મંગલ મસ્તી - 5 Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંગલ મસ્તી - 5

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે.!

અમારો રતનજી પ્લેબેક સિંગર તો નહિ, પણ ક્યારેક ક્યારેક તહેવાર જોઇને પ્ળું ખંખેરવામાં ઓઆવ્ર્ધો. ચાંદો જોઇને ચાંદના ગીતો ગાય, ડુંગરા જોઇને ડુંગરના ગીત કાઢે, ભેંસને જોઇને ‘મેરી ભેંસકો ડંડા કયું મારા’ જેવાં ગીતો કાઢે, ને પતંગ જોઇને ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’ જેવી ધૂન પણ ઠોકી નાંખે..! જેવી જેવી મૌજ બાપૂ..! ’ એક દિવસ તો પતંગની કાપાકાપીમાં પડેલો ને ગીત ગાતાં ગાતા જ ધડાકો કર્યો,

“ એઈઈઇ..કાઈપો છે..! જો..જો ટોપા જો, પેલો ગુલાંટીયો ગિયોઓઓ..! એઈઇ જાય..! ઢેન્ઢેનેન.! ઓઈઇ..પેલો કાબરો આપરી બાજુ આવતો છે હંઅઅકે..! છોડ..છોડ..! દોરી છોડ તું..! અલ્યા ફીરકી નહિ, ફીરકીનો દોરો છોડ..! તારા કપાળમાં કાંદા ફોડું, બીજે હું કામ ધ્યાન આઈપા કરે, પતંગમાં ધ્યાન આપ ની..! સાલ્લો..સાવ ઢિલ્લો છે તું..! લે, કપાવી મુઈકો ને..? જીવતા જીવત મુંડન કરાવી નાઈખું ને..? “ તારી તો..! ( આગળ જે બોલ્યો તે લખવા જેવું નથી યાર..!)
કસ્સમથી કહું તો આવાં શુરાતનવાળા તહેવાર આવે ત્યારે માણસ આપોઆપ સુરતી બની જાય..! સુરતી ભાષામાં ભરેલાં મરચાં જેવાં ડાયલોગ સાંભળવાની ત્યારે મૌસમ ખીલે. એવાં ખુન્નસે ચઢે કે, પોતાની લેપળી જેવા પતંગ સાથે કોઈકોલાહલ જાજરમાન પતંગે જેહાદી LOVE કર્યો હોય એવાં બગડે..! બાકી, સૂર્યને જ્યાં જવું હોય ત્યાં જાય, મકરમાં જાય કે, મગરના મોઢામાં, એની સાથે રસિકડાને કોઈ લેવા-દેવા નહિ, એ ભલો ને એનો પતંગ ભલો..! પણ પતંગનો રસિયો એવો કે, પલંગમાં પણ જીવ સખણો નહિ રહે. એવી હટપટ કરે કે, પ્લાસ્ટરવાળો પગ હલાવીને પણ પથારીમાં ‘કાઈપો..કાઈપો’ ના દોર છોડતો હોય..! નળી ને બાટલા સાથે જોડાણ હોય તો તેને પણ હલાવી નાંખે..! સુરજ ઉગે તે પહેલાંથી તો ગગનનાદ કરીને મહોલ્લા ગજાવવા માંડે. એ બોલે ત્યારે મરઘાં પણ સવારમાં શાંત થઇ જાય..! ધાબે ધાબે આતંકવાદી ઘુસી ગયા હોય, તેમ એવાં બરાડા પાડે કે, જાણે કે ગબ્બરસિંહના સૈનિકો ગામમાં ધસી આવ્યા હોય એમ, વાતાવરણ ભયાનક કરી મૂકે. ચોમાસામાં બસના રૂટ બદલાય જાય, એમ ચકલાઓ રૂટ બદલી નાંખે. આવું થ્રીલર જોઇને એવું તો કહેવાય નહિ કે, પતંગ ઉડાડવાની ઊર્જાઓ તો અમારામાં પણ હતી, સાલી ઉમરની સાથે હોલવાય ગઈ..! બાકી અમારો પણ જમાનો હતો, કે ઉતરાયણના દિવસે અમને જોઇને લોકો ઘરમાં પુરાય જતાં, ને બીજે દિવસે અમારા કપાયેલા પતંગ ચગાવવા વાસી ઉતરાયણ કરવા બહાર નીકળતા. આ તો યુવાની રિસાઈ ગઈ એટલે પતંગના પુંછડા લગાવવા પણ કોઈ બોલાવતા નથી. ખાટલે બેસીને માત્ર ચગતા પવન જ ગણવાના..! શરીરને ઉમરનો ઢોળ ચઢે, એટલે બધી મસ્તી પણ ખતમ ને પતંગ સાથેની દોસ્તી પણ ખતમ..! પતંગને દોરી બાંધીને શેરીમાં દૌડવા તો જવાઈ નહિ. દૌડવા જઈએ તો, કુતરા દૌડે..! કુતરાને પણ ખબર કે, ડોહુંથી હવે લાકડી કાઢીને દોડાવાનું નથી. યુવાનીમાં ભલે જીવદયાનો વિવેક નહિ રાખ્યો હોય, પણ દૌડવામાં ક્યાંક લાંબુ થઇ ગયું તો, કુતરાને નાતે અમારે ‘માણસ-દયા’ તો રાખવી પડે..! સાલા કૂતરાં પણ એવાં દૌડે કે, એમને દૌડતા જોઇને આપણને ચચરી આવે..! કુતરાઓએ ટીપું ઘી નહિ પીધું હોય છતાં, એમના ઘૂંટણીયા ક્યારેય ટણક નહિ મારે, ત્યારે આપણા ઘૂંટણીયા તો દૌડે એટલે, પીધ્ધડની માફક ડોલવા લાગે..! એવી ટણક મારે કે, ખભે ટાંટિયા નાંખીને ભાગવાનું મન થાય..! ઘુંટણાનાં દુખણાને કારણે એક પણ કુતરાને ઢળી પડતાં મેં જોયો નથી. બાકી આપણા મોંઢે તો ‘ હાય-રામ’ જ બોલાવે..! બાજુનાં મહોલ્લાના કુતરાનું કશું નહિ બગાડ્યું હોય તો પણ, તે ભોંઓઓભોઓઓ કરતુ ૧૦૮ ની એમ્બુલન્સની માફક ચઢી આવે. ‘કુત્તેકી જાન ખતરેમેં હૈ’ નો મેસેજ મળ્યો હોય એમ, હોલસેલ કુતરા દોડતા થઇ જાય..! આપણે બધાં રાજહઠ, બાળહઠ, સ્ત્રીહઠ શીખેલા, પણ પીછેહઠવાળું શીખેલા નહિ. એટલે પાટલુન બગડે તો ભલે બગડે, પણ પાછા તો વળીએ જ નહિ..! ઘૂંટણના ઢાંકણા બગડે ત્યારે ગૂંચવાયેલી પતંગની દોરીના જેવો મોંઢાનો નકશો બદલાય જાય. જુવાની યાદ આવી જાય બોસ..! અહાહાહા..પતંગબાજી કરવાનો કેવો જલશો પડી જતો? એ વખતે પતંગ-દોરી ને લંગરબાજીનાં સ્વપ્નાઓથી રાત પણ ભરાય જતી. એમને કોણ કેવાં જાય કે, અમે જેટલાં પતંગ ફાડેલા એટલાં તો તમે ચગાવ્યા પણ ના હોય..! છોરું કછોરું થાય, માઉતરથી FAKE માઉતર થોડું થવાય..?
એક વાત છે, જેમ રાધા વગર કૃષ્ણ અધૂરા એમ દોરી વગર પતંગ અધૂરા..! પતંગ ગમે એટલો ઉંચો જાય, પણ એની પાછળ હાથ દોરીનો હોય. દોરી ખસી તો પતંગડી ફસી..! રાધા-કૃષ્ણની દૈવિક દીવાનગી માફક પતંગ-અને દોરીનો પ્રેમ પણ જૂની શરતની જમીન જેવો રહેતો. તુલસીદાસે બાલકાંડમાં પતંગનો ઉલ્લેખ કરેલો.અને ચોપાઈમાં લખ્યું છે કે, “ રામ ઇક દિન ચંગ ઉડાઈ, ઇન્દ્રલોક પહુંચ જાઈ..!” (ભગવાનશ્રી રામે પણ ભાઈઓ સાથે પતંગ ઉડાવેલી, અને ‘પતંગ કપાઈને ચંદ્રલોક (ઇન્દ્રલોક)માં પડી હતી, શ્રી રામની પતંગ હનુમાનજી પોતે લઈ આવેલા. ઈતિહાસ તો એવું કહે છે કે, ૩૦૦૦ વર્ષ પહેલાં, વનસ્પતિના પાંદડામાંથી પતંગો બનતી. જેમ પ્રદેશ-પ્રદેશ પ્રમાણે શ્રી કૃષ્ણના નામો અલગ હોય, એમ પતંગના નામોમાં પણ ભિન્નતા. શ્રી કૃષણના દરેક નામો સાથે જેમ રાધાજી જોડાયેલા, એમ પતંગના ભિન્ન નામો સાથે દોરીની પણ છેડાગાંઠી થયેલી. પતંગ એ શીખવે છે કે, આકાશની ઉચાઈને આંબવી હોય તો, પગ જમીન ઉપર રાખો. પતંગની દોરી ભલે માણસના હાથમાં હોય, પણ ખુદની દોરી પરમ તત્વના હાથમાં છે. બીજા દેશોમાં પતંગ ચગાવવાની હરીફાઈ થાય, ત્યારે આપણે ત્યાં તો જેને પતંગ ચગાવવાની ખંજવાળ આવે, એ મેદાનમાં આવે. પતંગ કાપવાની સ્પર્ધાઓ ચાલે. ઉત્તરાયણ એટલે કાપાકાપીની મૌસમ..! કાગળની કાયામાં માયા જ એવી લાગી જાય કે, પતંગના નામે તહેવાર પણ થાય અને વેપાર પણ થાય. આપણી જિંદગી જ પતંગ જેવી. ક્યાં ચગવાનું, ક્યા પટકાવાનું, ક્યાં ગુલાંટ મારવાની, ક્યાં કન્ના બાંધવાની ને ક્યાં પુંછડા લગાડવાના, એની જાણકારી પતંગ આપે. અમને ખબર કે, ગમે ત્યારે તો જીવનની દોરી કપાવાની જ છે, ત્યારે ઊંચાઈ ત્યાગીને જમીન ઉપર કેવી રીતે આવવું એ પણ પતંગ શીખવે. આનંદ્દ્વારી બાપુ કહે એમ, “leave like kite life..!” પતંગ અમારી જિંદગીની વિદ્યાપીઠ છે..! પતંગ સતત આકાશમાં રહી શકતો નથી, બદલાવ તો પતંગની માફક જીવતરમાં પણ આવ્યા કરે. એ પડે, ફાટે, ગુલાંટ મારે, ચગે, પુંછડા બાંધે, લુંટાઈ. ઝઘડા કરાવે અને દોરીની માફક કોઈને વિધવા પણ બનાવે. રિષભ મહેતા લખે છે એમ,
આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …

એક માણસ જો કપાયે, ચીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!

લાસ્ટ ધ બોલ

જે કોઈ કમાલ છે એ પ મૂળાક્ષરમાં છે. જેમ કે, પતિ,પત્ની, પુત્ર, પરમાત્મા, પબ્લીસીટી, પ્યાર, પ્રેમ, પુત્રી, પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા, પદ, પ્રશંસા,પતન, પસ્તાવો ને પતંગ...! ડાહ્યા માણસો પ થી પરમાત્માની પ્રાપ્તિ કરે છે અને પુણ્ય કમાય છે..!

------------------------------------------------------------------------------------------------------------------------------------------------