Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 3

આપણે પહેલા અંક અને બીજા અંકમાં ટેન્શન, હતાશા અને ડિપ્રેશનમાં નાખતા કારણો ઓળખી તેમાંથી બહાર નીકળવાની પ્રેક્ટિકલ ચાવીઓ મેળવી. જેમ કે, નેગેટિવ વિચારોને પોઝિટિવમાં વાળવા, બીજી ખોટ ના ખાવી, વિચારોની નોર્માલિટી રાખવી, વર્તમાનમાં રહેવું, મનોબળ કેળવવું અને દુઃખની વ્યાખ્યા જ બદલી નાખવી. પણ આ બધું કરવા છતાં વિપરીત સંજોગો સામે ઝઝૂમવાની આપણી શક્તિ ખૂટી પડે, કોઈ ઉકેલ જ ના જડે, ત્યારે શું કરવું? અંતે કયા આધારે જીવવું? તેનો આત્યંતિક ઉપાય આ અંકમાં મળે છે.

જયારે બધા દરવાજા બંધ થાય ત્યારે ધર્મ અને આધ્યાત્મના રસ્તે શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. એ જ કારણ છે કે આજે વિશ્વના બધા જ દેશો તમામ ભૌતિક સુખો હોવા છતાં, શાંતિ માટે ધર્મ અને આધ્યાત્મનો આશરો લે છે.

7) ધીરજ અને ધર્મનો આધાર લેવો:

મુશ્કેલીના સમયમાં ધીરજ રાખવી. જેમ રાત પછી દિવસ આવે તેમ સંજોગોમાં ફેરફાર થયા જ કરે. આજે નોકરી ન હોય તો કાલે નવી મળી જાય. આજે ધંધામાં ખોટ જાય તો કાલે નફો મળે. આ વર્ષે વરસાદ ન પડ્યો ને પાકને નુકસાન થયું, તો બીજા વર્ષે સરસ વરસાદ પડે ને પરિસ્થિતિ સુધારી જાય. આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ, ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે કમાવા માટે મહેનત, પ્રયત્નો વધારે કરવા જોઈએ.

ધીરજ રાખીએ તો બધું કુદરતી રીતે સરળ ઉકલ્યા જ કરે છે! પણ દોડધામ કરી મૂકીએ એટલે બધું બગડે છે. કર્મના ઉદય બહુ ભારે આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આ ઉદય ભારે છે, માટે શાંત રહો, ગંભીરતા પકડો! કારણ કે મુશ્કેલી આવે ત્યારે એનો કેમ નિકાલ કરવો તે આવડે નહીં, તો મનુષ્ય નર્યાં પાપો જ બાંધી દે. કર્મના ઉદયમાં કશો ફેરફાર થતો નથી, ઊલટા રાગ-દ્વેષ વધે છે અને એનાથી અવતારો બગડે છે.

મુશ્કેલીની ઘડીએ રાગ-દ્વેષ ન બંધાય એ રીતે ટાઈમ કાઢી નાખવો, એનું નામ ધર્મ. ખરાબ સમય આવે તો એને ધર્મ કે ભક્તિમાં વાળી દેવો. વિપરીત સંજોગો આવે ત્યારે જે ભગવાન કે ઇષ્ટ દેવ-દેવીને માનતા હોઈએ તેમનું નામ લઈને કહેવું કે, “ભગવાન તમને સોપ્યું”, એટલે બધો ઉકેલ આવી જાય! મનની શાંતિ માટે સત્સંગમાં જવું. સત્ એટલે આત્મા, એનો સંગ! સત્સંગમાં બેસવાથી, સત્સંગના બે શબ્દ આરાધન કરવાથી મનને શાંતિ થઈ જાય.

8) જીવનનો ધ્યેય – આત્મસાક્ષાત્કાર કરવો:

મનુષ્યપણું નીડર હોવું જોઈએ. વર્લ્ડમાં કોઈ ચીજ હલાવે નહીં, એવું હોવું જોઈએ. પણ જગતમાં ફફડાટ કેમ છે? કારણ કે સાચું જ્ઞાન નથી. પોતે કોણ છે? આ જીવનનો હેતુ શો છે? એનું ભાન નથી. લક્ષ્મી માટે સતત દોડધામ કરીએ, ખાઈ-પીને મોજ કરીએ અને આખો દિવસ ચિંતા-વરીઝ કર્યા કરીએ, એ મનુષ્ય જીવનનો ધ્યેય કેમ કહેવાય?

આપણે બે પ્રકારના ધ્યેય નક્કી કરવા જોઈએ. પહેલો ધ્યેય એ કે આપણે સંસારમાં એવી રીતે રહેવું, એવી રીતે જીવવું કે કોઈને સહેજ પણ ત્રાસ ન થાય, કોઈને દુઃખદાયી ન થઈ પડીએ. કારણ કે તમામ ધર્મોનો સાર શું છે, કે જીવનમાં જો સુખ જોઈતું હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો.

પછી મનુષ્યનો છેવટનો ધ્યેય શું? આ સંસારના તમામ સુખ-દુઃખ અને બંધનોથી મુક્ત થવું. પોતે પોતાના સ્વરૂપને જાણે ત્યારથી જગતના બધા કોયડાનો ઉકેલ આવી જ જાય છે. પણ સંસારના બંધનોમાં બંધાયેલા મનુષ્યને જાતે સ્વરૂપનું ભાન ક્યાંથી થાય? ફસાયેલો જાતે કેવી રીતે છૂટી શકે? જે પોતે છૂટેલા હોય, મુક્ત હોય તે જ બીજાને છોડાવી શકે. એટલે જો પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો એમની પાસેથી આત્મજ્ઞાન મેળવી તેમના સત્સંગમાં રહેવાથી બધાં ‘પઝલ’ ‘સોલ્વ’ થઈ જાય. સુખ-દુઃખના દરિયામાં રહેવા છતાં બેઉ આપણને સ્પર્શી ના શકે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “શાશ્વત સુખ તો પોતામાં-સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને લોકો નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે!” તેઓશ્રીએ એમ પણ કહ્યું છે કે, “શાશ્વત સુખમાં જ રહેવું એનું નામ જ મોક્ષ”. સનાતન સુખ જેને પ્રાપ્ત થઈ ગયું, એને પછી સંસારનું કોઈ દુઃખ ના અડે!”