ડોરબેલ રણકીને કાવ્યા ઝડપથી દરવાજા તરફ ગઈ. દરવાજો ખોલી જોયું તો...
કાવ્યા :" અરે..! વોટ અ સરપ્રાઈઝ..તું અને સુરત ! આમ ઓચિંતી, મને ફોન તો કરાય ને ?હું તને લઈ જાત."
સુરીલી : "બધું અહીંજ પૂછી લઈશ..? મને અંદર આવવાનું નહીં કહે..?"
કાવ્યા : "અરે સોરી યાર, આમ તે સરપ્રાઇઝ આપી એ ખુશીમાં મારું એ તરફ ધ્યાન જ ના રહ્યું. આવ પેલા બેસ નિરાંતે..હું તારા માટે પાણી લઈ આવું."
સુરીલી પોતાના સામાન બેગ સાથે અંદર પ્રવેશે છે.
કાવ્યા : (પાણી લાવે છે... અને આશ્ચર્ય સાથે) "તું સુરતથી રાજકોટ ક્યારે આવી ? કોઈ પ્રસંગમાં આવી હતી. આ બેગ?"
સુરીલી : " તું મારી પરિસ્થિતિને ક્યાં નથી જાણતી.! તંગ આવી ગઈ હતી યાર. ભગવાનકાકાના એ સ્વભાવથી... મમ્મીને કેટલી વાર મનાવી કે હું નોકરી કરીશ. તારે હવે કામ નથી કરવું. છોડી દે. તો એ પણ, પોતાની જીદ મૂકવા તૈયાર ન્હોતી. એટલે, નાછૂટકે મારે આ પગલું ભરવું પડ્યું."
કાવ્યા : "એટલે... તું ઘર છોડીને આવી ગઈ ?"
સુરીલી : (ઉદાસ ચહેરે) "હા.. સોરી યાર.. તને જાણ કર્યા વગર જ હું તારી ઘરે આવી ગઈ. પણ, હું તારા માટે બહુ સમય બોજ નહીં રહું. નોકરી મળતાં હું મારી વ્યવસ્થા કરી લઈશ. પણ,ત્યાં સુધી તારે મને સાચવી જ રહી."
કાવ્યા : (મીઠો ઠપકો આપતા) "એક મારીશ ને..! આવી વાત ફરી કરી તો... મજા કર..યાર , જિંદગી તો , મારી પણ એવી જ જાય છે. એકલી એકલી રહી હું પણ કંટાળી ગઈ છું. જોબ પરથી આવું એટલે આ ખાલી ઘર જાણે ખાવા દોડતું હોય તેવું લાગે છે. તારા આવી જવાથી ઉલ્ટાનું મને તારો સપોર્ટ મળી રહેશે."
સુરીલી :" તો પણ ,મારે આમ જાણ કર્યા વગર આવવું ન્હોતું જોઈતું ..પણ, ઘરેથી નીકળ્યા પછી મને કંઈ ન સૂઝયું. અનેકવાર વિચાર કર્યો કે ક્યાં જાવ ? તો , વારંવાર તું જ યાદ આવી. દસમા ધોરણ પછી તું હોસ્ટેલમાં આવી ગઈ. ત્યારથી તારા વગર એક તો મને એકલું લાગતું જ હતું. ઉપરથી મમ્મી તારા સિવાય બીજા કોઈ સાથે બોલવા ન દે. એટલે, તારા ગયા પછી હું ખૂબ એકલતા અનુભવતી. મમ્મી માટે વિચાર કરીને જ આટલો સમય રહી ગઈ. પણ , બસ હવે બહુ થયું એટલે આવી ગઈ."
કાવ્યા : "તો ,આન્ટીને અહીં જ બોલાવી લેવા છે ? નાહકના ચિંતા કરશે. તું ફોન કરી દે.લાવ હું આજની જ ટિકિટ બુક કરાવી દઉં."
(કાવ્યાએ મોબાઈલ હાથમાં લીધો. પણ, સુરીલીએ તેને અટકાવી)
સુરીલી : "ના..ના..એ નહિ આવે .એટલે તો મારે આ પગલું ભરવું પડ્યું."
કાવ્યા : "તું એમને જાણ કરીને તો નીકળી છે ને ...?"
સુરીલી: "ના."
કાવ્યા : " ગજબ છે યાર... તો તો , ઝડપથી એમને ફોન કરી દે કે તું અહીંયા પહોંચી ગઈ છે એટલે ચિંતા ન કરે ."
સુરીલી : " ના ,એવું કંઈ જ નહીં થાય. હું એમના માટે એક પત્ર છોડીને આવી છું. અને, નાનીને પણ ત્યાં આવવાનું કહી દીધું છે. મમ્મી પત્ર વાંચી લેશે ત્યાં તો નાની ત્યાં પહોંચી પણ ગયા હશે. થોડોક સમય મારા પત્ર અને નાનીના સહારે રહીને પછી જીવતા શીખી જશે. પછી ટેવાઈ જશે."
કાવ્યા : "પત્ર...! આ મોબાઇલના જમાનામાં પત્ર...? તે એવું તે વળી શું લખ્યું છે એ પત્રમાં ..? તને ક્યાં જાણ હતી કે તું અહીં આવવાની છે. તેમને ખબર કેમ પડશે ?"
સુરીલી : " મેં તેમને પત્રમાં લખી દીધું છે કે ..."
વ્હાલી મમ્મા ,
વધુ અભ્યાસ અને નોકરી માટે હું શહેર છોડીને જાઉં છું. પપ્પાએ ખોવાયેલી પ્રસિદ્ધિ અને એમના સંસ્કારને જીવંત રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એટલે તું ધીરજ રાખજે..તમારાથી દૂર જવાનું મને પણ એટલું જ દુઃખ છે,જેટલું તમને છે. બીજો કોઈ રસ્તો ના સુઝતાં આ નિર્ણય કરું છું. મારે પરિસ્થિતિથી ઘડાતા શીખવું છે. તારા પાલવની ઓથે હું તારી ઓથ ક્યારેય નહીં બની શકું.
મારી અંદરની સુરીલીને જીવંત કરવા જાઉં છું. આ બધામાં પણ મારી એક અરજી હજી અકબંધ છે કે, પ્લીઝ.. તું નોકરી છોડી દે. થોડાક જ સમયમાં હું તારા માટે પૈસા મોકલીશ. ત્યાં સુધી મારી બચતનાં પૈસા મુકી જાવ છું .તેનાથી ઘર સારી રીતે ચાલશે...તારી સુરા પર ભરોસો રાખજે... નાનીને સાચવજે અને એની સાથે ખુશ રહેવા પ્રયત્ન કરજે. કોઈ બીજી મદદની જરૂર હોય તો બાજુવાળા જમના કાકી અને તેની સીમાને કહીને આવી છું. એ તને મદદ કરવા જરૂર આવશે.
ક્યાં જાઉં છું એની તો મને પણ ખબર નથી. પણ,એક દીકરીની માઁ તરીકે તને ચિંતા થાય તે સ્વાભાવિક છે. એટલે એટલો સધિયારો જરૂર આપીશ કે , તારા આપેલા સંસ્કાર પર વિશ્વાસ રાખજે. અણછાજતું એવું કાંઈ નહીં કરું.
તારો અને પપ્પાનો ફોટો કબાટમાંથી હું લઈ જાઉં છું. એટલે, શોધતી નહીં. તને તો ખબર છે કે તમારા વગર મારી સવાર અધુરી છે. એટલે, તમારા ફોટાના આધારે જ મારી સવારને શુભ બનાવીશ. મારા ગયાનું કોઈ દુઃખ કે ચિંતા કરીશ નહીં. હું તારા આધારે જ જીવું છું એટલે તારે પણ મારા માટે જીવવું જ પડશે.
આગળ હવે મારાથી કંઈ નહીં લખાય. ન ઉપડતાં પગલાં આજે પરાણે ઉંબરો ઓળંગી ગયા છે. પણ,પાછી આવીશ એટલે બધો જ ખેદ ઓસરી જશે એટલી ખુશીઓ લઈને આવીશ. તારી ખુબ જ યાદ આવશે.
લી.
તારી સુરા
(સુરીલી રડવા લાગે છે.)
કાવ્યા :"યાર.. છાની રે.... તને અહીં કોઈ અગવડ નહીં થાય. આ રૂમમાં હું પણ એકલી જ રહું છું. હવે તારી સાથે મારી જિંદગી પણ સુખમય બની જશે."
સુરા : "થૅન્ક્સ યાર.."
કાવ્યા : "નો થેન્ક્સ, લવ યુ યાર."
(બંને ભેટી પડે છે.)
કાવ્યા " આજે તો કોલેજ બંધ થઈ ગઈ હશે. આપણે કાલે સવારે જ તારા એડમિશન માટે અને નોકરી માટે જાશું."
સુરીલી : "ના, મારે હમણાં એ બાબતે કાંઈ નથી વિચારવું.પહેલા મારે કોઈ સારા વકીલને મળવું છે."
કાવ્યા : (આશ્ચર્ય સાથે)"વકીલને...!"
સુરીલી : "હા , ગેરસમજણમાં છોડી દીધેલું વસિયતનામું જોવું છે.વસિયતની વારસદાર થવું છે."
કાવ્યા એટલામાં જ બધું સમજી ગઈ એટલે એ બાબતે કંઈ વધુ પ્રશ્ન ન પૂંછ્યા..
કાવ્યા : "એ તો હું તને મળાવી દઈશ.હું શહેરનાં એક સારામાં સારા વકીલને ઓળખું છું."
સુરીલી : "બોલ, બીજું શું ચાલે તારી જીંદગીમાં..?"
કાવ્યા : "મારી જીંદગી તો એકધારી ચાલી જ જાય છે..તારે પણ, તારો અભ્યાસ અને નોકરી બંનેનું કરવાનું છે.સંકોચ રાખ્યા વગર પૈસા બાબતે પણ કોઈ ચિંતા કરવાની નથી."
સુરીલી : "ના..ના એવું કાંઈ નથી..પણ..!"
કાવ્યા : તારું આ "પણ" હું જાણું જ છું. સ્વાભિમાની મેડમ....! તારી પાસે જયારે પૈસા આવે ને ત્યારે મને આપી દે જે બસ."
સુરીલી ફરી લાગણીથી તરબોળ થઈ ગઈ.પછી તો કેટલા સમયથી મળ્યા ન હતા. એટલે, નિરાંતે વાતો કરી.સાથે મળી જમવાનું બનાવ્યું અને જમી લીધું.ફરી વાતો અને યાદોની મહેફિલ જામી..બંનેને અડધી રાત સુધી ઊંઘ ન આવી.પછી થાકીને બંને સૂઈ ગઈ.
બીજે દિવસે જ સુરીલીનું કોલેજમાં એડમિશન થઈ ગયું. ત્યાંથી કાવ્યા સુરીલીને લઈ તેની જોબ પર ગઈ.કાવ્યા રેડિયો સ્ટેશનમાં આર.જે તરીકે નોકરી કરતી હતી.રોજ એનો શો મોર્નિંગ શો હોય પણ આજ થોડું મોડું થઈ ગયું.ઝડપથી સ્ટુડિયો માં દાખલ થઈ અને માઇક્રોફોન લઈ શોની શરૂઆત કરી...
કાવ્યા : "હેલો ....ગુડ મોર્નિંગ રાજકોટ...હું છું આપની દોસ્ત કાવ્યા.. આપની મનગમતી ચેનલ રેડિયો ઝનકાર પર... આપના માટે લઈને આવીછું ...આપનો મનપસંદ કાર્યક્રમ... મધુરી મોર્નિંગ ...આજ આપની સવાર થોડી મોડી મઘુર બનશે... પણ,કહેવાયું છે ને કે સંબંધ થકી જ દુનિયા કાયમ છે.એટલે એવા જ એક બહુમૂલ્ય સંબંધને સાથ આપવામાં મોડું થયું છે. એટલે દીલગીર છું...તો, આજે આપણા કાર્યક્રમની શરૂઆત પણ એવા જ સંબંધને ઉજાગર કરતા એક લોકપ્રિય ગીતથી કરશું..ચાલો સાથે મળી માણીએ..."
રેડિયો પર ગીત શરૂ થાય છે..
અખિયાં મેરી પૂછ રહી હૈ ,દિલ કો મેરે ચૈન નહિ હાઁ.
કીથે લડાઈયાઁ વે તું અખિયાઁ કિથે લડાઈયાઁ વે
કેસે મેં તુજકો બતાઉં,
રાહેં તેરી તકતી જાઉં,
નીંદ ચુરાઈયાઁ વે..
તું મેરીયાઁ નીંદ ચુરાઈયાઁ વે..
ધડકન યે કહેતી હૈ દિલ તેરે બીન ધડકેના.
એક તુહી યાર મેરા મુજકો ક્યા દુનિયાસે લેના...
સુરીલી આ બધું ધ્યાનથી જોતી અને સાંભળતી હતી.એક તો નાનપણથી જ રેડિયો ગમતો અને આજે સાક્ષાત્ સ્ટેશન પર જઈ તેની જીવંત અનુભૂતિ કરવી.આ એના માટે કોઈ નાની વાત ન્હોતી...! એ ખુબ ખુશ હતી..એક પછી એક નવા ગીતો વાગી રહ્યા હતા અને વચ્ચે-વચ્ચે કાવ્યા પોતાના લોકપ્રિય અવાજથી બધાનું મનોરંજન કરતી રહેતી હતી..પણ આજે આ ગીતો સુરીલીમાં એ અહેસાસ ન જગાડી શક્યા જેની એ રોજ અનુભૂતિ કરતી.
કાર્યક્રમ પૂરો થયો અને કાવ્યા સ્ટુડિયો રૂમમાંથી બહાર આવી. પછી બંને ઘરે જવા માટે રવાના થયા.
રસ્તામાં જતાં જતાં.....
કાવ્યા : (સંકોચથી) "સૂરા ....એક વાત કહું..? મેં તારી જાણ વગર આંટીને ફોન કરી દીધો છે કે તું અહીંયા છે. સોરી યાર.. પણ, મારાથી ના રહેવાયું. ખબર નહીં તું કેમ આટલી પથ્થર દિલ થઈ ગઈ".
સુરીલી : (આશ્ચર્ય સાથે)" ક્યારે ? હું તો તારી સાથે જ હતી. મને કેમ ન ખબર પડી ?
કાવ્યા : " તું કોલેજનું ફોર્મ ભરવા અંદર ગઈ ત્યારે.."
સુરીલી : (ઉતાવળી થતાં) શું કહ્યું મમ્મા એ ..?"
કાવ્યા : "પહેલા તો બહુ ઈમોશનલ થઈ ગયા. પણ, નાની એ વાત સંભાળી લીધી. મને એક વાતનું બહુ આશ્ચર્ય થયું કે નાનીએ તારી આ વાતનો સપોર્ટ કર્યો ! શું જાદુઈ છડી ફેરવીને આવી હતી નાની ઉપર ?"
(કાવ્યા ધીમું હસે છે.)
સુરીલી : "બહુ ખાસ કંઈ નહીં પણ, તેણે મમ્મીને દુઃખી થતાં જોયા છે. એટલે મારી વાત આસાનીથી માની ગયા."
પછી તો , સુરીલી અને કાવ્યા બંને સાથે રહી, આ રીતે સમજણથી જિંદગી પસાર કરવા લાગે છે.સુરીલી એની મમ્મા માટે દર મહીને કાવ્યા પાસેથી ઉછીના પૈસા લઈને પણ મોકલે છે.સુરીલીની દરેક વાત કાવ્યા ખુશીથી માનતી.સુરીલી ઘણીવાર જીદ કરતી હોય તો પણ...
સુરીલી :" હુ કોલેજ ટાઈમમાંથી ફ્રી હોય ત્યારે, તારે મને સ્ટુડિયો લઈ જવી પડશે. તારે પરમિશન લેવાની જરૂર હોય તો લઈ રાખજે. પણ, હું તો આવીશ જ."
કાવ્યા : "એમાં શેની પરમિશન ? હવે તો સ્ટુડિયોમાં તને બધા ઓળખે જ છે. એટલે, એનો કોઈ પ્રશ્ન જ નથી. ખુશીથી આવજે.. જ્યારે ઈચ્છા હોય ત્યારે ."
એટલે સુરીલી ઘણીવાર કાવ્યા સાથે સ્ટુડિયોમાં જતી અને ગીતોની મજા માણતી .એક દિવસ બંને બેઠી હતી અને સામાન્ય વાતચીત કરતી હતી .એટલામાં કાવ્યાને કંઈક યાદ આવ્યું
કાવ્યા : (વિચારીને) "તારા માટે કંઈક આવ્યું છે. તું કોલેજ ગઈ હતી. ત્યારે, ટપાલી આપી ગયો."
સુરીલી : (આશ્ચર્ય સાથે) "મારા માટે ? શું છે ?"
કાવ્યા :" મેં ખોલીને જોયું નથી. પણ, કંઈક જરૂરી ડોક્યુમેન્ટ જેવું લાગ્યું."
સુરીલી : "ચાલ જોઈએ શું છે."
સુરીલી કવર ખોલે છે અને તેમાં જુએ છે તો એના આનંદનો પાર નથી. એ કૂદાકૂદ કરવા લાગે છે અને ખુશીથી કાવ્યાને ભેટી પડે છે. કાવ્યાને તો શું છે ? એની કંઈ સમજ પડતી નથી.એ સુરીલીને પકડીને થોભાવે છે..
કાવ્યા : "બસ..બસ પેલા કહે તો ખરાં કે આટલી ખુશીનું કારણ શું છે ?"
સુરીલી : "આ જો મારું (પપ્પાનું) વસિયતનામું .મેં કાકા પર કેસ ફાઇલ કરેલો. તે મને વકીલ અંકલને મળાવી હતી ને ?તેમણે ખૂબ જ ઝડપથી મારા કેસને ઉકેલી આપ્યો."
કાવ્યા : "કાકાએ આટલી જલ્દી બધી વસ્તુ આપી દીધી.બહુ કહેવાય!"
સુરીલી : "બધી વસિયત ક્યાં ? હું એના જેવી નથી. પરિવાર તૂટવાનું દુઃખ મારાથી વધુ કોણ સમજી શકે ! ખપ પૂરતું લઈએ તે યોગ્ય કહેવાય. ઈશ્વર કૃપાથી એમને પણ એક દીકરી છે.એની પાસેથી સઘળું છીનવી લેવાની લાલસા મને નથી."
કાવ્યા : "તો તે શું કર્યુ ?"
સુરીલી : "કાકાની બધી મિલકતના બે સરખા ભાગ કરાવી, અડધા ભાગ માટે દાવો કર્યો."
કાવ્યા : "તો કાકાએ તને તરત અપી દીધી..? કોઈ આધાર પુરાવા વગર..?"
સુરીલી : "એવું તો કેમ બને..હું આવી ત્યારે મમ્માને કહ્યા વગર જૂનાં બધા જ કાગળ લઈ આવેલી ...એ વકીલ અંકલને બતાવ્યા તો તેમાંથી જ આધાર પુરાવા મળી ગયા."
કાવ્યા : "વાહ ! કહેવું પડે હો તારી સમજદારીને.."
સુરીલી કાવ્યાને એની પાસેથી ઉછીનાં લીધેલા પૈસાનો હિસાબ કરે છે.અને બીજે દિવસે બેંકમાંથી લઈ ચુકવી દે છે.
કાવ્યા : "આની શું ઉતાવળ હતી.."
સુરીલી : "મારે હતી.."( સંતોષ અનુભવે છે.)
સુરીલી : (મનમાં) "થોડા સમયમાં જ હવે પાછું મમ્મા પાસે જવું પડશે.પણ કાવ્યાને કહીશ તો એને નહીં ગમે એટલે જવું હશે ત્યારે કહીશ."
કાવ્યા : "શું વિચાર કરે છે ?"
સુરીલી : "કંઈ નહીં..ચાલ સુઈ જઈએ હવે.."
બંને સુઈ જાય છે.સુરીલી સવારે ઉઠે છે ને જુએ છે તો કાવ્યાને તાવ આવ્યો છે અને તે કણસે છે.પણ, ઘડિયાળમાં જોઈ એ સ્ટુડિયો જવા માટે ઉઠીને તૈયાર થઈ જાય છે.સુરીલી એને જવાની ના પાડે છે.પણ, તે માનતી નથી.એટલે સુરીલી એની સાથે જાય છે.બંને સ્ટુડિયો રૂમમાં દાખલ થયાં પણ કાવ્યાથી બેસાયું નહીં..એ ત્યાં જ સોફા પર સુઈ ગઈ. સુરીલી મુંઝાઈ ..શો ચાલું થઈ ગયો ..હવે શું કરવું.એને કાંઈ સુઝ્યું નહીં.એણે બોલવાનું શરૂ કરી દીધું
સુરીલી : "હેલો... ગુડ મોર્નિંગ રાજકોટ..હું છું આપ સૌની નવી દોસ્ત સુરીલી.આપના પોતાના રેડિયો ઝનકારમાં આપ સોને આવકારું છું.મઘુરી મોર્નિંગમાં આજે હું પહેલાં આપ સૌને મારી પસંદનું ગીત સંભળવીશ..પછી આપ સૌની પસંદના ગીતો સાંભળવા મેસેજ કરો અને નવા અને જૂના ગીતો સાંભળો.."
સુરીલીની પસંદનું પહેલું ગીત વાગ્યું..
કાન્હા ...કાન્હા, આન પડી મે તેરે દ્વાર.
મોહે ચાકર સમજ નિહાર,
ચાકર સમજ નિહાર...
કાન્હા કાન્હા આન પડી મે તેરે દ્વાર.
ગીત વાગતું હતું.બધાને ડર હતો કે, લોકો સુરીલીને આમ ઓચિંતી નહીં સ્વીકારે. પણ,આશ્ચર્ય સાથે લોકોએ તો જાણે એને વધાવી લીધી. કાવ્યા સુતા-સુતા આ જુએ છે.એ ઉભી થવા ગઈ તો સુરીલીએ અટકાવી લીધી.આખો કાર્યક્રમ સરસ રીતે પુર્ણ થઈ ગયો.પણ , સુરીલીને એક ફાયદો કરાવી ગયો.આમ ઓચિંતી લોકચાહનાને લીધે એને પણ અહીં કાવ્યા સાથે કો-હોસ્ટ તરીકે પાટૅ ટાઈમ જોબ મળી ગઈ.એને અહીં રહેવું ન હતું. પણ, કાવ્યાના આગ્રહના લીધે એણે જોબ શરૂ કરી દીધી.
થોડાક દિવસ થયા. હવે સુરીલીએ પાછા જવા નિર્ણય કરી લીધો..બે વર્ષ જેટલો સમય તો આમ પણ પસાર થઈ ગયો હતો.હવે તો પાછા જવું જ જોઈએ. એણે મનોમન નકકી કરી કાવ્યાને કહેવાનું વિચાર્યું..પણ મોકો મળે તો ને..?
બંને સ્ટુડિયો રૂમમાં સાથે હતી ત્યારે પ્રયત્ન કરી જોયો પણ ન કહી શકી.અચાનક તેને પત્ર લખવાનું યાદ આવ્યું. એ પેન લેવા બાજુની ચેમ્બરમાં દાખલ થઈ . પેન કાઢવા ડ્રોવર ખોલ્યું તો તેમાં પત્રોનો થપ્પો હતો. એણે પેન માટે એને હટાવવા પ્રયત્ન કર્યો. પણ, ત્યાં જ એની નજર પત્ર પરનાં લખાણ પર પડી. એણે ધ્યાનથી જોયું તો દરેક,પત્ર પર લખ્યું હતું..આઈ લવ યુ સુરીલી..
એ પેન લીધાં વગર પાછી વળી ગઈ. બંને ઘરે જાય છે. ઘરે જઈ કાવ્યાને કહી, સામાન પેક કરી ઘરે જવા જીદ કરે છે. કાવ્યાની ખૂબ મનાઈ છતાં એ જવા માટે તરત જ રવાના થઈ જાય છે.
વધુ આવતા અંકમાં..
-ડૉ.સરિતા (જલધિ)