શિખર - 22 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિખર - 22

પ્રકરણ 22

શિખરના રૂમમાંથી બળવાની વાસ આવતી હતી એટલે તુલસી, નીરવ અને પલ્લવી ત્રણેય જણાં એના રૂમ તરફ દોડ્યા.

તુલસી તરત જ દોડતી શિખરના રૂમમાં પહોંચી અને જોરજોરથી રાડો નાખવા લાગી, "શિખર! સોરી દીકરા! અમારા બધાંની ભૂલ થઈ ગઈ. બેટા! દરવાજો ખોલ. તું અંદર શું કરી રહ્યો છે અને તારા રૂમમાંથી આટલી બધી બળવાની વાસ કેમ આવી રહી છે?"

હજુ તો તુલસી એટલું બોલી ત્યાં જ પલ્લવી પણ બોલી ઉઠી, "શિખર! મારાં દીકરા મને માફ કરી દે. સોરી બેટા! મારી ભૂલ થઈ ગઈ. હવે હું તારા પર ક્યારેય આટલો ગુસ્સો નહીં કરું. પ્લીઝ! બેટા દરવાજો ખોલ."

ત્યાં જ નીરવ પણ બોલી ઉઠ્યો, "હા, શિખર! તારી મમ્મી ઠીક કહે છે બેટા! પ્લીઝ દરવાજો ખોલી નાખ. ઉતાવળમાં કોઈ જ ખોટું પગલું ન ભરતો બેટા."

નીરવ આટલું બોલ્યો ત્યાં જ શિખરે એના રૂમનો દરવાજો ખોલ્યો. એણે દરવાજો ખોલ્યો એટલે શિખરને સહી સલામત જોઈને પલ્લવીના જીવને રાહત થઈ. એણે શિખરને એકદમ પોતાની છાતી સરસો ચાંપી દીધો અને બોલી ઉઠી, "મને માફ કરી દે બેટા! આઈ એમ સોરી માય સન. હવે હું ફરી ક્યારેય તારી પર આટલો ગુસ્સો નહીં કરું. તને ખબર છે તારા રૂમમાંથી બળવાની વાસ આવતી હતી એથી મને કેટલો ડર લાગ્યો હતો! મને થયું કે , ક્યાંક તું કોઈ અજુગતું પગલું તો નહીં ભરી લે ને? પણ દીકરા! તું તો એકદમ સ્વસ્થ છે તો પછી આ વાસ?"

શિખરે પલ્લવીના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું, "મમ્મી! તું ચિંતા ના કર. હું એમ આત્મહત્યા કરું એટલો કાયર નથી. અને તને વાસ શેની આવતી હતી એ જાણવું છે ને તો આ જો." આટલું કહીને એણે આંગળીથી એક જગ્યા પર ઈશારો કર્યો અને પલ્લવીને ત્યાં જોવા કહ્યું.

પલ્લવીએ શિખરની એ આંગળીની દિશામાં જોયું તો ત્યાં એનું ટેબલેટ સળગી રહ્યું હતું.

આ જોઈને પલ્લવી તરત જ બોલી ઉઠી, "અરે! આ શું કર્યું તે શિખર? આ ટેબલેટ તે... સળગાવી દીધું...પણ..આ... શું કામ..?"

શિખર બોલ્યો, "આજના આ ઝઘડાંનું જે મૂળ હતું એને જ મેં જડમૂળથી મટાડી દીધું છે. ન રહેગા બાસ ન બજેગી બાસુરી. બસ! હવે તમને લોકોને શાંતિ થઈ ગઈ ને? મારાં બધાં જ રેકોર્ડિંગ જેટલા પણ હતાં એ બધાં જ આ ટેબલેટના બળવાની સાથે ચાલ્યા ગયા છે."

શિખરની આ વાત સાંભળીને નીરવને ગુસ્સો તો ખૂબ જ આવ્યો. એને મન તો થયું કે, શિખરને એ એક તમાચો મારી દે અને કહે કે, આ ટેબલેટ મફત નથી આવ્યું કે, તું એને આ રીતે સળગાવી દે પણ તેમ છતાંયે બહુ મહામહેનતે એણે પોતાની જાત પર કાબૂ રાખ્યો.

એણે કહ્યું, "કંઈ વાંધો નહીં શિખર. મારે તને માત્ર એટલું જ કહેવાનું છે કે, આ શ્રેયા વગેરે જે કોઈ હોય તે એના માટે તારી આખી જિંદગી પડી છે. આવતાં વર્ષે તું દસમા ધોરણમાં આવીશ. એટલે હવે મારું તને માત્ર એટલું જ કહેવાનું છે કે હાલ તું તારું બધું જ ધ્યાન ભણવામાં આપ. અને જો તું સારું ભણીશ તો વધુ આગળ વધીશ અને વધુ આગળ વધીશ તો આવી તો કેટલીયે શ્રેયાઓ તને મળી રહેશે. આ દુનિયામાં કંઈ છોકરીઓની કમી નથી."

નીરવની આ વાત સાંભળીને શિખર બોલી ઉઠ્યો, "હા, પપ્પા! તમે સાચું કહો છો. હું હવે મારું બધું જ ધ્યાન ભણવામાં આપીશ." એટલું કહીને શિખર પોતાના ચોપડા લઈને ભણવા બેસી ગયો. નીરવ એનું ઑફિસનું કામ કરવા બેસી ગયો અને પલ્લવી અને તુલસી બંને રસોડામાં સાંજની રસોઈની તૈયારી કરવા લાગી ગયા.

તે દિવસની એ ઘટના પછી શિખર ખૂબ ગભરાઈ ગયો હતો. એ હવે શ્રેયાની સામે જોવાની પણ હિંમત કરી શકતો નહોતો. જેવો એ શ્રેયાની સામે જોતો કે, એની આંખો સામે પલ્લવીનું એ રૌદ્ર રૂપ આવી જતું. એ હવે પોતાનું બધું જ ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરવા લાગ્યો હતો.

જોતજોતામાં શિખર હવે દસમા ધોરણમાં આવી ગયો હતો. એ દસમામા આવ્યો એટલે હવે એના ઘરમાં આરંભાઈ એના માટે સૌથી બેસ્ટ ટ્યુશન ટીચરની શોધ.

શિખરની હવે બોર્ડની પરીક્ષાઓ આવવાની હતી એટલે એની તૈયારીઓ પણ શિખરના ઘરમાં કંઈક વિશેષ જોરશોરથી જ ચાલી રહી હતી. જાણે શિખરના જીવન મરણનો સવાલ કેમ ન હોય!

ઘણી મથામણના અંતે નીરવ અને પલ્લવીને શિખરના એ ટ્યુશન ટીચર મળી પણ ગયા. પરંતુ એ આવનારા શિક્ષક સૌના જીવનમાં કેવો બદલાવ લઈને આવશે એ ત્યારે કોઈ જાણતું નહોતું.