સંધ્યાને આમ અચાનક એનું ગ્રુપ સામેથી આવતું દેખાયું, એટલે એ જ્યાં હતી ત્યાં જ ઉભી રહી ગઈ હતી. બધાના ચહેરા જોઈને સંધ્યા વિચારમાં પડી ગઈ કે, આ લોકો બધા ભેગા થઈને ફરી મારી ફીરકી લેવાના કે શું? અમુક સેકન્ડમાં તો સંધ્યાએ કેટલું બધું વિચારી લીધું હતું. હજુ એ કંઈ વધુ વિચારે ત્યાં સુધીમાં આખું ગ્રુપ એની સમીપ પહોંચી જ ગયું હતું.
"આજ તારા માનમાં કલાસ બંક.. ચાલ આજ આપણે ભણવું જ નહી." આવુ કહી અનિમેષે સંધ્યાને અચરજમાં મૂકી દીધી હતી.
"શું કહે છે તું? કેમ ભણવું નહીં? અને તમે બધા પણ અનિમેષનું માનીને એની સાથે જોડાય ગયા? ના, એમ ન ચાલે ભણવું તો પડે જ! ચાલો તો કલાસમાં." સંધ્યા બોલી હતી.
"એ રહેવા દે ને હોશિયાર! આજ નો ક્લાસ ઓન્લી ટાઈમપાસ. અમે તને પણ અંદર નહીં જ જવા દઈએ." રાજ એના નખરાળા અંદાજમાં બોલ્યો હતો.
"હા, સંધ્યા આજ નથી ભણવું. આપણે કોઈપણ કોફીશોપમાં જઈએ." જલ્પા તરત બોલી હતી.
"ના એમ ઘરે કોલેજનું કહીને થોડું બહાર જવાઈ?" સંધ્યાએ પણ તરત કહી જ દીધું.
"હા, તો ઘરે કોલ કરી કહી દે હું કોલેજથી મારા ગ્રુપ સાથે બહાર નીકળી છું. આજ ભણવું નથી. સિમ્પલ યાર! બટ નો ક્લાસ ઓન્લી ટાઈમપાસ." અનિમેષે સંધ્યાને રસ્તો દેખાડતો જવાબ આપ્યો.
ચેતના અને વિપુલા પણ સંધ્યાને ફોર્સ કરી રહી હતી. અંતે સંધ્યાએ માનવું જ પડ્યું હતું. આખું ગ્રુપ કોફીશોપમાં ગયું હતું. આ પહેલી વખત બધાએ ક્લાસ બંક કરી હતી. બધા મસ્તી કરતા ને વાતો કરતા કોફીશોપ તરફ વળ્યાં હતા. આજ બધાનો મિજાજ ખુબ રંગીન હતો. સંધ્યા આખા ગ્રુપની મસ્તી કરવા માટે કેન્દ્ર સ્થાન પર હતી. સંધ્યાને પણ આમ દરેકનું બોલવું ગમતું હતું. ક્યારેય કોઈની વાત મન પર લેતી નહોતી. બધાએ કોફી અને સાથે ગરમાગરમ નાસ્તો મંગાવ્યો હતો. થોડો સમય બધા એટલા રંગતમાં આવી ગયા હતા કે, એમની મસ્તી જોઈને ત્યાં હાજર લોકોના ચહેરા પર પણ હાસ્ય છવાઈ જતું હતું. એક અલગ જ મોજમાં આખું ગ્રુપ પોતનામાં જ મશગુલ હતું. વાતોમાં એટલો સમય વિતાવ્યો કે ફરી બીજીવાર કોફી અને નાસ્તો પણ મંગાવીને પતાવી લીધો હતો. કોઈને તેમ છતાં ત્યાંથી જવાનું મન નહોતું થતું. લગભગ ૧ વાગ્યે સંધ્યાએ કીધું કે, હવે આપણે ઘરે જવું જોઈએ. મારા મમ્મી જમવામાં રાહ જોતા હશે!
સંધ્યાની વાતને બધાએ સહમતી આપી અને જવા માટે બધાજ કૉફીશોપની બહાર નીકળ્યા હતા. સંધ્યા એક જ પોતાનું વેહીકલ લઈને આવતી નહોતી બાકી બધા જ પોતાના વેહીકલમાં આવતા હતા. આથી સંધ્યાને મુકવા માટે જલ્પા જશે એવું નક્કી કરી રહ્યા હતા ત્યાં જ એજ ક્ષણે સૂરજ અચાનક ત્યાંથી પસાર થતો સંધ્યાને દેખાયો હતો. બંનેની નજર એ જ ક્ષણે મળી હતી. સંધ્યાને જોઈને સૂરજ એમની તરફ આવ્યો અને બાઈકને ત્યાં ઉભી રાખી હતી.
આખા ગ્રુપની સામે સૂરજ અચાનક આવ્યો આથી સંધ્યા સહેજ રઘવાઈ ગઈ હતી, છતાં પોતાના પર કાબુ રાખીને આખા ગ્રુપની ઓળખાણ એણે સૂરજને કરાવી હતી. સૂરજે બધાને મળીને આનંદ દર્શાવ્યો હતો. રાજે આ તકનો લાભ લઈને સૂરજને પૂછ્યું, "તમે અત્યારે અહીં?"
"મારે બપોરના સમયે એકથી ચાર વાગ્યા સુધી બ્રેક હોય છે. હું મારા ઘર તરફ જ જઈ રહ્યો હતો ત્યાં આપ લોકોને જોઈને અહીં આવ્યો."
"અરે વાહ! તો તમે સંધ્યાને એમના ઘરે ડ્રોપ કરી આપશો? જો તમને અનુકૂળ લાગે તો?" રાજે એના મનમાં હતું એ કહી જ દીધું હતું.
સૂરજે તરત જ સંધ્યા સામે નજર કરી અને કહ્યું, "જો એમને કોઈ વાંધો ન હોય તો મને કોઈ તકલીફ નથી."
સંધ્યા તો એકદમ શરમાઈ જ ગઈ, એ પોતાની નજર નીચી કરી ના પાડે એ પહેલાજ અનિમેષ વચ્ચે બોલ્યા, "ના એને શું વાંધો હોય? આતો જલ્પાને સ્પેશ્યલ જવું નહીં. કેમ જલ્પા સાચું ને?"
"હા, સાચીવાત." જલ્પાએ પણ સાથ પુરાવી જ દીધો હતો.
રાજની સામે સંધ્યાએ એક તીરછી નજર કરી અને સૂરજ સાથે જવા માટે એણે હા પાડી જ દીધી હતી.
સંધ્યા અતિશય સંકોચ અને મનમાં ઉઠતી થનગનાટને સમેટતી સૂરજની પાછળ બેસી જ ગઈ હતી.
સુરજે બાઈક ચાલુ કરી અને સંધ્યાએ રાજ તરફ તીખી નજર કરી હતી. રાજે પોતાની આંખ સહેજ મીંચી અને અંગુઠાથી ગુડલકની સાઈન સંધ્યાને આપી હતી. સંધ્યા રાજની નખરાળી હરકતથી હસી જ પડી હતી.
સંધ્યાનું હવે ધ્યાન સૂરજ તરફ ગયું હતું. સૂરજ સંધ્યાને મિરરમાંથી થોડી થોડી વારે જોઈ જ રહ્યો હતો, અને સંધ્યા તો એક નજરે મિરરમાં સૂરજને નીરખી જ રહી હતી એ સૂરજના ધ્યાનમાં આવી જ ગયું હતું. સંધ્યાનું ઘર આવી ગયું એટલે સૂરજે બાઈકને સાઈડ પર ઉભી રાખી હતી. સંધ્યા નીચે ઉતરીને બોલી, "અહીં સુધી આવ્યા છો તો ઘરે પણ ચાલો."
"હા, સારું હું પંકજસરને પણ મળી લઉં. ગઈ કાલે ભેગા નહોતા થયા ને!" સંધ્યાની વાતને સહમતી સૂરજે તરત આપી જ દીધી હતી.
સંધ્યાએ પૂછતાં તો પૂછી લીધું પણ એક ગભરાહટ એ અનુભવી રહી હતી. સંધ્યાના ચહેરાના ભાવ સૂરજ સમજી જ ગયો હતો. સુરજે ઘર તરફ જતા પોતાનું વિઝિટિંગ કાર્ડ સંધ્યાને આપ્યું અને કહ્યું, કાર્ડમાં મોબાઈલ નંબર છે, આપ ઈચ્છો તો વાત કરી શકો છો એવું પણ જણાવી દીધું હતું. આટલી વાત થઈ ત્યાં સુધીમાં તેઓ લિફ્ટ પાસે પહોંચી જ ગયા હતા. સંધ્યાએ લિફ્ટ બોલાવી અને એ બંન્ને લિફ્ટમાં અંદર પ્રવેશ્યા હતા. સંધ્યાને ડર હતો કે, હમણાં જ સૂરજ ફરી એને પૂછશે, પણ સૂરજ કઈ જ બોલ્યા વિના નીચી નજર કરીને જ લિફ્ટમાં ઉભો રહ્યો હતો.
સૂરજનું આમ ધીરજ રાખી ચૂપ રહેવું સંધ્યાના મનને જીતી જ ગયું હતું. સંધ્યાને સૂરજ માટે લાગણી તો પારાવાર હતી જ પણ હવે ગર્વ પણ જાગી ગયો હતો. સંધ્યા એકદમ વિચારોમાં જ હતી ત્યાં લિફ્ટ ઉભી રહી અને સુરજ લિફ્ટની બહાર નીકળ્યો ત્યારે સંધ્યા પણ એની સંગાથે ચાલવા લાગી હતી. આ પહેલી વખત બંનેના કદમ એક સાથે ઉઠી રહ્યા હતા. સંધ્યાને પોતાના પ્રેમ માટે જે ગર્વ ઉઠ્યો એનો જ કદાચ આ પ્રભાવ હતો.
સંધ્યાએ ડોરબેલ વગાડી એટલે દક્ષાબહેન થોડી જ વારમાં દરવાજો ખોલવા આવ્યા હતા. દક્ષાબહેન એ આશ્ચર્ય સાથે બંનેને આવકાર્યા હતા. સંધ્યાએ સૂરજ કેમ ભેગો થયો એ બધી જ વાત મમ્મીને જણાવી હતી. પંકજભાઈને મળીને સૂરજ પોતાના ઘરે જવા નીકળી રહ્યો હતો, પરંતુ પંકજભાઈ અને દક્ષાબહેનના ખુબ આગ્રહ હેઠળ આજે એ જમવા બેસી જ ગયો હતો. સૂરજ આજ ઘણા દિવસો પછી ઘરનું જમવાનું જમી રહ્યો હોવાથી થોડો ભાવુક થઈ ગયો હતો. સૂરજ સાથે અનેક વાતો પંકજભાઈ કરી રહ્યા હતા. અને સૂરજ ખુદ પણ ઈચ્છતો હતો જ કે, એ પોતાની પ્રાથમિક માહિતી એમને આપે અને એજ હેતુથી એ બધું જ એમને નિખાલસતાથી કહી રહ્યો હતો. જમી લીધા બાદ એણે પોતાના ઘરે જવાની રજા લીધી હતી.
સૂરજ આજની મુલાકાતમાં સંધ્યાને પોતાનો મોબાઈલ નંબર આપી શક્યો એ વાતનો ખુબ સંતોષ એને હતો. એક રાહ સાથે એ બહાર નીકળ્યો કે, સંધ્યા હવે એનો ક્યારે કોન્ટેક કરે છે.
શું સંધ્યા ફોન સૂરજને કરશે?
મિત્રોનો સંધ્યાને આપેલ સાથ કેવો ફળશે?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻