રાતની બસ હતી .એટલે ,સવારમાં સુરીલી પોતાના ઘરે પહોંચી ગઈ. આવીને જુએ છે તો , ઘરે તાળું મારેલું હતું. એ તરત બાજુમાં જમનાકાકીના ઘરે ગઈ અને પૂછ્યું..
સુરીલી : "કાકી મારા મમ્મા ક્યાં..? ઘરે તાળું મારેલું છે!"
જમનાકાકી : (ઓચિંતા સુરીલીને જોઈ આશ્ચર્ય પામી..) " તું અહીંયા..?"
સુરીલી : "કાકી , બધી વાતો હું તમને પછી નિરાંતે કહીશ. પહેલા મને કહોને ..મમ્મા ક્યાં છે ?"
જમનાકાકી : "એતો તારા ગયા પછી ભગવાન કાકા આવ્યા હતા .બહુ વિનવણી કરી સુમનને અને તારા નાનીને હવેલીમાં રહેવા જવાની.. એટલે એ તારા ભગા દાદાની હવેલીએ રહેવા ચાલ્યા ગયા છે."
સુરેલી : (આશ્ચર્ય સાથે) "શું..?"
જમનાકાકી : "હા, પણ આવ તો ખરાં..પાણી પી ..નિરાંતે જજે."
સુરીલી : "અત્યારે નહીં..પછી કયારેક."
ત્યાંથી નીકળી તે તરત જ ભગાદાદાની હવેલીએ પહોંચી. ચોકીદાર ઓળખતો હતો. એટલે, તેને અટકાવી નહીં.એ સીધી જ હવેલીમાં દાખલ થઈ ગઈ. જઈને જુએ છે તો ભગાદાદા હજી પૂજા કરતા હતા. સુમન રસોડામાં ચા બનાવતી હતી. એટલામાં સોફા પર બેઠેલા નાનીની નજર સુરીલી પર પડી. એ કંઈક બોલવા જતા હતા કે ત્યાં જ સુરીલીએ તેને ઈશારો કરી અટકાવી દીધા..
સુરીલી બિલ્લીપગે રસોડામાં ગઈ.એણે સુમનની આંખ પર હાથ રાખી, આંખો મીંચી દીધી. કંઈ કેટલાય દિવસો પછી સ્પર્શ થયેલા એ હાથોએ સુમનની આંખમાં જાણે ઠંડક આપી હોય તેવો અહેસાસ થયો. એને ગળે ડૂમો બાઝી ગયો. એ એટલું માંડ બોલી શકી.. સુરા....
સુરીલીએ હાથ હટાવી લીધો. સુમન સામે ફરી અને સુરીલી તરત તેને ભેટી પડી. થોડી ક્ષણ એમ જ રહ્યા. પછી બંને બહાર આવ્યા. સુરીલી નાનીને પણ ભેટી પડી. આજ એને ભગાદાદુ પ્રત્યે પણ , કોઈ અદમ્ય લાગણી થઈ આવી .એટલે, તે મંદિરમાં જઈ ભગાદાદુને પણ જય શ્રીકૃષ્ણ કરી આવી.
પછી સુમનને પૂછ્યું...
સુરીલી : " મમ્મા, તમે અહીંયા કેમ ?હું ઘરે ગઈ હતી. પણ, જમનાકાકીએ કહ્યું કે, તમે અહીંયા છો. એટલે હું અહીં આવી ગઈ."
સુમન : "તારા ભગાદાદુની જીદ આગળ મારે આવવું પડયું એટલે આવી ગઈ.."
(સુરીલીને આશ્ચર્ય થયું.એ વિચાર કરતી રહી ગઈ. ત્યાં જ, સુમને તેને ઉદ્દેશીને કહ્યું.)
સુમન : "તુ આમ ઓચિંતી?"
સુરીલી : બસ , તારી યાદ આવી..એટલે આવી ગઈ.
સુમન :સારું થયું.હું તને થોડા સમય માટે બોલાવવાની જ હતી "તારા માટે એક સરપ્રાઈઝ હતી".
સુરીલી : "સરપ્રાઈઝ ! શું છે વળી ?"
સુમન : "છે કંઈક, તારા માટે મહત્વની ."
સુરીલી : "આમ તો, હું પણ તારા માટે સરપ્રાઇઝ લાવી છું. પણ, પહેલા તું મને આપ."
એટલામાં ભગવાન કાકા પણ પૂજા કરી બહાર આવી ગયા અને સોફા પર બેસી ગયા.આજે એ ન તો સુરીલીને ખિજાયા કે ના તો કોઈ ગુસ્સો કર્યો.
(સુરેલીને મનોમન આશ્ચર્ય થતું હતું. પણ, એ ચુપ રહી ગઈ.)
સુમને રૂમમાં જઈ કબાટ ખોલી એક ફાઈલ કાઢી.બહાર આવીને એ સુરીલીનાં હાથમાં ધરી દીધી.
સુરીલી : "શું છે આમાં મમ્મા ?"
સુમન : "જાતે જ જોઈ લે."
સુરીલીએ ફાઈલ ખોલીને જોયું તો એના આશ્ચર્યનો પાર ન હતો. ભગવાનદાદા જે હોસ્પિટલ ચલાવતા હતા ; તે હોસ્પિટલ સુરીલીના પપ્પા મિલનની હતી. અને હવે તે વારસામાં સુરીલીને મળી હતી. ભગવાનકાકા તો માત્ર તેને ચલાવતા હતા. કેમકે ,વર્ષોથી એ પાટડીયા પરિવારનાં ઋણી હતા.એમના દીકરાને અમેરિકા મોકલવાથી માંડીને શિક્ષણનો દરેક ખર્ચ સુરીલીના દાદાએ જ આપેલો.
એમના ગયા પછી એ ચીલો મિલને પણ જાળવી રાખેલો. આજ આમ ઓચિંતાના એક પછી એક રાજ ખુલી રહ્યા હતા. સુરીલીને તો જાણે આ બધું સપના જેવું લાગી રહ્યું હતું.એ હજીએ અસમંજસમાં જ હતી. આ બધુ જોઈ એ ભગાદાદાને તો કંઈ ન પૂછી શકી.પણ સુમન સામે તેણે પશ્નાથૅ દ્રષ્ટિ કરી.
સુરીલી : "મમ્મા, તો તું આ બધું જાણતી હતી ?"
સુમન : "હા."
સુરીલી : તો આવું જીવન શા માટે જીવતી હતી? તે મને આ બાબતની જાણ કેમ ન થવા દીધી.?
સુમન : "તને ઘડવા માટે ,આ દુનિયા ક્યારે પોતાનો વેગ બદલે ખબર ના પડે. જે તારા પપ્પા સાથે થયું ,એ તારી સાથે ના થાય એ માટે તને મજબૂત કરવી હતી."
સુરીલી: "એ બધી વાત તો બરાબર પણ, ભગાદાદા તને ઘણીવાર ખીજાતા...જો તું જાણતી હતી તો એની સામે જવાબ કેમ ન્હોતી આપતી..!"
ભગવાનકાકા મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા..સુરીલીએ આશ્ચયૅભાવથી એમની સામે જોયું...
સુરીલી : "દાદુ, જો તમે આ જાણતા હતા તો ,મમ્મા સાથે આવું વર્તન શા માટે કરતા હતા ? "
આજ પહેલી વાર એને ભગા દાદુના વર્તનમાં પ્રેમ નજર આવ્યો..
ભગવાન કાકા : "સુરા... અહીંયા બેસ મારી પાસે."
આજે સુરેલી વિના ડરે એમની પાસે જઈને બેસી ગઈ.
ભગવાન કાકા : "મારું એ વર્તન તો સુમને મને ફરજિયાત કરાવેલું . તું ના હોય ત્યારે એણે મને કહી રાખેલું કે ,જ્યારે તું એની સાથે હોય ત્યારે એને આ હકીકતની જાણ ન થવા દેવી.એની સાથે આવુ જ વતૅવું... એ તને ખરા અર્થમાં લક્ષ્મીબાઈ બનાવવા ઇચ્છતી હતી.પૈસાની પ્રતિષ્ઠામાં તારું ધડતર ન થઈ શકે એવું એનું માનવું હતું.એટલે સાદગીપૂણૅ જીવન જીવતી હતી."
સુરીલી : "પણ ,મને કહીને સમજાવી શકાય ને..આવું ખોટું નાટક કરી ગરીબી સહન કરવાની શું જરૂર હતી..?"
સુમન : "જરૂર હતી...હજીયે એક કામ અધુરું છે. એ પુરું કરવા માટે જરૂર હતી."
સુરીલી : "શું..?"
સુમન : "વખત આવ્યે ..એ પણ, સમજાઈ જશે."
સુરીલી : (નાની સામે જોઈ એક પ્રશ્નાર્થ દ્રષ્ટિ કરી )
"નાની તમે પણ, આ બધામાં સામેલ હતા ?"
નાની : "સુમનની જીદ આગળ ક્યાં કોઈનું ચાલે છે."
સુરીલી : "એટલે તમે બધાએ મારી સાથે રમત રમી..!"
સુમન : "તારૂ સારું ખરાબ વિચારવાનો પણ અમને હક નહીં..?"
સુરીલી : "તમે બધા તો મારા માટે જીવાદોરી છો.તમારા આધારે જ જીવું છું.તમને મારા માટે કંઈ પણ નિર્ણય લેવાની છુટ છે."
સુમન: આ બધુ તો ઠીક છે. પણ , તે હજી સુધી મને મારી સરપ્રાઈઝ ન આપી.
સુરીલી : "હમણાં જ આપું છું."
તે ઝડપથી બેગમાંથી એક ફાઈલ કાઢીને સુમનના હાથમાં મૂકી દે છે. જેમ એણે સુરીલા હાથમાં મુકી હતી.
સુમન : (આશ્ચર્ય સાથે) "શું છે?"
સુરીલીએ વધુ રાહ ના જોવડાવતાં કહી દીધું.. "પપ્પાનું વસિયતનામું . કાકાએ છીનવી લીધેલ મિલકતની આપણી હિસ્સેદારી..."
સુમનની આંખમાં આંસુ આવી ગયા. સુમન આવું જ તો ઈચ્છતી હતી કે, સુરીલી પરિસ્થિતિ સામે લડતા શીખે અને પોતાનો હક મેળવે.આ કામ માટે તો એણે સુરીલીને કઠોર બનાવવા આટલા વર્ષ આ બધું કર્યું હતું.એ જ તો સુમનનું અધુરું કામ હતું...એને તો આજે જાણે પોતાના પરથી બોજ ઊતરી ગયો હોય એવી અનુભૂતિ થઈ.
સુમન : "તે આ બધું કર્યું કેવી રીતે ?"
સુરીલીએ બધી માંડીને વાત કરી. બધી વાત સાંભળી સુમનને જાણે હાશકારો થયો. એની સુરીલી હવે દુનિયાની દરેક પરિસ્થિતિને ટક્કર આપવા માટે તૈયાર હતી. પણ બીજી જ ક્ષણે એને કંઈક યાદ આવ્યું..
સુમન : "પણ ,હજી તો તારે કોલેજનું એક સેમેસ્ટર બાકી હતું. તો એ છોડીને તું અહીંયા કેમ આવી ગઈ."
સુરીલી : (કંઈક મૂંઝવણમાં હતી પણ કહી દીધું.) "બસ, મમ્મા તારી યાદ આવી ગઈ."
પછી તેણે કાવ્યાની અને રેડિયો સ્ટેશનની બધી યાદગીરીઓ શેર કરી. ત્યાં જ તેને યાદ આવી ગયું કે તેણે કાવ્યાને ફોન નથી કર્યો. એણે ઝડપથી કાવ્યાને ફોન કર્યો..
સુરીલી: "હલ્લો કાવ્યા,હું ઘરે પહોંચી ગઈ છું. કેમ છે તું યાર?"
કાવ્યા: "તારા વગર કેમ હોય? આટલી ઝડપથી જવું જરૂરી હતું ? એક સેમેસ્ટર તો પૂરું કરી લેવાય ને, પછી હું પણ તારી સાથે ઘરે આવી જાત."
સુરીલી : "એ તો અહીંથી કરી લઈશું . તું પણ અહીં આવી જા. મને પણ સારું રહેશે. નહિ તો તારા વગર મને પણ નહીં ગમે."
કાવ્યા :"તારા ગયા પછી વિચાર તો મેં પણ એવો જ કરેલો.પણ, એ શક્ય નથી."
સુરીલી : "શું શક્ય નથી..! આવી જા ને , તને ઘણા ખુશખબર આપવા છે.ઘણી વાતો કહેવી છે."
કાવ્યા : "જોબ છોડી શકાય એમ નથી. એક તો તું ઓચિંતાની જોબ છોડીને ચાલી ગઈ. બીજી તરફ આરવ પણ જોબ છોડીને ચાલ્યો ગયો છે.એટલે, જ્યાં સુધી કોઈ બીજું નહીં આવે ત્યાં સુધી મારે તો અહીં રહેવું જ પડશે".
આરવની વાત સાંભળી સુરીલીને જાણે કંઈક ખુંચતુ હોય એવો ભાસ થયો. અજુગતું તો લાગ્યું. પણ ,એણે કંઈ કહ્યું નહીં.પણ, અચાનક એને પેલો આરવની ચેમ્બરમાં રહેલો પત્ર અને તેના પરનું લખાણ યાદ આવી ગયા. અેને અંદરથી ખૂબ ચીડ થતી હતી.
પણ, એણે બીજી તરફ વિચાર કર્યો ,તો તે કેટલા સમયથી રેડિયોમાં જોબ કરતી હતી.તે કયારેય એની સામે પણ આવ્યો નહોતો.. તો પછી, ઓળખ્યા વગર આવા પત્ર લખવાનું કારણ શું હશે... ? આવા તો અનેક પ્રશ્નો સુરીલીના મનમાં થઈ આવ્યા. તે વિચારમાં હતી. બીજી તરફ કાવ્યા ફોનમાં હલ્લો ....હલ્લો ...બોલતી હતી. અચાનક સુરીલી ફરી વિચારોમાંથી બહાર આવી..
સુરીલી : "હા, બોલ. "
કાવ્ય : "ક્યાં ખોવાઈ ગઈ હતી ?"
સુરીલી : "કંઈ નહીં ,બસ એમ જ કંઈક યાદ આવી ગયું."
સુમન, નાની અને ભગવાનકાકાના ચહેરાઓ સુરીલી તરફ જ મંડાયેલા હતા.એ બધા સુરીલીની વાત સાંભળી એનાં ચહેરા પરનાં ભાવ ઉકેલવા મથતા હતા .જાણે કંઈક યોજના સિદ્ધ કરતાં હોય તેમ એનું અવલોકન કરતા હતા .વાત પુરી કરી સુરીલીએ ફોન મૂકી દીધો.
સુરીલી : "મમ્મા ,તારા હાથની ચા અને નાસ્તો કેટલાય દિવસોથી નથી મળ્યા..આજે તો ધરાઈને એની મજા માણવી છે."
સુમન : "તૈયાર જ છે .ચાલ આપી દઉં."
સુરીલી :" ના..ના .. હું એકલી નહી. આપણે બધા સાથે."
સુમન : "ઠીક છે, હું હમણાં અહીં જ લઈ આવું છું."
બધાએ સાથે મળી આનંદથી નાસ્તો કર્યો.બેવડી ખુશીની ઊજવણી કરી.
સુરીલી : "દાદુ આજે તો હું તમારી સાથે હોસ્પિટલ આવીશ. મને લઈ જશો ને ?"
ભગવાનકાકા : "હા , કેમ નહીં. હવે તો હોસ્પિટલ પર મારા કરતાંયે તારો હક વધારે છે."
સુરીલી : "ના ...હો દાદા, તમારે તો તમારું કામ કરવાનું જ છે.એમ તમને નિવૃત્તિ નહીં આપુ."
ભગવાન કાકા : "સારું , સારું ,વાતો પછી કરજો. ચાલ, મોડું થાય છે. તને તો ખબર છે ને કે મને સમયની કેટલી ચોક્કસાઈ છે."
બન્ને ચાલતા થાય છે. ત્યાં જ, સુરીલીને તેનો પોકેટ રેડીયો યાદ આવે છે. એ પાછી વળી બેગમાંથી રેડીયો પર્સમાં નાખી, પર્સ લઈ હોસ્પિટલ જાય છે.એ નાની હતી ત્યારે,ઘણીવાર જીદ કરીને હોસ્પિટલ જતી. પણ , એને ક્યારેય કોઈ વોર્ડમાં જવા દેવામાં ન આવતી. આજે તો એને હોસ્પિટલ કોઈ એક નવા જ રૂપમાં દેખાઈ રહી હતી. એને આજ આખી હોસ્પિટલ જોવી હતી.
બંને હોસ્પિટલના કેમ્પસમાં દાખલ થયા. ત્યાં તો , બંને બાજુ રંગબેરંગી ફૂલોથી મેદાન મઘમઘતું હતું. સુરીલી દાદુ સાથે અંદર પ્રવેશી. ત્યાં જ, એને ક્યાંકથી ગીત વાગતું સંભળાયું. એણે કાન ધરી સાંભળવા પ્રયત્ન કર્યો અને અવાજની દિશામાં ચાલવા લાગી.
ગીત રેડિયોમાં વાગી રહ્યું હતું. આખા વોર્ડમાં વૃદ્ધ દર્દીઓ કે જે લાંબા સમયથી દાખલ હતાં. ડોક્ટર સાથે ગીત પર ખુશીથી ઝૂમી રહ્યા હતા. સુરીલી બહાર ઊભા ઊભા જ આ બધું જોતી હતી. ડોક્ટર દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. એમનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. અહીંથી માત્ર તેની પીઠ જોઈ શકાતી હતી. એને અંદર જવાનું મન થયું. એ જવા માટે પગ ઉપાડવા જતી હતી. ત્યાં જ , એને સુમનનો અવાજ સંભળાયો ...
સુમન : "સુરા..."
સુરીલી પાછી વળી આવે છે.
સુરીલી : "મમ્મા.. તમે અહીં ?"
સુમન : "હા , એક કામ હતું."
સુરીલી : "શું ? હું તો તારી સાથે જ હતી. હજી તો હમણાં આવી. એટલીવારમાં એવું તે જરૂરી શું કામ આવી પડ્યું ?"
સુમન : "તારું અહીંયા જ કામ હતું."
સુરીલી : (આશ્ચર્ય સાથે ) "અહીંયા ,વળી શું કામ છે?"
સુમન : "ચાલ, તને કંઈક પૂછવું છે. તારા જીવનનો એક મહત્વનો નિર્ણય લેવા માટે તારી મદદની જરૂર છે."
સુરીલી : "મારા જીવનનો મહત્વનો નિર્ણય !"
સુમન : "હા , ચાલ."
પછી સુરીલી ભગવાનકાકા અને સુમન ત્રણેય ડોક્ટરના રૂમમાં જઈને બેઠા. સુરીલી આજુબાજુના પોસ્ટર અને સજાવટને જોતી હતી. ત્યાં જ ,તેનું ધ્યાન નામ લખેલી તકતી પર ગયું. જેના પર લખ્યું હતું. 'ડોક્ટર આરવ સોની' સુરેલીને આ નામ વાંચી ફરી ચીડ ચડી. એને મનમાં થયું. આ નામ તો મારો પીછો નથી છોડતું. એટલામાં જ એક ફોન આવ્યો.
"ભગવાન કાકાને ડોક્ટર સાહેબ બોલાવે છે."
ભગવાન કાકા : "અમે તેમની કેબિનમાં જ છીએ . તેને કહો આવી જાય."
ડૉક્ટર સાહેબ : (ફોન હાથમાં લઈ.ભગવાન કાકાને ફોનમાં) "દાદુ , તમે જ અહીં આવી જાવ ને.મારાથી ત્યાં નહિ અવાય."
ભગવાનકાકા જાતે બહાર ગયા. અને થોડીક જ વારમાં ડોક્ટર સાથે અંદર પ્રવેશ્યા. જ્યાં સુમન સાથે સુરીલી બેઠી હતી. ડોક્ટરને જોઈ સુરીલી તરત જ ઊભી થઈ ગઈ.
સુરીલી : " આરવ.. તું ?"
આરવનો ચહેરો હજી ઝૂકેલો જ હતો.
સુમન : "તું એને ઓળખે છે ?"
સુરીલી : (જાણે ખીજમાં હોય એમ ) "હા... એક નંબરનો ઠગ છે, આ તમારા ડોક્ટર.એને અહીં નોકરી પર કોણે રાખ્યા..!"
સુમન અને ભગવાન કાકા એકબીજા સામું જોઈ મંદ-મંદ મુસ્કુરાઈ રહ્યા હતા. સુરીલીને તો કંઈ સમજ પડતી ન હતી. તેને વિચારમાં પડેલી જોઈને ..
ભગવાન કાકા : "બેટા,આ ડોક્ટર આરવ છે.છેલ્લા પાંચ વર્ષથી આપણી જ હોસ્પિટલમાં નોકરી કરે છે. અભ્યાસ પુરો કરી સીધો આપણી જ હોસ્પિટલમાં આવેલ. બહુ ડાહ્યો છોકરો છે. હું હોસ્પિટલમાં આવી ઘણીવાર તારા વિશેની અને સુમન વિશેની વાતો કરતો તો એ ખૂબ રસ લઈને સાંભળતો. પછી મને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે, તારા માટે એનાં હૃદયમાં કંઈક અલગ જ લાગણી છે. એણે ક્યારેય મને કહ્યું નથી. પણ, એની આંખોમાં મેં વાંચેલું.
સુરીલી : "પણ હું તો એમને ક્યારેય મળી જ નથી !"
ભગવાનકાકા : "હા ..પણ ,એણે તને ઘણીવાર ચોરી-ચુપકેથી દૂરથી જોયેલી. એ તને એકતરફી પ્રેમ કરતો.એનો પ્રેમ સાવ નિર્દોષ. એ તો જ્યારે તું ઘર છોડીને જતી રહી ત્યારે એને તારી ચિંતામાં હાઇપર થતો જોયો. અને એની અંતરમનની લાગણીઓ ચિંતા સ્વરૂપે બહાર આવી ગઈ."
સુરીલી ન હજી એક પ્રશ્ન સળવળતો હતો. એણે તરત પૂછી નાખ્યું : "તો પછી, હું રાજકોટમાં છુંં, એની માહિતી અેને કોણે આપી?"
ભગવાનકાકા : "એની તો મને પણ ખબર નથી".
સુરીલી : "હું જ્યારે રેડિયોમાં જોબ કરવા લાગી ત્યારે તો એ, પહેલેથી જ ત્યાં હતો."
સુમન : "તું રાજકોટમાં છે તેની જાણ તો મેં જ તેને કરેલી.પણ, બીજી માહિતી મેં નથી આપી."
સુરીલી : ( અકકડથી) "ડોક્ટર સાહેબ, હવે તમે જ કહી દો ."
આરવ : "હું તમારી મિત્રતાને આડે નથી આવ્યો. પણ ,આંટી પાસેથી કાવ્યાના નંબર લઈને મેં તારી ખબર મેળવેલી."
આ સાંભળી થોડીક ક્ષણ માટે તો એને કાવ્યા પ્રત્યે પણ ગુસ્સો આવી ગયો. પણ ,મિત્રતાને કારણે એ શાંત રહી ગઈ.
થોડી બીજી પણ વાતો થઈ. હવે આ બધું સાંભળીને સુરીલીની ચીડ અને ગુસ્સો ઘણાખરા ઓસરી ગયા. વારંવાર મનમાં એક જ વિચાર આવતો હતો. હો ના હો ,આરવે ક્યારેય તેને ખોટી રીતે લાગણીવેડા પણ દર્શાવ્યા ન હતા. કે એની સામે પણ આવ્યો ન હતો. હવે ધીમે ધીમે તેના ચહેરા પર શરમની છાયા પથ્થર રહી હતી. સુમન ખૂબ ખુલ્લા વિચારોવાળી હતી. તેણે સુરીલીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.
સુમન : "હું આરવ સાથે તારા લગ્નની વાત નક્કી કરવા માટે જ અહી આવી છું. સંબંધ તારી સંમતિથી જ નક્કી થશે. અને તારો નિર્ણય આખરી રહેશે. પણ ,હું જાણું છું ત્યાં સુધી આરવ ખૂબ સારો છોકરો છે.એ તારો જીવનભર સાથ આપશે. તને કોઈ તકલીફ ન પડે એટલા માટે, તારા ઘર છોડીને ગયા પછી તારું ધ્યાન રાખવા માટે જ, એણે એ જોબ સ્વીકારેલી. બાકી વધારે તારે જો કંઈ જાણવું હોય તો, હોસ્પિટલના દરેક દર્દી પાસે રૂબરૂમાં જઈ પૂછી જોજે કે તે કેવો માણસ છે. તારે જો આરવ સાથે કંઈ વાત કરવી હોય તો તું સ્વતંત્ર છે ".
સુમન અને ભગવાનકાકા બહાર ચાલ્યા જાય છે. સુરીલી અને આરવ હવે આમને-સામને છે. અત્યાર સુધી પ્રેમની આમન્યા જાળવવા જે વાણી હોઠ વચ્ચે બીડાઈ ગઈ હતી, એ અને કંઈ કેટલાય સમયથી દિલમાં સંઘરી રાખેલી લાગણીઓએ આજે આરવના મૌનને તોડી નાખ્યું.
આરવ : "તું તારી રીતે સ્વતંત્ર છે. મને જે લાગણી છે એ તને પણ હોય,જરૂરી નથી. જિંદગીનો મહત્વનો નિર્ણય આમ ઝડપથી લેવાની પણ જરૂર નથી. સમય જોતો હોય તો પણ, મને કંઈ વાંધો નથી. અને જો તારી ના હોય તો પણ , મને સહર્ષ સ્વીકાર્ય છે".
સુરીલી : "એક વાત પુછું?"
આરવ : "હા, કહે."
સુરીલી : "કાવ્યા તારા વિશે જાણે છે ?"
આરવ : "હા ,તું જ્યારથી રેડિયોમાં નોકરી ન્હોતી કરતી ત્યારથી. મેં જ એને સામેથી બધી હકીકત જણાવી દીધેલી. શરૂઆતમાં એણે પણ મારા પર ગુસ્સો કરેલ. પણ,તારા મમ્મી સાથે વાત કરીને એને પણ મારા પર વિશ્વાસ આવી ગયો".
સુરીલી : "પણ, તને ક્યાં ખબર હતી કે મને રેડિયોમાં જોબ મળવાની છે. તો તે પહેલેથી ત્યાં જોબ લઈ લીધી."
આરવ : "હા , મને ખબર ન્હોતી .પણ ,કાવ્યા સાથે તું ઘણીવાર આવતી. એટલે તને જોઈ લેતો અને તારા વિશે નિશ્ચિંત થઈ જતો. જે દિવસે તું ના આવે તે દિવસે કાવ્યા પાસેથી રોજ તારા વિશે પુછી લેતો."
સુરીલીને હવે કાવ્યા પર ગુસ્સો આવતો હતો કે, સાથે રહેવા છતાં એણે એનો અણસાર સુધ્ધા ન આવવા દીધો. પણ , બીજી તરફ તેને એના પર પૂરો ભરોસો હતો કે,એ ક્યારેય એના અહિતમાં સાથ ન આપે. એટલે શાંત થઈ ગઈ.
આટલી વાત કર્યા પછી આરવ હજીએ મૌન વિચારમગ્ન સુરીલીના ચહેરાને પ્રેમથી નિહાળી રહ્યો હતો. અને, સુરીલી નીચી નજરે ઉભી હતી. થોડો સમય મૌન રહ્યા પછી થોડાક મનોમંથન પછી કાવ્યાએ આરવને કહ્યું.
સુરીલી : "આ સંબંધને હું તો જ મંજૂર કરું. જો, તમે મારી દરેક વાતમાં મને સાથ આપો."
આરવ : "મંજુર છે."
સુરીલી : "આટલું જલ્દી ! એકવાર વિચાર તો કરી લેવો હતો ને. "
આરવ : "વિચારની શું જરૂર છે? ભરોસો જ કાફી છે."
સુરીલીના અંતરમા હવે ધીમેધીમે પ્રેમ સહજ લાગણીઓ થવા લાગી હતી. એનું હૃદય હવે જોર-જોરથી ધબકવા લાગ્યું હતું.
આરવ : " તારે હવે કંઈ પૂછવું છે ? નહીં તો આપણે બહાર જઈએ. ભગવાનકાકા રાહ જોતા હશે. અને તારા મમ્મી પણ."
સુરીલી : "બીજું ખાસ તો કંઈ નહીં. પણ, તમારી પાસે કંઈક માગું તો આપશો ?"
આરવ : "નિ:સંકોચ ,હશે તો જરૂર આપીશ."
સુરીલી : "તો તમે જે મારા માટે લખ્યા હતા એ પત્રો તો મને આપો."
આરવ : (આશ્ચર્ય સાથે ) "તું કેમ જાણે છે એ પત્ર વિશે ?"
સુરીલીએ સઘળી વાત કહી દીધી.
આરવ : "તો , તું એ પત્ર જોઈ નારાજ થઈને અહીં આવી ગઈ."
સુરીલી : "ત્યાંથી નીકળેલી ત્યારે તો એવું જ હતું. પણ, હવે કોઈ પ્રશ્ન નથી. ચાલો જઈએ."
બંને બહાર જાય છે. બંને આ સંબંધને સંમતિ આપે છે.પછી તો , સુરીલી કાવ્યાને ફોન કરીને મીઠો ઝઘડો કરી હેરાન કરે છે.હવે રોજ સુરીલી અને આરવ હોસ્પિટલમાં મળતા અને દરેક વોર્ડના પેશન્ટને સધિયારો આપતા. સુરીલીની જેમ આરવ પણ ગીતોના઼ે શોખીન હતો. રોજ અડધો કલાક દરેક વોર્ડના પેશન્ટને ગીતો સંભળાવી મનોરંજન કરતો.
સુરીલીએ હવે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. અને , થોડાક જ સમયમાં એના આરવ સાથે લગ્ન થઈ ગયા. પછી તો એ આરવ સાથે રોજ હોસ્પિટલ જતી. તેણે જોયું કે , માત્ર અડધો કલાક ગીત સાંભળવાથી દર્દીઓ ખુશખુશાલ થઈ જતા હોય તો, એને આખો દિવસ સંગીત સંભળાવવામાં આવે તો કેવું સારું રહે.
એણે આરવ સમક્ષ હોસ્પિટલમાં જ એક નાનકડું રેડિયો સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. જ્યાંથી દર્દી પોતાની પસંદગીના ગીતની ફરમાઇશ કરી શકે.અને ત્યાંથી જ એકસાથે બધા દર્દીઓનું મનોરંજન કરી શકાય.
આરવે તેની વાતને સ્વીકારી લીધી. અને ,થોડાક જ સમયમાં હોસ્પિટલની બાજુમાં નાનકડું રેડિયો સ્ટેશન સ્થપાઈ ગયું. કાવ્યા પણ હવે અહીં આવી ગઈ હતી. હવે તો સુરીલી અને કાવ્યા કાર્યક્રમનું સંચાલન કરતા અને દર્દીઓ પોતાની પસંદગી મુજબના ગીતોની ફરમાઈશ કરી ગીત સાંભળતા. દર્દીઓ માટે દરેક વોર્ડમાં ફોનની સુવિધા કરી દેવામાં આવી. જયાંથી ગીત માટે ફોન કરી શકાય.
પહેલા જ્યાં માત્ર અડધો કલાક મનોરંજન મળતું ત્યાં , સારવારના સમય સિવાય આખો દિવસ રેડીયો ચાલુ રહેતો. ઈમરજન્સી વોર્ડ સિવાય આખી હોસ્પિટલ ધીમા મધુર સંગીતમાં ઝુમતી રહેતી.
સંગીત સાથે ગાઢ સંબંધ લઈ જન્મેલ સુરીલી , અનેક મુશ્કેલીઓથી લડીને માત્રને માત્ર સંગીતના આધારે પોતાના વ્યક્તિત્વને ઉપર ઉઠાવી શકી. શબ્દો અને સંગીતના સહારે દુનિયા જીતવાની સફરમાં એણે જીવનને ખર્ચી નાખવાનો સંકલ્પ કર્યો. આરવ સાથે સુખમય જિંદગીમાં પણ હરણફાળ ભરી .પરિવાર સાથે ખુશખુશાલ જીંદગી જીવવા લાગી.રેડિયામાં ગીત વાગી રહ્યું હતું..
તુમ બે સહારા હો તો,કિસીકા સહારા બનો..
તુમકો અપને આપ હી, સહારા મિલ જાયેગા.
-ડૉ.સરિતા (જલધિ)