Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - લાઇવ પફ, મેચ અને ગરબી

શીર્ષક : લાઇવ પફ, મેચ અને ગરબી
©લેખક : કમલેશ જોષી
આજકાલ ‘Live’ નો જમાનો છે, લાઇવ પફ, લાઇવ મેચ, લાઇવ ઢોકળા, લાઇવ પીત્ઝા, એવરીવેર લાઇવનેસ વિશે જાણે જબરી અવેરનેસ આવી ગઈ હોય એવું ફિલ થયા વિના રહેતું નથી. માણસ જો લાઇવ ન હોય તો ચોવીસ કલાક પણ આપણે એને સહી કે સ્વીકારી શકતા નથી, પછી એ ભલે સગી માતાનો મૃતદેહ હોય કે પિતાનું શબ હોય.
લાઇવ એટલે જીવંત, જેની અંદર જીવ છે એવું એટલે લાઇવ. ઓહ, તારી...! પણ લાઇવ પફમાં કે લાઇવ ઢોકળામાં કે લાઇવ મેચમાં ‘જીવ’ ક્યાં હોય છે? અહીં, લાઇવ એટલે ગરમાગરમ કે તાજેતાજું કે એકદમ વર્તમાનનું, આ જ ક્ષણે બનેલું અથવા બીજી રીતે કહો તો જે વાસી નથી, ગઈ કલાકનું કે ગઈકાલનું કે ગયા વર્ષનું કે દસકા પહેલાનું નથી એ એટલે લાઇવ.

અમારો અઢી વર્ષનો ટેણીયો (સુપુત્ર) શૌનક દરેક વસ્તુને સજીવ સમજે છે. એ બાથરૂમમાં નહાવા જાય તો પહેલા ડોલને, ટમલરને ઇવન નાનકડા ટેબલને પણ નવડાવે. એના ઉપર પાણી ઢોળતો જાય અને ખિલ ખિલ હસતો કહેતો જાય ‘નાઈ નાઈ કલો.. નાઈ નાઈ...’ એણે નળની ચકલી સહેજ ઉંચી કરી તો ઉપરથી એની માથે ફુવારો છૂટ્યો એટલે ભાઈ પહેલા તો ભેંકડો તાણીને રડી પડ્યા અને પછી ફુવારા સામે જોઈને ખીજાયા ‘ખબલ નથી પડતી.. આમ કરાય... કોઈ દિ' નો કરજે..’ એ પછી અમારે ફુવારાને ‘હતા’ કરવું પડ્યું અને ફુવારા પાસે ‘સોરી’ કહેવડાવ્યું ત્યારે છેક બાળકનું રડવું અટક્યું અને ગુસ્સો શાંત થયો. એ પછી તો અમે એને તેડયો અને ભાઈએ ફુવારાને ‘વ્હાલી વ્હાલી’ પણ કરી આપી. બાળકમાં જો કોઈ બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી કે આવડત હોય તો એ છે એમની જીવંતતા. એની આસપાસ કશું જ નિર્જીવ નથી. બધું ધબકે છે. ઘોડિયામાં ટીંગાડેલો ઘૂઘરો પણ ધબકે છે અને બાજુમાં સૂતેલું ટેડીબિયર પણ ફીલિંગ ધરાવે છે. એની સાયકલને પણ જો કોઈ સહેજ જોરથી ધક્કો મારે તો બાળકની ભીતરે સહેજ પીડા થાય છે. એને ગમતું નથી એ દોડીને સાયકલને 'વ્હાલું વ્હાલું' કરી આવે છે. કોણ જાણે કેમ ઉંમર વધે એમ આ બાળસહજ જીવંતતા આપણી અંદરથી ઘટતી જાય છે, એ અદ્ભુત કળા આપણામાંથી લુપ્ત થતી જાય છે અને સાયકલ, ફુવારો તો જવા દો, ચોકીદાર, નોકર, કર્મચારી અરે.. ઘરડા મા-બાપ પણ આપણને જીવંત લાગવાના બંધ થઈ જાય છે. કોણ જાણે કેમ લાઇવ પફ અને લાઇવ મેચના ઉપાસક એવા આપણે જે ખરેખર લાઇવ છે એનો સ્વાદ કે આનંદ કેમ નથી માણી શકતા?

એક વડીલે કહ્યું, "આખું ગામ ફરી આવ્યો, વીસમાંથી પંદર ગરબીઓ કેસેટ, ડીજે, સીડી, પેન ડ્રાઈવ પર ચાલી રહી છે. બે'ક જગ્યાએ ઢોલ વાગે છે તો એ સાવ ધબ-ધબ જેવા અને ગાવાવાળી બહેનોના ગળામાં બેઠેલી કોયલો બેસૂરી બની ગઈ હોય એમ અવાજ તરડાઈ જાય છે, રમવા વાળા બિચારા એકબીજાને જોતા જોતા ઉઠબેસ કરતા હોય એવા ચિંતિત લાગે છે... કોણ જાણે આવનારા સો વર્ષોમાં ગરબી કેવી રીતે રમાતી હશે?" એમના અવાજમાં અફસોસ અને ચિંતા બંને હતા. એમના ખુલ્લા હોઠ જોઈ હું સમજી ગયો કે એ હજુ કશુંક કહેવા માગતા હતા. સહેજ ઊંડો શ્વાસ લઈ એ બોલ્યા, "અમે જયારે નાના હતા ને ત્યારે અહીં મંદિરના ચોકમાં નવીસવી ગરબી કરવાનું નક્કી થયું હતું. એક વડીલ વજુકાકા પાસે હાર્મોનિયમ હતું, એમનો દીકરો તબલા વગાડતા શીખ્યો હતો અને એમની દીકરી કોકિલકંઠી હતી. શેરીમાં બીજી બે'ક બહેનો પણ ગાયન અને નૃત્યની તાલીમ પામેલી હતી. તે એ સૌએ ગાયન, વાદન અને નૃત્યનો વિભાગ સંભાળ્યો, મંડપની જવાબદારી અમારા એક સુથારી કાકાએ માથે લીધી, માતાજીનો ગરબો અમારા એક કુંભાર કાકાએ શણગાર્યો અને ધીરે ધીરે તૈયારી શરુ થઈ. બે'ક બહેનોએ દરેક નોરતે નવી-નવી રંગોળી કરવાની જવાબદારી સંભાળી લીધી અને જેને કંઈ નહોતું આવડતું એમણે ગ્રાઉન્ડ વાળી એમાં પાણી છાંટી એકદમ મસ્ત તૈયાર કરવાની જવાબદારી લીધી. શેરી-સોસાયટીના લગભગ તમામ ઘરના લોકો કોઈ ને કોઈ જવાબદારી સાથે જોડાયેલા હતા. દાદીમાઓના ગ્રુપે માતાજીના હાર રોજ ગૂંથી આપવાની જવાબદારી ઉપાડી લીધી તો બાળકોએ ફૂલડાં ચૂંટી આવવાની, જેન્ટ્સ વિભાગે બજારમાંથી પ્રસાદ, સિંદરી, પાથરણા, અગરબતી જેવી સામગ્રીઓ લાવવાની જવાબદારી સંભાળી તો કેટલાક જુવાનીયાઓએ ખાડા કરી થાંભલીઓ ખોડવાની ને દોરીઓ બાંધવાની જવાબદારી સ્વીકારી લીધી. નવરાત્રીના એક મહિના પહેલા બાળાઓની જે પ્રેક્ટીસ ચાલી એ જોઈ ઘરે-ઘરમાં જાણે ‘માતાજીનો ગરબો ઘૂમતો’ હોય એવો માહોલ બનવા લાગ્યો. દરેક બાળાએ ગરબો સ્વમુખે, ઉંચે અવાજે ગાવાનો એવો નિયમ અમે કરેલો. માઇક કે સાઉન્ડનો ખર્ચો અમને પોસાય એમ નહોતો. વીસ-બાવીસ બાળાઓ એક સૂર, લય અને તાલ સાથે જ્યારે મોટે અવાજે ‘જય જગ જનની માડી અંબે..’ કે ‘સાથીયા પુરાવો રાજ, દીવડા પ્રગટાવો આજ, આજ મારા આંગણે પધારશે મા પાવાવાળી જય અંબે જય અંબે અંબે જય જય અંબે’ કે ‘શેરી વચાળે ઉભી'તી ને નરમળ નરમળ ઝોતી તી’ કે 'ઓચિંતી આંગણામાં આવી અલબેલડી' કે અંબા અભયપદદાયની રે.. શ્યામા સાંભળજો સાદ ભીડભંજની..'જેવા રાસ-ગરબાઓ ગાતી ત્યારે ફરતે બેઠેલા લગભગ બધાના હૃદયના ધબકાર એ સૂર, લય, તાલની સાથે એકાકાર થઈ જતા... અરે ઘરે જઈએ તો ઉંઘમાં પણ એ જ ગીત-સંગીત આખી રાત ધબકતા રહેતા. સવારે વહેલા ચાર પાંચ વાગ્યે ઉઠીએ તો પણ જાણે સાત-આઠ કલાકની ઘેરી, મીઠી, પ્રગાઢ ઊંઘ ખેંચી લીધી હોય એવા તરોતાજા એકદમ લાઇવ થઇ જતા..." વડીલ સહેજ અટક્યા.

મારા મનમાં પણ સહેજ ખટકો જાગ્યો. નવી પેઢીને લાઇવ ઢોકળા અને લાઇવ પફનો વારસો આપવાની તૈયારી કરી બેઠેલા આપણે એમને લાઇવ ગાયન, વાદન અને નૃત્યથી વંચિત કરવાની ભયંકર ભૂલ તો નથી કરી રહ્યા ને? આપણામાંથી જીવંતતા, સંવેદનશીલતા, ભીતરી હરખ દિવસે દિવસે ક્ષીણ કરી રહેલો આજકાલનો ‘લાઇવ’ શબ્દ આપણને ‘છેતરી’ તો નથી રહ્યો ને? ‘બાજરાના રોટલા’ને ‘પીત્ઝાના રોટલા’ કે ‘તાંદળજાની ભાજી'ને 'પાઉં વાળી ભાજી’થી રિપ્લેસ કરવાની ઉતાવળમાં આપણે ક્યાંક આપણા ભરોસે જિંદગી શરુ કરી રહેલા આપણાં બાળકોને ‘દગો’ તો નથી આપી રહ્યા ને? મિત્રો, જો તપાસ કરશો તો તમારા ગામમાં પણ ક્યાંક પેલા વડીલે કહ્યું એવી લાઇવ નવરાત્રી ચોક્કસ ચાલતી હશે. નોરતા પૂરા થાય એ પહેલા એકાદ નોરતું, એકાદ રાસ પૂરતાં પણ તમે ફેમિલી સાથે એ ગરબી જોવા જશો તો એ ગાનાર, રમનાર અને વગાડનારના ઉત્સાહમાં ચોક્કસ વધારો થશે. આજના દિવસે એ પ્રાચીન જીવંત પરંપરાને ઓક્સિજન પૂરો પાડવા મથી રહેલા એ તમામ લાઇવ આયોજકોને એકવાર ખરા હૃદયના ‘સેલ્યુટ’ તો કરવા જ પડે. શક્ય હોય તો રૂબરૂ મળીને પ્રોત્સાહિત પણ કરવા જોઈએ. તમારા વિસ્તારમાં થાય છે ક્યાંય આવી મસ્ત-લાઇવ ગરબી...? જો યોગ્ય લાગે તો અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)