Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

દરિયા નું મીઠું પાણી - 14 - વીરગતિ નું વળતર


સુરેન્દ્રનગરના અવિનાશને બૅન્કની નોકરીમાં પહેલું પોસ્ટિંગ વઢવાણ મળ્યું હતું, એટલે પહેલાં આઠ વર્ષ જલસાથી પસાર થયાં હતાં. લગ્ન અને એ પછી પહેલી દીકરીનો જન્મ બધુંય એ સમયગાળામાં રંગેચંગે પતી ગયેલું.

પરીક્ષાઓ પાસ કરીને પ્રમોશન મેળવ્યું પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરો હતો. દૂરના એક કાકાને ત્યાં પંદર દિવસથી ધામા નાખ્યા હતા. મકાન ભાડે લેવા માટે એ મથતો હતો. બૅન્કમાં એક મિત્રના બનેવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા.

ઑફિસમાં ચાપાણીનો વિવેક પતાવીને કનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા. બધા અખબારના ટચૂકડી જાહેરાતવાળાં પાનાં એમના ટેબલ પર પડ્યાં હતાં. એમાંની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેનથી એમણે નિશાની કરી હતી. એક જાહેરાત ઉપર આંગળી મૂકીને એમણે અવિનાશ અને અર્ચના સામે જોયું. “આજે એક પાર્ટીએ સીધી જાહેરાત આપી છે. મકાન મારું જોયેલું છે. ટેનામેન્ટમાં બે રૂમ એ ભાડે આપશે. ઓળખાણથી આવ્યા છો એટલે ખોટું નહીં બોલું.” લગીર અટકીને એણે ફોડ પાડ્યો.

“આગળના ભાગમાં મકાન માલિક એકલો રહે છે. સિત્તેર વર્ષનો એ ડોસો થોડોક ચક્રમ છે. અગાઉ મેં જ ભાડવાત આપેલો. અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો, પણ એ ચાર જ મહિનામાં ભાગી ગયો. એની પત્નીને દર અઠવાડિયે ડોસા જોડે ધડાધડી થતી હતી.

”અર્ચના ચમકી. એણે સાશંક નજરે કનુભાઈ સામે જોયું. “ચિંતા ના કરો. ગભરાવા જેવી કોઈ વાત નથી. કાકો નખશિખ સજ્જન છે. મહાત્મા ગાંધીની ઝેરોક્સ જેવો જેન્ટલમેન છે, પણ ગાંધીજીની જેમ જ ચીકણો છે. ફળિયામાં લીંબુનું છોતરું કે ટપાલ ટિકિટ જેટલો કચરો દેખાય તોય એની કમાન છટકે. પાણીનો બગાડ જુએ તો બગડે. પૈસામાં પણ કોઈની શરમ ના રાખે. પહેલી તારીખે સાંજ સુધીમાં ભાડાની રકમ હાથમાં ના આવે તો હાહાકાર કરી મૂકે. લાઈટનું મિટર અલગ છે, છતાં એમાંય વેડફાટ લાગે તો વઢી નાખે. અલબત્ત, થોડી કાળજી રાખો તો વાંધો ના આવે.”.

“અદ્દલ મારા પપ્પા જેવો સ્વભાવ..” અર્ચના હસી પડી. “એમના હાથ નીચે તાલીમ મળી છે એટલે વાંધો નહીં આવે.” “વાહ ભૈ વાહ, તો પછી કરો કંકુના!” કનુભાઈ પણ હસી પડ્યા. “દલાલી બચાવવા માટે કાકાએ આજે પોતાની રીતે જ છાપામાં જાહેરાત આપી છે એટલે પહોંચી જાવ.”

અનુભવના આધારે એમણે સમજાવ્યું. “તમારી ઑફિસથી આટલું નજીક કોઈ મકાન આ ભાડામાં નહીં મળે. પાણીની સગવડ સારી છે. સરસ હવા-ઉજાસ છે. તમારે બહારગામ જવાનું થાય અને ઘરમાં બહેન અને બેબી એકલાં હોય તો પણ કોઈ ચિંતા નહીં એવો સેફ એરિયા છે. આંખ મિંચીને કાકાની બધી શરતો સ્વીકારી લેશો તો પણ ફાયદામાં જ રહેશો. ક્યારેક ટોકે તો કચકચ સાંભળી લેવાની. બરોબર...?”.

એમનો આભાર માનીને અવિનાશે સરનામું સમજી લીધું. વૃક્ષોથી ઘેરાયેલી સોસાયટી અર્ચનાને પહેલી જ નજરે ગમી ગઈ. ઝાંપાની બહાર બાઈક મૂકીને બંને અંદર પ્રવેશ્યાં. ઝાંપા અને ઓટલાની વચ્ચેના વિસ્તારમાં સરસ મજાનાં ફૂલછોડ હતાં. ઓટલા પર કે ત્યાં બાંધેલા હીંચકા ઉપર લેશમાત્ર ધૂળ નહોતી. બારણું ખુલ્લું હતું. બંને હીંચકા પાસે ઊભાં રહ્યાં. “અંદર આવો. આ ગરમીમાં બહાર નહીં બેસાય.” રણકતા અવાજે વડીલે આવકાર આપ્યો...

સિત્તેર વર્ષની ઉંમરે પણ ટટ્ટાર એકવડિયું શરીર. આછા બદામી રંગનો સુતરાઉ ઝભ્ભો, માથે આછા થઈ ગયેલા સફેદ વાળ અને ઘઉંવર્ણા ચહેરા ઉપર તંદુરસ્તીની ચમક. સોફા પરથી ઊભા થઈને આવકારતી વખતે એ વડીલ પણ અવિનાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ચોત્રીસ વર્ષનો છ ફૂટ ઊંચો પ્રભાવશાળી યુવાન, પાણીદાર પારદર્શક આંખો અને ગોરો રંગ...

“બેસો..” વડીલે સોફા તરફ ઈશારો કરીને બેસવાનું કહ્યું અને ફ્રીઝમાંથી પાણી આપ્યું.

“નામ તો દેવજી પટેલ પણ ઉંમરના હિસાબે બધા દેવુકાકા કહે છે. બેઉ દીકરા અમેરિકા રહે છે. ભાડું આવે તો જ ગેસ ઉપર કૂકર ચડે એવી દશા નથી, એટલે વ્યવસ્થિત ફેમિલી હોય એને જ આશરો આપવાનો છે. ઘરડે ઘડપણ મને પણ સધિયારો રહે. તમે એક વાર જોઈ લો. ગમે તો આગળ વાત કરીએ..” લાઈટ-પંખા બંધ કરીને એ આગળ વધ્યા એટલે અવિનાશ અને અર્ચના એમને અનુસર્યાં. “તમારી એન્ટ્રી સ્વતંત્ર છે. ગેસ અને લાઈટનું મિટર પણ અલગ છે.” પાછળની ખુલ્લી જગ્યા પણ ચોખ્ખીચણાક હતી. કપડાં અને વાસણ માટે ચોકડી બહારની બાજુએ હતી. અર્ચના ત્યાં તાકી રહી હતી, એટલે દેવુકાકાએ એને કહ્યું. “પાણી સાચવીને વાપરવાનું. જરૂર હોય એટલું વાપરવાની છૂટ પણ બગાડ ના થવો જોઈએ. આ અગાવ
”એક સાહેબને ભાડે આપેલું એમનાં શ્રીમતીજી ચકલી ચાલુ જ રાખે એટલે મારો જીવ બળે. ટોકું તો એ બહેન ઝઘડવા લાગે.”.

“આપણે ઝઘડો નહીં થાય..” બંને રૂમની વિશાળતા અને હવા-ઉજાસ જોઈને પ્રભાવિત થયેલી અર્ચનાએ ખાતરી આપી. “આ તમારું રસોડું. ગેસની પાઈપલાઈન છે. આ પલંગ, સોફા અને ટિપોઈ સાચવીને વાપરવાનાં.” એમણે બંને સામે જોયું. “સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજી ટકે. આંગણામાં પણ કચરો ના જોઈએ. ભાડું આપવામાં પહેલી એટલે પહેલી તારીખ. એમાં લાલિયાવેડા નહીં ચાલે. આ બધું કબૂલ હોય અને ખરેખર શાંતિથી રહેવાની ઈચ્છા હોય તો આગળ વાત કરીએ.”.

“અવશ્ય ..” અર્ચનાનો ચહેરો વાંચીને અવિનાશે તરત હા પાડી દીધી. ત્રણેય આગળના ઓરડામાં આવીને સોફા પર ગોઠવાયાં. “સૌથી પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં. સિત્તેર પૂરા થવા આવ્યા છે, એટલે ટ્રાફિકમાં બહાર નથી જતો.”

દેવુકાકાએ અવિનાશ સામે જોયું. “રસોડાનો ચાદૂધ પૂરતો ઉપયોગ કરું છું. બાજુની સોસાયટીમાં એક બહેનને ત્યાંથી સવાર-સાંજ ટિફીન આવી જાય છે, પણ ગેસ, લાઈટ, ટેલિફોનનું બિલ કે એવાં નાનાંમોટાં બહારનાં કામ તમને આપીશ.” એમણે હસીને ઉમેર્યું.

“ પૂરો પરિચય આપીને તેમણે પૂછ્યું હાલમાં શું કરો છો એ કહો.”.

“સ્ટેટ બૅન્કમાં ઑફિસર છું. હુ, પત્ની અને અમારી ઢબુડી એમ અઢી માણસનો પરિવાર છે.” દેવુકાકા પોતાના ચહેરા સામે તાકી રહ્યા હતા એનો અવિનાશને ખ્યાલ હતો. આ ગાંધીવાદીને પરિવારનો પૂરો પરિચય આપીશ તો એ તૈયાર થઈ જશે એ ગણતરી સાથે એ બોલ્યો. “આ મારી પત્ની અર્ચના. એના બાપાએ જીવ્યા ત્યાં સુધી ખાદી જ પહેરેલી.”

દેવુકાકાના ચહેરા પરનો સંતોષ પારખીને એ આગળ બોલ્યો. “હું અવિનાશ. અવિનાશ સુરેશભાઈ આચાર્ય. સુરેન્દ્રનગરમાં છબીલા હનુમાન પાસે અમારો બંગલો છે.” એના અવાજમાં ગર્વનો રણકો ભળ્યો.“ હું એકાદ વર્ષનો હતો ત્યારે જ મારા દાદા વીરગતિ પામેલા, એ છતાં આજે પણ સુરેન્દ્રનગરમાં એમનું નામ આદરથી લેવાય છે. ભાનુશંકર એટલે ભડનો દીકરો એવું વડીલો કહે છે.”.

“વીરગતિ?” દેવુકાકાની આંખ ચમકી. “લશ્કરમાં હતા?”.

“મર્દાનગી માત્ર મિલેટ્રીમાં જ ના હોય, કાકા, સમય આવ્યે સામાન્ય નાગરિક પણ શૂરવીરતા દેખાડી શકેને?” અવિનાશે ખુલાસો કર્યો. “પપ્પા અને ગામલોકો પાસેથી એમના પરાક્રમની વાત સાંભળેલી છે. સુરેન્દ્રનગરમાં શ્રવણ ટૉકિઝ પાસે બૅન્કમાંથી એક ભાઈ પૈસા ઉપાડીને આવ્યા, ત્યારે અગાઉથી જાણકારી મેળવીને બે ગુંડાઓ એમની રાહ જોઈને ઊભા હતા.

એ જમાના માં ખાસ્સી મોટી કહેવાય એવી રકમનો થેલો એ સજ્જન મોટરસાઈકલના હેન્ડલ ઉપર લટકાવે એ અગાઉ પેલા બંને લોંઠકાઓએ હુમલો કર્યો. બધા દુકાનદારો અને રાહદારીઓ ગભરાઈને દૂર ખસી ગયા. મારા દાદા બાજુની દુકાને ગાંઠિયા લેવા આવેલા. અત્યારે મારો દેખાવ છે, એ મારા દાદા ઉપર જ છે. પહોળી છાતી, કસાયેલું શરીર, શારીરિક ઉપરાંત પ્રચંડ માનસિક તાકાત. દાદાએ આ દૃશ્ય જોયું અને પેલાને બચાવવા એ ત્રાડ પાડીને આગળ વધ્યા. કોઈપણ ભોગે પેલા માણસને લૂંટાતો બચાવવાના ઝનૂન સાથે એમણે ગુંડાના હાથમાંથી થેલો ઝૂંટવી લીધો. બંને હાથથી ભીંસીને એમણે થેલો એવી રીતે છાતી સાથે જકડી રાખ્યો કે હવે ગુંડાઓ એમના પર તૂટી પડ્યા. દાદાની લોખંડી પકડમાંથી થેલો આંચકી લેવા એ મરણિયા બન્યા. દાદા પાસેથી થેલો છૂટે નહીં એ માટે જેના પૈસા હતા એ ભાઈ પણ બંને ગુંડાઓને કમરથી પકડીને દાદાથી દૂર ખેંચવા મથી રહ્યો હતો. તમાશો જોનાર લોકોમાંથી જો કોઈ આ બંનેની મદદમાં આવી જશે તો તકલીફ થઈ જશે, ઝડપથી કામ પતાવવું પડશે એ વિચારથી એક ગુંડાએ ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાઢ્યું. દાદાના બાવડા ઉપર એણે ચપ્પુ માર્યું, તોય પકડ ઢીલી ના થઈ. અજગર શિકારને ભરડામાં લે એ રીતે એમણે થેલાને જકડી રાખ્યો હતો. એમના બાવડામાંથી નીકળતું લોહી જોઈને ભીડમાં ચીસાચીસ શરૂ થઈ ગઈ. એ દરમિયાન કોઈક દુકાનદારે પોલીસને જાણ કરી હશે એટલે જીપની સાઈરનનો અવાજ આવ્યો.

પોતાનો પ્લાન ઊંધો વાળનાર ઉપર દાઝ કાઢતો હોય એ રીતે ગુંડાએ સ્ટાઈલથી દાદાના પેટની અંદર ઘૂસાડીને ચપ્પુ એવી રીતે ગોળ ગોળ ઘૂમાવ્યું કે દાદાના આંતરડા કપાઈને બહાર આવી ગયાં. લોહીથી લથબથ દેહના શ્વાસ થંભી ગયા, એ છતાં થેલો તો જકડી જ રાખ્યો!”.

એક શ્વાસે આટલું બોલીને અવિનાશે દેવુકાકા સામે જોયું. “સાવ અજાણ્યા માણસને મદદ કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર માટે વીરગતિ શબ્દ યોગ્ય નથી?”.

ભારેખમ વાતાવરણ વચ્ચે દેવુકાકાએ આંખો બંધ કરીને આકાશ સામે બે હાથ જોડ્યા...

“વડીલ, મારા પરિવારના આ સંસ્કાર છે.” ખિસ્સામાંથી ચેકબૂક બહાર કાઢીને અવિનાશે ઉમેર્યું. “દર પહેલી તારીખે સવારમાં જ ભાડું આપીશ. નોકરિયાત માણસ છું, એ વિચારીને વાજબી રકમ બોલો તો મને પણ ઉચાટ ના રહે.”.

દેવુકાકા ગંભીરતાથી વિચારી રહ્યા હતા. અવિનાશ અને અર્ચના આશાભરી નજરે એમની સામે તાકી રહ્યાં હતાં. “બાકીની બધી શરતોમાં ફેરફાર નહીં થાય.” એમણે અર્ચના સામે જોયું. “પણ, ક્યારેક તને તકલીફ આપીશ. ટિફીનમાં કોઈવાર દૂધીનું શાક આવે ત્યારે ત્રાસ થાય છે. એ વખતે આ વડીલને એક વાટકી શાક આપવું પડશે.”.

“અરે કાકા,જ્યારે પણ કંઈક સારું ખાવાની ઈચ્છા થાય ત્યારે દીકરી સમજીને પ્રેમથી આદેશ આપજો.” અર્ચનાએ હસીને ધરપત આપી. “અહીં રહેવા આવીશું પછી તમને મજા આવશે.”અવિનાશે કહ્યું.“ એક વાર ફાઈનલ ભાડું કહી દો.”.

“તું ભાડાની વાત કરે છે ત્યારે માથામાં હથોડા વાગે છે..”દેવુકાકાએ ઊભા થઈને અવિનાશના માથા પર હાથ મૂક્યો. અવિનાશ અને અર્ચના આશ્ચર્યથી એકબીજા ની સામે તાકી રહ્યાં હતાં. “અરે બેટા! મારો જીવ બચાવવા જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, મારા પૈસા બચાવવા પ્રાણની પણ પરવા નહોતી કરી; એના પૌત્ર જોડે પૈસાની પળોજણ કરું તો પાપમાં પડું..” દેવુકાકાના અવાજમાં ભીનાશ ભળી. “અમે લોકો જોરાવરનગરની જમીન વેચીને કાયમી ધોરણે અમદાવાદ આવવાનું નક્કી કરેલું. બૅન્કમાંથી આ મકાન માટે જ પૈસા ઉપાડેલા. એ સમયના ત્રણ લાખ એટલે આજના તો ત્રણ કરોડ થાય, દીકરા! મારો થેલો જકડીને લોહીથી લથબથ તારા દાદાનું દૃશ્ય તો હજુય નજર સામે તરવરે છે.”

આંખમાં ઝળઝળિયાં સાથે એમણે અવિનાશ સામે જોયું.“ તારો દાદો ખુદ્દાર અને ખુમારીથી છલકાતો હતો, એટલે તને મફત રહેવાનું ના ગમે એ સમજું છું. દર પહેલી તારીખે સવારમાં જ એકાવન રૂપિયા આપવાના..” ભીની આંખે મોં મલકાવીને એમણે ઉમેર્યું. “બાકીની શરતોમાં કોઈ છૂટછાટ નહીં. કાલે કે પરમ દિવસે સામાન લઈને આવી જાવ.”

કદાચ તારા દાદાની વીરગતિ નું વળતર વાળી શકું......