા વધી ગયા હતા. એ ચૂપ રહીને માથું ધુણાવી સુનીલને કઈ ન બોલવા કહી રહી હતી. પણ સુનીલ હવે વાતનો ખુલ્લાસો જ ઈચ્છતો હતો.

"હા સારો છે, પણ એક બે વખતની મુલાકાતમાં કોઈનો સાચો સ્વભાવ ન જાણી શકાય!"

"પપ્પા! અને હું એમ કહું કે, સૂરજને સંધ્યા પસંદ છે તો તમે શું કહો?" એકદમ ચોખવટ થી સુનીલે ખુલ્લાસો માંગતો પ્રશ્ન કરી જ દીધો હતો.

સંધ્યાના ચહેરા પર ડર ફરી વળ્યો હતો. દક્ષાબહેન પણ સુનીલની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા હતા. પંકજભાઈના કાન હવે ચમક્યા હતા. એમણે કહ્યું, "સંધ્યાને પસંદ હોય તો વિચાર કરવો યોગ્ય. જે વાતનો કોઈ મતલબ જ ન હોય એના પ્રશ્ન ની કોઈ આવશશક્યતા જ નથી."

"એમ સમજી જ લો કે, સંધ્યાને પણ સૂરજ પસંદ જ છે તો તમે શું વિચારશો પપ્પા?"

સંધ્યાની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ રહી હતી. એના ચહેરે પરસેવાની બૂંદો ઉપસી આવી હતી. એ આમ અચાનક સુનીલની વાતથી રીતસર થરથરવા લાગી હતી.

દક્ષાબહેન હવે સંધ્યાને જોવા લાગ્યા. સંધ્યાના ચહેરાને જોઈને દક્ષાબહેનને ખાતરી થઈ જ ગઈ કે, સુનીલ શું કામ આમ પૂછી રહ્યો છે. એમણે અત્યારે ચૂપ રહેવું જ યોગ્ય લાગ્યું હતું.

"મને ખાતરી છે કે મારી દીકરી ક્યારેય એમ મારાથી કોઈ વાત છુપાવી આગળ વધે એમ નથી. તું ખોટી વાતને ચગાવાનું રહેવા દે!" પંકજભાઈના સ્વરમાં થોડો ગુસ્સો હતો.

"બાળકો શું કહે છે એ થોડું સમજવાનો પ્રયત્ન કરો. ખોટી રીતે વાતને અટકાવાનો પ્રયાસ ન કરો." ખુબ સમજદારી પૂર્વક દક્ષાબહેને પોતાનો વિચાર રજૂ કર્યો હતો.

દક્ષાબેનની વાત સાંભળીને પંકજભાઈએ તરત નજર એમની તરફ ફેરવી હતી. દક્ષાબહેનની બાજુમાં બેઠેલી સંધ્યા તરફ પણ એમનું ધ્યાન ગયું હતું. મનમાં અનેક વાત છુપાવીને એ બેઠી હોય એવી એના ચહેરા પરની પરસેવાની બૂંદથી પંકજભાઈ ઘણું ખરું સમજી જ ગયા હતા. એમણે જોયું કે, સંધ્યાની નજર નીચી હતી. સંધ્યાની થોડી પરીક્ષા લેવાના હેતુથી પંકજભાઈ બોલ્યા, "દક્ષા એવું તારે મને કહેવાની જરૂરિયાત લાગે છે?"

પપ્પાની વાત સાંભળીને સંધ્યાને થયું કે હમણાં પપ્પા મારો બધો જ ગુસ્સો મમ્મી પર ઉતારશે. આવા વિચારથી અત્યાર સુધી ચૂપ બેઠેલી સંધ્યા બોલી ઉઠી, "પપ્પા આમાં મમ્મીની કોઈ ભૂલ નથી. આ વાત સુનીલને જ ખબર હતી. મેં તમારું નામ ખરાબ થાય એવું કાંઈ જ અયોગ્ય કામ કર્યું નથી. તમે જે કહેવું હોય એ મને કહેજો. મમ્મી સાવ નિર્દોષ છે." આટલું તો સંધ્યા મહામહેનતે બોલી શકી હતી. સંધ્યાની આંખમાંથી આંસુ સરવા લાગ્યા હતા.

સંધ્યાના આંસુ જોઈને સુનીલ હવે રહી શકે એમ નહોતું જ, પંકજભાઈ કાંઈ બોલે એ પહેલાજ સુનીલે કહ્યું, "પપ્પા! આમાં સંધ્યાએ મારી મંજૂરી લીધી પછી એ આગળ વધી છે. અને થોડા દિવસોથી જ તો એ સૂરજને પસંદ કરે છે. મેં ખુબ તપાસ કરી એ પછી સંધ્યાને મેં આગળ વધવાની છૂટ આપી હતી. અને તમને જણાવવાનો આજે યોગ્ય સમય લાગ્યો આથી તરત તમને પણ જણાવું જ છું ને! તમે સંધ્યાને કઈ જ ન કહેતા, જે કહેવું હોય એ મને કહો."

"હા, તો તને જ કહું. વહેલું કીધું હોત તો આજ એ લોકો આવ્યા ત્યારે કોઈક ચર્ચા કરત ને!" આમ કહી પંકજભાઈ મંદ મંદ હસવા લાગ્યા હતા.

સુનીલ અને દક્ષાબહેનને એમના મંદ હાસ્યથી હાશકારો થયો હતો. પણ સંધ્યા તો હજુ ખુબ જ વ્યાકુળ હતી. એના આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. પંકજભાઈએ સંધ્યાને પોતાની સમીપ બોલાવી હતી. સંધ્યા એમની પાસે જઈને એમને ભેટીને ખુબ જ રડવા લાગી. એકદમ લાગણીશીલ દ્રશ્ય રચાયું હતું. દીકરીને પિતાથી પણ દૂર જવું નથી અને પ્રેમી વગર લગીરે જીરવાતું ન હોય એવી બેવડી લાગણીમાં પરોવાયેલા દીકરીની જે પરિસ્થિતિ હોય એ અત્યારે સંધ્યાની થઈ હતી. પંકજભાઈએ એને એમ જ થોડીવાર પોતાની છાતીને લગોલગ સંધ્યાને રાખી એને પોતાનું મન હળવું કરવા દીધું હતું. પંકજભાઈ ખુદ લાગણીવશ થઈ ગયા હતા, જે એમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું. અમુક મિનિટો બાદ એમણે કહ્યું, "જો બેટા! તું આમ રડ નહીં. હું તારી પરીક્ષા કરતો હતો. પોતાનો જીવનસાથી શોધવો એ કોઈ ભૂલ કે પાપ નથી જ. પણ આપણી સંસ્કૃતિ અને પરિવારનું માન જળવાઈ રહે એ વાતની સમજદારી રાખવી જોઈએ. અને તે એ રાખી જ છે! તું દુઃખી ન થા! તે શોધેલું પાત્ર સારું જ છે. અને સૂરજ ખુબ જ બધી જ બાબતમાં નિપુર્ણ છે જ! મને એ પસંદ છે." માથા પર હાથ ફેરવતા પંકજભાઈ સંધ્યાને પ્રેમથી પોતાના મનની વાત જણાવી રહ્યા હતા.

"સાચે જ પપ્પા તમે મારાથી દુઃખી નથી? તમને મારા પર બિલકુલ ગુસ્સો નથી આવતો?" નિખાલસભાવે સંધ્યા પૂછવા લાગી હતી.

"ના બેટા!" મને બિલકુલ ગુસ્સો નથી આવ્યો. ચાલ તું હવે મોઢું ધોઈને ફ્રેશ થઈ જા અને તું ખોટી ચિંતા પણ બિલકુલ ન કરતી. મને તારી પસંદગીથી કોઈ તકલીફ નથી. તું અમારી હા જ સમજ જે! તું હવે આ બાબતે નિશ્ચિન્ત રહેજે! પણ હા, એક વાત તને ચોક્કસ કહીશ કે તું તારા ભણવામાં પણ બરાબર ધ્યાન આપજે! હજુ તારું આ કોલેજનું પ્રથમ વર્ષ જ છે. એ સિવાય મને કોઈ તકલીફ નથી." પંકજભાઈએ વાતનો ખુલાસો સરળતાથી કરી જ નાખ્યો હતો.

આ તરફ સૂરજના મમ્મી પપ્પાને પણ સંધ્યા અને એનો પરિવાર ખુબ જ ગમ્યો હતો. ઘરે આવ્યા બાદ સંધ્યાની જ વાત કરતા એ થાકતા નહોતા.

"આખરે તે કોઈ વ્યક્તિને પસંદ તો કરી એ જ વાત મારા મનને ખુબ આનંદ આપે છે. ખરેખર ખુબ સુંદર, સંસ્કારી અને સારા પરિવારની દીકરીને તે પસંદ કરી છે. મને જે તારે માટે ચિંતા હતી એ દૂર થઈ ગઈ છે." મનને હળવું કરતા ચંદ્રકાન્તભાઈ બોલી રહ્યા હતા.

"હા, સંધ્યા છે જ કેટલી સરસ! તે અપ્સરા જેવી વહુ પસંદ કરી છે. ખરેખર મને પણ ખુબ જ ગમી છે."રશ્મિકાબેન પણ હરખાતા બોલી ઉઠ્યા હતા.

"હું તો તમને લોકોને કહેતો જ હતો કે તમે મારી બિલકુલ ચિંતા ન કરતા. હું મારા જીવનમાં મને જે પસંદ પડશે તેને જ જીવનસાથી તરીકે સ્વીકારીશ! મારે મારા જીવનનો આ મહત્વનો ફેંસલો મારી મરજીથી લેવો હતો. અને હું એવી જ વ્યક્તિને પસંદ કરું જે મારી સાથોસાથ તમને પણ પૂરતું માન અને પ્રેમથી સ્વીકારી શકે!" સૂરજ પોતાના મનના ભાવ રજુ કરતા બોલ્યો હતો.

સંધ્યાના પરિવારની પણ હા જાણી કેવી હશે સૂરજની ખુશી?
કેવી રહેશે વડીલોની હવેની મુલાકાત?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻