Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 1

લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ?
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
 
નમસ્તે સૌને. મારાં છેલ્લાં બે ત્રણ લેખ વાંચીને તમે સમજી જ ગયાં હશો કે હાલમાં હું બાળ ઘડતરને લગતાં મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહી છું. મારા આ લેખમાં આવો જ એક અન્ય મુદ્દો જે મારે માટે હંમેશા એક પ્રશ્નાર્થ બની રહ્યો છે એની ચર્ચા કરવા માંગું છું.
 
દ્રશ્ય પહેલું:-
 
આજે રમેશ એનાં મિત્ર રાકેશને મળવા જવાનો હતો. આથી ઓફિસેથી જ ઘરે ફોન કરી દીધો કે એ ઘરે મોડો પહોંચશે. રમેશ સાંજે રાકેશનાં ઘરે જાય છે. રાકેશ કોઈક કારણોસર બહાર ગયો હોય છે. આથી રમેશ એનાં દિકરા પ્રથમ સાથે વાતોએ વળગે છે. રમેશે પૂછ્યું, "દીકરા, તુ કયા ધોરણમાં ભણે છે?" જવાબ મળ્યો, "અંકલ, હું અગિયાર સાયન્સમાં છું."
 
આ સાંભળી રમેશ ખુશ થઈને બોલ્યો, "અરે વાહ! શું બનવું છે તારે? ડૉક્ટર કે એન્જિનિયર?" તો પ્રથમ બોલ્યો, "અંકલ મેં એ ગ્રુપ લીધું છે, એટલે ડૉક્ટર તો બની શકીશ જ નહીં. અને બાકીનું શું બનીશ અને શેમાં એડમિશન લઈશ એનો આધાર તો મારા બારમાનાં રિઝલ્ટ પર છે." રમેશ નવાઈ પામ્યો, કે આ છોકરાએ સાયન્સમાં મેથ્સ ગ્રુપ લીધું છે અને એને ખબર જ નથી કે એણે શું બનવું છે? આથી રમેશે પ્રથમને સાયન્સ લેવા માટેનું કારણ પૂછ્યું. તો પ્રથમ કહે, "મારા બધાં ખાસ દોસ્ત મેથ્સ સાથે સાયન્સમાં છે. આથી મેં પણ સાયન્સ લીધું. બાકી પપ્પા મમ્મી તો કોમર્સનું જ કહેતાં હતાં. જેથી કરીને પપ્પાની સાથે રહીને એમનું ઇન્સ્યોરન્સનું બધું સંભાળી લેવાય."
 
દ્રશ્ય બીજું:-
 
"શું વાત છે? 95 ટકા? તારી દીકરીએ તો કમાલ કરી દીધી." પોતાનાં મિત્રની દીકરીનાં દસમા ધોરણમાં 95 ટકા આવેલા જોઈ વધામણાં આપતાં સુમિત બોલ્યો. "તો તારા દીકરાએ પણ કંઈ નાનું કામ નથી કર્યું. એનાં પણ 94 ટકા તો આવ્યાં જ છે." સામેથી જવાબ આપતાં એનો મિત્ર સ્નેહ બોલ્યો. આમ બંને મિત્રો એકબીજાને વધામણાં આપી રહ્યા હતા.
 
પછી બંને વાતોએ વળગ્યા. સુમિતે સ્નેહને પૂછ્યું, "હવે આગળ શું પ્લાન છે? દીકરીને આ જ શાળામાં રાખવી છે કે બદલવાનો છે?" એટલે સ્નેહ બોલ્યો, "ના ના. બદલવી જ પડશે. મારે એને વિજ્ઞાનપ્રવાહમાં ભણાવવી છે. એને માટે તો કોન્સેપ્ટ સ્કૂલ જ સારી પડે. સ્કૂલ, ટયુશન બધું એક જ જગ્યાએ અને એક જ ફીમાં પતી જાય." આ સાંભળી સુમિત નવાઈ પામ્યો. "કેમ સાયન્સ? તારી દીકરી તો સી. એ. બનવા માંગે છે ને?" સ્નેહ તરત બોલ્યો, "એ તો નાદાન છે. એને શું સમજ પડે? હું જે કહું એ જ ફાઈનલ."
 
દ્રશ્ય ત્રીજું:-
 
આજે ઘરમાં કોઈનો હરખ સમાતો ન હતો. ઘરનો લાડકવાયો ચિરાગ આખાય કેન્દ્રમાં પ્રથમ આવ્યો હતો. દસમા ધોરણમાં પહેલી જ વખત બૉર્ડની પરીક્ષા આપી અને આવું ઝળહળતું પરિણામ આવ્યું એ જોઈ ઘરનાં અને એમને ઓળખતાં સૌ કોઈ ખુશ હતાં. લોકલ ન્યૂઝ ચેનલવાળા એનો ઈન્ટરવ્યુ લેવા આવ્યાં. ઘણાં બધાં પ્રશ્નો પૂછ્યા, જેનાં ચિરાગે ખૂબ સુંદર જવાબો પણ આપ્યાં. અંતે એને પૂછવામાં આવ્યું, "હવે આગળ શું પ્લાન છે? ડૉક્ટર કે એન્જિનિયર?" એટલે ચિરાગ તરત બોલ્યો, "ના ના. મારું તો પહેલેથી જ નક્કી છે. હું તો સંસ્કૃત વિષય સાથે પી. એચ. ડી. કરવા માંગું છું. આપણી લુપ્ત થવાને આરે પહોંચેલી દેવભાષા ભણવા માંગું છું અને સમજવા માંગું છું." એનો આ જવાબ સાંભળી ચેનલવાળા ચોંકી ગયા. એનાં ઘરનાં સૌએ પણ ચિરાગની વાતમાં સહર્ષ સહમતિ દર્શાવી. કોઈને ચિરાગનાં આ નિર્ણયથી વાંધો ન હતો.
 
હવે આગળ આ ત્રણેય દ્રશ્યો પાછળ મારો હેતુ શું છે એ તમને જણાવીશ આવતાં અંકમાં. થોડી ધીરજ રાખી બીજા ભાગની રાહ જોવા વિનંતિ.
 
 
વાંચવા બદલ આભાર.
 
શ્રીમતી સ્નેહલ રાજન જાની