ડાયરી - સીઝન ૨ - સૂપડાં જેવા કાન Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - સૂપડાં જેવા કાન

શીર્ષક : સૂપડાં જેવા કાન
©લેખક : કમલેશ જોષી
એક દિવસ અમારા સ્ટાફરૂમમાં એક હસમુખા મિત્રે એક ભજનની પંક્તિ ટ્વિસ્ટ કરીને ગાઈ : "નોકરી તો કરવી તેણે, રાંક થઈને રહેવું રે." અન્ય એક સ્ટાફ મિત્રે એને કરેક્ટ કરતા કહ્યું "નોકરી નહિ, ભક્તિ તો કરવી તેણે, રાંક થઈને રહેવું રે." પેલા હસમુખા મિત્રે કહ્યું, "ભક્તિ અને નોકરી બેય એક જ ને?" બે-ત્રણ વાક્યોનો એ સંવાદ મારા મગજમાં અનેક વિચારો દોડતા કરી ગયો. શું જિંદગી એ એક નોકરી છે? જેમ કોઈ વ્યક્તિ પ્રાઈવેટ કે સરકારી સંસ્થામાં ક્લાર્ક કે મેનેજર કે પટાવાળા તરીકે નોકરી કરતો હોય એમ શું આપણે આપણી ભીતરે ઈશ્વરતત્વને, મમૈવાન્શો જીવલોકે કહેનાર કાનુડાને જગતમાં હેરવવા ફેરવવાની, રમણ-ભમણ કરાવવાની નોકરી કરી રહ્યા છીએ? હૃદય પર હાથ મૂકીને કહેજો, તમારી ભીતરે જે ઈશ્વર અંશ, મમૈવાન્શો જીવલોકે કહેનાર, બોસનો પણ બોસ કાનુડો બિરાજમાન છે એ હેપ્પી હશે? મોજમાં હશે? કે પછી સેડ હશે, ગુસ્સામાં હશે?

હૃદય પર હાથ મૂકી, એક ઊંડો શ્વાસ લઈને વિચારી તો જુઓ કે કૃષ્ણ કાનુડો ઉર્ફે વિશ્વનો માલિક, તમામ સીઈઓનો પણ સીઈઓ, તમામ બોસનો પણ બોસ ખરેખર અત્યારે તમારી ભીતરે બેસીને મુસાફરી કરી રહ્યો છે ખરો? મુંબઈથી અમારે ત્યાં એક મહેમાન આવતા ત્યારે એ જેટલા દી' રોકાય એટલા દી' માટે રીક્ષા ભાડે કરી રાખતા. બે'ક રીક્ષા વાળા બદલ્યા પછી એમણે એક રીક્ષાવાળો ફિક્સ કરી નાખેલો. એ જ્યાં જાય ત્યાં એને સાથે લઈ જાય. મંદિરે જાય, કોઈ સગાને મળવા જાય, બિઝનેસ મીટિંગ માટે કોઈ હોટેલમાં જાય પેલો રીક્ષા વાળો ભેગોને ભેગો. એ ત્રણ, નવ કે અગિયાર દિવસ એ રિક્ષાવાળાને જલસા થઈ જતા. એક દિવસ મારા પપ્પાએ અમારા મુંબઈગરા સગાને પૂછ્યું કે "તમને કેમ એ રીક્ષાવાળો ફાવી ગયો છે?" ત્યારે મુંબઈની મોટી કંપનીના માલિક અમારા એ સગાએ કહ્યું, એ અમને મગજમાં ફીટ બેસી ગયું. "હી ઇસ એક્ચ્યુલી સુપર્બ ડ્રાઈવર." એટલું કહી ખોંખારો ખાઈ એમણે લાંબો જવાબ આપેલો. "એક ગુડ લિસનર કેવો હોવો જોઈએ એ મને એનામાંથી શીખવા મળ્યું, એ મારી આખી વાત, પછી એ એના વખાણની હોય કે ખોડ ખાંપણની હોય, હી લિસન્સ ઈચ એન્ડ એવરી લાઈન વિથ ગ્રેટ એટેન્શન. એનો હા-હોંકારો મને પૂરેપૂરી વાત કરવા ઈન્સ્પાયર કરતો રહે છે. બીજું હી ઇસ રીયલી વિઝનરી. એ લાંબુ વિચારી શકે છે. ઘરેથી નીકળીએ ત્યારે કલાક પછી ચા-નાસ્તો, ત્રણ કલાક પછી લંચની તો એ મસ્ત ગોઠવણ કરે જ છે પણ એણે પોતાના માટે પણ પાંચ વર્ષ પછી, પંદર વર્ષ પછી શું કરવાનું છે એનું મસ્ત પ્લાનિંગ મને કહ્યું ત્યારે હું અચંબામાં પડી ગયો હતો. વન મોર થિંગ, હી ઇસ સ્લો બટ સ્ટેડી ડ્રાઈવર. મેં આટલી મુસાફરી કરી એની સાથે પણ ક્યારેય એને યુ ટર્ન લેવો પડ્યો હોય એવું નથી બન્યું, ઓન ધ અધર હેન્ડ અમે બધે જ ટાઈમસર પહોંચ્યા છીએ." આટલું કહેતી વખતે એમની આંખોમાં એ રિક્ષાવાળા માટે સન્માનની લાગણી હતી એ આખરી વાક્ય બોલ્યા એ તો બેસ્ટ પંચિંગ લાઈન હતી. "એક્ચ્યુલી હું આ રિક્ષાવાળાએ આત્મસાત્ કરેલા સિદ્ધાંતોને છેલ્લા બે વર્ષથી મારી બોમ્બે વાળી કંપનીમાં ઈમ્પ્લીમેન્ટ કરું છું અને ગેસ્સ વોટ?" કહી એક નજર સૌ પર ફેરવી એમણે હર્ષ સાથે કહેલું, "મારો પ્રોફિટ વીસ-ત્રીસ ટકા વધ્યો છે એટલું જ નહિ મારા ઓફીસ રીલેશન અને પ્રોબ્લેમ્સમાં મારા ચેન્ઝ્ડ એટીટ્યુડને કારણે વીસ-ત્રીસ સુધારો થયો છે.." એમની વાતો સાંભળી અમને પણ પેલા રિક્ષાવાળા માટે માન થઈ ગયું હતું.

એક દિવસ પેલો ફિક્સ રીક્ષાવાળો અમારે ઘરે આવ્યો. એ નવ દિવસ માટે મુંબઈ ગણપતિ ઉત્સવમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. અમારા પેલા સગાને મળવાની એને ઈચ્છા હોવાથી એ અમને એ બાબતે પૂછવા આવ્યો હતો. મેં એને મારા સગાએ કહેલી ગ્રેટ લિસનર, વિઝનરી અને સ્લો સ્ટેડી લાઈફ સ્ટાઈલ વાળી વાત કરી તો એ ખુશ થયો. મેં પૂછ્યું, "તમને આ બધું કોણે શીખવ્યું?" તો એણે અમારી જ દીવાલ પર લટકતી ગણપતિની વિશાળ તસ્વીર સામે આંગળી ચીંધતા કહ્યું, "ગણપતિ બાપ્પા મોરિયા." હું તો જોતો જ રહી ગયો. લાંબી લાંબી વાતો સાંભળવા અને ઘઉં કાંકરા જુદા કરે એમ એને ફિલ્ટર કરવાનું પ્રતિક સૂપડાં જેવા કાન, દૂર દૂર સુધીનું જોઈ શકતી વિઝનરી આંખો અને મોટા શરીરને લીધે ધીમી પણ મક્કમ ચાલ વાળા ગણપતિ દાદા અને એના પ્રેક્ટીકલ સ્વરૂપ જેવા પેલા રિક્ષાવાળા બંને સામે મારા હાથ જોડાઈ ગયા. અમે અમારા મુંબઈવાળા સગાને ફોન જોડ્યો તો ‘રીક્ષાવાળો મુંબઈ આવે છે’ એ જાણી એમણે ખૂબ જ હર્ષ વ્યક્ત કર્યો અને એના નવે નવ દિવસની તમામ વ્યવસ્થા પોતાના બંગલે થઈ જશે એની ખાતરી આપી. એ રીક્ષાવાળો અમને ‘થેંક્યું વેરી મચ’ કહી જતો રહ્યો. એ સાધારણ માણસ સદાય મોટા અવાજે, ખુલ્લા મને હસતો અને એકદમ જોલી સ્વભાવનો હતો. નાના માણસો ક્યારેક અમીરો કરતા પણ અમીર હોય છે એ આપણે જેટલું વહેલું સમજી લઈએ એટલું સારું. મને ફરી આપણી ભીતરે બેસી મુસાફરી કરતા વૈકુંઠના શાહુકારનો વિચાર આવ્યો. મારા પેલા મુંબઈવાળા ફેક્ટરી સંચાલક સગાની જેમ આપણી શરીર રીક્ષામાં બેઠેલો બ્રહ્માંડનો સંચાલક આપણા વિશે માન, સન્માન કે ગૌરવ અનુભવતો હશે ખરો?

મિત્રો, આજનો રવિવાર ગણપતિ દાદાની માત્ર એક ખૂબી 'સૂપડાં જેવા કાનની’ પ્રેરણા લઈ ગ્રેટ લિસનર બની, ઓફિસ બોસની વાતો જેમ પૂરેપૂરી સાંભળીએ છીએ એનાથી પણ વધુ સારી રીતે ઓફિસ પ્યૂન કે સોસાયટી ચોકીદારથી શરુ કરી પોતાના ઓરડામાં ઉધરસ ખાઈ રહેલા દાદા-દાદીને સાંભળીએ, પૂરેપૂરા સોએ સો ટકા સાંભળીએ તો કેવું? આપણા વિઝનરી સંત કવિ દુલા ભાયા કાગ પણ કહી ગયા છે ને, "વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……
એને માથું રે હલાવી હોંકારો દેજે રે.. આવકારો મીઠો આપજે રે.."
આજ સુધી જેને નાનો માણસ સમજી અવગણતા રહ્યા એ તમામ લોકોને જો પૂરેપૂરા સાંભળશો તો એ કેટલા મોટા માણસ છે એ જાણી તમે પોતે આશ્ચર્ય પામશો એવું મારું તો માનવું છે. ઓલ ધી બેસ્ટ.
ગણપતિ બાપ્પા મોરિયા
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)