કોરોનાના વધતાં જતાં પ્રકોપને કારણે શિખર હવે ઓનલાઈન ક્લાસીસમાં ભણવાનો હતો. શરૂઆતમાં એને શાળામાંથી વિડીયો મોકલવામાં આવતા અને એ પ્રમાણે એક્ટિવિટી કરાવતા. જેમાં ક્યારેક ગીત પ્રમાણે એક્શન કરવાની હોય, ક્યારેક રાયમ્સ બોલવાની હોય તો કયારેક બાળકોને વેજીટેબલ સેન્ડવીચ અને લીંબુ શરબત બનાવવાનું પણ શીખવાડતા. અને શિખર એ હોંશે હોંશે શીખતો પણ ખરો.
શરૂઆતમાં બધાંને લાગતું હતું કે, આ બહુ લાંબુ નહીં ચાલે પરંતુ ધીમે ધીમે જે રીતે કેસોની સંખ્યા વધી રહી હતી એ જોઈને આ ખરેખર ચિંતાજનક બાબત તો હતી જ.
સમાચારની દરેક ચેનલમાં આ કોરોના વાયરસના જ ન્યુઝ આવતા હતા. એ સિવાય બીજું કંઈ જ નવું જોવા જ મળતું ન હતું. નીરવ વારંવાર આજ ન્યુઝ જોયા રાખતો હતો અને પછી ખૂબ જ ટેન્શનમાં આવી જતો.
નીરવની આવી હાલત જોઈને તુલસી એને વારંવાર સમજાવતી અને કહેતી, "દીકરા! તું બને તો હવે આવા નેગેટિવિટીથી ભરેલા સમાચાર જોવાનું બંધ કર. ત્યારે નીરવ એને કહેતો, "પરંતુ મમ્મી! સમાજમાં શું થાય છે એ આપણને ખબર તો પડવી જોઈએ ને? આપણે સતર્ક તો રહેવું જ પડે ને?"
"હા! તારી એ વાત સાચી કે, આપણે સતત જાગૃત રહેવું પડે. પરંતુ શું તું એ નથી જાણતો કે, અતિ સર્વત્ર વર્જયેત! અતિને કોઈ ગતિ નથી હોતી. આ હું તને એટલે કહું છું કારણ કે, તું વારંવાર એકના એક સમાચાર જોયા કરે છે એની તારા મગજ ઉપર ખરાબ અસર થઈ રહી છે. હું ઘણી વખત જોઉં છું કે તું પલ્લવી પર પણ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ક્યારેક શિખર પર પણ. પણ જો તું આ રીતે જ એના ઉપર ગુસ્સે થતો રહીશ તો ભવિષ્યમાં એના પરિણામો સારા નહીં આવે. એ તારાથી દૂર થતો જશે. એ તું કેમ નથી સમજતો?"
"મમ્મી! તું કદાચ ઠીક કહે છે. પણ હું શું કરું? હું પોતે જ મારા કંટ્રોલમાં નથી અત્યારે. એક તો મારી નોકરી પણ જતી રહી છે તો માનસિક રીતે હું ખૂબ જ ત્રસ્ત રહું છું. હું શું કરું એ જ મને સમજાતું નથી?"
"તું શું કામ ચિંતા કરે છે? બેટા! ભગવાનની ઈચ્છા હશે તો તને ફરી બીજી નોકરી પણ મળી જશે અને કુદરત ક્યાં સુધી આ ખેલ ખેલી શકશે? એક ને એક દિવસ તો આ વાઈરસનો પણ વિનાશ થશે જ. જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે જ. આ જ પ્રકૃતિનો નિયમ છે."
પણ આ વાયરસનું વિસર્જન થતા પહેલા એ પલ્લવીના શરીરમાં મહેમાન બન્યો. હા! પલ્લવીને બે દિવસથી તાવ જેવું લાગતું હતું એટલે એમણે રીપોર્ટ કરાવ્યો તો એનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો.
એનો રીપોર્ટ પોઝીટીવ આવતાં જ એને પોતાના જ ઘરમાં કવોરેન્ટાઈન કરવામાં આવી. ડૉક્ટરે એને પોતાના જ ઘરમાં અલગ રહેવાનું કહ્યું. પોતાના જ ઘરમાં પલ્લવીને જેલમાં પૂરવામાં આવી.
પોતાની મમ્મીને આ રીતે એક રૂમમાં બંધ પુરાયેલી જોઈને નાનકડો શિખર હેરાન થવા લાગ્યો. એણે જોયું કે, એની મમ્મીને એક રૂમમાં પૂરી દેવામાં આવી છે અને એને ખાવાનું પણ એના રૂમમાં જ આપી દેવામાં આવે છે. એ રૂમમાંથી બહાર નીકળી શકતી નથી. દાદી અને પપ્પાએ એને રૂમમાં પૂરી દીધી હતી.
એ ઘણીવાર નીરવને પૂછતો, "પપ્પા! મમ્મી બહુ તોફાન કરતી હતી એટલે તમે એને રૂમમાં પૂરી દીધી છે?"
ત્યારે નીરવ એને સમજાવતાં કહેતો, "બેટા! તારી મમ્મીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. અને આપણે જો એને રૂમમાં નહીં પુરીએ ને તો આપણને બધાંને પણ આ વાયરસનો ચેપ લાગશે. એટલા માટે આપણે એને રૂમમાં પૂરી છે. હમણાં થોડા દિવસમાં એ સાજી થઈ જશે પછી આપણે એને રૂમની બહાર આવવા દઈશું. ઓકે?"
નીરવની આવી વાત સાંભળીને શિખર કંઈ બોલતો તો નહીં પરંતુ શિખરને વારંવાર પોતાની મમ્મી પાસે જવાનું મન થતું હતું. એ કોશિશ કરતો કે, એ પલ્લવી જોડે રૂમમાં જતો રહે પરંતુ નીરવ અને તુલસી બંનેની નજર હંમેશા એના પર રહેતી. એ બંને એને પલ્લવી પાસે જવા દેતા નહીં એટલે શિખર મમ્મી પાસે જવાની જીદ પકડતો અને રડી રડીને મમ્મીનાં નામની ચીસો પાડી ઉઠતો.
દરવાજાની પેલે પાર પલ્લવી પણ શિખરની આ ચીસો સાંભળતી. સાંભળીને એની આંખમાં આંસુ આવી જતા. પરંતુ એ પણ જાણતી હતી કે, આ થોડા દિવસની જુદાઈ શિખરના ભલા માટે જ છે એટલે એ એને સમજાવવાનો પ્રયત્ન કરતી અને કહેતી, "શિખર! બેટા! દીકુ. મમ્મી માંદી છે ને એટલે રૂમમાં પુરાઈ ગઈ છે. તમને કોઈને મારો ચેપ ન લાગે ને એટલે હું આ રૂમમાં પુરાઈ ગઈ છું હો. હવે થોડાંક જ દિવસ છે. પછી તો હું બહાર આવી જ જઈશ હો. ત્યાં સુધી તું તોફાન ન કરતો. મારો ડાહ્યો દીકરો છો ને? દાદી અને પપ્પા જેમ કહે ને એમ કરજે. એમનું માનજે."
પણ નાનકડો શિખર આ વાત સમજતો નહીં અને કહેતો, "મમ્મી! મને ખબર છે દાદી અને પપ્પાએ જ તને રૂમમાં પૂરી દીધી છે. હું હવે એ લોકો જોડે બોલવાનો જ નથી. હું એ બંનેની કીટ્ટા છું."
પંદર દિવસ પૂરા થયા પછી ફરી પલ્લવીનો રિપોર્ટ કરાવવામાં આવ્યો. એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે એને રૂમની બહાર કાઢવામાં આવી. જેવી પલ્લવી બહાર નીકળી કે, શિખર એને મમ્મી.... મમ્મી... કરતો ખૂબ જ જોરથી વળગી પડ્યો.
(ક્રમશ:)