પ્રેમ માં મળ્યું જ્ઞાન - 3 Manojbhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ માં મળ્યું જ્ઞાન - 3


નમસ્કાર મિત્રો
1પ્રેમ થી કર્મ વિશે જાણો,
2 પ્રેમ માં મળ્યું જ્ઞાન .
આ બે બુક જ્ઞાન ની જ હતી પણ એક મિત્ર યે કહ્યું કે કર્મ વિશે વધુ સમજાવો...એટલે પ્રેમ માં મળ્યું જ્ઞાન 2,3... પુસ્તક બનાવ્યું છે હજી યે ચાલુ જ છે...
આભાર માનો યે મિત્ર નો કે આજે તેમના કારણે આપણ ને કઈક નવું શીખવા મળ્યું...

કર્મ ના પ્રકાર તો સમજાય ગયા હશે..કર્મની આ ત્રણ સંજ્ઞાઓ છે. આજે તેના વિશે જાણીએ...

ભગવાન ગીતામાં કહે છે કે : કર્મણો પિ બોદ્ધવ્યું બોદ્ધથં ચ વિકર્મણઃ । અકર્મણથ બૌદ્ધવ્ય ગહના કર્મણો ગતિઃ II (ગી. ૪/૧૭) કર્મની ગતિ ગહન છે તેવું કબૂલ કરીને ભગવાન કહે છે કે :

કર્મણઃ ગતિ બોદ્રવ્યમ્

વિકર્મણઃ ગતિ બોદ્ધવ્યસ્

અકર્મણથ ગતિ બોદ્રવ્યમ્ II

કર્મની ગતિ જાણી લેવી, વિકર્મની ગતિ જાણી લેવી, અકર્મની ગતિ પણ જાણી લેવી, કારણ કે કર્મની ગતિ ગહન છે.
આ બાબતમાં ભગવાનનો અભિપ્રાય વાસ્તવમાં શું છે તે જાણવો ઘણો જ કઠણ છે. તેથી જુદાજુદા ભાષ્યકારોએ આ ત્રણ શબ્દોના જુદાજુદા અર્થ તેમનાં મંતવ્ય પ્રમાણે કરેલા છે. સાધારણ રીતે વિદ્વાનોએ કર્મ, વિકર્મ અને અકર્મનો જે સર્વસામાન્ય અર્થ કરેલો છે તે જોતાં જણાય છે કે ઃ આ લોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેવી ઉત્તમ ક્રિયાનું નામ કર્મ' (prescribed action) કહેવાય.
જેનું ફળ આ લોકમાં ને પરલોકમાં દુઃખદાયી હોય તેનું નામ વિકર્મ (prohibited action) કહેવાય.
જે કર્મ અગર કર્મત્યાગ કોઈ પણ ફળની ઉત્પત્તિનું કારણ ના બને તે અકર્મ (inaction) કહેવાય.

સાધારણ રીતે આપણે તો મન, વાણી અને શરીરથી થતી તમામ ક્રિયાઓને કર્મ કહીએ છીએ અને તેથી કરીને કર્મ, વિકર્મ અને અકર્મના અર્થ સમજવામાં તકલીફ પડે છે. એટલે તો ભગવાન પણ ગીતામાં કહે છે કે :
કિં કર્મ કિં અકર્મતિ । કવયોપ્યત્ર મોહિતાઃ ।। (ગી. ૪/૧૬)
કર્મ એટલે શું અને અકર્મ એટલે શું તે સમજવામાં તો મોટામોટા બુદ્ધિમાન પુરુષો પણ ગોથું ખાઈ જાય છે, કારણ કે તેની ગતિ ગહન છે. આ ઉપરથી એમ લાગે છે કે માત્ર મન, વાણી અને શરીરની સ્થૂળ ક્રિયા અગર અક્રિયાનું નામ કર્મ, વિકર્મ અગર અકર્મ નથી, પરંતુ કર્તાની ભાવના અનુસાર કોઈ પણ ક્રિયા પ્રસંગોપાત્ત કર્મ-વિકર્મ અગર તો રૂપમાં પરિણત થતી હોય છે,

આ વાત નીચેનાં દૃષ્ટાંતોથી સમજી શકાશે
. ૧. કર્મ

સાધારણ રીતે મન-વાણી-શરીરથી થતી શાસ્ત્રવિહિત ઉત્તમ ક્રિયાને જ કર્મ (prescried action) કહેવાય, પરંતુ શાસ્ત્રવિહિત વિધિપૂર્વકની ક્રિયા પણ કર્તાના જુદાજુદા પ્રકારના ભાવો ઉપર આધાર રાખે છે અને તેથી જ તે ક્રિયા કરનારની અમુક પ્રકારની ભાવનાને લીધે તે કેટલીક વખત ‘કર્મ'ને બદલે “વિકર્મ’ અગર ‘અકર્મ’ પણ બની જાય છે. દાખલા તરીકે :

(૧) ફળની ઇચ્છાથી શુદ્ધ ભાવનાપૂર્વક જો શાસ્ત્રસંમત વિધિથી ઉત્તમ કર્મ કરાય તો તે ‘કર્મ’ કહેવાય, પરંતુ

(૨) તે કર્મ ફળની ઇચ્છાપૂર્વક યજ્ઞ, તપ, દાન, સેવાના રૂપમાં વિધેય કર્મ છતાં ખરાબ દાનતથી - પ્રજાનું અનિષ્ટ કરવાની ઇચ્છાથી (‘પરસ્યોત્સાદનાર્થ’) કરવામાં આવે તો તે કર્મ તમોગુણપ્રધાન હોવાથી વિકર્મ (prohibited action) બની જાય છે. પરંતુ
(૩) તે જ કર્મ જો કર્તાપણાના અભિમાન સિવાય અંગત રાગદ્વેષથી પ્રેરાયા વિના સમષ્ટિના કલ્યાણ માટે ભગવત્પ્રીત્યર્થે કરવામાં આવે તો તે ‘કર્મ’ ‘અકર્મ' બની જાય છે.

૨. વિકર્મ (prohibited action) : સાધારણ રીતે મન-વાણી-શરીરથી કરાતી હિંસા, અસત્ય, ચોરી વગેરે નિષિદ્ધ કર્મ વિકર્મ' કહેવાય છે.

પરંતુ આવાં વિકર્મ પણ કર્તાની ભાવના અનુસાર કર્મ અગર અકર્મમાં બદલાઈ જાય છે.

દા. ત. (૧) આ લોક અગર પરલોકમાં ફળ મળવાની ઇચ્છાપૂર્વક, સાચી દાનતથી, શુદ્ધ ભાવથી, જૂઠ, હિંસા, ચોરી વગેરે ક્રિયા (જે દેખીતી રીતે દુનિયાની દૃષ્ટિએ વિકર્મ ગણાય) તે ગીતાની ભાષામાં ‘કર્મ’ કહેવાય. શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જૂઠું બોલવાની પ્રેરણા (abetment) કરી, અર્જુને પોતાના ગુરુ દ્રોણની તથા પોતાના જ દાદા ભીષ્મની હિંસા કરી, શ્રીકૃષ્ણે સ્યમંતકમણિ તથા ગોકુળમાં માખણની ચોરી કરી, છતાં આ ક્રિયાઓ વિકર્મમાં નહિ ગણાતાં 'કર્મ'માં બદલાઈ જાય છે.

(૨) કર્તાપણાના અભિમાન સિવાય, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે કરેલું ‘વિકર્મ' પણ અકર્મ બની જાય છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવો તે પાપ ‘વિકર્મ’ કહેવાય, છતાં શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞાનો ભંગ કરીને યુદ્ધમાં શસ્ત્ર (રથચક્ર) પકડીને ભીષ્મ જેવા સત્યપ્રતિજ્ઞને મારવા દોડ્યા તે વિકર્મ નહિ, પરંતુ ‘અકર્મ' (inaction) ગણાય.

૩. અકર્મ (inaction) :

મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ બંધ કરી દઈએ તેને જ અકર્મ કહેવાય તેવું નથી. ખરેખર તો મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ સંપૂર્ણપણે તો બંધ થઈ શકે જ નહિ.

નહિ કશ્ચિત્ ક્ષણમપિ જાતુ તિષ્ઠતિ અકર્મકૃત્ । (ગી. ૩૫) કોઈ પણ માણસ એક ક્ષણ પણ ક્રિયાહીન રહી શકે જ નહીં. નહિ દેહભૂતા શક્ય ત્યક્તું કર્મણિ અશેષતઃ । (ગી. ૧૮/૧૧) દેહ ધારણ કરનાર કોઈ પણ માણસ કે પ્રાણીને માટે સંપૂર્ણપણે ક્રિયાનો ત્યાગ કરવાનું શક્ય જ નથી. એટલે નીચે જણાવેલાં કર્મને

‘અકર્મ' કહી શકાય.

૧. કર્તાપણાના અભિમાન સિવાય કરેલાં કર્મ. ૨. રાગદ્વેષથી પ્રેરાયા સિવાય કરેલાં કર્મ.

૩. શુદ્ધ બુદ્ધિથી પોતાની પવિત્ર ફરજ સમજીને કરેલાં નિત્યકર્મ,
૪. મારો ભગવાન રાજી થાય તેવી ભાવનાથી ભગવત્પ્રીત્યર્થે કરેલાં કર્મ
૫. સમષ્ટિના કલ્યાણ માટે કરેલાં કર્મ.
૬. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ’ કરીને કરેલાં કર્મ.
૭. નિષ્કામ કર્મ.

ઉપર્યુક્ત અકર્મ પણ કરનાર કર્તાની હૃદયભાવનાફેરને લીધે કેટલીક વખત ‘કર્મ' અગર વિકર્મ' બની જાય છે. દા. ત. :

(૧) મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓનો ત્યાગ કરીને એકાંતમાં બેઠેલો ક્રિયારહિત કોઈ સાધક પુરુષ પોતાને સંપૂર્ણ ક્રિયાઓના ત્યાગી તરીકેનો અહંકાર ધારણ કરીને દેખીતી રીતે તે કંઈ પણ ક્રિયા નહિ કરતો હોવા છતાં કર્મત્યાગનો અહંકાર હોવાને લીધે તેનું એ ત્યાગરૂપ ‘કર્મ’ પણ ‘અકર્મ’ બની જાય છે. એટલે તેનું ત્યાગરૂપ ‘અકર્મ’ પણ કર્મ બની જાય છે. તેણે કર્મત્યાગ કર્યાનું કર્મ કર્યું ગણાય.

(૨) પોતાનું કર્તવ્ય પ્રાપ્ત થયું છતાં ભય અગર સ્વાર્થને લીધે અગર તો જવાબદારીથી છટકવા માટે કર્તવ્ય કર્મથી મોઢું ફેરવી લે અને વિહિત કર્મો ના કરે અથવા ખરાબ દાનતથી લોકોને ઠગવા માટે કર્મોનો ત્યાગ કરે તો દેખીતી રીતે તે કંઈ પણ કર્મ નહિ કરતો હોવા છતાં તેનું ‘અકર્મ' દુઃખરૂપી ફળ ઉત્પન્ન કરનારું જ બને. તે ‘અકર્મ' પણ ‘વિકર્મ' બની જાય.
ઉપર પ્રમાણે ચોખવટથી જણાશે કે કર્મ, અકર્મ, વિકર્મનો નિર્ણય માત્ર ક્રિયાશીલતા અગર તો નિષ્ક્રિયતાથી જ ના થઈ શકે. કર્મ કરનાર કર્તાના હૃદયના ભાવ, લક્ષ્ય અગર હેતુને ધ્યાનમાં રાખી તે પ્રમાણે તેની ક્રિયાને કર્મ, અકર્મ અગર વિકર્મ કહી શકાય. કયા હેતુથી, કયા ભાવથી, શા ઉદ્દેશથી ક્રિયા કરવામાં આવે છે તે જાણીને પછી જ તે ક્રિયા કર્મ છે કે અકર્મ છે કે વિકર્મ છે તેનો નિર્ણય થઈ શકે.

ટૂંકમાં કહીએ તો ગીતાના ચોથા અધ્યાયના શ્લોકમાં કર્મ, વિકર્મ અને અકર્મ શબ્દો જે ભગવાને વાપર્યા છે તેનો સાદો અર્થ એ થાય કે : કર્મ એટલે સત્કર્મ - સારું કર્મ - પુણ્યકર્મ. વિકર્મ એટલે ખરાબ કર્મ . પાપકર્મ.

કર્મ કે પુણ્યકર્મના - સત્યકર્મના ઝાડને સુખનાં ફળ બાઝે અને વિકર્મ(પાપકર્મ)ના ઝાડને દુઃખનાં ફળ બાઝે અને સુખ અગર દુઃખ ભોગવવા તો દેહ ધારણ કરવો જ પડે. દેહના બંધનમાં તો આવવું જ પડે. માત્ર ફેર એટલો જ કે કર્મ (સત્કર્મ) સોનાની બેડી છે, જ્યારે વિકર્મ (પાપકર્મ) લોખંડની બેડી છે, પરંતુ છેવટે કર્મ (સત્કર્મ) અગર વિકર્મ પાપકર્મ) બંને દેહની જેલમાં જીવાત્માને બેડી-બંધન સમાન જ ગણાય. તેનાથી મોક્ષ એટલે કે બંધનથી મુક્તિ મળી શકે નહિ.

જ્યારે અકર્મ અલૌકિક વસ્તુ છે. તેમાં ક્રિયા થતી હોવા છતાં કર્તાપણાનું અભિમાન, રાગદ્વેષ વગેરે નહિ હોવાથી તેમ જ ઈશ્વરપ્રીત્યર્થે સમષ્ટિના કલ્યાણ માટેની ક્રિયા હોવાથી અકર્મ (inaction) બની જાય છે અને તે સંચિતમાં જમા થતાં નથી, તેથી કર્મ તે અકર્મ મોક્ષ(જન્મ મરણમાંથી મુક્તિ)નું સાધન બની શકે છે. ભગવાન આગળ એક બીજી સરસ વાત કહે છે

કર્મણિ અકર્મ યઃ પશ્વેત્ અકર્મણિ ચ કર્મ યઃ | સ બુદ્ધિમાન્ મનુષ્યેષુ ।
સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥ (ગી. ૪/૧૮)

દેખે કર્મ અકર્મમ, કર્મ ન માંહી અકર્મ, પંડિત યોગી શ્રેષ્ઠતમ કરત સર્વ હી કર્મ; સૂર્યનારાયણને પૂછો કે આપે આવો ગાઢ અંધકાર દૂર કર્યો તે બદલ આપનો આભાર માનીએ, તો સૂર્યનારાયણ એમ જ કહે કે મેં અંધકાર દૂર કર્યો જ નથી, પરંતુ મારા અસ્તિત્વ-માત્રથી અંધકાર એની મેળે જ, સહજ રીતે જ, સ્વાભાવિક રીતે જ, દૂર થઈ ગયો છે. અને જો તેમ ના થાય તો મારા અસ્તિત્વનો કશો જ અર્થ નથી. મારું સૂર્યનારાયણ તરીકેનું નામ જ ભૂંસાઈ જાય. આ કર્મમાં અકર્મ જોવાનો અને અકર્મમાં કર્મ જોવાનો પ્રત્યક્ષ દાખલો છે. ભયંકર - પ્રગાઢ અંધકારને દૂર કરતા હોવા છતાં સૂર્યનારાયણ કાંઈ કરતા નથી અને કાંઈ પણ નહિ કરતા હોવા છતાં તે પ્રગાઢ - ભયંકર અંધકારને (ઉદય થતાં જ) તાત્કાલિક દૂર કરે છે.

ભમરડો જ્યારે તેની highest velocity ઉપર સંપૂર્ણ રીતે ફરતો હોય છે, ત્યારે આપણે કહીએ છીએ કે ભમરડો ઊભો છે. આ કર્મમાં અકર્મ જોવાનો દાખલો છે. યંત્રનું પૈડું જોરથી ફરે છે ત્યારે ફરતું નથી, પરંતુ સ્થિર ઊભું હોય તેવું દેખાય છે.

પ્રકાશ કરવો અને અંધકાર દૂર કરવો તે સૂર્યનો સહજ સ્વભાવ - સ્વધર્મ છે. કૂકડો પરોઢિયે બોલે છે તે તેનો સહજ ધર્મ છે. તેને માટે તેને કોઈએ માનપત્ર આપ્યું નથી. કિલકિલ કરવું તે પક્ષીનો સહજ ધર્મ છે. માની યાદ આવવી તે બચ્ચાંનો સહજ ધર્મ છે. ઈશ્વરનું સ્મરણ કરવું તે સંતોનો સહજ ધર્મ છે.
સમષ્ટિના કલ્યાણ માટે, લોકસંગ્રહાર્થે, ભગવત્પ્રીત્યર્થે, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય સ્વાભાવિક રીતે તમામ કર્મ કરવાં તે સાધુપુરુષોનો સહજ ધર્મ છે અને તેમનાં તેવાં તમામ કર્મ અકર્મ દશાએ પહોંચેલાં છે તેમ સમજવું.
સેવાકર્મો જ્ઞાનીનાં સહજ કર્મો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. ‘હું ઉપકાર નહિ કરું' તેવું તે કહે તો પણ તે તેના માટે અશક્ય છે. સંન્યાસ આથી પરમ ધન્ય અકર્મ- સ્થિતિ છે.

બેસી રહો, તોપણ એક ક્રિયા થઈ. બેસવું ક્રિયાપદ છે. કેવળ વ્યાકરણ-દૃષ્ટિથી જ એ ક્રિયા છે તેવું નથી. સૃષ્ટિશાસ્ત્રમાં પણ બેસવું એ ક્રિયા જ છે. કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. ચોવીસ કલાક કર્મ કરવામાં મંચો રહેવા છતાં સૂર્ય લેશમાત્ર કર્મ આચરતો નથી.

સૂર્ય કર્મ કરવા છતાં કર્મ કરતો નથી એવી સ્થિતિનું વર્ણન કર્યું. તેવો તેનો બીજો પ્રકાર પણ છે. તે કોઈ પણ કર્મ કરતો નથી, છતાં આખી દુનિયા પાસે કર્મ કરાવે છે. એ એની બીજી બાજુ છે. તેનામાં પાર વગરની પ્રેરક શક્તિ છે. અકર્મની એ જ ખૂબી છે. અનંત કાર્યને જરૂરી શક્તિ અકર્મમાં ભરેલી હોય છે.
વરાળને પૂરી રાખો તો તે પ્રચંડ કામ કરે છે. એ પૂરી રાખેલી વરાળમાં અઢળક શક્તિ પેદા થાય છે. મોટીમોટી આગગાડી તે સહેજ રમતમાં ખેંચી જાય છે.
આમ, કર્મ અને અકર્મ બંને અસામાન્ય છે. એક પ્રકા૨માં કર્મ ખુલ્લું છે અને અકર્માવસ્થા ગુપ્ત હોય છે. બીજામાં અકર્માવસ્થા ખુલ્લી દેખાય છે, પણ તેને લીધે અનંત કર્મ ઠાંસીને ભરેલું હોવાથી પ્રચંડ કાર્ય પાર પાડે છે. જેની અવસ્થા - આવી અવસ્થા સિદ્ધ થયેલી હોય તેની અને આળસુ માણસની વચ્ચે મોટો ફેર છે.

સૂર્ય જાતે કશા હોંકારા કરતો નથી, પણ તેને જોતાંની સાથે પક્ષીઓ ઊડવા માંડે છે, ઘેટાં-બકરાં નાચવા માંડે છે, વેપા૨ીઓ દુકાન ઉઘાડે છે, ખેડૂતો ખેતરમાં જાય છે અને જગતના જાતજાતના વહેવારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય એટલું જ પૂરતું છે. એટલાથી અનંત કામો ચાલુ થાય છે. આ અકર્માવસ્થામાં અનંત કર્મોની પ્રેરણા ભરેલી છે.

કર્મ અને અકર્મમાં જ્ઞાનીઓ પણ ગૂંચવાય છેઃ ભગવાન ગીતામાં કબૂલ કરે છે :

કિં કર્મ કિં અકર્મ ઇતિ કવયઃ અપિ અત્ર મોહિતાઃ ||
કર્મ શું છે અને અકર્મ શું છે
એવા આ વિષયમાં બુદ્ધિમાન પુરુષો (કવિઓ) પણ મોહિત થઈ ગયા છે. કર્મ શું છે અને અકર્મ શું છે તેમાં બુદ્ધિમાન માણસો પણ નિર્ણય કરી શકતા નથી. આ વાત દેખીતી રીતે બહુ વિચિત્ર લાગે છે, કારણ કે કર્મ શું છે અને અકર્મ શું છે તે તો સાધારણ બુદ્ધિનો અને અભણ માણસ પણ સમજી શકે.

કર્મ શું કહેવાય અને કર્મ શું ના કહેવાય તે તો આપણે બધા સાધારણ જીવો પણ જાણતા હોઈએ તેવું લાગે છે. તો પછી ભગવાન એમ કેમ કહે છે કે બુદ્ધિમાન માણસો એટલે કે જ્ઞાનીઓ પણ કર્મ અને અકર્મનો ભેદ સમજી શકતા નથી ? માટે ભગવાનની વાણીમાં કંઈક ગૂઢ અર્થ સમાયેલો છે, જે આપણે જાણવો જોઈએ. કદાચ આપણે જેને કર્મ કહીએ છીએ તે ભગવાનના અર્થમાં કર્મ નહિ ગણાતું હોય અને આપણે જેને અકર્મ માનીએ છીએ તે કદાચ અકર્મ નહિ હોય. ગીતાની ભાષા અટપટી નથી, પરંતુ જીવન અટપટું છે, એટલે આપણને એવું લાગે છે.
આપણે જેને કર્મ કહીએ છીએ તે ખરેખર કર્મ - નથી હોતું, પરંતુ ઘણે ભાગે તે પ્રતિકર્મ હોય છે.
ઉ દા..
કોઈ પણ આપણને ગાળ દે અને આપણે તેની સામે ગાળ દઈએ
તો આપણે જે ગાળ દીધી તે આપણું કર્મ - action -ના ગણાય પરંતુ તે પ્રતિકર્મ - reaction - કહેવાય. કોઈ આપણું બહુમાન કરે - હાર પહેરાવે અને આપણે તેની પ્રશંસા કરીએ - આનંદિત થઈએ તે આપણે આનંદિત થયા, પ્રશંસા કરી
તે આપણું કર્મ - action - નહીં, પરંતુ પ્રતિકર્મ ગણાય. ખરેખર તો આપણે મોટે ભાગે જીવનમાં કર્મ નહિ, પરંતુ પ્રતિકર્મ જ કરતા હોઈએ છીએ. આપણાં તમામ કર્મ મોટે ભાગે આપણી અંદરથી, સહજભાવે, સ્વાભાવિક સ્ફુરણાથી થતાં હોતાં નથી, પરંતુ બહારનાં પરિબળોથી પ્રેરાઈને કરાતાં હોય છે.
કોઈ આપણને ધક્કો મારે અને આપણને ક્રોધ આવી જાય, કોઈ આપણું બહુમાન કરે અને આપણો અહંકાર જાગ્રત થાય, કોઈ આપણને ગાળ દે અને આપણે તેને સામી ગાળ દઈએ, કોઈ આપણને પ્રેમના શબ્દો કહે ને આપણે ગદિત થઈ જઈએ - આ બધાં આપણાં પ્રતિકર્મ છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ તો કોઈ આપણને ગાળ દે ત્યારે આપણે સામી ગાળ દેતા નથી, પરંતુ દેવી પડે છે. જો તમે ગાળ દો તો તે કર્મ અને ગાળ દેવી પડે તો તે પ્રતિકર્મ કહેવાય, પરંતુ મને કોઈ ગાળ દે અગર ધક્કો મારે છતાં તમે ઉપેક્ષાવૃત્તિથી તેને સામી ગાળ ના દો તો તમે ગાળ ના દેવાનું કર્મ કર્યું ગણાય.
એવી જ રીતે તમારું કોઈ બહુમાન ના કરે તોપણ તેની પ્રશંસા કરો, તો તમે તે પ્રશંસા કરવાનું કર્મ કર્યું ગણાય. તમને કોઈ પ્રેમના શબ્દો ના કહે છતાં તમે તેના પ્રત્યે પ્રેમભાવે ગદિત થઈ જાઓ તો તે તમારું કર્મ ગણાય.

કર્મ એટલે સહજ સ્વાભાવિક રીતે સ્વેચ્છાએ સ્વધર્મ સમજીને કરેલું નિયત અને શાસ્ત્રવિહિત કર્મ જે શુદ્ધબુદ્ધિ, વ્યાવસાયાત્મિકા બુદ્ધિની સ્ફુરણાથી પ્રેરિત - થયેલું હોય તે કર્મ. જ્યારે પ્રતિકર્મ એટલે બહારનાં પરિબળોથી પ્રયુક્ત થયેલું મજબૂરીથી કરેલી ક્રિયા.
વધું એક ઉ.દા....
ભગવાન બુદ્ધ સંબંધી એક વાર્તા મારા વાંચવામાં આવી છે.
એક માણસ ભગવાન બુદ્ધ ઉપર થૂંક્યો. બુદ્ધે સહજભાવે પોતાની ચાદર વડે તે થૂંક લૂછી નાખ્યું અને બિલકુલ મનમાં પણ ક્રોધ લાવ્યા સિવાય સ્વાભાવિક ભાવથી પૂછ્યું કે : “બીજું કાંઈ કહેવું છે ?'
પેલો માણસ એકદમ વિચલિત થઈ ગયો અને થોડો ખચકાયો. શું જવાબ આપવો તે તેને સૂઝ્યું નહિ. બુદ્ધ કંઈક પ્રતિકર્મ કરશે, કંઈક ગુસ્સો કરશે, કેમ થૂંક્યો એવું કાંઈ પૂછશે તે આશાથી તે માણસ પોતાનો સાચો જવાબ તૈયાર કરી આવેલો, પરંતુ આવું કાંઈ બન્યું નહિ તેથી તે દ્વિધામાં પડી ગયો - મુશ્કેલીમાં પડી ગયો અને બુદ્ધને પૂછ્યું : “તમે આ શું પૂછો છો ?
બુદ્ધે કહ્યું : “હું બરાબર પૂછું છું કે તમારે બીજું કાંઈ કહેવું છે ?'' પેલા માણસે કહ્યું : “પણ મેં તમને કાંઈ કહ્યું નથી, માત્ર આપની ઉપર થૂંક્યો છું.”
બુદ્ધે કહ્યું : ‘“તમે થૂંક્યા, પણ હું સમજ્યો તમે કાંઈક કહ્યું, કારણ કે થૂંકવું એ પણ કંઈક કહેવાની એક રીત છે. કદાચ તમારા મનમાં એટલો બધો ક્રોધ ભરાઈ ગયો હશે કે જે શબ્દોમાં તમે કહી ન શક્યા તે તમે થૂંકીને કહ્યું, કારણ કે ક્રોધ એટલી બધી હદે પહોંચી ગયો હશે કે તે શબ્દો દ્વારા વ્યક્ત કરવો શક્ય નહિ હોય. હું પણ કેટલીક વખત ઘણી વાતો કહેવાની ઇચ્છા કરું છું જે શબ્દોથી નથી કહી શકતો ત્યારે ઇશારાથી એ વાતો કહેવી પડે છે. તેવી જ રીતે તમારો ભયંકર ક્રોધ શબ્દોથી જ પ્રદર્શિત ના કરી શક્યા તેથી ફૂંકીને ઇશારાથી જણાવ્યો તે વાત હું સમજી ગયો.'' પેલા માણસે કહ્યું : “તમે કાંઈ સમજ્યા નથી. મેં તો માત્ર ક્રોધ કર્યો છે.”
બુદ્ધે કહ્યું : પ્રેમ થી અને શાંતિ થી કહ્યું“તમે મારા માલિક નથી. તમે ક્રોધ કરો એટલા માટે હું પણ ક્રોધ કરું તો-તો હું તમારો ગુલામ કહેવાઉં. તમને જે કરાવવા માગતા હતા તે મે કર્યું એવું થાય પણ હું તમારા કેવું શું કરવા માનું ,હું તમારી પાછળપાછળ ચાલનારો - તમારી છાયા નથી. તમે ક્રોધ કર્યો, બસ વાત ખતમ થઈ ગઈ. હવે મારે શું કરવું તે હું કરીશ.'' બુદ્ધે કશું ના કર્યું, ક્રોધ ના કર્યો. થૂંક લૂછી નાખ્યું. પેલો માણસ ચાલ્યો ગયો.

પેલો માણસ બીજે દિવસે ક્ષમા માગવા આવ્યો. માથું પગમાં મૂક્યું. આંખમાંથી આંસુ કાઢ્યાં. માથું ઊંચું કરીને પેલા માણસે બુદ્ધ સામે જોયું. બુદ્ધે પૂછ્યું : “હવે
કાંઈ કહેવું છે ?' પેલા માણસે કહ્યું : “આપ આ શું કહો છો ?”’ બુદ્ધે કહ્યું : “હું સમજી ગયો. તમારા મનનો ભાવ એટલો ઘેરો બની ગયો છે કે શબ્દોથી તમે તે કહી શકતા નથી, તો આંસુ કાઢીને, પગે માથું અડાડીને ઇશારાથી તે ભાવ વ્યક્ત કરો છો. કાલે પણ તમે કંઈક કહેવા માગતા હતા, જે તમે શબ્દોથી કહી શક્યા નથી, માત્ર થૂંકીને ઇશારો કરીને જણાવી શક્યા. આજે પણ તમે કંઈક કહેવા માગો છો, પરંતુ શબ્દોથી કહી શકતા નથી, તેથી આંખમાંથી આંસુ કાઢીને, પગે માથું મૂકીને આવા ઇશારા કરીને કહો છો, તે હું સમજી શકું છું.”
પેલા માણસે કહ્યું : “હું ક્ષમા માગવા આવ્યો છું. મને ક્ષમા કરો !'' બુદ્ધે કહ્યું : “હું શા માટે ક્ષમા કરું ? મેં ગઈ કાલે તમારી ઉપર ક્રોધ કર્યો જ નથી, પછી ક્ષમા કરવાનો સવાલ રહેતો નથી. જેવી રીતે કાલે તમે થૂંક્યા એવી રીતે આજે તમે મને પગે પડ્યા. બસ, વાત ખતમ થઈ ગઈ. એથી વધારે કર્મમાં પડવાની મારે શી જરૂર ? હું કાંઈ તમારો ગુલામ નથી કે તમે કહો ત્યારે ક્રોધ કરું અને તમે કહો ત્યારે ક્ષમા કરું
પ્રતિકર્મ ગુલામી છે, આ વાત યાદ રાખ જો...જે બીજાં લોકો તમારી પાસે કરાવે છે.
જે ગુલામ નથી, પરંતુ સ્વતંત્ર છે તે કર્મ કરે છે, પ્રતિકર્મ કરતો નથી. એટલે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ અને અકર્મનો ભેદ બુદ્ધિમાન માણસો પણ સમજી શકતા નથી. અકર્મનો અર્થ પણ આપણે સૂક્ષ્મ દૃષ્ટિથી સમજી લેવો જોઈએ. કાંઈ પણ ના કરવું, માત્ર ખાલી બેસી રહેવું તેને આપણે અકર્મ સમજીએ છીએ તે બરાબર નથી.
બિલકુલ કાંઈ કર્મ કરવું જ નહિ તેને (નૈષ્કર્મને) અકર્મ કહેવાય નહિ. તેને નૈષ્કર્માં-સિદ્ધિ પ્રાપ્ત કરી એમ કહી શકાય નહિ. ભગવાન ગીતામાં કહે છે કે :
ન કર્મણા અનારંભાત્ નૈષ્કર્માં પુરુષોડશ્રુતે । ન ચ સંન્યસનાદેવ સિદ્ધિ સમધિગચ્છતિ II (ગી. ૩/૪)

કોઈ પણ કર્મનો આરંભ જ ના કરવો અને કહો કે કર્મ-માત્રનો સંન્યાસ-ત્યાગ કર્યો છે માટે મેં નૈષ્કર્યસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે વાત ખોટી છે. આપણે અકર્મણ્યતા ને અકર્મ સમજીએ છીએ તે ખોટું છે. કાંઈ પણ ના કરવાથી અકર્મ ના થઈ શકે. કારણ કે તમે કાંઈ પણ કરતા નથી હોતા અને હાથ-પગ જોડીને, આંખ-કાન- જીભ બંધ કરીને બેસી રહ્યા હો છો ત્યારે પણ તમે ઘણાં કર્મ કરી રહ્યા છો. માત્ર બધી ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ કરીને મનથી અનેક જાતના સંકલ્પવિકલ્પ કરો, કામનાઓના અને વાસનાઓના વિચાર કરો તો તે પણ કર્મ કહેવાય - અકર્મ ના કહેવાય. આમ કરવાથી તો ઊલટું તમે મિથ્યાચાર કર્યો ગણાય અને તે માણસ તો ‘વિમૂઢાત્મા’ગણાય.
ભગવાન ગીતામાં આ વાત સ્પષ્ટ રીતે કહે છે : કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ | ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ॥ (ગી. ૩/૬)

જ્યારે તમે બહારની ઇન્દ્રિયોના વ્યાપાર બંધ કરો છો ત્યારે તમે અંદર મનોમન ઘણું કર્મ કરો છો. તમે દેખાઓ છો કર્મહીન, પણ અંદરખાને તમે અત્યંત સક્રિય છો. પલંગમાં હાથ-પગ લાંબા કરીને સૂઈ જાઓ એ અકર્મ ના કહેવાય. તમારું મન બજારમાં ભમતું હોય છે, કોઈને ગાળો દેતું હોય છે, કોઈની પ્રશંસા કરતું હોય છે, ન જાણે કેટલાં કર્મ કરતું હોય છે ! જેટલું કર્મ તમે ભાડાં ખર્ચીને, દોડીદોડીને, ખૂબ વખત બગાડીને પણ ન કરી શકો તેટલું કર્મ તમે પલંગમાં પડ્યાપડ્યા, વગર ભાડું ખર્ચે, વગર દોડાદોડ કર્યો, વગર સમય બગાડો કરતા હો છો એટલે તે અકર્મ ના કહેવાય.
રાત્રે તમે નિષ્ક્રિય થઈને શરીર ઢીલું કરીને પલંગમાં પડ્યાપડ્યા ઊંઘો છો ત્યારે પણ તમે સ્વપ્નાવસ્થામાં આખી રાત દોડાદોડ કરો છો, રડો છો. ચોરી, વ્યભિચાર, હત્યા વગેરે જે તમે દિવસ દરમિયાન કરી શકતા નથી તે પણ રાત્રે સ્વપ્નાવસ્થામાં કરો છો. આખી રાત તમારી ચેતના ગહન કર્મ કરી રહી હોય છે, એટલે તે વખતે પણ તમે અકર્મમાં છો તેમ ના કહેવાય.

અકર્મ એટલે બાહ્ય ઇન્દ્રિયોથી નિયત કર્મ થતું હોવા છતાં અંતરના મનમાં કર્મફળની કોઈ કામના, વાસના, આસક્તિ, રાગદ્વેષ ન રહે અને માત્ર સમષ્ટિના કલ્યાણ માટે ઈશ્વપ્રીત્યર્થે સ્વધર્મની ભાવનાથી જે કર્મ સ્વાભાવિક રીતે સહજભાવે થયા કરે તે. આવી રીતે કર્મ અને અકર્મ વચ્ચેનો નાજુક અને સૂક્ષ્મ વિવેક જે
સમજે છે તે જ બુદ્ધિમાન ગણાય છે
એમ ભગવાન કહે છે.
"અકર્મ એટલે આંતરિક મૌન. અંતરમાં કર્મના તરંગો ના ઊઠે - કર્મફળમાં આસક્તિ રાગદ્વેષ-વાસના ના જાગે, પરંતુ બહારથી કર્મનો અભાવ ન દેખાય તેનું નામ અકર્મ."

જ્યારે અંતરમાં કર્મની વાસના ઊઠે ત્યારે કર્તા બની જાય પરંતુ કર્મફળની વાસના-આસક્તિ-રાગદ્વેષ અંતરમાં ના રહે તો તે કર્મનો કર્તા પણ ના બચે. કર્તા શૂન્ય થઈ જાય. માત્ર નિષ્કામ કર્મ જ રહે તેનું નામ અકર્મ...
આમ કર્મ વિશે જેટલા ઊંડા ઉતરી તેમ તમને કર્મ વિશે નવા નવા માર્ગ જાણવા મળશે..આ કર્મ ની કોઈ અંત જ નથી એવું લાગે છે...આમ ટૂંકમાં કહુતો પ્રેમ ની પરિભાષા 1 બુક માં તમને જે વિકારો આપણા અંદર થી દુર કરવા માટે જે બુક બનાવી છે તે વાચો ...
એક વાર તમારી અંદર .ભય,મોહ,ક્રોધ,ઇર્ષા,અહંકાર,અને વાસના આ ગુણ તમારા શરીર ની માનસિક ક્રિયા માં કે શારીરિક ક્રિયા માં નહી હોય અને જે નિસ્વાર્થ ,અને સમર્પણ ,અને પ્રેમ થી પરોપકારી જે કર્મ કરશો તો ચોક્કસ તમને પરમાત્મા જ્ઞાન ની શક્તિ પ્રદાન કરશે અને મોક્ષ ચોક્કસ થશે. ...
આ ના કરી શકો તો ભગવાન પાસે કઈક એવું માગો કે ભગવાન તમને એકલા ના મૂકે..
ભગવાન પાસે આપણને માગતાં પણ આવડતું નથી. આપણે ભગવાન પાસે એવી માગણી કરીએ છીએ કે મેં પાપકર્મ કરેલાં છે તેના ફળસ્વરૂપે મારી સામે દુઃખ આપવા પ્રારબ્ધ ખડું થયું છે તે ફળ મારે ભોગવવું ના પડે તેવું કરો. આવી ગેરવાજબી માગણી ભગવાન સ્વીકારે નહિ. પ્રારબ્ધ ભોગવવામાં ભગવાનની સિફારસ કે લાગવગનો ઉપયોગ ના કરાય. જગતમાં જે મહાન ભગવદ્ભક્તો થઈ ગયા છે, તેમણે તેમનાં પ્રારબ્ધમાં આવેલાં દુ:ખ પ્રેમપૂર્વક ભોગવી લીધાં છે; તેથી દુનિયાની દૃષ્ટિએ ભક્તો દુ:ખી થતા જણાયા છે. કુંતા માતા શ્રીકૃષ્ણની ફોઈ થતાં હતાં. તેમણે ઘણાં કષ્ટ સહન કર્યાં છે, છતાં તેમણે ભગવાન પાસે એવી માગણી કરેલી છે કે :
વિપદઃ સત્તુ નઃ શાશ્વત્ ।
અમોને સદાકાળ દુઃખ પડો.
આપણે કોઈ દિવસ આવી માગણી કરતા નથી.
નરસિંહ મહેતાએ ભગવાન પાસે માગણી કરી કે મારું નખ્ખોદ જજો. નરસિંહ, મીરાં, કુંતાજી - આ બધાં ભક્તો સંસારમાંથી દુઃખી થઈને ગયાં.
નરસિંહ મહેતાનો દીકરો મરી ગયો અને દીકરી રાંડીને ઘેર આવી. બૈરું મરી ગયું. નાત- બહાર મુકાયા.
મીરાં પોતાના પતિથી અલગ થઈ ગયાં. પતિએ ઝેર પાયું.
સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ અસાધ્ય રોગથી પીડાયા. દેહના દંડ ભોગવી લીધા,
પરંતુ આ ભક્તોએ પોતાની ભક્તિ વટાવી નથી, ભગવાન પાસે પ્રારબ્ધમાંથી છટકવા માગણી કરી નથી.
એક ચક્રવર્તી રાજાએ એક કંગાલ ગરીબ ભિખારીને કહ્યું કે તારે જે જોઈએ તે માગ. હું તને જે માગીશ તે હું તને આપીશ. ત્યારે પેલા ભિખારીએ રાજા પાસે માગ્યું કે મારું ભીખ માગવાનું ચપ્પણિયું ભાંગી ગયું છે તે નવું અપાવો. રાજાને આ સાંભળીને ઘણું જ દુઃખ થયું. ભિખારીને માગતાં ન આવડ્યું. અઢળક સંપત્તિ, ઈકોતેર પેઢી ચાલે તેટલું ધન માગ્યું હોત તોપણ રાજા આપત, પણ આ અક્કર્મી ભિખારીએ ભીખ માગવાનું નવું ચણિયું માગ્યું !

આપણે પણ ભગવાન પાસે આવી ક્ષુલ્લક માગણીઓ કરીએ છીએ, તેથી ભગવાન નારાજ થાય છે. આપણે ભગવાન પાસે બહુબહુ તો શું માગીએ છીએ ? પાંચ-પચીસ લાખ રૂપિયા માગીએ છીએ, પાંચ- પચીસ બંગલા-મોટો માગીએ છીએ, પાંચ દીકરાઓ માગીએ છીએ, સુંદર સ્ત્રીઓ માગીએ છીએ. આ બધી માગણીઓ પેલા ભિખારીના ચપ્પણિયા જેવી છે.

કુંતાજીએ અને ભક્ત નરસિંહે માગ્યું તેવું માગતાં આપણને નથી આવડવાનું. પરમાત્માએ વગર માગ્યે આપણને મનુષ્યદેહ આપ્યો છે, જે મોક્ષનું દ્વાર છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો તે શાસ્ત્રો અને સંતો દ્વારા તેમણે સમજાવ્યું, પરંતુ આપણે પામર જીવો આપણો સ્વાર્થ સમજતા નથી, તેથી પ્રારબ્ધમાંથી છટકવાની ક્ષુલ્લક માગણી આપણે ભગવાન પાસે કરીએ છીએ, ત્યારે ભગવાન નારાજ થાય છે. આપણે ખરેખર અભાગિયા છીએ.
સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું?

આગળ જોઈ ગયા તેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મને નિયંત્રિત કરી શકાય અને છુટાય, ભક્તિયોગ દ્વારા પ્રારબ્ધકર્મ ભોગવીને છુટાય, પરંતુ સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું તે ગંભીર સવાલ છે,
કારણ કે ક્રિયમાણ કર્મ કરવામાં તો માણસમાત્ર સ્વતંત્ર છે અને તેને નિયંત્રિત કરવાં તે તેના હાથની વાત છે. તે જો ધારે તો ચોક્કસ કરી શકે. પ્રારબ્ધ- કર્મ પણ સામી છાતીએ આવીને ઊભાં છે. તેમને તો જીવનકાળ દરમિયાન ભોગવીને ખતમ કરી શકાય, પરંતુ સંચિત કર્મ તો હજુ પાકીને ફળ આપવા તૈયાર થયાં જ નથી, તે સામે આવીને ખડાં થયાં નથી. વળી તે તો થઈ ગયેલાં ક્રિયમાણ કર્મો છે, એટલે તે પાછાં નથી કરી શકાતાં ..

એક વખત થૂંકેલું જેમ પાછું ગળી શકાતું નથી, એક વખત બોલાઈ ગયેલું વચન જેમ પાછું ખેંચી શકાતું નથી, એક વખત બંદૂકમાંથી ગોળી છૂટી તે જેમ બંદૂકમાં પાછી આવતી નથી, તેવી રીતે એક વખત ક્રિયમાણ કર્મ થઈ ગયું અને તે સંચિતમાં જમા પડ્યું છે, આ જીવનકાળ દરમિયાન પાકીને પ્રારબ્ધરૂપે સામે આવીને ખડું થયું નથી, તેને ભોગવીને પણ છુટાય નહિ. એટલે એવાં સંચિત કર્મો ભોગવવા હવે પછી દેહ ધારણ કર્યા સિવાય છૂટકો થાય જ નહિ. આ સંચિત કર્મો એટલાં થોડાં નથી કે જે એક જન્મમાં ભોગવી લઈએ તો છાલ છૂટે.
અનાદિકાળથી અનેક જન્મોનાં સંચિત કર્મ અસંખ્ય કરોડ હિમાલય જેવા ડુંગરા ભરાય તેટલાં જીવની પાછળ પડ્યાં છે અને તે પાકતાં જાય છે તેમતેમ પ્રારબ્ધરૂપે ભોગવતાં જઈએ તોપણ અનંતકાલ સુધી અબજોના અબજો દેહ ધારણ કરીએ તોપણ તે ખૂટે તેમ નથી, તો પછી આમાંથી છૂટવું કેવી રીતે ?
કારણ કે આ સંચિત કર્મો અનંતકાલ સુધી જીવને જન્મ-મરણના ચક્કરમાં ફેરવ્યા જ કરે તેટલાં બધાં છે. અને તો પછી જીવનો મોક્ષ થવો બિલકુલ અસંભવિત બની જાય. જ્યાં સુધી દેહ ધારણ કરવો પડે ત્યાં સુધી મોક્ષ થયો ગણાય નહિ. આવી પરિસ્થિતિથી ગભરાવાની જરા પણ જરૂર નથી.
જો જીવ ધારે તો આ ચાલુ જીવનકાળ દરમિયાન જ તમામ સંચિત કર્મોને ખતમ કરી શકે છે, પરંતુ તે ભોગવીને ખતમ કરી શકાય તેમ નથી. માટે તેને માટે એક જ ઉપાય છે કે સંચિત કર્મોના જે આટલા મોટા ડુંગરો ભરેલા છે તેમાં માત્ર એક જ દીવાસળી ચાંપી દેવાથી તે તમામ ભસ્મસાત્ થઈ જશે. આ ભયંકર ડુંગરોમાં અગ્નિ લગાડ્યા સિવાય બીજા કોઈ પણ ઉપાયે અને કોઈ કાળે આટલાં બધાં સંચિત કર્મો ખતમ થવાનાં નથી અને તે અગ્નિ તે જ્ઞાનાગ્નિ’ છે. જેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મો નિયંત્રિત કરી શકાય અને ભક્તિયોગ દ્વારા પ્રારબ્ધકર્મોને પૂરેપૂરાં ભોગવી લેવાય તેમ જ્ઞાનયોગ દ્વારા અનાદિકાળથી અનેક જન્મજન્માંતરનાં એકઠાં થયેલાં સંચિત કર્મોન ભસ્મસાત્ કરી શકાય; તેમ કરીને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ દ્વારા જીવમાત્ર તમામ ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત કર્મોથી મુક્ત થઈને આ જ જીવનકાળને અંતે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરી શકે. સંચિત કર્મોને જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવાનાં છે. ભગવાને પણ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે :

યથૈધાંસિ સમિસ્રોગ્નિઃ ભસ્મસાત્ કુરુતેઽર્જુન ।

જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્ કુરુતે તથા ।। જેમ અગ્નિમાં નાખેલાં તમામ પ્રકારનાં જાડાં, પાતળાં, સૂકાં, લીલાં, લાંબાં, ટૂંકાં - બધાં જ લાકડાં બળી જાય છે તેવી જ રીતે જ્ઞાનાગ્નિમાં નાખેલાં તમામ પ્રકારનાં અશુભ, શુભ, ક્રિયમાણ, પ્રારબ્ધ તથા તમામ સંચિત કર્મો બળીને ખાખ થઈ જાય છે અને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે કે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થાય છે.
પણ સવાલ કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય ?
જીવ પોતાના અસલ સ્વરૂપને ભૂલી ગયો છે. જીવ બ્રહ્મનો જ અંશ છે. બ્રહ્મ સચિત્-આનંદસ્વરૂપ છે, માટે જીવ પણ સચિત્- આનંદસ્વરૂપ જ છે, પરંતુ જીવને તેનું ભાન નથી, તેથી જન્મમરણના ચક્કરમાં ભટકે છે.
ભગવાન ગીતામાં કહે છે કે :
મમેવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ । (ગી. ૧૫/૭) જીવ બ્રહ્મનો અંશ હોવા છતાં, મુક્ત હોવા છતાં, માયાના વશમાં આવી જઈને બદ્ધ થઈ ગયો છે.

જીવને પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય તેનું જ નામ શાન અને જ્ઞાન થતાંની સાથે જ તેનાં તમામ સંચિત કર્મો બળીને સાફ થઈ જાય. જીવને સ્વરૂપનું ભાન થવું બહુ કઠણ છે. તે તો કોઈ સમર્થ ગુરુ મળે તો જ જ્ઞાન પ્રાપ્ત થાય.. ઉ.. દા..
. સિંહનું એક નાનું બચ્ચું જન્મતાંની સાથે જ તેની માથી વિખૂટું પડી ગયું. ઘેટાંના એક ટોળાના માલિક ભરવાડે આ બચ્ચાને ઘેટાંના ટોળા ભેગું ઉછેરીને મોટું કર્યું. આ સિંહનું બચ્ચું કાયમ ઘેટાંના ટોળા ભેગું ફરતું હતું અને અજ્ઞાનને વશ થઈને પોતાની જાતને ઘેટું જ માનવા લાગ્યું. હું ઘેટું જ છું તેવી તેની દૃઢ માન્યતા બંધાઈ ગયેલી. એક વખત સિંહ ફરતો ફરતો ઘેટાના ટોળા નજીક આવ્યો, જેમાં આ સિંહનું બચ્ચું હતું. સિંહને જોઈને ઘેટાંનું ટોળું ભાગ્યું. પેલા સિંહને આશ્ચર્ય થયું કે આ બધાં ઘેટાં ભેગું મારી જાતનું આ સિંહનું બચ્ચું ઘેટાંની માફક કેમ ભાગે છે ? સિંહે પેલાં બધાં ઘેટાંને જતાં કર્યાં અને સિંહના બચ્ચાને જ પકડ્યું. સિંહનું બચ્ચું કરગરવા માંડ્યું કે ‘ભાઈસા’બ, હું ઘેટું છું અને મને મારી ના નાખશો.
સિંહે કહ્યું : “અરે ભાઈ ! તું ઘેટું નથી. તું તો મારી જાતનું સિંહનું બચ્ચું છે. તારે મારાથી ડરવાનું ના હોય. હું તને મારી ખાઉં નહિ. પરંતુ સિંહનું બચ્ચું માન્યું નહિ. તેને વિશ્વાસ પડ્યો નહિ. તે તો
એમ જ કહેવા લાગ્યું કે : હું ઘેટું છું - ઘેટું જ છું. મને ના મારશો.'પછી પેલો સિંહ તેને એક તળાવના કિનારે લઈ ગયો અને કહ્યું કે : ‘આ તળાવના પાણીમાં તારું મોં જો તારું ને મારું મોં એકસરખું આવે છે કે નહિ ? હું ત્રાડ નાખું એવી ત્રાડ તું નાખ.'
પેલા બચ્ચાએ સિંહના જેવી ત્રાડ નાખી. તેને તેના અસલ સ્વરૂપનું ભાન થયું. તે જ વખતે તે ભયમુક્ત થઈ ગયું અને સિંહની સાથે ચાલ્યું ગયું. બસ, બરાબર એ જ દશા જીવની છે.
જેમ સૂર્યમાંથી કિરણો છૂટાં પડીને સમગ્ર જગતમાં ફેલાય છે તેમ જીવ પણ અનાદિકાળથી બ્રહ્મથી છૂટો પડી ગયો છે. વાદળમાં રહેલું પાણી બિલકુલ ચોખ્ખું હોય છે. તે વાદળમાં ક્ષોભ થવાથી બિંદુઓ છૂટાં પડીને પૃથ્વી ઉપર પડે છે. આકાશમાંથી પૃથ્વી ઉપર આવતાં એમાં ઑક્સિજન, નાઈટ્રોજન વગેરે ભળે છે. પૃથ્વીને અડકતાં તે બિંદુઓ ધૂળમાં ભળી મિલન બને છે. એવાં અનેક બિંદુઓ મળીને નદી થાય છે અને પૃથ્વીનાં અનેક ક્ષારો અને મલિન તત્ત્વો ભેગાં કરતાં-કરતાં સમુદ્રને મળે છે, ત્યારે તો સમુદ્રનાં પાણી ખારાં-દવ થઈ ગયાં હોય છે. પછી જ્યારે સૂર્યનાં પ્રખર કિરણોના તાપથી બાષ્પીભવન થાય ત્યારે જ ઊર્ધ્વગતિ થઈને વાદળરૂપે તેમના અસલ સ્થાને પવિત્ર બને છે. એ જ પ્રકારે જીવ બ્રહ્મમાંથી છૂટો પડેલો છે તે જગતની માયાના સંપર્કમાં અવિદ્યાવશ મલિનતાને પ્રાપ્ત કરે છે.ગોસ્વામીજી રામાયણમાં આ વાતને એક જ લીટીમાં સમજાવે છે ભૂમિ પરત ભા ડાબર પાની, જીમી જીવહી માયા લપટાની ॥ સિંહની માફક કોઈ સમર્થ ગુરુ સિંહના બચ્ચારૂપી જીવને મળે તો જ તેને સાચા સ્વરૂપનું ભાન થાય, પછી તે તેનાં તમામ કર્મોના ભયથી મુક્ત બની જાય છે.
ગોસ્વામીજી આ જ વાતને રામાયણમાં લખે છે કે :

ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી | સો માયાબશ ભયઊ ગોસાંઈ, બધ્યો કીર મર્કટકી નાઈ
અરે ! તું સિંહનું બચ્ચું છે, તું ઘેટું નથી. તું સચિત્ આનંદસ્વરૂપ છે, આ દેહ તારું સ્વરૂપ નથી - એવું જ્ઞાન કોઈ સમર્થ ગુરુ કરાવે તો જ બેડો પાર થાય. સ્વરૂપનું જ્ઞાન થતાં જ સંચિત કર્મો તાત્કાલિક ભસ્મ થઈ જાય છે. આ વાત આપણા સર્વના અનુભવથી પણ સિદ્ધ કરી શકાય.
એક માણસ રાત્રે ૧૨ વાગ્યા સુધી તેની પત્ની સાથે વાતો કરતો હતો અને પછી તેની આંખ મળી ગઈ. તેને ઊંઘ આવી. તરત જ તેને સ્વપ્ન શરૂ થયું. સ્વપ્નમાં તેણે એક માણસનું ખૂન કરી નાખ્યું. તેનો ત્રણ વરસ સુધી કેસ ચાલ્યો. (રાત્રે બાર અને સાડાબારની વચમાં.) પછી આ માણસને દસ વરસની સખત જેલની સજા થઈ. તે કેદમાં પડ્યો. (ખરેખર તો તે પથારીમાં ગોદડાં પાથરી પડ્યો હતો.) જેલર તેને દરરોજ બરડામાં કો૨ડાના ફટકા લગાવતો હતો તેથી તેનો બરડો દરરોજ લોહીલુહાણ થઈ જતો હતો. આ રીતે ત્રણ વરસની સજા તો તેણે ભોગવી. (રાત્રે બાર અને સાડાબારની વચમાં.)
એક દિવસ જેલરે ખૂબ ગુસ્સામાં આવીને તેને બરડામાં બહુ સખત કોરડા ફટકાર્યા અને આ માણસ ‘ઓ બાપ રે !’ કરીને રાડ પાડીને જાગી ગયો. તેની પત્નીએ ગભરાઈને પૂછ્યું કે શું થયું ? તો તેણે કહ્યું કે મારા
બરડા સામું તો જો, તે કેવો લોહીલુહાણ થઈ ગયો છે ! તેની પત્નીએ કહ્યું કે તમે તો પથારીમાં બે ગોદડાં પાથરીને સૂતા છો અને તમારો બરડો બિલકુલ સલેપાટ જેવો સુંવાળો છે. કશું જ થયું નથી. ત્યારે પેલો માણસ સ્વપ્નાવસ્થામાંથી જાગ્રત-અવસ્થામાં આવી ગયો. તેને તેના પોતાના સ્વરૂપનું ભાન થયું કે તે ખૂની નથી પણ તે ખરેખર નિર્દોષ છે અને પછી તેણે પોતાની પત્નીને સ્વપ્નની વાત કરી કે તેની વિરુદ્ધ ખૂનનો ખટલો ત્રણ વર્ષ ચાલ્યો અને દસ વર્ષની સખત જેલની સજા થઈ. તેમાંથી ત્રણ વર્ષ તો ભોગવ્યાં.
તેની પત્નીએ કહ્યું કે રાત્રે બાર વાગ્યા સુધી તો આપણે વાતો કરતાં હતાં અને હાલમાં માત્ર સાડાબાર જ થયા છે. તે અડધા કલાક દરમિયાન તમે છ વર્ષ બીજે ક્યાં જઈ આવ્યા ?
તેને દસ વર્ષની સજા થઈ હતી. તેમાંથી ત્રણ વર્ષની સજા તો તેણે ભોગવી લીધી. હવે બાકીનાં સાત વર્ષની સજા કોણ ભોગવશે ? સ્વપ્નાવસ્થામાંથી જાગ્રતાવસ્થામાં આવતાંની સાથે જ તેનું બાકીની સાત વર્ષની જેલની સજાનું સંચિત કર્મ ભસ્મસાત્ થઈ ગયું, કારણ કે તેને સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું.
આમ આ બધું વર્થ થઈ જશે જે દિવસે તમને કર્મ નો સાચો અર્થ સમજાય જશે જે દિવસે તમારા અંદર કર્મ.ભક્તિ અને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ તો સમજો કે તમારા ભેગા થયેલા સંચિત કર્મ અને પાપ બધું મુક્ત બળી ને ખાક થય જશે અને પાછું આ જીવ ને જન્મ મરણ ના ફેરા માં પડવું નહી પડે અને મોક્ષ મળશે.
અને આમ કરવા થી જ આ જીવ ને આપને મુક્ત કરાવી શકશું..મનુષ્ય દેહ મળવાનો એકજ ઉદ્દેશ હોય છે કે આ જીવ ને કર્મ ના બંધન માં થી મુક્ત કરીયે..
તમારો સાથ સહકાર મળશે તો ચોક્કસ કઈક નવું લખીશ તમારા પ્રશ્નો મને પૂછી શકો છો
https://gu.quora.com/profile/Prem-ni-Shodh-Ma?ch=10&oid=2207284158&share=c0c45159&srid=hFPHH6&target_type=user
રાધે.... રાધે
🙏 આભાર🙏
_સોલંકી મનોજભાઈ
8401523670