એડજસ્ટ એવરીવ્હેર Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એડજસ્ટ એવરીવ્હેર

‘એડજસ્ટ એવરીવ્હેર’ આટલો જ શબ્દ જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલાં રીએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના. માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! આ કળિયુગના આવા ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવ ને, તો ખલાસ થઈ જશો !

સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. ત્યારે આ ઘૈડિયાંઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખઈને મરી જઈશ ! જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. મારે તો ચોર જોડે, ગજવા કાપનાર જોડે, બધા જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એય જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને ‘તું ખોટો છે’ એવું ના કહીએ. કારણ કે, એનો એ ‘વ્યુ પોઈન્ટ’ છે. ત્યારે લોક એને ‘નાલાયક’ કહી ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જૂઠ્ઠા નથી ? ‘સાવ જૂઠ્ઠો કેસ જિતાડી આપીશ’ એમ કહે, તે એ ઠગારા ના કહેવાય ? ચોરને લુચ્ચો કહે ને આ તદ્દન જૂઠ્ઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય ? છતાં એનુંય ચાલે છે ને ? કોઈનેય અમે ખોટો ના કહીએ. એ એના ‘વ્યુ પોઈન્ટ’થી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે, તેનું ફળ તને શું આવશે.

આ ઘૈડિયાં ઘરમાં પેસે તો કહેશે, ‘આ લોખંડનું કબાટ ? આ રેડિયો ? આ આવું કેમ ? તેવું કેમ ?’ એમ ડખો કરે. અલ્યા, કોઈ જુવાનની દોસ્તી કર. આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવે શી રીતે ? કંઈક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે ? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તમારે ના કરવું. આ આઈસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઈએ. આ તો ઘૈડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાના છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે અને એ પણ સમજાયેલું કે કોઈને સત્તા જ નથી, આ જગતને ફેરવવાની. છતાં, અમે શું કહીએ છીએ કે જમાના પ્રમાણે એડજસ્ટ થાવ ! છોકરો નવી જ ટોપી પહેરી આવે તો એવું ના કહીએ કે, આવું કંઈથી લઈ આવ્યો ? એના કરતાં એડજસ્ટ થઈએ કે, આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાંની આવી ? બહુ સસ્તી મળી ? આમ એડજસ્ટ થઈ જઈએ.

આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે ‘આ ચાદર મેલી છે’ પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિય જ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો.

આ વાંદરાની ખાડી ગંધાય, તો એને શું વઢવા જવાય ? તેમ આ માણસો ગંધાય છે, તેને કંઈ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે, ‘તમે અમારી જોડે વીતરાગ રહો !’

આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બન્નેને સરખા કરી નાખવાના છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું ‘મિક્ષ્ચર’ કરી નાખીએ એટલે પછી અસર ના રહે. ‘એડજસ્ટ એવરીવ્હેર’ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડેય ને ખોટું કહેતું હોય તેની જોડેય ‘એડજસ્ટ’ થા. અમને કોઈ કહે કે, ‘તમારામાં અક્કલ નથી.’ તો અમે તેને તરત ‘એડજસ્ટ’ થઈ જઈએ ને તેને કહીએ કે, ‘એ તો પહેલેથી જ ન્હોતી ! હમણાં તું ક્યાં ખોળવા આવ્યો છે ? તને તો આજે એની ખબર પડી. પણ હું તો નાનપણથી એ જાણું છું.’ આમ કહીએ એટલે ભાંજગડ મટી ને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો ‘આપણે ઘેર’ ક્યારે પહોંચાય ? આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે ?

સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ ‘એડજસ્ટ’ થતા તો આવડવું જ જોઈએ. સામો ‘ડિસ્એડજસ્ટ’ થયા કરે, ને આપણે ‘એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતા આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. ‘એડજસ્ટ એવરીવ્હેર.’ દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય, એ જ મોટામાં મોટો ધર્મ.