Featured Books
શ્રેણી
શેયર કરો

કોન્ટ્રાક્ટરને પ્રેમપત્ર: પુલ તુમ્હે ભેજા હૈ ખત મેં...

તમે ક્યારેય વસંતની પરોઢે કોયલનો ટહુકો સાંભળ્યો છે? આટલું વાંચીને ભળતા લેખમાં ઘૂસી ગયા હોય એવું લાગી આવવું સ્વાભાવિક છે. બજારમાં હારબંધ દુકાનો હોય ત્યારે ઉતાવળમાં સ્ટેશનરીની દુકાનને બદલે ભૂલથી પસ્તીની દુકાનમાં જતા રહીએ એવું બનતું હોય છે. એ પણ એટલું જ સ્વાભાવિક છે. આટલા ડાઇવર્ઝન પછી મૂળ વાત. તમે કોઈ કામસર સરકારી ઑફિસે ગયા હોવ અને વસંતનું આગમન થયું હોય એમ તાજી હવાની લહેરખી અનુભવાય અને ક્યારનો મોબાઇલમાં ડાયરો જોતો પ્યૂન અચાનક સક્રિય થઈને પોઝિશન સંભાળી લે તો ચીઠ્ઠી ઉછાળ્યા વિના સ્વીકારી લેજો કે ઑફિસમાં કોન્ટ્રાક્ટરનું આગમન થઈ ગયું છે.
વસંત ઋતુમાં જે સ્થાન કોયલનું છે એ ઑફિસોમાં કોન્ટ્રાક્ટરનું છે. વસંત આમ તો ક્લાઇમેટ ચેન્જ ન નડે તો ચારેક મહિના ચાલતી ઋતુ છે પણ ‘વિકાસ’ના પ્રતાપે સરકારી ઑફિસોમાં બારેમાસ વસંત ઋતુ જેવું વાતાવરણ હોય છે. એટલે જ ટેન્ડર પાસ થઈ ગયા પછી ઑફિસના સ્ટાફને કોન્ટ્રાક્ટરનો સાદ કોયલના ટહુકા જેવો મીઠો લાગે છે. કોન્ટ્રાક્ટર એ પ્રજાતિ છે જે આખી ઑફિસને ‘સાહેબ’ કહીને સંબોધતો હોય છે પણ અંદરખાને એ જાણતો હોય છે કે મારા સિવાય બીજો કોઈ સાહેબ નથી. ઑફિસના મેઇન સાહેબ અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો સંબંધ નવાસવા પ્રેમમાં પડેલા કોલિજીયનો જેવો હોય છે. રિસામણા-મનામણા, ગિફ્ટની આપલે, ડિનર, ગુડ મોર્નિંગ, હેવ એ નાઇસ ડે એવું બધું એમની વચ્ચે રુટિનમાં ચાલતું હોય. આ સંબંધમાં કોન્ટ્રાક્ટરને જ્યારે સાહેબનો પ્રેમપત્ર (ટેન્ડર પાસ થયાનો લેટર) મળે ત્યારે એ ફિલ્મી હીરોની જેમ રોમાંચિત થઈને ડ્રીમ સિકવન્સમાં જ ચાલ્યો જાય છે અને એ ડ્રીમમાં જ મંજૂર થયેલું કામ પૂરું કરી દેતો હોય છે. આ અત્યંત સુંદર સુંવાળી પ્રેમકથાને રસિકતાની બાબતમાં શુષ્ક એવા છાપાવાળાઓ ‘કાગળ પર જ કામ થયાનું’ છાપીને કાગારોળ મચાવતા હોય છે. પણ જ્યાં બે જણ વચ્ચે ‘પ્રેમ’ હોય કોઈને કોઈ પ્રેમ ચોપડા ફૂટી નીકળે એ જગતનો નિયમ છે.
આ અનોખી પ્રેમકથામાં સાહેબના પ્રેમપત્રના જવાબમાં કોન્ટ્રાક્ટર પણ વળતો પત્ર (વાંચો કવર) મોકલાવતો હોય છે. આ પ્રેમમાં ‘નક્કી થયેલી ટકાવારી’ સિવાય બધું જ બિનશરતી હોય છે. હા, એક આદર્શ પ્રેમીની જેમ કોન્ટ્રાક્ટર પણ ઑલમોસ્ટ અંતર્યામી હોય છે. એને ખબર હોય છે કે સાહેબના ઘરમાં 32 ઇંચનું ટીવી હવે જૂનું થયું છે એમને 52 ઇંચના ટીવીની જરૂર છે. અને સાહેબ જ્યારે ફરિયાદ કરે કે ‘જૂના ફોનની બેટરી હવે પહેલા જેટલી ચાલતી નથી’. ત્યારે કોન્ટ્રાક્ટર પામી જતો હોય છે કે સાહેબને હવે આઇફોનના લેટેસ્ટ મોડેલની જરૂર પડી છે. જૂના વખતના પ્રેમીઓ પ્રેમપત્રની સાથે સુવાસ પ્રસરાવતું ફૂલ મોકલતા. પણ સાહેબના પ્રેમપત્રમાં ‘પુલ તુમ્હે ભેજા હૈ ખતમાં, પુલ નહીં મેરા બિલ હૈ...’ જેવી પ્રેમનીતરતી પંક્તિઓ વાંચી શકાય છે. ચીલાચાલુ પ્રેમીઓ ડેટ પર જતા હોય છે. સરકારી પ્રેમી પંખીડાઓ માટે ટેન્ડર ઇસ્યુ થવાની તારીખ ફર્સ્ટ ડેટ હોય છે. ચીલાચાલુ પ્રેમી તક મળે ત્યારે દિલ ખોલીને કહી દે છે જ્યારે સરકારી પ્રેમીનું દિલ પેરેશૂટ જેવું હોય છે. એ ટેન્ડર ઑપન થયા પછી જ ખૂલે છે. સરકારી પ્રેમી પંખીડાઓમાં પણ પાછી કેટેગરી હોય છે. અત્યાર સુધી વાત કરી એ તો રુટિન સરકારી પ્રેમી પંખીડાની વાત થઈ. એમાં ટેન્ડર, ટકાવારી, ટીવી, કવર જેવી ખાટીમીઠી ઘટનાઓ બનતી હોય છે. પણ બીજા જે ઉચ્ચ કક્ષાના સરકારી પ્રેમીઓ હોય છે તેઓ ટેન્ડર-વેન્ડરની જફામાં પડતા નથી. એમાં તો બારોબાર જ લેટર, કવર, કમિશનની આપલે ‘માગણીભીના’ હૃદયે થતી હોય છે કારણ કે એમની લાગણી મુખ્યત્વે માગણી પર નિર્ભર હોય છે. ટાઇટેનિક લેવલના આ પ્રેમ પ્રકરણમાં કોન્ટ્રાક્ટરનો અનુભવ, ટ્રેક રેકોર્ડ, મટિરિયલની ગુણવત્તા વિગેરે જેવી શુષ્ક બાબતો નકામી છે. કોન્ટ્રાક્ટર એવું માનતો હોય છે કે ટાઇટેનિજ જેવું જહાજ જો ડૂબી જતું હોય તો પુલ, રસ્તા તૂટે એમાં વળી શું નવાઈ? રસ્તા ભલે તૂટે સાહેબનું દિલ અતૂટ રહેવું જોઈએ. જ્યાં પ્રેમ ભરપૂર હોય ત્યાં સિમેન્ટ, રેતી-કપચી કે સળિયાનું પ્રમાણ ઓછું હોવું ગૌણ વાત છે. અને પુલ તો પ્રેમનું પ્રતિક છે. એ કોન્ટ્રાક્ટર અને સાહેબને જોડવાનું કામ કરે છે. પ્રેમના આ પ્રતિક સમાન પુલ તળે ક્યારેક કોઈ કચડાઈ મરે તો એનું કારણ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ટેન્ડરનો નિયમ નહીં.