ડાયરી - સીઝન ૨ - લાસ્ટ બૅન્ચર Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - લાસ્ટ બૅન્ચર

શીર્ષક : લાસ્ટ બેન્ચર
©લેખક : કમલેશ જોષી
“તમને શું લાગે છે આપણે સુધરીએ એવા એક બે કે પાંચ ટકા પણ ચાન્સીસ છે ખરા?” એક દિવસ છેલ્લી બેન્ચના બાદશાહ એવા અમારા પાંચ જણામાંથી એકે બહુ ખતરનાક, ક્રાંતિકારી પ્રશ્ન પૂછી નાખ્યો. અમે સૌ એની સામે ડોળા ફાડીને તાકી રહ્યા. એ સિરિયસ હતો. અમે પૂછ્યું “કેમ શું થયું?” હવે એ અમારી સામે ડોળા ફાડી તાકી રહ્યો. અમને બેશરમીથી તાકતા જોઈ એણે જીભ ખોલી “આપણા ક્લાસમાં સૌથી ઠોઠ, બદમાશ અને મસ્તીખોર આપણે છીએ, દરેક સાહેબ ભણવા માટે મોટીવેશન આપે છે ત્યારે ‘જો ભણશો નહિ તો કોઈ મરચા ખાંડવા માંય નહિ રાખે કે મજૂરી કરવી પડશે કે સમાજને નડતરરૂપ થશો કે ગુંડા-મવાલી બનશો કે મા-બાપે તમારા જામીન ગોતવા પડશે કે મા-બાપનુંય નામ ડૂબાડશો’ એવું કહે છે ત્યારે એ લોકો મોટે ભાગે આપણી સામે જોઈને, જાણે આપણને જ એકલાને કહેતા હોય એવી તમને લોકોને શંકા નથી પડતી?” અમે સૌ એકબીજા સામે તાકી રહ્યા. શંકા નહિ અમને ખાતરી હતી કે સાહેબ આ બધું અમને જ કહી રહ્યા છે. દર વર્ષે ફેલ થવાનો, બેતાલીસથી છેતાલીસ ટકાની વચ્ચે માર્ક લાવી છેલ્લા નંબરે આવવાનો અમારો રેકોર્ડ એવો સજ્જડ હતો કે ક્લાસમાં જ નહિ આખી નિશાળમાં પણ જયારે ‘ઠોઠ વિદ્યાર્થી’ કે ‘ઢ વિદ્યાર્થી’ એવો ઉલ્લેખ થતો ત્યારે સૌ કોઈ એકવાર તો અમારી સામે જોઈ જ લેતું.

તમે પેલી મનોજ બાજપાઈની ફિલ્મ ‘શૂલ’ તો જોઈ જ હશે. શું આપણા (થોડા ઘણા સારાને બાદ કરતા બાકીના) રાજકારણીઓ કે નેતાઓએ એ ફિલ્મ જોઈ હશે? એ ફિલ્મના વિલનનો ‘ધી એન્ડ’ જોઈ એમને આનંદ થયો હશે કે બીક લાગી હશે? તમે પેલી ‘જિંદગી કી તલાશ મેં હમ’ ગીત વાળી ફિલ્મ ‘સાથી’ અથવા તો સંજય દત્ત વાળી ફિલ્મ ‘વાસ્તવ’ તો જોઈ જ હશે. શું આપણી આસપાસ છાકટા થઈ ફરતા બદમાશોએ એ ફિલ્મ જોઈ હશે? એ ફિલ્મના અવળા રવાડે ચઢેલા હીરોનો ધી એન્ડ જોઈ એમને શું ફિલ થયું હશે? આજકાલ દરેક ફિલ્મની શરૂઆતમાં તમાકુ, ગુટખા, સિગારેટ પીવાથી થતા જીવલેણ રોગોની જાહેરાત દર્શાવવામાં આવે છે. શું કોઈ વ્યસનીએ આ જાહેરાતો જોઈ હશે? એ જોઈ એમના મનમાં ‘વ્યસન છોડી દેવું પડશે’ એવો વિચાર આવ્યો હશે કે ‘આ બધી જાહેરાતો બકવાસ છે’ એવો તર્ક સૂઝ્યો હશે?

“જો બકા, આપણે તો આપણા મનના રાજા છીએ.” રીસેસમાં ગોલા ખાતા-ખાતા અમારામાંથી એક ખાઉધરો લાસ્ટ બેન્ચર મિત્ર બોલ્યો એટલે ફરી અમને ક્લાસમાં થયેલી ‘સુધરવાના ચાન્સીસ’ વિશેની વાત યાદ આવી. ખાઉધરો આગળ બોલ્યો “મન થાય તો ભણીએ અને મન ન થાય તો ન ભણીએ શું?” એના ફૂલટોસ દડા જેવા જવાબને હવામાં જ ઉપાડી લેતા સુધારાવાદી મિત્રે સહેજ ગુસ્સા સાથે કહ્યું, “હવે બંધ થા ને બકા વાળી, આપણે મનના રાજા નહિ, ગુલામડા છીએ.” અમે ચોંકી ઉઠ્યા, પણ એના અવાજમાં મક્કમતા હતી, “ફેક્ટ એ છે કે આપણે મનના બોસ નથી પણ મન આપણો બાપ છે, તારામાં ત્રેવડ હોય અને તું ખુદને મનનો માલિક કે રાજા સમજતો હો તો એક અઠવાડિયું મનને ચુપચાપ ભણવાનો અને ફર્સ્ટ નંબર લાવવાનો ઓર્ડર આપી જો.. બધી હેકડી નીકળી જશે."લોમડી જેવા દિમાગના અમે તો છક્કડ ખાઈ ગયા. "એની વાતમાં દમ છે." પેલો ખાઉધરો કાંઈ બોલે એ પહેલા અમારી ગેંગનો બોસ, સૌથી વધુ તોફાની મિત્ર બોલ્યો. અમારા તોફાની વિચારોને બ્રેક લાગી. બોસ બોલ્યો, "હું પણ શરૂઆતના ચોથા, પાંચમાં, સાતમાં ધોરણ સુધી ડાહ્યો હતો અને હંમેશા પહેલો, બીજો કે પાંચમો નંબર આવતો." બોસના અવાજમાં થોડો વસવસો હતો. "પણ કોણ જાણે કેમ હાઈસ્કૂલમાં આવ્યો અને ગાડી પાટા પરથી ઉતરી ગઈ. મારા તોફાન વધતા ગયા, બાપાની થપાટો વધતી ગઈ અને મારા માર્ક ઘટતા ગયા. બે'ક વાર મેં ફરી પહેલી બેંચ તરફ જવા પ્રયત્ન કર્યો, પણ હવે સાલું મન નથી લાગતું, ઈ સાચો છે, આપણે મનના રાજા નથી." એની કબુલાતથી પેલા ક્રાંતિકારીના ચહેરા પર વિજયી સ્મિત આવ્યું. એ ખાઉધરા સામે જોઈ બોલ્યો, "લ્યા ખાઉધરા, તું ખોટું ન લગાડતો, પણ ફેક્ટ એ છે કે આપણે મનના રાજા નથી, પણ મનનો રાજા પેલો ફર્સ્ટ બેંચ પર સુકલકડી, ઠીંગુજી બેસે છે ને એ અથવા પેલી સાહેબની ચમચી, પણ ભણવામાં હોશિયાર પેલી ફર્સ્ટ બેન્ચર ચશ્મીસ છોકરી છે‌." એના વાક્યની અમને નવાઈ લાગી. "મેં દસ દિવસ પેલા ઠીંગુજી સાથે બેસવાની ટ્રાય કરી લીધી, બોર્ડ સામે એકધારું જોવું, સાહેબના એકેક વાક્યને સાંભળવું, સમજવું, નોટમાં ઉતારવું, દાખલાઓ ગણવા, ટટ્ટાર અને અદબ વાળીને બેસવું માળું બેટું ખાતરનાક ચેલેન્જ વાળું કામ છે.." એ અટક્યો. એની વાતોથી અમને અકળામણ થઈ.

હમણાં એક વડીલે કહ્યું મેડીટેશન એટલે આમ તો ખાલી આંખ બંધ કરીને બેસવાનું સાવ સહેલું કામ છે પણ તમે જયારે બેસો ત્યારે ખબર પડે કે ગીરનાર ચઢવો કદાચ સહેલો છે પણ ત્રીસ મિનિટ કે એક કલાક મેડીટેશન કરવું બહુ અઘરું છે. છરી બતાવીને કોઈને લુંટી લેવો સહેલો છે પણ કોઈ બેફામ લાંચની ઓફર કરે એ ઠુકરાવવી બહુ અઘરી છે. ગોળગોળ, દ્વિઅર્થી કે છેતરામણી વાતો કરી કોઈને શીશામાં ઉતારી લેવો સહેલો છે પરંતુ પોતે કરેલી ભૂલની સાવ સાચે સાચી કબૂલાત કરવાનું કામ બ્લડ પ્રેશર વધારી દેનારું છે. સજ્જનને, સંતને, ભલાને, ભોળાને અટકાવવો, ભટકાવવો, સતાવવો કે લટકાવવો કદાચ સહેલો છે પરંતુ ઇમાનદારીના, સજ્જનતાના, સાચી ભક્તિના માર્ગે એક ડગલું પણ માંડવું એ કામ ‘શૂરવીર’ નું કામ છે. છેલ્લી બેન્ચે બેસી ખીખીયાટા કરવા, મસ્તી, તોફાન, વાંદરાવેળા કરવા સહેલા છે પરંતુ ફર્સ્ટ બેંચ પર ડીસીપ્લીન જાળવી બેસવા, ટોપ ગ્રેડ લાવવા કે દરેક પ્રશ્નનો જવાબ આપવા હાથ ઉંચો કરવા માટે જે શારીરિક, માનસિક કસરત કરવી પડે છે એ કોઈ કમાન્ડો ટ્રેનીંગથી જરાય ઓછી નથી હોતી. કોણ જાણે કેમ અમને પહેલી બેંચ પર કમાન્ડો બેઠા હોય, સંતો બેઠા હોય, કાનુડો બેઠો હોય અને અમે છેલ્લી બેંચ પર બેઠેલાઓ આતંકવાદીઓ હોઈએ, રાક્ષસો હોઈએ, દુર્યોધનો કે શકુનિઓ હોઈએ એવી અકળામણ થવા લાગી. ,"આજે તું શું ખાઈને આવ્યો છે?" અચાનક ખાઉધરો બોલ્યો.
"સવારે આદુ વાળી ચા પીને આવ્યો છું." પેલો ક્રાંતિકારી બોલ્યો અને ખાઉધરાના ચહેરા પર મજાકીયુ સ્મિત આવી ગયું "તંય કે ને..." એ સહેજ હસ્યો. "આજે તું આદુ ખાઈને અમારી પાછળ પડ્યો છે." પણ ક્રાંતિકારીએ જુદો જવાબ આપ્યો, "ના, મારી આંખ એટલે ઉઘડી છે કે પંદરેક દિવસ પહેલા મારા પપ્પાના એક ફ્રેન્ડ અમારા ઘરે આવ્યા હતા. એમના સ્કુલ-કોલેજ કાળમાં જ નહિ એ પછી પણ એમણે આપણી જેમ સુધરવાનું નામ જ ન લીધું, એ અફસોસ સાથે કહેતા હતા કે આખી લાઈફ ધૂળમાં મળી ગઈ, ફેલ ગઈ, ખોટી જગ્યાએ વપરાઈ ગઈ, ખર્ચાઈ ગઈ... પર તબ પછતાયે હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. દુનિયાને છેતરવામાં અમે ખુદ જ છેતરાઈ ગયા. કાશ, નાનપણમાં ઘરે મા-બાપનું માન્યા હોત કે નિશાળમાં શિક્ષકોનું સાંભળ્યું હોત, સાચા મિત્રોની, સાચી વાતની ઠેકડી ના ઉડાડી હોત અને સમાજના સજ્જનોને, સંતોને સમજવા પ્રયત્ન કર્યો હોત અને જો સહેજ અમથો ફેરફાર ખુદમાં કર્યો હોત તો લાઈફ આખી સુધરી જાત. પણ અફસોસ.." ક્રાંતિકારી અટક્યો અને અમારી વચ્ચે કેટલીયે ક્ષણો ખામોશ વીતી ગઈ.
મિત્રો, તમે શું માનો છો? અમે છેલ્લી બેંચ છોડી દીધી હશે? નો, અમે લાસ્ટ બેંચ છોડી ન શક્યા. સુધરવા માટે લાસ્ટ બેંચ ક્યાં છોડવાની હતી? છોડવાના હતા વાનરવેડા, તોફાન, બદમાશીઓ, બેવકુફીઓ. ફર્સ્ટ બેંચ પર બેસી બોર્ડ પર ફોકસ કરવું કદાચ સહેલું હતું પણ લાસ્ટ બેંચ પર, જ્યાં શિક્ષકની નજર ન પહોંચતી હોય ત્યાં ડીસીપ્લીનમાં બેસવું વધુ ચેલેન્જ વાળું કામ હતું, જે અમે કરી બતાવ્યું. ધીરે ધીરે અમારો લાસ્ટ રેન્ક છૂટવા લાગ્યો અને ફર્સ્ટ નંબર તરફ અમે સરકવા લાગ્યા. વાર્ષિક પરીક્ષામાં અમારા તોફાની બોસનો જયારે ત્રીજો નંબર આવ્યો અને અમે સૌ ટોપ ટેનમાં આવ્યા ત્યારે આખી સ્કૂલે અમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સાચું કહું, નફફટ અને નકટા જેવી લાસ્ટ બેન્ચર લાઈફ કરતા સમાજમાન્ય, સન્માનભરી, નીતિ નિયમ વાળી આ નવી લાઈફ અમને વધુ ગમી.
આજના રવિવારે તમારી લાઈફના આવા સત્ય વક્તા મિત્રો અને લાઈફ ચેન્જર કિસ્સાઓ વાગોળી અને જો યોગ્ય લાગે તો એકાદ અહીં કમેન્ટમાં લખી, સમાજમાં લાસ્ટ બેંચે બેસી લાઈફ વેસ્ટ કરી રહેલા સાથી મિત્રોને પ્રોત્સાહન આપીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)