Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - કહેતા હૈ દિલ જી લે જરા..

શીર્ષક : કહેતા હૈ‌ દિલ જી લે જરા..
©લેખક : કમલેશ જોષી
શું આપણે જીવન જેવી રીતે જીવવાનું નક્કી કર્યું હતું એવી જ રીતે જીવી રહ્યા છીએ કે પછી કૈંક જુદું જ જીવાઈ રહ્યું છે? જે સાંભળવું નહોતું એ સાંભળી રહ્યા છીએ, જે બોલવું નહોતું એ બોલી રહ્યા છીએ, કોઈ જુદું જ વર્તન આપણાથી થઇ રહ્યું છે? શું જિંદગીની લગામ હાથમાંથી છટકી ગઈ છે?
દસમા-બારમાની પરીક્ષામાં ધાર્યું પરિણામ લાવનાર વિદ્યાર્થીનો જુસ્સો, આંખોની ચમક અને પગનું જોમ જોવા જેવું હોય છે. સમાજ આખો એની સામે ગૌરવભરી નજરે જોવા માંડે છે. મેડીકલમાં કે એન્જીનીયરીંગમાં કે સી.એ.માં એડમીશન લેનાર વિદ્યાર્થી પાંચમાં પુછાવા (અને પૂજાવા પણ) માંડે છે. સમયસર મોટા પેકેજ વાળી જોબ કે બિઝનેસ જામી જાય એટલે ધામધૂમથી બેન્ડ-બાજા સાથે એની બારાત નીકળે અને બહારો ફૂલ વરસાવી મહેબૂબનું સ્વાગત પણ કરી લે એટલે વ્યક્તિ સફળ. એમાંય લગ્નના બે'ક વર્ષમાં જ નંદ ઘેર આનંદ ભયો થઈ જાય એટલે તો વાત જ જવા દો. બાળકો સહેજ સમજણા થાય એટલે પહેલા તો ‘કુછ વક્ત ગુજરાત’માં ફરવાનું અને પછી ફેમિલી સાથે બે-ચાર ફોરેન ટુર. ત્યાં બાળકો અભ્યાસમાં અને જીંદગીમાં સેટ થવા માંડે એટલે નિવૃત્તિના પ્લાનિંગ શરુ કરી દેવાના. થોડી ભક્તિ, થોડા ભજનો, ભાગવત સપ્તાહ અને છેલ્લે હરિદ્વાર, ઋષિકેશની જાત્રાઓ. ખાધું પીધું અને રાજ કર્યું. વાર્તા પૂરી. વાર્તા પૂરી કે જિંદગી પૂરી?
પણ આવું વાસ્તવિક જીવનમાં થાય છે ખરું?
કોઈ દસમા, બારમા ધોરણથી જિંદગીનો આ રાજમાર્ગ ચૂકી જાય છે, તો કોઈને નોકરી-ધંધા આખી જિંદગી સેટ થતા નથી. કોઈને ત્યાં ‘છેડા છેડી’ બહુ મોડી બંધાય છે તો કોઈને ત્યાં ‘છુટા છેડા’નો કાળો રંગ ફેલાય છે. કોઈનું અપલખણું સંતાન પથારી ફેરવે છે તો કોઈને માંદગી પથારીમાં પાડી દે છે. કેટલાક એવાય છે કે જેમને માતા-પિતાનું સુખ નથી મળ્યું તો કેટલાક એવાય છે કે જેમને સંતાન સુખ નથી મળતું. કોઈ ભર યુવાનીમાં મૃત્યુ પામે છે તો કોઈ ‘પથારીમાં પીલાતું વડીલ’ જતું રહે એવી સંતાનો પ્રાર્થના કરે તોય જીવન પૂરું થતું નથી. એવી ઘણી જિંદગીઓ છે જેનો અંત ખાધું પીધું અને રાજ કર્યું જેવો નથી આવતો. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? કેમ જિંદગી હાથમાંથી છટકી જાય છે? ક્યારે છટકી જાય છે?
જિંદગીની લગામ આપણા હાથમાં છે કે પછી આપણી લગામ જિંદગીના હાથમાં છે?
આપણે નક્કી કરીએ એમ જિંદગી જીવાય છે કે જિંદગી નક્કી કરે એમ આપણે જીવીએ છીએ? નવલકથાની માંગ મુજબ પાત્ર વર્તે કે પછી પાત્રના વર્તન મુજબ નવલકથા આગળ વધે? ઘણા લેખકોનો અનુભવ છે કે પાત્ર એમની કલમ પકડી લે છે. અમુક ડાયલોગ કે ડીસીઝન માટે પાત્ર રીતસર ઇનકાર કરતું હોય છે. શું વિધિએ મારા (કે તમારા) આખે આખા જીવનની કથા લખી જ નાખી છે કે રોજે રોજ નવું પ્રકરણ વિધિ લખે છે? ડાયનેમિક નવલકથા, જેમ જેમ જીવતું જાય એમ એમ લખાતું જાય, એવી સિસ્ટમ તો નહિ હોય ને?
કોઈ એકાદ ક્ષણે, કોઈ એકાદ પ્રસંગે પાત્ર, રાબેતા મુજબ વર્તવાની બદલે જુદું વર્તે અને એની આખે આખી સ્ટોરી બદલાઈ જાય એવું શું જીવનમાં પણ બનતું હશે? નારદજીની વાત સાંભળી વાલિયો લૂંટારો એક દિવસ જુદું વર્ત્યો અને એની લાઈફમાં બહુ મોટો ટર્નીંગ પોઈન્ટ આવ્યો. સહેજ હિમ્મત કરીએ તો આપણે એવા બુલંદ, મજબૂત થઈ શકીએ કે શું ખુદા બંદે સે ખુદ પૂછે કી બતા તેરી રઝા ક્યા હૈ?
એક વાર ખાઈ, પી ને રાજ કરવાની ચિંતા છોડી ‘ઔરો કી કહી’ કહેવાને બદલે ‘મન કી બાત’ સ્પષ્ટ અને બુલંદ અવાજે કહી, જીવી જવા પ્રયત્ન કરશો તો ‘કભી ઇસ પગ મેં કભી ઉસ પગમેં’ પડવાની જરૂર નહિ પડે. કેમ કે તમારા મનમાં ઊંડે ઊંડે પરમ સત્ય ઝગમગી રહ્યું છે – એની ગેરંટી મારી.

એ સત્ય કેવળ તમારું છે અને તમારો જ ઈન્તેજાર કરી રહ્યું છે.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)