હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 1 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 1

કર્ણાટક રાજ્યના નાં હમ્પી અને તુંગભદ્રા આસપાસ મેં ચાર અલગ સ્થળો બે દિવસ માં જોયાં તે ચાર ભાગમાં અત્રે મુકું છું.

1.

હું હમ્પી અને તુંગભદ્રા ડેમ તથા હનુમાનજીનાં જન્મસ્થાન અંજનીબેટ્ટાના મારા પ્રવાસનો અનુભવ આપ સહુ સાથે શેર કરીશ.


અમે 7.8.23 ની રાત્રે 06545 યશવંતપુર - બીજાપુર (હવે વિજયપુર, મૂળ નામ. આપણે બીજાપુરના ગોળ ગુંબજ વિશે ભણેલાં, જ્યાં તમારા અવાજના બરાબર છ પડઘા પડે અને perfectly symmetrical ડોમ છે, તે ત્યાં આવેલું છે.) એ ટ્રેનમાં બેંગલોર થી હોસ્પેટ જવા નીકળ્યાં. એ ટ્રેન યશવંતપુરથી રાત્રે 9.30 વાગે ઉપડી સવારે 5.50 વાગે હોસ્પેટ આવે છે. ટ્રાવેલની બસો થોડી વહેલી ઉપડીને સવારે 5 પહેલાં પહોંચી જાય છે.

આ ટ્રેનમાં સિલ્ક કાપડ માટે મશહૂર દાવણગેરે રાત્રે 3 વાગે આવે છે.


ટ્રેન સવારે 5.20 ના, અર્ધો કલાક વહેલી હોસ્પેટ પહોંચી ગઈ!

હોસ્પેટ નું સાચું નામ હોસાપેટા છે જેનો અર્થ કન્નડમાં 'નવું શહેર' થાય છે. કદાચ 1953 માં તુંગભદ્રા ડેમ બન્યો ત્યારે આ વસેલું એટલે નવું શહેર. ધમધમતું શહેર છે. સ્ટેશન થી 1.1 કિમી બસસ્ટેન્ડ રીક્ષાઓ 10 રૂ. સવારી લઈ જાય છે.


અમારું અગાઉથી રિઝર્વેશન હોટેલ માલિગે માં હતું. travel hampi ના યુવાન માલિક શિવા સવારે 5.30 વાગે પણ આવકારવા આવી ગયા! એમને ખ્યાલ હતો કે અમે બસમાં આવશું એટલે કાર બસ સ્ટેન્ડ હતી. અમને એમણે જ હોટેલ જતી રિક્ષા કરી આપી, 2 કિમી ના 40 રૂ. લીધા.


હોટેલમાં agoda દ્વારા એક દિવસ એક રાત બુક કરેલ. આમ તો ચેક આઉટ ટાઇમ 12 વાગે બપોરે હોય છે, અમને કહ્યું કે 24 કલાક કરી આપશું. અમે છ થી સવા સાત સુધી રિસેપ્શન ના આરામદાયક સોફા પર બેઠાં અને પછી ચેક ઈન કરાવ્યું. હોટેલનું વિશાળ અને સરસ મકાન છે. હોટેલમાં સરસ હોજમાં કમળો ઉગે છે, વચ્ચે મોટો ફુવારો છે. વચ્ચે ચોકમાં આવેલાં રેસ્ટોરાંમાં જાતજાતની વાનગીઓ મળે છે.


સામે હોટેલ તરફથી બ્રેકફાસ્ટ included માટે રેસ્ટોરાં છે ત્યાં જઈ સારો એવો નાસ્તો કર્યો.


સવારે નવ વાગે travel hampi ની કાર આવી ગઈ. અમે પહેલાં ઊપડ્યાં વિરૂપાક્ષ મંદિર અને આજુબાજુ માટે. તેનું સ્થળ હમ્પી હોસ્પેટ થી 15 કિમી છે.


રસ્તે શેરડીનાં ખેતરો ખૂબ આવ્યાં. શેરડી ભરેલા ટેમ્પા અને ગાડાં મળ્યાં.


વિરૂપાક્ષ એટલે, વિરૂપ અક્ષ વાળા. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું જે કપાળ વચ્ચે હતું એટલે સ્વરૂપવાન ને બદલે વિરૂપ થઈ ગયા, આંખો દ્વારા.


વિરૂપાક્ષ મંદિર સવારે જોવું સારું. એ જોવા ટુરિઝમ સર્ટિફાઇડ ગાઈડ રાખવો ઉચિત રહે કેમ કે જૂના પુરાણા અવશેષો જોઈ આપણે નીકળી જઈએ તો શું જોયું એનો ખ્યાલ ન આવે. અમે પણ 250 રૂ .માં ગાઈડ રાખ્યો, એ મંદિર પૂરતો.


વિરુપાક્ષ મંદિરનું ગોપુરમ ઊંચું, સાત માળનું છે. મુખ્ય પ્રવેશદ્વાર માં એ શિખરમાં બારીઓ એ રીતે મુકેલી છે કે અમુક સમયે સૂર્ય કિરણો અંદર શિવ મૂર્તિ પર પડે. અંદર જવા ખાસ લાઇન ન હતી. છેક ગર્ભદ્વાર ના ઉંબર સુધી જઈ દર્શન કરવાં હોય તો 25 રૂ. ટિકિટ છે. અમે એ લીધી. ત્યાં જ પિત્તળની થાળીમાં મોટો દીપ લઈ મહારાજે આરતી કરાવી માથે મંદિરનો મુગટ મૂકી આશિષ આપી. એક સફેદ રંગની ભસ્મના મોટા પિંડ પર આંગળી ફેરવી તેનું તિલક કર્યું.


ગાઇડે બતાવ્યું કે એક બારીમાંથી પેલાં ગોપુરમનું મંદિરની અંદર સામેની ભીંત પર ઊંધું પ્રતિબિંબ પડે છે! વગર લેન્સનો કેમેરા એ વખતની ટેકનોલોજી મુજબ! ગાઇડે હાથ ઊંચો નીચો કરી બતાવ્યું કે એ પ્રતિબિંબ નાનું મોટું, ઝૂમ ઈન ઝૂમ આઉટ થઈ શકે છે! પ્રતિબિંબ ની સાઈઝ આપણી હથેળી કરતાં બમણી જેવી હતી એટલે શિખરમાં નાં સાત કાણાં પણ જોઈ શકાતાં હતાં.


આ બધું બાંધકામ પીળા રેતીના પત્થરોથી થયેલું છે. ગોપુરમ અને મંદિરમાં રાજા, યુદ્ધ કરતો યોદ્ધો, શિવ પાર્વતી, દરવાજે દ્વારપાળ, શૃંગાર કરી અરીસામાં જોતી સ્ત્રી વગેરેની કોતરણી એ પથ્થરોમાં બારીક રીતે કરેલી હતી. દ્વારની બેય બાજુ તરાપ મારવા ઊભા સિંહ જેવા યાલી ઉભેલા. યાલી એટલે સાત પ્રાણીઓનો સમૂહ, કામ એકદમ સરવા જાણે કૂતરું, આગળ અણીદાર નખ સાથે ઊંચા પંજા એટલે યુદ્ધ માટે તૈયાર, ઘોડા જેવું પેટ એટલે ચપળતા, મગર જેવું અંગ અને આંખો એટલે પણ ત્વરિત એક્શન, સિંહ જેવી ઉગ્રતા સાથે શાંતિ એટલે જરૂર હોય તો જ હુમલો કરવો એમ રાજા નાં સાત લક્ષણો એ યાલી નામનું પ્રાણી બતાવે છે.


એક ભાગમાં ઘુમ્મટની નીચે અને છત પર કુદરતી રંગોથી એ છસો સાતસો વર્ષ અગાઉ કરેલ ચિત્રો હતાં.


એક પ્રાણી પર હાથ મૂકી ગાઈડે બતાવ્યું કે અમુક જગ્યાએ હાથ રાખીએ તો બળદ , અમુક જગ્યાએથી હાથી એમ દેખાય. બધી પથ્થરમાંથી કંડારેલી કરામત.


નજીકમાં ઊંચે જોવું પડે એવી મોટી મૂર્તિ 'ઉગ્ર નરસિંહ' ની હતી. ક્રોધિત થયેલા વિષ્ણુ નરસિંહ નું સંહારક રૂપ લે છે, પહેલાં એના ખોળામાં સાથળ પર લક્ષ્મીજી હતાં જે હવે નથી. પહોળી થયેલી સાથળો વચ્ચે પથ્થરનો પટ્ટો મૂકી તેને રક્ષાઈ છે. કદાચ પ્રાણી સ્વરૂપ હોઈ અમુક ભાગ સામેથી જોનારની દૃષ્ટિથી ઢાંકવા પણ.


મોટી ક્રોધભરી આંખો, ખુલ્લા મોં માં તીક્ષ્ણ દાંત અને વીરાસનમાં બે પગ પહોળા કરી બેઠેલા નરસિંહ. પણ હાથ ખોળામાં. કહે છે એ વખતે લક્ષ્મીજીની સલાહ મુજબ ક્રોધ શાંત કરવા ધ્યાનમાં બેઠેલા એટલે.


વિરૂપાક્ષ મંદિર નજીક, બહાર એક ટેકરી પર વિશાળ નંદી અને નજીકમાં વિશાળ શિવલિંગ છે. ત્યાં જવા વિરૂપાક્ષ મંદિરના પાર્કિંગમાંથી નીકળી એના પાર્કિંગ માં જવું પડે. વિશાળ એટલે ત્રીસેક ફૂટ ઊંચી અને બાર પંદર ફૂટ જેટલી પહોળી મૂર્તિઓ.


સહેજ આગળ ભોંયરામાં પાણી વચ્ચે એક શિવલિંગ છે. એ મંદિર અને ગુફા જોયાં.


નજીકમાં ઊંચા ઊંચા પથ્થરો એક બીજા પર એ રીતે ગોઠવાયા છે જાણે પનિહારી માથે બેડું. એક મોટા ગોળ ઉપર એક નાનો ગોળ તો ક્યાંક કાચબો કે મગર કે બેઠેલા હાથી કે બળદનો ભાસ થાય એવા આકારો. એ પથ્થરો નીચે ગબડતા નથી કેમ કે એ બન્યા છે જ પાણીના અને જોરદાર પવનના માર થી. તેમને ચોંટાડી રાખતો ફેવિકોલ કે સિમેન્ટ એટલે લાવારસ! બન્યા ત્યારે લાવારસનું પડ બે પથ્થરો વચ્ચે ઠરી એ બે ચોંટી ગયેલા.


થોડે દૂર વિશાળ ગણપતિની મૂર્તિ જેનું નામ સાશિવેકાલુ એટલે સરસવ નાં બીજ જેવા. એવા આકારનાં, સંપૂર્ણ ગોળ પેટ વાળા. એની ગુફા સોનેરી પીળા પથ્થરની પણ મૂર્તિ ગ્રે સફેદ પથ્થરની. તેની નજીકમાં ટેકરી પરથી નીચે દૂર એકદમ હરિયાળી અને ગામ દેખાય.


એક નાનું મંદિર વિરૂપાક્ષ મંદિરનાં પ્રાંગણમાં હતું, ભુવનેશ્વરી દેવીનું. તે કર્ણાટક રાજ્યની ઇષ્ટ દેવી ગણાય છે. બિજાપુર રાજ્યના રાજાઓ કૃષ્ણદેવરાય, હરિહરરાય વગેરે એ દેવીના ચુસ્ત ભક્તો હતા. લાલ સાડી પરિધાન કરેલાં માતા ભુવનેશ્વરીનાં દર્શન કર્યાં.


એ પછી ગયા સારું એવું ચડાણ કરી રામ લક્ષ્મણ મંદિર અને યંત્રોદ્ધારક હનુમાન. ઊંચા, હળદર પીળા રંગના પર્વતોની ચટ્ટાનો ઉપર આ મંદિરો છે. મોટી કાળા આરસની રામ લક્ષ્મણની મૂર્તિઓ અને છેક ઉપર જતાં આઠ પાંખડીઓ વાળા સ્ટાર આકારનાં યંત્રની અંદર હનુમાન મૂર્તિ છે.


નીચે ઉતરતાં નદી આવી જેમાં કોરાકલ કહેવાતી ગોળાકાર નાવ તમને સામે લઈ જાય છે તે ઊભી હતી. બપોરે બાર વાગ્યા હોઈ કોઈ નાવિક ન હતો. કોઈએ કહ્યું સામે કાકડી વેચતો બેસે છે એ. એણે કહ્યું કે સામા કાંઠે હિપ્પી આઇલેન્ડ હતો જે સરકારે બંધ કર્યો એટલે સામે જતી કોરાકલ બંધ હતી.


આ નદી અને હમ્પીનાં મંદિરો આવે વિજયપુર કે બીજાપુર જિલ્લામાં અને સામે દેખાતો અંજની પર્વત કોપ્પલ જિલ્લામાં.


આગળ ગયા ક્વીન બાથ, જ્યાં ખરેખર કોઈ રાણીઓ નહાતી નહોતી પણ વચ્ચે ક્યારેક પાણી હશે તેવા હોજ, મહેલ ફરતે ખાઈ અને અંદર ઝરૂખાઓ હતા. અહીં ASI દ્વારા ટિકિટ રાખી છે. નજીકમાં મહા નવમી ડબ્બા નામની જગ્યા જોઈ. કદાચ ડબ્બા એટલે દરબાર. જ્યાં રાજા દરબાર ભરતા અને દશેરાનો ઉત્સવ થતો તે વિશાળ પ્લેટફોર્મ જોયું. સંકટ સમયે રાજા છટકી શકે એટલે સિંહાસન હતું તેની નજીકમાં જ ભૂગર્ભ ભોંયરું હતું. એમાં અમુક ભાગ ખુલ્લો હતો, મોબાઈલ ની ટોર્ચ કરી એક થી બીજે છેડે ગયો પણ ખરો.


તરત ગયા લોટસ ટેમ્પલ અને એલીફંટ સ્ટેબલ. ત્યાં આ બે જગ્યાઓ સાથે નાનું મ્યુઝિયમ છે. એ બધી જગ્યાની ટિકિટ જો બહાર QR કોડ સ્કેન કરી લો તો ભારતીય માટે 35, કાઉન્ટર પર થી લો તો 45 રૂ. છે.


એ લાઇનબંધ કોટડીઓ જ્યાં હાથી રખાતા હશે તેની નજીકમાં વોચ ટાવરો ચારેય ખૂણે હતા. એક કોન્ફરન્સ હોલ જેવું સભાગૃહ હતું. આ બધાં મકાનો એકદમ symmetrical હોઈ જોવાં ગમે તેવાં હતાં.


બપોરના દોઢ વાગ્યાનો તડકો તપતો હતો. અમે કાર લઈ હોસ્પેટ પરત આવ્યાં, ત્યાં શહેરની મધ્યમાં શાનભાગ ટિફિન હોમ અને રેસ્ટોરાં છે ત્યાં સંપૂર્ણ કન્નડ થાળી ખાધી. રસમ, સાંબાર, ચોખાના પાપડ, ત્યાંનાં શાક, કાંદા નાખેલું રાયતું, કેસરી ભાત નામે શીરો અને ફળફળતા ભાતનો ઊંધો મુકેલો કટોરો. થાળીમાં કેળનું પાન મૂકી તેની પર પીરસેલું.

***

ક્રમશ: