શિખર - 18 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિખર - 18

પ્રકરણ - ૧૮

શિખર અને તેના મિત્રો ગીતા મેડમ અને રવિ સર બધાં જ હવે વિજ્ઞાન ભવન આવી પહોંચ્યા હતા. ગુજરાતની અનેક શાળાના વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા. ખૂબ સુંદર રીતે આ આખા વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બધાં જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને લગનથી પોતપોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા. વિદ્યાર્થીઓ તો ઉત્સાહી હતાં જ પરંતુ એમની સાથે આવેલાં શાળાના શિક્ષકો પણ એટલાં જ ઉત્સાહી હતા.

શિખર અને એની ટીમે પણ એક ખૂબ જ સરસ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. એમણે રોબોટનું વર્કિંગ મોડેલ બનાવ્યું હતું. એ લોકોએ એવું મોડેલ બનાવ્યું હતું કે, જેને જો બરાબર કમાન્ડ આપવામાં આવે તો એ એકદમ રોબોટની જેમ જ કામ કરી શકે. અને એમણે બનાવેલો આ આખો રોબોટ રિમોટથી સંચાલિત હતો.

એ સિવાય બીજી શાળાના વિદ્યાર્થીઓએ પણ અનેક અલગ અલગ પ્રકારના મોડલ બનાવ્યા હતા. જેમ કે, કોઈએ મોબાઈલનું મોડલ બનાવ્યું હતું તો કોઈએ અંતરીક્ષના ગ્રહોનું મોડલ બનાવ્યું હતું તો કોઈએ સેટેલાઈટનું મોડેલ પણ બનાવ્યા હતા. કોઈએ વળી આપણાં શરીરમાં આવેલાં અંગો જેવાં કે, પાચનતંત્ર, રુધિરાભિસરણતંત્ર, ઉત્સર્જનતંત્ર વગેરે...

આવા અનેક વિવિધ પ્રકારના મોડલોની વચ્ચે જે એક મોડેલ અલગ તરી આવ્યું એ હતું શિખર અને એના મિત્રોએ બનાવેલું રોબોટનું મોડલ.

સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક મોડેલમાંથી શિખરની શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલું આ મોડલ બાજી મારી ગયું. શિખરની શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલું આ મોડલ ખૂબ જ સરસ બન્યું હતું અને જજ લોકોને પણ ખૂબ જ પસંદ આવ્યું. શિખર અને એની શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલું આ મોડલ આગળની નેશનલ લેવલ પરની સ્પર્ધા માટે સિલેક્ટ કરવામાં આવ્યું.

પોતાનું મોડલ સિલેક્ટ થવાને કારણે શિખર અને એના મિત્રો તેમજ તેમનાં શિક્ષકો પણ ખૂબ જ ખુશ થયા.

થોડાં જ સમયમાં સ્પર્ધા વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા. જેમાં પહેલું નામ શિખરની શાળાનું અને એ પછી બીજા બે રનર અપ પણ સિલેક્ટ કરવામાં આવ્યા. વિજેતાને ગોલ્ડ મેડલ અને રનર અપને સિલ્વર મેડલ પહેરાવીને એમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.

સ્પર્ધા પૂરી થયા પછી બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ ત્યાં જ કરવામાં આવી હતી. બધાં બાળકોએ પેટભરીને જમ્યું. જમણવાર પતી ગયા પછી જેટલાં પણ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો એ દરેક વિદ્યાર્થીઓને ભાગ લીધાનું પ્રમાણપત્ર તેમ જ સ્પર્ધાની યાદગીરી સ્વરૂપે એમને નાનકડી ભેટ પણ આપવામાં આવી.

કાર્યક્રમ પૂરો થયો એટલે પછી શિખર અને તેની ટીમને ગીતા મેડમ અને રવિ સરે હવે બસમાં બેસવાનું કહ્યું. શિખરની શાળાના બધાં જ વિદ્યાર્થીઓ બસમાં બેઠા અને હવે ફરી પાછાં પોતાના ગામ જવા તૈયાર થયા. આખા રસ્તે બધાં અંતાક્ષરી રમતાં રમતાં અને મજા કરતાં પોતાના ગામ પરત ફર્યા.

બસ હવે શાળાએ આવી પહોંચી હતી. બધાં જ વિદ્યાર્થી હવે બસમાંથી નીચે ઉતર્યા ત્યારે તેમના દરેકના વાલીઓ પણ પોતાના બાળકોની રાહ જોઈને જ ઉભા હતા. વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાને જોઈને એમના તરફ જવા લાગ્યા. શિખરે પણ આજે પલ્લવીને જોઈ. પલ્લવીને જોઈને એણે પણ એકદમ જ મમ્મી તરફ દોટ મૂકી અને બોલી ઉઠ્યો, "મમ્મી! તને ખબર છે અમારો પહેલો નંબર આવ્યો? અને અમારે હવે નેશનલ લેવલ પર પણ જવાનું છે."

આ સાંભળીને તો પલ્લવી એકદમ જ ખુશ થઈને બોલી ઉઠી, "અરે વાહ! ખૂબ સરસ. હું જાણતી હતી કે જ્યાં મારો શિખર હોય ત્યાં જીત જ હોય. મારો દીકરો બહુ હોશિયાર છે." એમ કહેતાં એણે શિખરને તેડી જ લીધો.

પલ્લવી હવે શિખરને લઈને ઘરે આવી. ઘરે નીરવ અને તુલસી બંને પણ એનું સ્વાગત કરવા ઉભા જ હતા.

શિખર જીતીને આવ્યો છે એ સાંભળીને નીરવ તરત જ બોલ્યો, "જોયું ને! મારો દીકરો પહેલો નંબર લાવ્યો. મને એના પર પૂરો વિશ્વાસ હતો કે એ જરૂર જીતીને જ આવશે. હાર એને કદી નહીં જ મળે."

પપ્પાની આવી વાત સાંભળીને શિખર ખુશ તો થયો પણ એના મનના એક ખૂણે હવે જવાબદારીનો ભાર પણ વધી રહ્યો હોય એવું એને લાગવા લાગ્યું હતું. એ વિચારી રહ્યો, 'મારા માતા-પિતાને મારી પાસેથી કેટલી અપેક્ષાઓ છે નહીં! મારે એમની એ અપેક્ષાઓને પૂરી કરવી જ જોઈએ. હાર સ્વીકારવી મને પોષાય તેમ નથી.'

ધીમી ગતિએ એના મન પર આ અપેક્ષાઓના ભારની અસર વર્તાવા લાગી હતી. જેનું ખૂબ જ ગંભીર પરિણામ ભવિષ્યમાં આવવાનું હતું એ વાતથી હાલ સૌ કોઈ અજાણ હતા.

(ક્રમશ:)